આજે આટલું જ : ક્રિકેટ: રમત કે અબજોનો જુગાર?!

– શોભિત દેસાઈ
1991માં જ્યારે રૂપિયો કન્વર્ટિબલ કરીને નરસિંહ-મનમોહને બંધિયાર ભારત ખોલી નાખ્યું એની અનેક સારી અસરો જે એ પછીની દરેક સરકારોએ ભોગવી, એની સાથે એની એક બહુ જ બેશરમ અને બેરહેમ આડઅસર એટલે ગરીબ વધુ ગરીબ બનતો જ ગયો… બનતો જ ગયો અને અમીર વધુ અમીર બનતો જ ગયો, બનતો જ ગયો. Haves અને Have nots વચ્ચેનું અંતર વધતું જ ગયું, વધતું જ ગયું… શીર્ષક વાંચ્યા બાદ હજી મુદ્દો પકડાતો નથી ને?!
એવું કંઈક અગમ્ય અચાનક અળવીતરું ખોવાય રે…
દરિયા મધ્યે સોય પડી, એને નદી શોધવા જાય રે…
થયું એવું, બંધિયાર ભારત ખુલ્લું કરવાથી બધી લગામો ઊડી ગઈ. એમાં કેટલીક એવી હતી કે જે જરૂરી હતી. દા.ત. મીડિયા પરની લગામો. વધારે ઊંડા ઊતરવાને બદલે મૂળ વાત પર આવું તો IPL દ્વારા આખા જગતને પછાડીને ભારતી સર્વોપરિતા હાસિલ કરી જ કરી, પણ એની સાથે છેલ્લાં દસ વર્ષથી બહુ મોટા પાયા પર જુગાર પણ પ્રોત્સાહન પામ્યો. ક્રિકેટની રમત અચાનક કેસીનોમાં પરિવર્તન પામી.
My 11 Circle અથવા અને Pokerbazi.comની લગભગ દરેક ઓવર પછી આવતી જાહેરાત પહેલાં કે પછી આવતી સૂચના કે તમે આ આદતનાં ગુલામ બનો એવા સંયોગો અને સંજોગો પૂરેપૂરા, એ તો આ જુગાર કેટલા ગરીબોની આછીપાતળી કમાણીનો ભોગ લે છે એનો એક સોઆંઉશ અંદાજ પણ ન આપી શકે. ઊલટાની આવી ભડકાઉ સૂચના તમને વધુ ખાલીખમ કરવાના ઈરાદાથી જ ઉમેરાઈ હોય તો નવાઈ નહીં. એક તો આવી સરિયામ ખુલ્લેઆમ જુગારની હરામખોરી ને એમાં પાછું એની જાહેરાતની ક્વોલિટી તો તમે તોબા પણ ન પોકારી શકો એટલી ખરાબ.
આજા મેરે આંગનમેં આજા ગીત ખરાબ-ગવાય ખરાબ… એના પર મુજરો કરનારા નાચે ખરાબ. જાણે ખરાબનો મહાઉત્સવ. અને એ ઓવરે ઓવરે ‘નિરખ’વાનો…પણ બધા જ બધું ચલાવી લે… કરોડો દરેકના ભાગે (અને રમનાર જુગારીના ભોગે) આવે છે તે? એનું કંઈ નહીં? માત્ર મારા જેવા કોઈકના નિરીક્ષણો જાય જ્યાં જવું હોય ત્યાં… (મનોજ ખંડેરિયાની એક ગઝલના રદીફનું, પ્રાસનું, સ્મરણ થાય છે, ‘કોઈને કંઈ પડી છે જ ક્યાં?!’) આમિર ખાન, રણવીર કપૂર, રોહિત શર્મા, કે એલ રાહુલ ઈત્યાદિને લઈને કઈ જુગાર કંપનીની એડ બનાવાઈ છે? જેની કિંમત સોએક કરોડ રૂપિયા નહીં હોય? ને તમે શું માનો છો? આ બધા ધર્માદો કરવા આવ્યા છે? 1000 કરોડની જુગારની આવક ઓછામાં ઓછી, નહીં ઊભી કરે એમાંથી?
મારા દોસ્ત વાચક! તારી ગણતરીઓને ઘાલ ગજવે… હવે આ આંકડા જ હકીકત છે. તારી લાખોની ગણતરીઓને ય ઘાલ ગજવે… દુ:ખ તો એક જ વાતનું કે એક જમાનામાં તું જેને દૂષણ ગણતો અને જેને ‘મહાભારત’માં પત્ની દાવ પર લગાડી હારી જવા સુધીની લાલબત્તી ધરવામાં આવી હતી એ જુગારની આ માયા છે, એ સટ્ટાની બોલબાલા છે અને એ પોષાય છે શેના દ્વારા? તારા મ્હોંના પાન ક્રિકેટ દ્વારા… આકર્ષક ગુજરાતીમાં હજી બીજી 10-12 પાના ભરીને તને વાત ગળે ઉતારું? કે તું ભવિષ્યમાં કદાચ ક્રિકેટ જોવાનું જ છોડી દે પણ તું આટલો સમજદાર… તું આટલામાં ના સમજે?!
બીજો એક બહુ મોટો ધંધો ગોબાચારીનો ચાલી રહ્યો છે તને શૅરબજાર તરફ વાળવાનો. IPL જેવી અબજોની ટૂર્નામેન્ટના બીજા મહત્ત્વના સ્પોન્સર્સ છે મ્યુચુઅલ ફંડ્સ. પ્રજાના દૂધે ધોયેલા ખર્વ નિખર્વ રૂપિયાનું પોતાની OF COURSE ગણતરીબાજ પણ મૂન્સફી મુજબનું રોકાણ કરી અને અધધધધ પૈસા બનાવતા આ મ્યુચુઅલ ફંડો રોકાણકારના નસીબમાં તો માંડ દસ ટકાનું (ઘણાં તો ઘણી વાર બે ટકાનું માંડ) રિટર્ન મુકતા હશે. તું તરત પૂછીશ: તો બાકીના અબજો જાય છે ક્યાં? એ અબજો જાય છે મ્યુચ્યુઅલ ફંડોના સંચાલકોના નફામાં, એમના એક્ઝિક્યુટીવ્સના Pay Package, Bonus, foreign Vacations અને એમની Officesનાં Real Estate investments કે Rentમા. લગભગ તો એમની પસંદગી Rentalની જ હોય છે કે જેથી ઉથાપન સત્ત્વરે થઈ શકે. તું તારે જલ્સા કર? તને બૅન્ક ડિપોઝિટના 7 ટકા વ્યાજથી 3 ટકા તો વધારે મળે છે ને! લહેર કર, યાર!
મને અત્યારે યાદ નથી આવતું કે આ કઈ હરામખોર સરકારના કયા નાણામંત્રીએ બૅન્ક ડિપોઝિટ ઉપરનું 10 ટકા વ્યાજ ઘટાડીને આ બેરહમ વ્યવસ્થાને જનમ આપ્યો… પણ બહેન નિર્મળા જો બૅન્ક ડિપોઝિટ પર વ્યાજ વધારવાનું ય સત્કર્મ કરે ને તો એનું આગલું બધું ‘ધોવાઈ’ જાય… મ્યુચ્યુઅલ ફંડોનો આ ઊભરો શમી જાય અને Retired Citizens of indiaને બહુ મોટી હૈયા ધારણ પ્રાપ્ત થાય.
મારા દોસ્ત વાચક! તું જરૂર જા શેરબજારમાં… પણ કાં તો તું પોતે એનો નિપુણ બન ને કાં તો તું એવો સલાહકાર શોધ કે જે તારી કમાણીના 5 કે 7 ટકા લઈને તારા નામે ઈંક્ષદયતિં કરે અને તને સતત જણાવતો રહે ક્યાં? શું? અને કેટલું? સમજ્યો તું મારા દોસ્ત?? કે નહીં? હું આટલો પુંસક અને ખુલ્લો લગભગ તો નથી બનતો…
ઈસ સિરે સે ઉસ સિરે તક સબ શરીક-એ-જુર્મ હૈ
આદમી યા તો ઝમાનત પર રિહા હૈ યા ફરાર.
દુષ્યન્તકુમારનો આ શેર એટલે ભારતનું સમગ્ર નાણા બજાર. આ છેડાથી લઈને પેલા છેડા સુધી બધા ગુન્હામાં એકસરખા સામેલ છે. કાં તો જામીન પર છૂટેલા છે અથવા ભાગી ગયેલા છે.
આજે આટલું જ.