ઉત્સવ

આતંકીઓનો નવો ટ્રેન્ડ સ્થાનિકોના મોબાઈલની ચોરી

વિશેષ -અનંત મામતોરા

જુલાઈ મહિનામાં જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં એક અધિકારી સહિત પાંચ જવાનો શહીદ થયા. છેલ્લા કેટલાક દિવસોમાં ખીણની તુલનામાં જમ્મુ ડિવિઝનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઘણા સૈનિકોએ બલિદાન આપ્યું છે. સાથે, ઘણા આતંકવાદીઓ સુરક્ષા જવાનો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં જે રીતે આતંકવાદી ઘટનાઓ વધી છે, તે ખરેખર ચિંતાજનક છે. માત્ર ૩૮ દિવસમાં ૮ જવાનોનું બલિદાન આપવામાં આવ્યું છે. ૯ જૂને રિયાસી આતંકવાદી હુમલા બાદ જમ્મુમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. ડોડા- ઉધમપુર અને કઠુઆ એવા વિસ્તારો છે જ્યાં સૌથી વધુ આતંકવાદી ગતિવિધિઓ જોવા મળી હતી.

સામાન્ય રીતે જમ્મુને કાશ્મીરની સરખામણીમાં શાંતિપૂર્ણ વિસ્તાર માનવામાં આવે છે. કલમ ૩૭૦ હટાવ્યા પછી, કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે સુરક્ષા દળોએ મોટા પાયે ઓપરેશન ચલાવ્યું હતું, આ ઓપરેશનથી હતાશ થયેલા આતંકવાદી સંગઠનોએ હવે તેમની સ્ટ્રેટેજી બદલી છે. હવે તેઓ જંગલમાં કામ કરતા લોકોના ફોન છીનવી લે છે. આ પ્રકારની ઘટના જંગલમાં અથવા શહેરની નજીકના કોઈ નિર્જન રસ્તા પર બને છે. સુરક્ષા એજન્સીઓથી બચવા માટે આતંકવાદીઓ મોબાઈલ ફોન પડાવી લે છે, જેના દ્વારા તેઓ પાકિસ્તાન સ્થિત હેન્ડલરનો સંપર્ક કરે છે. જો ચોરી કરેલો ફોન સ્માર્ટ ફોન હોય તો તેમાં ‘એનક્રિપ્ટેડ મેસેન્જર સર્વિસ’ એપ ડાઉનલોડ કરી હેન્ડલર સાથે વાતચીત કરી મોબાઈલ ફોનને ક્યાંક ફેંકી દે છે. ઘણી વાર તો તેઓ વાતચીત કર્યા બાદ ડાઉનલોડ કરેલી એપ ડિલિટ કરી ફોન વ્યક્તિને પરત કરી દે છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય એજન્સીનાં સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ‘લશ્કર-એ-તૈયબા’ અને જૈશ-એ-મોહમ્મદ એ જમ્મુ અને કાશ્મીરમાં તેમના સહયોગી જૂથ ‘પ્રોક્સી વિંગ’ની સ્થાપના કરી છે. જૈશ-એ-મોહમ્મદની પ્રોક્સી વિંગ ‘પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ’ છે, જ્યારે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ ‘લશ્કર-એ-તૈયબા’ની ‘પ્રોક્સી વિંગ’ છે. આ બંને ‘પ્રોક્સી વિંગ’ને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને એનડીએ આ બે જૂથો માટે કામ કરતા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને પકડવા માટે સક્રિય છે. ખાસ વાત એ છે કે આ આતંકીઓ અલગ-અલગ હોવા છતાં તેમને પાકિસ્તાનમાં એક જ હેન્ડલર પાસેથી ઓર્ડર મળે છે. જોકે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરોનો એ જ પ્રયાસ હોય છે કે વિશ્ર્વને જણાવે કે જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી સંગઠનો સ્થાનિક છે. તેમનો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી. તે સંગઠનો, તેમની કહેવાતી સ્વતંત્રતા માટે લડી રહ્યા છે.

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન અને ચીન આતંકવાદીઓને હથિયારો અને એવા સંચાર સાધનો આપવામાં આવે છે, જેના કારણે તેઓ ઈન્ટેલિજન્સ યુનિટની પકડમાં આવી શકતા નથી. ઉપરાંત ગુપ્તચર એજન્સીઓ પણ આતંકવાદીઓની ‘સાયફર’ ભાષાને ટ્રેક કરી શકતા નથી. બીજી તરફ આતંકવાદીઓને જમ્મુ ક્ષેત્રમાં સૈન્ય હિલચાલની માહિતી સમયસર મળતી રહે છે. આ માટે તેમણે ‘હાઇ-ટેક માસ્ક’ તૈયાર કર્યા છે. આ એવા માસ્ક છે જેના પર કોઈને શંકા નથી. આ લોકો રસ્તાના કિનારે ટાયર પંચર મિકેનિક, ચાની દુકાન, ફળ શાકભાજીના સ્ટોલ કે અન્ય કોઈ ધંધાના નામે બેસી જાય છે. આને ‘હાઇ-ટેક માસ્ક’ કહેવામાં આવે છે. તેમને સેના અથવા અર્ધલશ્કરી દળોના કાફલાના ફોટોગ્રાફ લેવા અને વીડિયો બનાવવાની જવાબદારી આપવામાં આવે છે. આ માસ્ક, સૈન્ય કાફલામાં કેટલાં વાહનો છે, કેટલી તૂટેલી બસો છે, કયાં વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા છે વગેરેની માહિતી પાકિસ્તાનના નંબર પર ડાર્ક વેબ, વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કિંગ અને એન્ક્રિપ્ટેડ મેસેન્જર સેવાઓ જેમ કે સિગ્નલ વગેરે દ્વારા પાકિસ્તાનના નંબર પર મોકલવામાં આવે છે. આ માસ્કને ‘ઓવર ગ્રાઉન્ડ વર્કર’ કહેવામાં આવે છે.

તેમના દ્વારા મોકલવામાં આવેલી માહિતી કે વીડિયોના આધારે પાકિસ્તાનમાં ‘આઇએસઆઇ’ની ટેરર વિંગના નિષ્ણાતો જમ્મુ-કાશ્મીરમાં હાજર આતંકવાદીઓને કહે છે કે કેવી રીતે ઓપરેશન પાર પાડવું. જ્યારે ક્યાંક મોટું ઓપરેશન શરૂ થાય છે, ત્યારે રસ્તા પર હાજર ‘હાઇ-ટેક માસ્ક’ વચ્ચેનું અંતર ઘટવા લાગે છે. એટલે કે, જો દસ કિલોમીટર પહેલા કોઇ માસ્ક હોય, તો તેના ત્રણ-ચાર કિલોમીટર પછી બીજો માસ્ક બેઠો હોય. જ્યાંથી લશ્કરી ટુકડીઓ તેમનાં વાહનો છોડીને ચાલવા લાગે છે ત્યાંથી માહિતી એકત્ર કરવામાં આવે છે.

પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો દ્વારા આ હાઈટેક માસ્કનાં જૂથોને નિયંત્રિત કરવામાં આવે છે. ક્યાં, ક્યારે અને કોને નિશાન બનાવવું તે બધું સરહદ પારથી નક્કી થાય છે. એનઆઇએ એ આવા અનેક મામલાઓનો પર્દાફાશ કર્યો છે. થોડા મહિના પહેલા એનઆઇએ એ જૈશ-એ-મોહમ્મદ ના એક સભ્યની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. આતંકવાદી સંગઠનો માટે કામ કરી રહેલા કુપવાડાનો રહેવાસી મોહમ્મદ ઉબેદ મલિકે તપાસ એજન્સીને જણાવ્યું કે, ઓવર ગ્રાઉન્ડ વર્કર પાકિસ્તાન સ્થિત કમાન્ડરના સંપર્કમાં રહે છે. ઉબેદ મલિકના કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તપાસ એજન્સીએ કહ્યું હતું કે આરોપી પાકિસ્તાન સ્થિત કમાન્ડરને ગુપ્ત માહિતી મોકલતો હતો. સેના કે અર્ધલશ્કરી દળોનાં વાહનો કયા રૂટ પર અવર-જવર કરે છે? ત્યાં કેટલાં વાહનો છે અને સૈનિકો ટ્રક કે બસમાં બેઠા છે? વગેરે તે નોંધતો હતો. શક્ય હોય ત્યારે વાહનોના ફોટોગ્રાફ અને વીડિયો પણ બનાવવામાં આવ્યા હતા.

૭૮ દિવસમાં ૧૧ આતંકી હુમલા
હવે તેઓ જમ્મુના હિંદુ પ્રભુત્વવાળા વિસ્તારને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા ૭૮ દિવસમાં ૧૧ આતંકવાદી હુમલાઓ એ વાતની પુષ્ટિ કરે છે કે આતંકવાદીઓ જમ્મુને નિશાન બનાવીને પ્રદેશમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.

૨૮ એપ્રિલ: જમ્મુના ઉધમપુરના એક ગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં તે ગામનો વિલેજ ગાર્ડ ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

૪ મે: પૂંછના શાહસિતાર વિસ્તારમાં આતંકીઓએ આઇએએફના કાફલા પર હુમલો કર્યો. જેમાં એરફોર્સ ઓફિસર વિકી પહાડે શહીદ થયા હતા અને ૫ જવાનો ઘાયલ પણ થયા હતા.

૯ જૂન: દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે જમ્મુના રિયાસીમાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નિશાન બનાવી હતી. શિવખોડીથી કટરા જતી બસ પર આતંકીઓએ ૨૦-૨૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બસના ડ્રાઈવરને ગોળી માર્યા બાદ બસ કાબૂ બહાર જઈને ખીણમાં પડી ગઈ હતી, જેના કારણે ૯ શ્રદ્ધાળુઓના મોત થયા હતા.

૧૧ જૂન: કઠુઆના હીરાનગરમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ૨ આતંકીઓને ઠાર કર્યા હતા. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. આતંકવાદીઓ જમ્મુના ડોડા વિસ્તારને સતત નિશાન બનાવી રહ્યા છે. ૧૧ જૂને જ આતંકવાદીઓએ ચત્તરગલા ચેક પોઈન્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક એસપીઓ સહિત ૫ જવાનો ઘાયલ થયા છે.

૧૨ જૂન: ડોડામાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

૨૬ જૂન: ડોડામાં સુરક્ષા જવાનોએ ગંડોહ વિસ્તારમાં ૩ આતંકવાદીઓને ઠાર કર્યા, આ એન્કાઉન્ટરમાં એક સૈનિક ઘાયલ થયો હતો.

૭ જુલાઈ: રાજૌરીમાં આર્મી કેમ્પ પાસે થયેલા આતંકવાદી હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો.

૮ જુલાઈ: આતંકવાદીઓએ કઠુઆમાં સેનાના એક ટ્રકને નિશાન બનાવ્યો હતો, જેમાં સેનાના ૫ જવાન શહીદ થયા હતા અને ૫ જવાનો ઘાયલ પણ થયા હતા. આતંકીઓએ પહેલા આર્મીની ટ્રક પર ગ્રેનેડથી હુમલો કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો.

૯ જુલાઈ: ડોડાનાં જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં આતંકીઓએ સેનાની સર્ચ ટીમ પર ગોળીબાર કર્યો હતો.

૧૫ જુલાઈ: સોમવારે રાત્રે જમ્મુના ડોડા વિસ્તારમાં સેનાના સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો. આ હુમલામાં એક અધિકારી સહિત ચાર જવાન શહીદ થયા હતા.

કઠુઆમાં સેનાનાં વાહનો પર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો, તેવો હુમલો આતંકીઓ પહેલા પણ અનેક વખત કરી ચૂક્યા છે. આવા હુમલાઓથી આતંકવાદીઓની હિંમત વધી રહી છે. તેઓ સેનાનાં વાહનો પર હુમલાનું આયોજન એ રીતે કરે છે કે સૈનિકોને બદલો લેવાની તક ઓછી મળે. મે મહિનામાં કઠુઆ હુમલો અને પૂંછના શાહસિતાર વિસ્તારમાં ભારતમાં એરફોર્સના વાહન પર હુમલો, આ બધા માટે સમાન વ્યૂહરચના બનાવવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button