ઉત્સવ

‘નારી શક્તિ વંદન બિલ – ૨૦૨૩’નું મૂળ આધારતત્ત્વ ભારતીય વૈદિક સમયની લોકપ્રિય સંસ્થાઓમાં

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ

બ્રિટિશકાલીન ઈતિહાસ અને લેખનમાં એક એવું નેરેટિવ ચાલ્યું કે, રાજકારણમાં મહિલાઓની ભાગીદારીનું મૂળ ૧૯મી સદીના સુધારાવાદી ચળવળોમાં છે. હકીકતમાં તેનાથી વિપરીત ભારતીય ઈતિહાસમાં વૈદિક કાલીન સભા, સમિતિ અને વિદથમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી.

બ્રિટિશ સમયમાં પંચાયતી રાજ તેમના માટે ક્યારેય પ્રાથમિક વિષય રહ્યો ન હતો.
ભારત માટે ૨૧મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે મહિલા અધિકારો અને સશક્તિકરણની સદી સાબિત થશે. ભારતીય મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસરની ભૂમિકામાં છે.
પ્રાચીન ભારતીય ઈતિહાસમાં સામાજિક અને રાજકીય સ્થિતિ સંદર્ભે મહિલાઓના ઉચ્ચ સ્થાન વિશે આપણે વારંવાર સાંભળ્યું હશે. – यत्र नार्यस्तु पूज्यंते, रमन्ते तत्र देवता. એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પણ નિવાસ કરે છે. ભારતીય સમાજમાં મહિલાઓને દેવીનું સ્થાન છે. સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે. જો કે વર્તમાન સમયમાં મહિલાઓની સામાજિક અને રાજકીય સ્થિતિ જોયા પછી ચોક્કસપણે પ્રશ્ર્ન થાય છે કે, પ્રાચીન સમયમાં તેમની સ્થિતિ વર્તમાનમાં છે તેવી જ હશે? આજે પણ ભારતીય સમાજમાં મહિલાઓને લઈને અનેક પ્રકારનાં બંધનો છે. આજે આપણે પ્રાચીનતા સાથે જોડાણ કરી વર્તમાન સામાજિક -રાજકીય સ્થિતિમાં મહિલાઓની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ.

ઐતિહાસિક સાધનો અને દસ્તાવેજો મુજબ ભારતની સૌથી પ્રાચીન સરસ્વતી- સિંધુ સંસ્કૃતિમાં માતા દેવીની પૂજા કરવામાં આવતી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે, તે સમયગાળામાં માતાનું સન્માન કરવામાં આવતું હતું. એટલે જ સમગ્ર સંસ્કૃતિ ‘માતૃસતાત્મ્ક’ તરીકે ઓળખાતી હતી.

વૈદિક કાળમાં સ્ત્રીઓની સ્થિતિ: વૈદિક કાળમાં સ્ત્રીઓની સ્થિતિ ઉત્તમ હતી. આ એ જ સમયગાળો હતો જ્યારે ઋગ્વેદ આલેખન થયું. સ્ત્રીઓને સમાનતાનો અધિકાર હતો. પુરુષ વર્ગ પણ સ્ત્રીઓને સન્માનની નજરે જોતો. ધાર્મિક વિધિઓમાં સ્ત્રીઓને સમાન દરજજો હતો. ઉદાહરણ તરીકે આપણે રામાયણ કાળ જોઈ શકીએ છીએ. અંકિત સિંહ પોતાના એક લેખમાં લખે છે કે, ભગવાન રામે સીતાજીને તમામ ધાર્મિક વિધિઓમાં સાથે રાખ્યાં હતાં. જ્યારે સીતાજી હાજર ન હતાં ત્યારે પણ તેમની મૂર્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહિલાઓને મિલકત અને શિક્ષણ ક્ષેત્રે પણ મહિલાઓને સમાન અધિકારો હતા. તેમને શિક્ષણ મેળવવા, પોતાનું ભવિષ્ય બનાવવા અને શિક્ષક તરીકે કામ કરવાનો અધિકાર હતો. ઋગ્વેદમાં ઘણી વિદુષી મહિલા લોપામુદ્રા, ઘોષા, અપાલા વગેરેનો સમાવેશ થાય છે.

મહાભારતમાં દ્રૌપદીનું અસરકારક ચિત્રણ છે ત્યારે વાલ્મીકિની રામાયણમાં પણ સીતાજીના ઉચ્ચ સ્થાનને દર્શાવે છે. સીતાજીનું સ્વયંવર એ વાતનું સાક્ષી છે કે, પ્રાચીન સમયમાં સ્ત્રીઓને તેમના પતિની પસંદગી કરવાની છૂટ હતી. વૈદિક કાળની સ્ત્રીઓએ પણ દાર્શનિક અને બૌદ્ધિક મહત્ત્વ પ્રાપ્ત કરતી. ઉત્તર વૈદિક કાળમાં વિદેશી આક્રમણના કારણે અનેક પ્રથાઓ અસ્તિત્વમાં આવતાં સ્ત્રીઓની સ્થિતિમાં ઘટાડો જોવા મળે છે.

સભા, સમિતિ અને વિદથમાં મહિલાઓની ભાગીદારી: સભા અને સમિતિ વૈદિયુગની મહત્ત્વપૂર્ણ અને લોકપ્રિય સંસ્થાઓ હતી. અથર્વવેદમાં એમને ‘પ્રજાપતિની બે જુડવા બહેનો’ કહી છે. લુડવિગને ‘ઇન્ગ્લેન્ડ’ની વર્તમાન સંસદીય પ્રણાલીના રૂપમાં સભાને ઉચ્ચ સદન (હાઉસ ઓફ લોર્ડ) કહ્યું છે. એક વિદ્વાને સભાને’ગ્ર્રામ સંસ્થાના’ રૂપમાં સ્વીકાર કર્યો છે. મળતી માહિતી અનુસાર ઋગ્વેદમાં રાજાને સલાહ આપવા માટે અને તેની સત્તા પર નિયંત્રણ રાખવા માટે સભા, સમિતિ અને વિદથ નામની ત્રણ સંસ્થાઓ હતી. ઋગ્વેદમાં સભા શબ્દનો ૦૮ વખત અને અથર્વવેદમાં ૧૭ વખત આવે છે. એ સન્માનિત વડીલો, અભિજાત વર્ગ, સ્ત્રીઓની સંસ્થા હતી. આમ પ્રાચીનથી મધ્યકાળમાં દરેક સમયે ગ્રામસભા અસ્તિત્વમાં હતી. તેમાં સ્ત્રીઓ તેની સભ્ય તરીકે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી જોવા મળે છે. સભામાં સભાવતી નામની સ્ત્રીઓ ભાગ લેતી હતી. મહિલાઓ સભા-સમિતિમાં ભાગ લઇ શક્તિ હતી. ઋગ્વેદમાં વિદથ શબ્દનો ૧૨૨ વખત અને અથર્વવેદમાં ૨૨ વખત આવે છે. વિદથ આજની વિધાનસભાના સ્વરૂપમાં સમાન હતી. વિદથમાં મહિલાઓ અને વડીલોનો સમાવેશ થતો હતો. વિદથમાં મહિલાઓ પુરુષો સાથે વિચાર-વિમર્શમાં સક્રિય રીતે ભાગ લેતી હતી.

મૌર્યકાળમાં સ્ત્રીઓની સ્થિતિ : એકંદરે મૌર્યકાળમાં સ્ત્રીઓની સ્થિતિ વૈદિક કાળની સરખામણીમાં થોડી સંતોષકારક હતી. આ સમયગાળા દરમિયાન મહિલાઓને ઘણી હદ સુધી સ્વતંત્રતા મળી હતી. આ સાથે તેને પુન:લગ્ન અને નોકરી કરવાની પણ છૂટ આપવામાં આવી હતી. મૌર્ય કાળમાં મહિલાઓનો ઉપયોગ જાસૂસ તરીકે પણ થતો હતો અને તે જ સમયે મહિલાઓ સમ્રાટની અંગરક્ષક તરીકે પણ કામ કરતી હતી. મૌર્યકાળમાં મહિલાઓને માત્ર ધાર્મિક સ્વતંત્રતા સાથે શિક્ષણનો અધિકાર પણ મળતો હતો.

પોસ્ટ મૌર્યકાળથી આધુનિક સમયમાં સ્ત્રીઓની સ્થિતિ: મૌર્યકાળ પછી ઘણા વિદેશી આક્રમણકારો ભારતમાં આવ્યા. જેના કારણે મહિલાઓની સ્થિતિ પર ખૂબ અસર પડી. તેમની આર્થિક, સામાજિક અને વ્યવહારિક સ્થિતિ ખૂબ જ ખરાબ થવા લાગી. મધ્યકાળના આગમન સાથે સ્ત્રીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ. તેઓને પડદા અને બંધનોથી બાંધીને જીવવું પડ્યું. ભારતની આઝાદી બાદ બંધારણમાં મહિલાઓને પુરૂષોની જેમ સમાન અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ આજે પણ તે સમાજમાં ખૂબ પાછળ જોવા મળે છે. સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે અનેક કાર્યો કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓએ રાજકીય, ધાર્મિક, સામાજિક અને વિજ્ઞાન સહિત અનેક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું છે.

ખાસ કરીને બ્રિટિશ સમયમાં પંચાયતી રાજ તેમના માટે ક્યારેય પ્રાથમિક વિષય રહ્યો ન હતો. ઈ.સ. ૧૮૫૭ના મુક્તિ સંગ્રામ બાદ સ્થાનિક કક્ષાએ રસ્તા, સાર્વજનિક કાર્યોની જવાબદારીમાં હસ્તક્ષેપ કરી વિકેન્દ્રીકરણ કરી તેને નગરપાલિકા તરફ ધકેલી દેવામાં આવ્યો. ઈ.સ. ૧૮૭૦ થી ૧૯૩૫ સુધીમાં સ્થાનિક સ્વશાસન, સંગઠનાત્મક, નાણાકીય કારણોસર પંચાયતોને લોકતાન્ત્રિક જીવન સફળ બનાવવામાં અસફળ કે અસમર્થ રહી તેમ છતાં પ્રતિનિધિ ગ્રામના કોર્પોરેટ ચરિત્રનું પ્રતીક બની ગયું. . ઈ.સ. ૧૯૩૫ થી ૧૯૯૨ વિભિન્ન સમિતિઓની ભલામણોના આધારે ૨૪, એપ્રિલ ૧૯૯૩ના રોજ પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યું. અને આ પંચાયતી રાજ વ્યવસ્થાનું પ્રારંભિક બિંદુ ગ્રામ સભા છે.
આઝાદી બાદ મહિલાઓની રાજકીય સ્થિતિ અને મહિલા અનામત : પ્રાચીન સમયમાં સ્ત્રીઓની રાજકીય ભાગીદારીથી વિપરીત આઝાદી બાદ રાજકારણમાં મહિલાઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ. એ મુદ્દો આજે ફરી ઐતિહાસિક અને ચર્ચાનો વિષય છે. સંસદમાં ૩૩ ટકા અનામત આપવા માટે લાવવામાં આવેલ ‘મહિલા આરક્ષણ બિલ-૨૦૨૩’ લોકસભામાં પસાર થયા બાદ વર્ષોથી રાજ્યસભામાં પેન્ડિંગ છે તે દુર્ભાગ્યપૂર્ણ છે(હવેથી નહીં). રાષ્ટ્રીય રાજકીય પક્ષો પણ બહુ ઓછી સંખ્યામાં મહિલા ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ટિકિટ આપે છે. રાજકીય ભાગીદારી એટલે કે મતદાનની મહત્ત્વની પ્રક્રિયામાં પણ મહિલાઓ તેમના પરિવારના પુરૂષોના અભિપ્રાય મુજબ મતદાન કરતી રહી છે. પંચાયતોમાં ૩૩ ટકા મહિલા અનામત બાદ મહિલાઓની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે .
મહિલા અનામત બિલ અને ઈતિહાસ: ભારતમાં મહિલાઓની સ્થિતિના મૂલ્યાંકન અંગેની સમિતિના અહેવાલમાં વર્ષ ૧૯૭૪માં પહેલીવાર સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. રાજકીય સંસ્થાઓમાં મહિલાઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અહેવાલમાં પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત બેઠકો સૂચવવામાં આવી હતી. ઈ.સ. ૧૯૯૩મા બંધારણના ૭૩મા અને ૭૪મા સુધારા હેઠળ પંચાયતો અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવી હતી. ઈ.સ. ૧૯૯૬માં મહિલા આરક્ષણ બિલ પ્રથમ વખત એચ.ડી. દેવેગૌડા સરકારે સંસદમાં ૮૧મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું. પરંતુ દેવેગૌડા સરકાર લઘુમતીમાં સમેટાઈ ગઈ અને ૧૧મી લોકસભા ભંગ થઈ ગઈ.

ભારે વિરોધ વચ્ચે ૧૯૯૬ના બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. ૧૯૯૮માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ફરીથી લોકસભામાં બિલ રજૂ કર્યું હતું. પરંતુ ગઠબંધનની મજબૂરીઓ અને ભારે વિરોધ વચ્ચે તે નિષ્ફળ ગયું. તે ૧૯૯૯, ૨૦૦૨ અને ૨૦૦૩માં ફરીથી લાવવામાં આવ્યું હતું પરંતુ પરિણામ સમાન હતું. ૨૦૦૮માં મનમોહન સિંહ સરકારે લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા આરક્ષણ સંબંધિત ૧૦૮મું બંધારણીય સુધારો બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. બે વર્ષ પછી ૨૦૧૦માં આ બિલ તમામ રાજકીય અવરોધોને બાયપાસ કરીને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. ભાજપ અને ડાબેરી પક્ષો ઉપરાંત કોંગ્રેસને અન્ય કેટલાક પક્ષોનું સમર્થન મળ્યું છે. પરંતુ લોકસભામાં ૨૬૨ બેઠકો હોવા છતાં મનમોહન સિંહ સરકાર બિલ પાસ કરાવી શકી નથી. મહિલા આરક્ષણ બિલ પર લોકસભામાં હજુ પણ સંતાકૂકડીની રમત ચાલી રહી છે અને તમામ રાજકીય પક્ષો અને સરકાર તેના પર સર્વસંમતિ સાધવામાં અસમર્થ જણાય છે.
બિલની જરૂર કેમ છે? : ભારતની સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર ૧૧.૮ ટકા છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે, દેશની અડધી વસ્તી રાજકારણના ક્ષેત્રમાં ક્યાં છે અને તેને કેટલું અંતર કાપવું પડશે જેથી તે ‘અડધી વસ્તી’ના નિવેદનને પૂર્ણપણે પૂર્ણ કરી શકે.

શિરીન એમ. રાય અને કેરોલ સ્પેરી દ્વારા સંપાદિત ભારતીય સંસદમાં મહિલા સભ્યો ‘પુસ્તક’માં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વનું કારણ વિવિધ પક્ષોમાં રાજકીય ઈચ્છાશક્તિ અને પુરુષ માનસિકતાના અભાવને જવાબદાર ગણવામાં આવ્યું છે.
વૈશ્ર્વિક કક્ષાએ મહિલાઓની સ્થિતિ શું છે? જીનિવાસ્થિત ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયનના તાજેતરના રિપોર્ટ અનુસાર ભારત ૧૫૦મા ક્રમે છે જ્યારે પાકિસ્તાન ૧૦૧મા ક્રમે છે. આ રિપોર્ટમાં પ્રથમ સ્થાને રવાન્ડા, બીજા સ્થાને ક્યુબા અને ત્રીજા સ્થાને બોલિવિયા છે. આ દેશોની સંસદમાં મહિલા સભ્યોની સંખ્યા ૫૦%થી વધુ છે. આમાં ૫૦ દેશોની સંસદમાં મહિલાઓની સંખ્યા કુલ સભ્યોના ૩૦%થી વધુ છે. આ રિપોર્ટ અનુસાર જ્યારે રવાન્ડા, બોલિવિયા અને ક્યુબામાં ૫૦%થી વધુ મહિલા સાંસદ છે તો વનુઆતુ પાપુઆ ન્યુ ગિની અને માઇક્રોનેશિયા એવા દેશો છે જ્યાં એક પણ મહિલા સાંસદ નથી. યમન મહિલા સાંસદોની સંખ્યામાં પાછળ છે સંસદમાં માત્ર ૦.૩% મહિલાઓ છે. અમેરિકી સંસદમાં ૨૩%, ફ્રાન્સમાં ૩૯.૭.%, બ્રિટનમાં ૩૨%, જર્મનીમાં ૩૦.૯.% મહિલા સભ્યો છે.

એશિયન દેશોમાં નેપાળ ૩૨% અને મહિલા સાંસદ-૨૭૫, ચીન ૨૪% મહિલા સાંસદ-૭૪૨, બાંગ્લાદેશમાં ૨૦.૬% મહિલા સાંસદ-૭૨, પાકિસ્તાનમાં ૨૦% મહિલા સાંસદ-૨૬૯, ભુતાન ૧૪.૯% મહિલા સાંસદ-૦૭, મ્યાનમાર ૧૧.૩% મહિલા સાંસદ-૬૬, શ્રીલંકામાં ૫.૩.% મહિલા સાંસદ-૧૨ની ભાગીદારી છે.

ભારતમાં મહિલાઓની સ્થિતિ શું છે? ૧૯૫૨માં લોકસભાની ૨૨ બેઠકો પર મહિલાઓ ચૂંટાઈ હતી પરંતુ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણી બાદ માત્ર ૬૨% મહિલાઓ જ લોકસભામાં પહોંચી શકી હતી. એટલે કે ૬૨ વર્ષમાં ૩૬% વધારો. ૧૯૫૨માં લોકસભામાં મહિલાઓની સંખ્યા ૪.૪ % હતી જે ૨૦૧૪માં લોકસભામાં લગભગ ૧૧% છે પરંતુ તે હજુ પણ વૈશ્ર્વિક સરેરાશ કરતા ૨૦% ઓછી છે. જો કે ભારતની સામાન્ય ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારોની સફળતાનું વિશ્ર્લેષણ દર્શાવે છે કે તે છેલ્લી ત્રણ સામાન્ય ચૂંટણીઓ કરતાં વધુ સારી રહી છે. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં મહિલાઓનો સફળતાનો દર ૦૯% હતો, જે ૬% પર પુરૂષો કરતા ૩% વધારે છે.

મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન બિલ) ૨૦૨૩ : ભારતમાં મહિલા અનામત બિલનો ઈતિહાસ, ભારતમાં તે કેમ જરૂરી છે? તેના વિશે આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ. નવા સંસદભવનના વિશેષ સત્રમાં નારી શક્તિ વંદન બિલ-૨૦૨૩’ ૨૦ સેપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ લોકસભામાં પસાર થયું ગયું જેમાં બિલની તરફેણમાં ૪૫૪ અને વિરુદ્ધમાં ૨ વોટ પડ્યા. અસુદદ્દીન ઓવૈસી અને ઇમ્તિયાજ જલીલે બિલના વિરોધમાં મત આપ્યા. આ બિલ લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી સાથે પસાર થયું હતું. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ રાજ્યસભામાં ‘નારી શક્તિ વંદન બિલ-૨૦૨૩’ તરફેણમાં ૨૧૪ વોટ અને વિરુદ્ધમાં એકપણ વોટ ન પડ્યો. લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થતા રાષ્ટ્રપ્રમુખ પાસે મોકલી આપવામાં આવશે ત્યાર બાદ કાયદો બનશે.

મહિલાઓનું પ્રતિનિધિત્વ સુધારવા શું કરવું જોઈએ? આપણા બંધારણની પ્રસ્તાવનામાં વ્યક્ત કરેલી આકાંક્ષાઓ ઉપરાંત અનુચ્છેદ ૧૪, ૧૫(૩), ૩૯ (અ) અને ૪૬ સામાજિક ન્યાય અને તકની સમાનતા વિશે વાત કરે છે જેથી રાજકીય અને જાહેરજીવનમાં મહિલાઓ સામેના ભેદભાવને દૂર કરી શકાય. ભારતીય મહિલાઓનું સશક્તિકરણ એજ્યુકેશન ગેપને દૂર કરીને લિંગ ભેદભાવ ઘટાડવા અને પક્ષપાતી વલણને દૂર કરીને કરી શકાય છે. આજે પણ, અનામત મતવિસ્તારમાં મહિલા ઉમેદવારોને મોટાભાગે તેમના અંગત પ્રભાવને કારણે નહીં, પરંતુ તેમના પતિ અથવા અન્ય પુરૂષ સંબંધીઓના પ્રભાવના આધારે ટિકિટ આપવામાં આવે છે. આ નિરાશાજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે મહિલાઓને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પરિવાર દ્વારા સશક્તિકરણ કરવું પડશે. પારિવારિક સહયોગના કારણે તેમના પ્રતિનિધિત્વનો વ્યાપ વધશે. મહિલાઓનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ સુનિશ્ર્ચિત કરવા માટે વિવિધ પગલાં અપનાવી શકાય છે. ઉદાહરણ તરીકે સ્વિડન જેવા કેટલાક યુરોપિયન દેશોમાં ZIPPER સિસ્ટમ દ્વારા ભરતી કરવામાં આવતા દર ત્રણ ઉમેદવારોમાંથી એક મહિલા છે. આફ્રિકા, દક્ષિણ એશિયા અને આરબ પ્રદેશમાં બેઠકોના આરક્ષણ માટે સૌથી વધુ વ્યાપક લિંગ ક્વોટા સિસ્ટમનો ઉપયોગ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button