ઉત્સવ

ટૅક વ્યૂહ : સર્વિસ ક્રેશ ને યુઝર્સ હેંગ… સર્વર સ્લો કેમ થાય છે?

-વિરલ રાઠોડ

ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસ એક નવા માઈલસ્ટોન ઊભા કરી રહી છે. રોકડા સાચવવાની માથાકુટમાંથી મુક્તિ મળી છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ઓખાથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી આ સર્વિસને સર્વસ્વીકૃતિ મળી છે. ગણતરીની સેકંડમાં લાખો રૂપિયાની એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાંસફર થઈ જાય એ મોટી વાત છે. યુપીઆઈ સર્વિસ 11 એપ્રિલ 2016માં આ સર્વિસ શરૂ થઈ ત્યારે આ એક જાદુઈ અનુભૂતિ કરાવતું હતું. જે પછીથી સામાન્ય થતું ગયું. પછી તો ક્રમશ: ક્યૂઆર કોડ અને યુપીઆઈ આઈડીથી નાણાંકીય સગવડ વધુ સરળ બની ગઈ. શાકભાજીવાળાથી લઈને શોરૂમ સુધી આ સર્વિસથી ચુકવણી હાથવગી બની રહી. ટ્રાંઝેક્શન વધ્યા એમ રોકડનું રોટેશન ઘટ્યું.

જોકે, આ સાથે ફ્રોડનું જોખમ પણ વધી ગયું. આ પહેલા સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટ્સએપ ડાઉન થઈ ગયું હતું એ સમયે પણ યુઝર્સને પરેશાની પડી હતી. એ પછી ટ્વિટરમાં ટ્વિટ મૂકવામાં વાંધા પડ્યા હતા. યુપીઆઈ સર્વિસ થોડા સમય માટે ક્રેશ થઈ તો ઓનલાઈન પેમેન્ટ સર્વિસમાં મોટું અલ્પવિરામ લાગી ગયું.

હવે આ સર્વિસ સાથે સંકળાયેલા કેટલાક આંકડાકીય રિપોર્ટ પર નજર કરીએ તો, દેશમાં દર કલાકે અઢી કરોડથી વધારે ટ્રાંઝેક્શન થાય છે. ઈન્ટરનેટ સાથે સતત અને સખત રીતે ક્નેક્ટ હોવા છતા આ સર્વિસ શા માટે ડાઉન થાય છે એવો સવાલ થવો સ્વાભાવિક છે. આ વર્ષમાં સર્વિસ 25 માર્ચના દિવસે 3 કલાક ઠપ થઈ, 2 એપ્રિલના રોજ સાંજના સમયે 2 કલાક માટે ઠપ થઈ અને 12 એપ્રિલના રોજ 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી સર્વિસ હાંફી ગઈ.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ: માઈક્રોસોફ્ટના 50 વર્ષ: અપાર સફળતાઓ સાથે બેજોડ સિદ્ધિઓ

‘નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’નો રિપોર્ટ કહે છે કે, કેટલીક ટેક્નિકલ મુશ્કેલીઓ નડી રહી છે, પણ આ ટેક્નિકલ કારણ પાછળના કેટલાક મુદ્દા એવા પણ છે કે, એક જ સર્વર પર જુદી જુદી સર્વિસ એક્ટિવ હોય છે, જેમ કે, ઈન્ટર ક્નેક્ટેડ યુપીઆઈ સર્વિસની જેમ એટીએમ સર્વિસ પણ જોડાયેલી હોય છે. કોર બેંકિંગ સુવિધાથી ફાયદો એ થયો કે, ગમે ત્યાંથી તમારું ખાતું એક્સેસ કરી શકો પણ ગેરફાયદો એ છે કે, કોઈ એક વિસ્તારમાં સર્વિસ સ્લો થાય તો બીજે એની સીધી અસર થાય છે. બીજી તરફ જુદા જુદા સોશિયલ મીડિયા પર આવતી એડનું એક સર્વર થર્ડપાર્ટી જેવું કામ કરે છે, જેની લીંકનો લોડ વધે તો પણ આ સર્વિસ બગડે છે.

મુદ્દા નંબર બે

ગેમિંગ પ્લેટફોર્મના સર્વરમાંથી જ પૈસા કમાવવાની અને ગેમમાં જીતેલી રકમને કેશમાં લેવાની સગવડ ઘણી એપ્લિકેશન આપે છે, જેમાં બેંક સર્વર પર લોડ વધે છે.. ઘડીના છઠ્ઠાભાગમાં આવતી નાની- મોટી ક્વેરીનો લોડ પણ સર્વર પર હોય છે. વધી રહેલા ટ્રાંઝેક્શન આપણને ચિંતામુક્ત કરે, પણ પડકાર ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે છે. ઘણીવાર બેંકના પોતાના સર્વર એટલા સ્પીડમાં ન દોડે તો પણ સર્વિસ બગડે છે. જે રીતે સુરક્ષા વિભાગમાં અને સૈન્ય માટે સંવેદનશીલ વિસ્તારમાં સિક્યોર લાઈન હોય છે એમ પેમેન્ટ માટેની સિક્યોર લાઈન તૈયાર કરવાની જરૂર છે. જે સામાન્ય ટેકનોલોજીના સર્વરથી અલગ હોય અને સ્પીડી હોય.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ : ટાઇમગેપ-અવતાર ને હવે ગિબલીએ સૌને લગાડયું ઘેલું

મુદ્દા નંબર ત્રણ

ખાનગી તથા સરકારી બેંકોના સર્વર ફોર્મેટ અલગ અલગ હોય છે. મધ્યસ્થ બેંક દરેક પર અંકુશ રાખે છે, પણ ટેક્નિકલ દ્રષ્ટિએ ગ્રૂપ ધરાવતી બેંકમાં પણ એક સૂત્રતા ખૂટે છે. ઉદાહરણ તરીકે, અમદાવાદમાં એટીએમની સ્પીડ અને દ્વારકા જેવા ગ્રામ્ય વિસ્તારમાં એની સ્પીડ. આંતરિક કામ ઝટપટ પતી જતા હશે પણ અપલોડ અને ડાઉનલોડ માથું દુખાડે છે એવું ઘણીવાર બેંક મેનેજર કક્ષાના લોકો સ્વીકારે છે.

એક હકીકત જાણીને શોક લાગશે કે જ્યારે પેમેન્ટ પ્રોસેસ થાય અને પૈસા કપાયાનો મેસેજ ન આવે ત્યારે મામલો બગડે છે. ઘણીવાર મેસેજ આવે તો પૈસા નથી આવતા. આને ‘રોલબેક પે’ કહેવાય. આવું થાય ત્યારે સર્વિસ અને સર્વર બન્ને બગડે છે. જેનો નીવેડો આવતા કલાકો ખર્ચાય, છતાં સિક્યોર નહીં. પેમેન્ટ એક પ્રકારનું માધ્યમ છે જેને ખાતાની સિક્યોરિટી સાથે કંઈ લેવાદેવા નથી. દૈનિક ધોરણે 70 કરોડથી વધારે રૂપિયાની ટ્રાંસફર આ એપ્લિકેશનથી થાય છે. બેંકનું સર્વર સ્લો થાય તો પણ અસર થાય છે. દરેક બેંક પાસે પોતાની એપ્લિકેશન છે. પણ સર્વિસ આઈડી તો આ એપ્લિકેશન શેર કરે છે. જે સર્વરમાં જનરેટ થાય છે. જ્યારે આ આઈડીથી પેમેન્ટ થાય છે ત્યારે એક સાથે ત્રણ ત્રણ સર્વર અસર પામે છે. પૈસા મોકલનાર બેંકનું, યુપીઆઈ સર્વિસનું અને પૈસા જેનામાં જમા થયા એનું. જ્યારે પેમેન્ટ થવામાં જરૂરિયાત કરતાં વધારે સમય જાય આ સર્વિસના ઉપયોગમાં થોડો અલ્પવિરામ લેવો જોઈએ. આ જ આનો સુરક્ષિત અને ઉત્તમ ઉકેલ.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ : દુનિયાનું પ્રથમ ફ્યુચર સિટી: અસાધારણ ને અતુલ્ય…

આઉટ ઓફ ધ બોક્સ
ક્યૂઆર કોડમાં આમ તો કંઈ ખબર પડતી નથી પણ દરેક કોડ એકબીજાથી લાખગણા અલગ હોય છે, જેમાં ત્રણેય ખૂણામાં નાના બોક્સ હોય છે. સ્કેન કરતી વખતે સૌ છેલ્લે આ ત્રણ બોક્સ સ્કેન થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button