ઉત્સવ

એક ખૂબસૂરત અમેરિકન સપના જેવી ટેલર સ્વિફ્ટ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

જે લોકોને સમાચારપત્રોના ન્યૂઝરૂમમાં કેવી રીતે કામ થાય છે તેની ખબર હશે, તેમના માટે બીટ શબ્દ અજાણ્યો નહીં હોય. બીટ એટલે કોઈ એક વિષય પર નિયમિત કામ કરવું તે. તેને બીટ રિપોર્ટિંગ કહે છે, જેમ કે ન્યૂઝરૂમમાં ક્રાઈમ બીટ હોય, પોલિટિકલ બીટ હોય, કોર્પોરેશન બીટ હોય. સમાચારપત્રની, શહેરની અને વાચકોની તાસીર પ્રમાણે બીટ નક્કી થાય છે.

મુંબઈ જેવાં શહેરોમાં બોલીવૂડ અને એવિયેશન બીટ હોય છે અને દિલ્હી જેવાં શહેરોમાં પાર્લામેન્ટ અને ઇન્ટેલિજન્સ બીટ છે. લંડન જેવાં શહેરોમાં ઇન્ટરનેશનલ અફેર અને વોર બીટ પણ હોય છે.
આ તો વાચકોનો જેમાં વ્યાપક રસ હોય તેવા વિષય પ્રમાણે બીટની વાત થઇ, પણ કોઈ સમાચારપત્રમાં વ્યક્તિ વિશેષ બીટ હોય તો કેવું લાગે? જેમ કે અમિતાભ બચ્ચન બીટ અથવા વિરાટ કોહલી બીટ! આવું પણ શક્ય છે.

અમેરિકામાં ૪૫ વર્ષ જૂનું ‘યુએસ ટૂડે’ નામનું એક દૈનિક પત્ર છે. લગભગ ૨૬ લાખ વાચકો ધરાવતું આ અમેરિકાનું ચોથા નંબરનું સૌથી મોટું પત્ર છે. ગયા વર્ષે, આ પત્રએ તેની વેબસાઈટ પર ‘નોકરી ખાલી છે’ની જાહેરાત કરી હતી. તેમાં લખ્યું હતું: અમે એક એવા ઉત્સાહી લેખક, ફોટોગ્રાફર અને સોશિયલ મીડિયાના અનુભવીની તલાશમાં છીએ જે ટેલર સ્વિફ્ટને લગતી દરેક બાબતમાં લોકોની જે ભૂખ છે તેને અમારાં બહુ બધાં પ્લેટફોર્મ પર નિયમિત સામગ્રી પૂરી પાડીને સંતોષી શકે.’

બીજા શબ્દોમાં, ‘યુએસ ટુડે’ ને ટેલર સ્વિફ્ટ બીટ માટે રિપોર્ટરની જરૂર હતી!

એમાં પગારની પણ ઓફર હતી: એક કલાકના ૫૦ ડૉલર!

ઘણા લોકોએ તેના માટે અરજી કરી હતી અને અંતે બ્રાયન વેસ્ટ નામના એક ૪૦ વર્ષીય પત્રકારને આ નોકરી પર રાખવામાં આવ્યો હતો. અમેરિકામાં (અને કદાચ દુનિયામાં) એક સેલિબ્રિટી કલાકારના માટે એક મોટા સમાચારપત્રએ બીટ શરૂ કરી હોય તેવો આ પહેલી ઘટના કે કિસ્સો હતો.

આ સાબિત કરે છે કે અમેરિકન સમાજમાં ટેલર સ્વિફ્ટનો પ્રભાવ કેટલો છે. એટલું જ નહીં,

૨૦૨૨માં ન્યૂ યોર્ક યુનિવર્સિટીની ક્લાઇવ ડેવિસ ઇન્સ્ટિટયુટમાં સ્વિફ્ટના સંગીત પર એક કોર્સ શરુ કરવામાં આવ્યો હતો. આ ઇન્સ્ટિટયુટે સ્વિફ્ટને ફાઇન આર્ટ્સમાં માનદ ડોક્ટરેટની પદવી પણ આપી હતી.

વિશ્ર્વભરની અન્ય યુનિવર્સિટીઓએ પણ સ્વિફ્ટને સમર્પિત અભ્યાસક્રમો શરૂ કર્યા છે. જેમ કે ધ સાયકોલોજી ઓફ ટેલર સ્વિફ્ટ, ધ ટેલર સ્વિફ્ટ સોંગબુક અને લિટરેચર: ટેલર વર્ઝન.

સંગીતકારો અને સેલિબ્રિટીઓ દુનિયાભરના સમાજોમાં આકર્ષણનો વિષય રહ્યા છે, પણ કોઈ એક શખ્સિયતને આવું મહત્ત્વ આપવામાં આવે તેવું બન્યું નથી. અમેરિકન લોકો સ્વિફ્ટની પ્રભાવશાળી કારકિર્દીનો અભ્યાસ તેના પ્રત્યેની ચાહના, તેનું માર્કેટિંગ, તેનો બિઝનેસ અને તેના ગીતલેખન સહિત અનેક દ્રષ્ટિકોણથી કરે છે.

-તો જાણીએ કોણ છે આ ટેલર સ્વિફ્ટ?

એ એક આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી છે. અમેરિકાના એક નાના શહેરમાં જન્મેલી ટેલર સ્વિફ્ટ એના પ્રથમ આલબમના લોન્ચિંગથી જ સંગીતની દુનિયામાં સનસનાટી બની ગઈ છે. એનાં ગીતો રિલીઝ થતાં જ હિટ થઈ જાય છે. ૧૨ વર્ષની કારકિર્દીમાં એણે અત્યાર સુધીમાં ૩૪૦ એવોર્ડ જીત્યા છે. તેમાં ગ્રેમી, બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ અને અમેરિકન મ્યુઝિક એવોર્ડનો સમાવેશ થાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે તે જેટલું સારું ગાય છે તેટલું સારું લખે છે. ઇન ફેક્ટ, એનો આગ્રહ હોય છે કે એ પોતાનાં લખેલાં ગીતો જ ગાશે.

ભારતમાં પણ તેના ઘણા ચાહકો છે. ગયા માર્ચ મહિનામાં, ‘ધ હિંદુ’ નામના અંગ્રેજી સમાચાર પત્રમાં એક સમાચાર હતા કે સ્વિફ્ટના સિંગાપોર કોન્સર્ટમાં ભાગ લેવા માટે ચેન્નાઈની એક લો સ્કૂલની એક વિદ્યાર્થિની સંજના શંકરે ૬૫ હજાર રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ત્યાં કોન્સર્ટમાં ૨૫ ભારતીય ચાહક હતા. ખાલી સંગીતની દ્રષ્ટિએ, સ્વિફ્ટે ઘણા રેકોર્ડ તોડ્યા છે. સ્પોટિફાઈ નામના ઓડિયો પ્લેટફોર્મ પર દર મહિને ૧૦ કરોડ શ્રોતાઓ ધરાવતી તે પહેલી મહિલા ગાયક બની હતી. એ ફિયરલેસ (૨૦૦૯), ૧૯૮૯ (૨૦૧૫) અને ફોકલોર (૨૦૨૦) માટે ત્રણ વખત ‘આલબમ ઓફ ધ ઈયર ગ્રેમી’ જીતવા વાળી પહેલી અને એકમાત્ર મહિલા કલાકાર છે.

દુનિયાભરમાં થઈને તેનાં ગીતોની ૨૦ કરોડ રેકોર્ડ્સ વેચાઈ છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને હવે ચૂંટણીમાં ફરીથી ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એમના એક તાજા પુસ્તકમાં કહ્યું છે:

ટેલર સ્વિફ્ટ આજના સમયની સૌથી મોટી સેલિબ્રિટી છે. એ બેહદ ખૂબસૂરત છે. એ લિબરલ છે અને એને કદાચ ટ્રમ્પ પસંદ નથી.’

લગભગ ૧૦૦ કરોડ ડૉલરની નેટ વર્થ ધરાવતી ૩૪ વર્ષની સ્વિફ્ટ સંગીતના બિઝનેસ, લોકપ્રિય સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા પર સૌથી મોટો પ્રભાવ ઊભો કરનારી કલાકાર ગણાય છે. ૧૧ વર્ષની હતી ત્યારથી એ ગીતો લખતી ને ગાતી હતી. અમેરિકાની સંગીતની દુનિયા બહુ જાલિમ છે. તે ભલભલા પ્રતિભાવંત લોકોને તોડી નાખે છે. ટેલર એની અપ્રતિમ સંગીત પ્રતિભા અને કુશાગ્ર બિઝનેસ વૃત્તિના આધારે તમામ અડચણો પાર કરીને ટોચ પર પહોંચી છે. ગયા વર્ષે ૨૦૨૩માં એ ને ટાઇમ મેગેઝિનના કવર પેઈજ પર ‘પર્સન ઓફ ધ ઈયર’ ઘોષિત કરવામાં આવી ત્યારે એક ભારતના સમાચાર પત્રોમાં એક સમાચાર છપાયા હતા. ન્યૂજર્સીની એક હોસ્પિટલમાં બ્રેઈન સર્જરી દરમિયાન ડૉકટરે દર્દીને ભાનમાં રહેવા માટે પ્રયાસ કરતા રહેવાનું કહ્યું હતું, અને ચાલુ સર્જરીએ એ દર્દીએ ટેલરનાં ગીત ગણગણવાનું શરૂ કરી દીધું હતું.

કોરોનાની મહામારી દરમિયાન અમેરિકન જ્યારે બંધ પડ્યું હતું અને તેના પ્રવાસન ઉદ્યોગને પારાવાર ઘણું નુકસાન થયું હતું ત્યારે જ્યાં પણ ટેલર સ્વિફ્ટના શૉ યોજાયા ત્યાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો હતો. આનું મુખ્ય કારણ ટેલર સ્વિફ્ટના કાર્યક્રમોમાં દૂર દૂરથી લોકો આવતા હતા. ટેલર જેવી પોપ સ્ટાર અમેરિકા જેવા મોટા દેશના અર્થતંત્ર પર પણ અસર કરી શકે છે.

ટેલર સ્વિફ્ટના ચાહકો એને આજના સમયની દેવી ડાયેના માને છે. પૌરાણિક રોમન કથાઓમાં ડાયેના નામની જંગલની દેવીની કલ્પના છે , જે સમાજનાં બંધનો ફગાવી દઈને હાથમાં ધનુષ-બાણ લઈને જંગલમાં ઘૂમતી રહે છે ને શિકાર કરતી રહે છે.

ડાયનાની જેમ ટેલર સ્વિફ્ટ પણ સ્વતંત્રતાનો પર્યાય બની ગઈ છે. ટેલરે હંમેશાં પુરુષ પ્રધાન સમાજમાં પોતાની કારકિર્દી માટે પોતાની રીતે જ માર્ગ બનાવ્યો છે. એ કહે છે કે પોતાની વાત કહેતાં એ ડરતી નથી.
આપણે ત્યાં એક શબ્દ છે; મંત્રમુગ્ધ. એટલે આભા થઇ જવું, દિગ્મૂઢ થઇ જવું, મોહિત થઇ જવું, વશ થઇ જવું. જરા કલ્પના કરો કે તમે ઘણા પૈસા ખર્ચીને વરસતા વરસાદમાં તમારા ગમતા કલાકારનો જીવંત કાર્યક્રમ જુવો છો. ત્રણ-ચાર કલાક પછી તમે ઘરે જાવ, પછી તમને કશું યાદ ના આવે તો કેવું લાગે? ટેલર સ્વિફ્ટના ચાહકો સાથે આવું થાય છે.

એમનો દાવો છે કે ટેલરનો કોન્સર્ટ જોયા પછી એમને ‘પોસ્ટ-કોન્સર્ટ-સ્મૃતિભ્રંશ’નો અનુભવ થાય છે. મતલબ કે ટેલર એમની પર એવી ભૂરકી છાંટે છે કે દર્શકો-શ્રોતાઓને કોન્સર્ટમાં શું થયું હતું તે યાદ રહેતું નથી. કદાચ એટલા માટે જ ટેલર સ્વિફ્ટ એક ખૂબસૂરત સપના જેવી છે!

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker