આજે આટલું જ: હું અસહમત થાઉં છું…

-શોભિત દેસાઈ
જી હા, પાકિસ્તાનના આ તાયફાથી અને ભારતના, આંતરરાષ્ટ્રીય દબાણને કદાચ વશ થઈને યુદ્ધવિરામ માટે સહમત થવાના વલણ સાથે અસહમત થાઉં છું.
લઘુબંધુ કુલદિપે બહુ સરસ વાત કરી હતી, જગજીતજી જ્યારે પકિસ્તાન જઈ આવ્યા ત્યારે કે પાકિસ્તાનનો ગૃહઉદ્યોગ, મુખ્ય ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ છે ક્રિકેટનો જુગાર અને આતંકવાદ. હવે આ વાતને તમે જોડો IMFની 1 બિલિયન ડૉલર્સ (90 હજાર કરોડ ભારતીય રૂપિયા)ની LOAN સાથે. આ 90 હજાર કરોડ રૂપિયામાંથી 45 હજાર કરોડ રૂપિયા જશે પાકિસ્તાનના લાંચિયા, લંપટ, લોલૂપ તંત્ર પાસે અને 45 હજાર કરોડ રૂપિયાના ખરીદાશે નવા શસ્ત્રો યુરોપિયન-અમેરિકન મેન્યુફેક્ચરર્સ પાસેથી. આ લોકો ભારતને આ ઓથાર દેખાડીને મજબૂર કરશે નવા શસ્ત્રો ખરીદવા કે પાકિસ્તાન પાસે તો ‘આવા’ મહાઅદ્યતન શસ્ત્રો છે. તમારા માટે આને નામશેષ કરી નાંખે એવા ખાસ શસ્ત્રો બનાવીશું. આમ લઢાવી, મરાવીને જ તો ટકી રહ્યા છે યુરોપના કહેવાતા સમૃદ્ધ, ટચલી આંગળીની ટોચ જેવડા દેશ. પાકિસ્તાન તો એટલું લાંચિયું છે કે એ તો ક્યારેય નથી સમજવાનું આટઆટલા વડા પ્રધાનો/શાસકો હણાયા છતાંય. ભારત બહાર આવી ગયું છે સૂટ, બૂટ, શારીરિક ઊંચાઈ અને ત્વચાના રંગે રંગાઈ જવાથી, છતાં ય… કયાંક સાંભળેલું અને પછી ઈન્ટરનેટ પરથી ખોટીખરી કરી પણ હતી કે શસ્ત્રોના કારખાનાના માલિકો, કેટલીક ઈન્ટરનેશનલ ફાર્મા કંપનીઓના શેઠિયાઓ, બહુ મોટી સ્વિસ બેન્કોના કાળાબજારિયા પૈસા છુપાવીને પૈસાનો નીચ ધંધો કરતા ઉદ્યોગપતિઓ અને ચરસ – ગાંજા – કોકેઈન – હેરોઈનના ધંધાને લગાતાર તેજી પૂરી પાડતા મૂળ ગમે ત્યાંના પણ અત્યારે તો અમેરિકન માફિયાઓ ઇત્યાદિ કુલ્લે 100 ઋફળશહશયત આખા જગતનું ધારાધોરણ નક્કી કરે છે, બગાડે છે. એમની પહોંચથી દેશના મુખ્ય શાસકો નક્કી થાય છે અને વિરોધ પક્ષ પણ એ જ નક્કી કરે છે. ચિત્ત ભી મેરી પટ ભી મેરી. અને આ બધા પાસે જરા પણ સમય નથી સકંજામાં સપડાયેલા દેશોની ભૂખ, કોશિયા માણસની હાલત કે અડધા જગતની વસ્ત્રવિહીનતાનો. એ ભલા, દર વરસે બે દિવસ માટે જગતનો સંચાલનક્રમ નક્કી કરવા માટેની એમની કોન્ફરન્સો ભલી અને એમના ખર્વો નિખર્વો ડોલરના નક્કી થતા લાંચિયા મહેનતાણા ભલા. ‘પરમ’ ‘આનંદ’ અને ‘સંતોષ’ની વાત એક જ છે કે આ 100 ફેમિલીઝ દોઢ સદીથી તો છે જ અને વિસ્તરી રહ્યા છે.
બે ટકાનું પાકિસ્તાન એના 70%, ભૂખથી સબડતા નાગરિકોની ચિંતા છોડીને 77-78 વર્ષથી માત્ર મુલ્લાઓ અને પાજી પ્રમુખોને પોષી રહ્યું છે. ભારતની સક્ષમતામાં દર વરસે વૃદ્ધિ મહેસૂસ કરાય છે, છતાંય આંતરરાષ્ટ્રીય ખંધાઈ અને મા વેચીને બાપ બજારમાં ઊભો રાખવાની નાગાઈમાં રત જગત દબાણ લાવે તો મોદી બિચારા શું કરે? ‘બિચારા’નો અર્થ ‘જ્ઞાની’ઓએ દેશ બચાવવાના હિતમાં લાચાર એમ કરવો.
આ સરકાર ચોક્કસ ઉપરનાં કોઈ પણ વિવરણ કરતાં વધારે ચતુર, સજ્જ અને બાહોશ છે. કારણ? શપથગ્રહણ વખતે આખા દેશ સમક્ષ નીડરતાના સોગંદ પણ લીધા જ છે.
હું શોભિત દેસાઈ, માટે જ જાહેર કરું છું કે હું મારા મતાધિકારના સોગંદ પર કહું છું કે પાકિસ્તાન નામના ડામ્મીસ દેશને મોટો સબક શિખવાડ્યા સિવાય બે દિવસ તો શું એક મિનીટનોય સમય ન અપાય.
આપણ વાંચો: ફોકસ પ્લસ: માઉન્ટ આબુ ગ્રીષ્મ ઉત્સવ: આદિવાસી રીત-રિવાજો ને લોકરંગી પરંપરાનું ફ્યુઝન
મહેંદી હસન – The The ગાયક અને પરવિન શાકીર ઝવય કવયિત્રીના સુસ્મરણ સાથે,
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે,
એકલો જાને એકલો જાને એકલો જાને રેે…
જો સૌનાં મો સીવાય,
ઓરે ઓરે ઓ અભાગી, સૌના મોં સીવાય
જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ફરી જાય…
ત્યારે હૈયું ખોલી અરે તું મો મૂકી
તારા મનનું ગાણું એકલો ગાને રે…
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે…
જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી, સૌ એ પાછાં જાય…
જ્યારે રણવગડે નીસરવા ટાણે સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને તું લોહી નીગળતે ચરણે ભાઈ એકલો ઘાને રે…
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે…
જો દીવો ન ધરે કોઈ,
ઓરે ઓરે ઓ અભાગી! દીવો ન ધરે કોઈ,
જ્યારે ઘનધેરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે…
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે….
- રવીન્દ્રનાથ ટાગોર (અનુ. મહાદેવભાઈ દેસાઈ)
આજે આટલું જ…