સુક્ષ્મદર્શક કાચથી માત્ર કલાકારો જ કેમ?!
આજે આટલું જ -શોભિત દેસાઈ
બધા ધિક્કારવામાં એકમત છે જૂઠને અહીંયા
તો કેવળ પ્રશ્ર્ન છે એક જ કે જુઠ્ઠું કોણ બોલે છે?!
ધીમે ધીમે, ઠઠારાથી ખુદને સજાવતા અમુક વર્તમાનપત્રો સુવાચ્યતામાંથી પીળા અને પછી તો કાળા પત્રકારત્વને કાળા અક્ષરોમાં મુકતા જાય છે. બેરોકટોક… બિલકુલ એમના પછી જન્મેલી અને એમના મોટા ભાઈ બની ગયેલી ન્યૂઝ ચેનલ્સની માફક.
દુનિયાના સૌથી જૂના ધંધામાં પ્રવૃત્ત (પણ નકાબ પહેરીને) ‘કહેવાતી’ સોફીસ્ટીકેટેડ સ્ત્રીઓ કાયમ મોંઘીદાટ લાલી-લિપસ્ટીક લગાડીને કાયમ (પાછું… જીહા) શિકારની શોધમાં વ્યસ્ત મળે, એ ઈન્ટરનેટ- મીડિયા- ઈમ્પ્રેશનીઝમ ઓરિયેન્ટેડ સમયનું અતિ વિકૃત અને સમાજ વ્યવસ્થાને તહસનહસ કરી નાંખતું ‘નજરાણું’ છે. બીજી તરફ ઘરથી સતત દૂર રહેતા વ્યસ્ત કલાકારોની જાગી ઊઠતી શારીરિકતા નગ્ન- નિર્વિવાદ- ઠોસ હકીકત છે. બંને કોઈ કોકટેલ પાર્ટીમાં કે ફિલ્મ-સિરિયલના શૂટીંગ દરમ્યાન કે કશેક સંગીત- કવિતાની રજૂઆતના જલસામાં ભેગા થાય છે અને ત્યાર બાદ જ અથવા થોડાક જ કલાક/ દિવસના ‘કાળખંડ’માં અલગ ઉદ્દેશ સાથે પણ સરખી ઉત્કટતાથી એકબીજાને સંક્રમણની ભેટ ધરે છે, ‘હમબિસ્તરી’ કરે છે, સાથે સૂએ છે. બેમાંથી એક માટે એ ‘રાત ગઈ બાત ગઈ’ છે. પણ બીજા માટે એ આજીવિકા છે, ‘ધંધો’ ગોઠવવાની શરૂઆત છે, વ્યાજનું વ્યાજ રળી આપતી ક્યુમુલેટીવ ડિપોઝીટ માટેનું ફાઉન્ડેશન છે, પાયો છે… હવે થાય છે શું કે અચાનક પેલા ‘ધંધાદારી’ બાનુ ‘નરમ સ્વભાવ’ અને ‘નિર્દોષતા’નો અંચળો ફગાવીને પોતાનો અસલ ચહેરો રજૂ કરે છે ફોન પર વાતચીત દરમ્યાન. અને પૂરેપૂરો વાંકમાં હોવા છતાં આખીય ઘટનાને સહેજ પણ ગંભીરતાથી નહીં લેનાર ઉપભોકતા સાવ અણધાર્યા હુમલાથી ડઘાઈ જાય છે અને શરૂ થાય છે ધમકીઓ, બળજબરી, ભેદ ખોલી નાખવાનો ભય દેખાડતા છરીઓ-ચપ્પાંઓ-ચાકુઓ.
હવે આવે છે વાત પોલીસની. એ પોલીસ કે જે હોઈ શકે ૧) પ્રમાણિક ૨) સહેલાઈથી છેતરાય એવી કે ૩) રૂશ્વતખોર. પણ જો પેલા બાનુ ઉપભોક્તાને ભોળવવામાં સફળ થયા હોય તો આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારની પોલીસને પોતાની વાત ઠસાવી જ શકે છે અને પીળા પત્રકારત્વમાં પ્રવૃત્ત ઠઠારેબાજ વર્તમાનપત્રોનાં પ્રતિનિધિઓ અને પોલીસની ‘ગાઢ’ ‘મિત્રતા’થી તો ક્યાં કોઈ પણ સહેજે અજાણ છે? ફરિયાદ નોંધાઈ ગઈ, કાર્યવાહીના ભાગરૂપે પ્રેસ્ટિટયુટ્સને જાણ કરાઈ ગઈ, અમુક ઠઠારેબાજ વફાદાર વર્તમાનપત્રોમાં કુપ્રચાર શરૂ થઈ ગયો અને ઉપભોગતાના બધા પ્રકારના અંતની શરૂઆત થઈ ગઈ. જી હા… Begining of ‘The End’.
આ મસાલેદાર અને સરિયામ હકીકતવાળી ફિલ્મની વાર્તા પણ અહીં પૂરી થાય છે. આમ તો, પણ હવે આવે છે મારે અને તમારે જે આજે ચર્ચવાના છે એ મુદ્દા!..
૧) વર્તમાનપત્ર કે મીડિયા માધ્યમ કે ન્યૂઝ ચેનલ્સને Psychological Study કર્યા વગર કલાકારને ફક્ત ઇંવિ-લુણનિા level પરથી મનઘડંત ચિતરવાનો હક્ક ફક્ત એટલા માટે મળી જાય કે વિકૃત વાંચનના શોખીન અને કહેવાતી સામાજિક સિસ્ટમના બની બેઠેલા દિવાદાંડી- ચોકિયાતો પોતપોતાના અંગત નિષ્કર્ષ કાઢે અને અફ્વાનો, હવા ભરી શકાય એવો ફુગ્ગો બનાવી એને કાનબજારમાં વહેતો મૂકે? આવી વાતમાં પ્રચાર અને પ્રસાર જેટલો વધુ એટલું બાનુનું ઉપભોક્તા પાસેથી કોઈ પણ પ્રકારની વસૂલીનું કૌવત વધવાનું જ…
૨) હજી હમણાં જ વાંચ્યું એ પ્રમાણે કલાકાર/ઉપભોકતાનું નામ એક અંગ્રેજી ઠઠારેબાજ, મસાલેદાર આર્ટીકલમાં લેવાયું એના ફોટા સાથે, પણ બાનુની ઓળખાણ વિષે સદંતર મૌન રખાયું. કેમ? શું ઈજ્જત એક ની જ છે? બીજાએ આટલાં વર્ષો સુધી એકધારી નિષ્ઠાથી વ્યવસાયને જાત સમર્પીને પૈસા કમાવા સાથે મન-હૃદયને આનંદમાં રાખ્યા એની ઈજ્જત છે જ નહીં? નામ જાહેર કરવા તો બંનેના અને નહીં તો બન્ને ગોપિત જ રહેવા જોઈએ. પરમ આદરણીય અમિતભાઈ શાહને હું પોતે એક કલાકાર તરીકે એટલું જરૂરથી કહીશ જ કે ૩૭૦થી સહેજ પણ ઓછું મહત્ત્વનું નથી આ, અમ મનોરંજકો માટે…
૩) ઔરતબાજી, બાઈગીરી, ધોતિયાની ઢીલાશ વગેરે શબ્દોથી નવાજાતો, સમાજથી ઉફરો ચાલતો એક વર્ગ હંમેશાં અત્યંત સૂક્ષ્મતમ, સૂક્ષ્મદર્શક કાચથી જોવાતો આવ્યો છે સમાજ દ્વારા. કેમ? અમે મનોરંજન કરવાનો, જિંદગી હળવી બનાવવાનો ‘ગુન્હો’ કર્યો એટલે? કહેવાતા હલકા ચારિત્ર્યવાળા પર પથ્થર ઉગામવાનો હક ફક્ત અને ફક્ત અણીશુદ્ધ, માનસિક વ્યભિચાર પણ ન કર્યો હોય એક ક્ષણનો, એવાને જ છે. ખરેખર હૃદય પર હાથ રાખીને પૂછજો કે અન્ય જાતિનાં કશેકથી પણ આકર્ષક વ્યક્તિને જોઈને એક અમુક ચોક્કસ પ્રકારની લહેરખી લગભગ દરેકને પસાર થઈ છે કે નહીં મનમાંથી? જો હા, તો કલાકારને જોતી વખતે જ આંખ આગળ મસમોટો જાડો સૂક્ષ્મદર્શક કાચ કેમ મુકવામાં આવે છે? જરા ય નથી કલાકાર માણસથી/ઈન્સાનથી ઉપરવટ કશું જ. એને પણ ઈચ્છા- વૃત્તિ- વાસના સામાન્ય માણસ જેવાં જ છે. કલાકાર થોડો અલગ થઈને કશુંક જુદું કરે છે એટલે એની ચર્ચા તરત જ ધ્યાનાકર્ષક બની જાય માટે એની કોઈ પણ ઢાંકપિછોડા વગરની ચર્ચા કરવાની? ખુદની યોગ્યતા માપ્યા વગર કરવાની? એમને બહુ આસાનીથી માપી તોલી શકાય છે, એટલે? તો આવું કેમ છે? કોઈ પણ કલાકારે ક્યારેય જગતમાં કોઈને આવો કશોય હક આપ્યો જ નથી, તો આવી દખલબાજી કેમ? એની પોતાની એક અંગત જીંદગી છે, એ વિષે ચિત્ર-વિચિત્ર ચિત્રણો-ચિતરામણો કરવાની કોઈ પણ સમાચારપત્રને- મીડિયાને- ચેનલ્સને એવી તો કઈ તાતી જરૂરિયાત ઊભી થઈ છે?
એ પણ હું જાણું છું કે કોઈ પણ પક્ષનો ઉપભોક્તા ક્યારેય ખરડાયા વગરનો હોય જ નહીં, ખરડાયો એટલે તો આ ઊભું થયું આ કમખાણ… અને સહજ, સરળ, બચરવાળ પરિવાર- પરિવારોમાં પડ્યું ભંગાણ… પણ ઘરના વાતાવરણમાંથી વછૂટતી ગૂંગળામણ કે જીવનસાથીની ઉદાસીનતાને લઈને પ્રવેશતું મરજિયાતપણું હાજર છે કે નહીં એ પણ ‘ન્યાય’ તોળનારા સૌએ ચકાસી લેવું જ. અને સાથે સાથે ન્યાયાધીશ બની બેસવાના પોતાના માપદંડને પણ જે જાડા સૂક્ષ્મદર્શક કાચથી કલાકાર દેખ્યો હોય એનાથી જોઈ લેવો.
ખાસ નોંધ…prosaic, સાવ સમાચાર પીરસતો હોઉં એવી રીતે આ બિના તમારી સમક્ષ મુકવાને બદલે ઈશારાની ભાષા અને ગોપિત શૈલીમાં આજે તમારી સાથે વાત કરું છું. તમે સમજશો જ મારી- અમારી મનોવ્યથા એવી ઈચ્છા તો છે જ, ખાત્રી પણ છે.
પથ્થર થરથર ધ્રૂજે!
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?
અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાંખો!’ એમ કિલોલે કૂજે!
એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે:
‘જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પહેલો ફેંકે!’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!
- નિરંજન ભગત
આજે આટલું જ.