ઉત્સવ

રાજીનામું આપવાની કળા ફિર મિલેંગે, ટાટા બાય-બાય

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: નોકરી ને લોટરી નસીબથી લાગે. (છેલવાણી)
જાણિતા ફિલ્મી લેખક-નિર્દેશક-ગીતકાર ગુલઝાર પાસે એકવાર એમનો આસિસ્ટન્ટ મૂંઝાતો મૂંઝાતો આવ્યો. ત્યારે ગુલઝાર, કામમાં બિઝી હતા. આસિસ્ટન્ટે કહ્યું, સર, તમારી સાથે વાત કરવી છે.
બોલો!, ગુલઝારે કહ્યું,

“સર, શું છે કે મને તમારી સાથે કામ કરવાની બહુ મજા આવે છે, તમે બહુ મોટી વ્યક્તિ છો, તમારા સેટ પર વાતાવરણ પણ બહુ સારું હોય છે… મને ઘણું શીખવા પણ મળે છે, પણ એવું છે ને હું છેક ચેમ્બુરથી બાંદ્રા આવું છું, તો આટલા પગારમાં મને… જો કે મારા અમુક બીજા યે પ્રોબ્લેમ્સ છે… જેમ કે…, વગેરે વગેરે લાંબુ લાંબુ આસિસ્ટન્ટ બોલવા માંડ્યો.

ગુલઝારે કાપીને કહ્યું, “જો ભાઈ, મારી પત્ની રાખી મને છોડીને ગઈ ને ત્યારે એણે પણ મને આટલો લાંબો ખુલાસો નહોતો આપ્યો. નોકરી છોડવી જ છેને? તો જા, પણ વાત જલ્દી પતાવ!

સારી નોકરી મેળવવી કરતાં છોડવી અઘરી વાત છે. હમણાં જાપાન વિશે અજબ સમાચાર વાંચ્યા. જૂની પેઢીના જાપાનીઓ નોકરીમાં બહુ કામઢા ને વફાદાર હોય છે. યંગ જનરેશનની જેમ થોડા પગાર વધારા માટે વારેવારે નોકરીઓ બદલાવીને, વર્ષો જૂની નોકરીને આસાનીથી છોડી શકતા નથી. કંપનીના માલિક સાથે ના બને કે પગાર વધારો ના થાય કે કંપનીમાં અન્યાય થતો હોય, છતાં યે નોકરી છોડવામાં મૂંઝાયા કરે. આ માટે જાપાનમાં ‘તાઈશોકુ ડાયકો’ નામની એજન્સી નોકરીને લાત મારવામાં મદદ કરે છે! એ એજન્સી તમારા વતી માલિક સાથે વાતચીત કરીને બંને ખુશીથી છૂટા પાડે અને બદલામાં વરસોની નોકરી બદ્દલ પૂરતું વળતર પણ મેળવી આપે. એટલું જ નહીં, આવી એજન્સીઓ પાછી તમને નવી નોકરી પણ શોધી આપે… કદાચ લોકો ફરી એ નવી નોકરી છોડવા, ફરી એ એજન્સીને જ ભાડે રાખે એ માટે પણ આવું કરતાં હશે!

ન ગમતી નોકરીમાંથી મુક્તિ અપાવતી આવી જ ‘ગાર્ડિયન’ એજન્સીએ અત્યાર સુધી ૧૩,૦૦૦ જાપાનીઓને નોકરીમાંથી સિફતથી નીકળવામાં મદદ કરી છે. ૩ મહિનાની સર્વિસ માટે એજન્સી ક્લાઈન્ટ દીઠ ૨૦૦ ડૉલર કે ૧૭,૦૦૦ રૂ.ની ફી લે છે. ‘ગાર્ડિયન’ની મોટીભાગની ક્લાઈન્ટસ મહિલાઓ છે. હમણાં જ એક મહિલાએ મોટી કંપની સાથે બે વર્ષનો કોન્ટ્રાક્ટ કરી નાખ્યો પણ પછી મહિલાને નોકરીમાં મજા ના આવી એટલે ‘ગાર્ડિયન’નો સંપર્ક કર્યો. અને ‘લેડીઝ બાથરૂમમાં બારણું બરોબર બંધ નથી થતું’- એવું કારણ આપીને પેલી એજન્સીની મદદથી નોકરીમાંથી ૩ મહિનાનો પગાર લઇને છૂટી ગઇ! પણ એ તો જાપાન દેશ છે, આપણે ત્યાં તો લોકો એડવાન્સ લઇને, રાજીનામું આપ્યા વિના કે એક ફોન કર્યા વિના પણ અનંત સૃષ્ટિમાં અંતર્ધ્યાન થઇ જતા હોય છે.

ઈંટરવલ:
રંજીશ હી સહી દિલ હી દુ:ખાને કે લિયે આ,

આ, ફિર સે મુઝે છોડ કે જાને કે લિયે આ. (એહમદ ફરાઝ)
લાઇફમાં, જૂની નોકરી હોય કે જૂના સંબંધો, એને છોડવા બહુ અઘરા છે. ગુજરાતના મહાન સાહિત્યકાર-નાટ્યકાર ને હાસ્યકાર ચં. ચી. મહેતાની રમૂજ ગજબની હતી. એમની પત્નીને એમનો જ એક મિત્ર ભગાવીને પરણી ગયો હતો. એ તો ઠીક છે પણ જ્યારે ચં. ચી. ની એ ભૂતપૂર્વ પત્ની મરી ગઈ ત્યારે વિધૂર થઇ ગયેલો ચં. ચી.નો મિત્ર સ્મશાનમાં ચં. ચી.ના જ ખભે ધ્રૂસકે-ધ્રૂસકે રડતો હતો. ત્યારે ચં. ચી. એ કહ્યું, રડ નહીં, મિત્ર. હું ફરીથી પરણીશ ને? મતલબ કે ‘હું ફરીથી કોઇકને પરણીશ ને તને ફરીથી ભગાવી જવા બીજી મળી જશે!’ આમાં કેટલી બધી ખેલદિલી અને સંભવિત રમૂજી ઘટનાઓ છુપાયેલી છેને?

એની વે, શું તમારે તમારા લગ્ન-સંબંધ કે પ્રેમ સંબંધ તોડવો છે? અને શું આ વાત તમે તમારા જીવનસાથી કે પ્રેમીને નથી કહી શકતા? તો જાપાનમાં આવા પ્રોબ્લેમ્સનો ઉકેલ લાવવા માટે પણ એજન્સીઓ અવેલેબલ છે… જેમ કે ‘વાકરેસાસેયા’ જે ‘બ્રેકર-અપ’ કરાવવાની એજન્સી છે અને કોઇપણ સંબંધોને તોડી પાડવામાં નિષ્ણાત છે, પછી એ લગ્ન હોય કે લફરું. આ એજન્સીના એજન્ટો તમને આખી વાતમાં ડાયરેક્ટલી સંડોવ્યા વિના જ તમારું કામ કરી આપશે. જાપાની સમાજમાં ઘણાં આને અનૈતિક માને છે છતાં ઘણાં વર્ષોથી આ સેવા સુખરૂપ ચાલે છે.

આમાં કોન્ટ્રાક્ટ લીધા પછી લફરાં કે લગ્ન તોડાવનાર પેલા લડવૈયાઓ, બ્રેક-અપ કરાવવા માટે કંઈ પણ હદ સુધી જતા અચકાતા નથી. જેમ કે- વ્યક્તિને ફસાવવી, પૈસા માટે દબાણ કરવું, જૂઠું બોલવું, જેવા અત્યંત ખરાબ પગલાં પણ અજમાવાય છે. એકવાર કેસ હાથમાં લીધા પછી ‘વાકરેસાસેયા’ એજન્સીના એજન્ટ, જેની સાથે સંબંધ તોડવાનો છે એનો પીછો કરીને, એની આજુબાજુની દુકાનો કે પડોશીઓ સાથે વાતચીત કરીને જાતજાતની અંગત માહિતીઓ ભેગી કરે. પછી એજન્સીનો એક માણસ ટાર્ગેટ સાથે મિત્રતા કરે, બીજો એજન્ટ ટાર્ગેટના દુ:ખી પ્રેમી સાથે મિત્રતા કેળવી દિલની ડિટેલ જાણે અને મહિનાઓના પ્લાનિંગ બાદ, એક ત્રીજી જ વ્યક્તિ, જે પણ પાછો ‘વાકરેસાસેયા’નો જ એજન્ટ છે, એ પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમીકાની વચ્ચે આવીને અચાનક સંબંધમાં ભંગાણ પડાવી આપે! આવા કેસ માટે ૧૦૦ ડૉલરથી લઈને હાઈ પ્રોફાઈલ કેસ માટે ૧.૫ લાખ ડૉલર સુધીની ફી પણ વસૂલાતી હોય છે.

જીવનમાં સંબંધોના ભૂત આસાનીથી જતાં નથી એટલે દરેક તાંતણાં તોડવાની એક કિંમત કે કમીની કરામતની જરૂર પડે છે. આજે જે જાપાનમાં થઇ રહ્યું છે એ આપણે ત્યાં પણ આવતી કાલે થશે, પરંતુ સવાલ એ છે કે આના માટે તમે તૈયાર છો?

વેલ, જવાબ તમને અંદરથી તો ખબર જ હશેને?

એંડ-ટાઇટલ્સ:
આદમ: તું મારી જાસૂસી કરે છે?
ઇવ: ના. ખાતરી કરું છું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button