ઉત્સવ

આ લે લે! ક્રિકેટ મેચમાં અન્યોને આઉટ આપનાર અમ્પાયરને આઉટ કરાયા!!

વ્યંગ -ભરત વૈષ્ણવ

ગિરધરભાઇ. ગજબ થઇ ગયો!’ રાજુના મોંની ડાકલી ખુલ્લીની ખુલ્લી રહી ગયેલ. રાજુ ભોંચકકો રહી ગયો.. કોઇ સુંદરીને જોયા પછી ઘણા એકતરફી પ્રેમીની આવી દશા થાય છે. જો કે, ગરમીમાં હાંફતા શ્ર્વાનનું મોં પણ આમ જ ખુલ્લું રહે છે. રાજુના નેત્રો વિસ્ફારિત હતા.

કેમ શું થયું રાજુ? સાહેબની મુત્સદ્દીગીરીથી રશિયા યુક્રેન યુધ્ધ આટોપાઇ ગયું??મેં બાઉન્સર ફેંકયો.

ગિરધરભાઇ. યુધ્ધ ચાલું જ છે!! બાઉન્સર બોલ પર સિકસ મારવા જતાં રાજુ લોંગ લેગ પર કેચ આઉટ થઇ ગયો.

રાજુ. હમાસનો સફાયો થઇ ગયો??’ માનો કે સોસાયટીનો કોમન પ્લોટ સાફ કરવા જેટલું આસાન ન હોય તેમ મેં રાજુને પૂછયું.

ગિરધરભાઇ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે તો કચ્છડો બારે માસ પેટર્ન મુજબ રોકેટ બારેમાસ થઇ ગયા છે!!’ રાજુએ નિરાશા વ્યક્ત કરી.

સાહેબની ચાણકયનીતિથી મણિપુર મામલો સુલઝાઇ જતા સાહેબ મણિપુરની મુલાકાતે જઇ રહ્યા છે??’ મે કરોળિયાની જેમ આશાનું જાળું ગૂંથ્યું !
ગિરધરભાઇ કોકડું ગૂંચવાયેલ છે. હમણા પાછી હિંસા ભડકી છે!’ રાજુએ હતાશાથી રડમસ અવાજે કહ્યું.

રાજુ. હવે મારી કલ્પનાશકતિની લિમિટ આવી છે. તારે જે કહેવું હોય તે કહી નાંખ!’ મેં હથિયાર હેઠા મુક્યા.
ગિરધરભાઇ . ક્રિકેટના મેદાન અમ્પાયર્સ મેચનું યોગ્ય રીતે સંચાલન કરતા હોય છે. અમ્પાયરના નિર્ણયથી આખી મેચની દિશા અને દશા નક્કી થાય છે. મેચમાં તો અમ્પાયરનું જ એમ્પાયર હોય. આ બંને ટીમના ખેલાડીઓ ટેસ્ટના પાંચ દિવસ કે વન ડે મેચમાં પૂરો દિવસ ફિલ્ડ પર ન હોય. પરંતુ, અમ્પાયર પૂરેપૂરો સમય મેદાન પર હોય. ઓવર પૂરી થાય એટલે સ્કેવરલેગ અમ્પાયર અને અમ્પાયરની જગ્યા સામસામી બદલાય. ડાબેરી -જમણેરી સ્ટ્રાઇકીંગ બેટસમેન મુજબ સ્કેવર લેગ અમ્પાયરની પોઝિશન બદલાય! અમ્પાયર કેટલીક ડિવાઇસનો ઉપયોગ કરી અમ્પાયરિંગ કરે છે. જેમ કે કાઉન્ટર ડિવાઈઝનો ઉપયોગ અમ્પાયર્સ વિકેટ, ઓવર અને બોલની ગણતરી રાખવા માટે કરતા હોય છે. પહેલાના જમાનામાં પત્થર, ૬ સિક્કાનો ઉપયોગ કરીને અમ્પાયર્સ આવી ગણતરીઓ યાદ રાખતા હતા.

લાઇટ-ઓ-મીટરનો ઉપયોગ મેચ દરમિયાન પ્રકાશ તપાસવા માટે કરવામાં આવે છે. બોલ ગેજનો ઉપયોગ મેચ દરમિયાન બોલની તપાસ કરવા માટે કરવામાં આવે છે. વોકી-ટોકીનો ઉપયોગ ઓન ફિલ્ડ અમ્પાયર્સ થર્ડ અમ્પાયર્સ સાથે સંપર્ક કરવા માટે કરે છે. ધીરે ધીરે આધુનિક વોકી-ટોકીનો કે બ્લૂટૂથનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્નિક-ઓ-મીટરની મદદથી બોલ બેટ્સમેનની બેટને સ્પર્શ કરીને ગયો છે કે નહીં તે તપાસવા માટે કરવામાં
આવે છે.

આ ડિવાઈઝનો ઉપયોગ થર્ડ અમ્પાયર્સ કરતા હોય છે.!’ રાજુએ અમ્પાયરની એહમિયત રજૂ કરી રાજુ., રન આઉટની દરખાસ્તને કાયદાનુસાર ચૂકાદો આપવા માટે ત્રીજા અમ્પાયર અને ટેલિવિઝન પુન: પ્રસારણનો પણ સાઉથ આફ્રિકા અને ભારતની વચ્ચે રમાતી ટેસ્ટ મેચો દરમિયાન ૧૯૯૨માં ઉપયોગ થયેલ. ત્યારબાદ ત્રીજા અમ્પાયરની ફરજોમાં પણ વધારો કરવામાં આવ્યો જેમાં રમતના બીજા પહેલુઓ જેમ કે સ્ટમ્પીંગ, એલબીજબલ્યુ, કેચ પકડાયો છે કેમ , બાઉન્ડરી-સિકસરના નિર્ણયોનો પણ સમાવેશ કરાયેલ.છતાં હાલ સુધીમાં, ત્રીજા અમ્પાયરને એલબીડબલ્યુની દરખાસ્તોના કાયદાનુસાર ચૂકાદો આપવાનું કહેવાતું નથી.’મેં રાજુને નિયમો જણાવ્યા.

ગિરધરભાઇ. ચૂંટણી પંચ સતા પક્ષના વાંજિત્ર બનવાના બદલે તટસ્થ, નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી યોજે તેવી અપેક્ષા રાખવામાં આવે છે તેમ અમ્પાયરો પક્ષપાતી નિર્ણયો ન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. અમ્પાયરો માનવ હોઇ માનવસહજ ભૂલને અવકાશ હોઇ શકે. પરંતું,આખું કોળું શાકમાં જાય તેવું અપેક્ષિત નથી. પાકિસ્તાની અમ્પાયરો અંચાઇ કરવા માટે કુખ્યાત છે. પાકિસ્તાનની ટીમ અગિયાર ખેલાડી સાથે નહીં પણ તેર ખેલાડી -ઇનકલુડિંગ અમ્પાયર્સ- એટલે કે તેર ખેલાડી સાથે રમે છે,એ આરોપમાં દમ છે! અમ્પાયર રિચર્ડ કેટલબરો ભારતીય ટીમ માટે પનોતી કે અશુભ સાબિત થયા છે. રિચર્ડ કેટલબોરો ભારતીય ટીમની ઘણી મોટી હારના સાક્ષી રહ્યા છે. રાજુએ અમ્પાયર વિશે વિગતો શેર કરી.

રાજુ, અમ્પાયર બનવા માટે તમારી નજર ગીધ જેવી ઉત્તમ હોવી જોઈએ, ગેંડા જેવી ફિટનેસ હોવી જોઈએ. ક્રિકેટના તમામ નિયમોની જાણકારી હોવી જોઈએ. ક્રિકેટના મેદાન પર જેમ ખેલાડીઓના પ્રદર્શન ને ધ્યાનમાં લેવામાં આવે છે તેમ અમ્પાયરના પ્રદર્શનને પણ જોવામાં આવે છે. તેમને ચાર ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બીસીસીઆઇ અમ્પાયર બનવાની પરીક્ષા લે છે. તેના આધારે તેમને મેચની ફી ચૂકવવામાં આવે છે. સરકારી બાબુની જેમ અમ્પાયરોની પણ રીટાયરમેન્ટ એજ નક્કી કરવામાં આવી છે. જે મુજબ ફસ્ટ કલાસ ક્રિકેટના અમ્પાયર ૫૫ વર્ષે, વનડે-ટી૨૦ ક્રિકેટના અમ્પાયર ૫૮ વર્ષે, ટેસ્ટ ક્રિકેટના અમ્પાયર ૬૦ વર્ષે રીટાયર થાય છે. ક્રિકેટ જગતે ઘણા યશસ્વી અમ્પાયર આપ્યા છે.પોતાની આગવી સ્ટાઇલ દ્વારા મેદાન પર ચોગ્ગા-છગ્ગા અને આઉટ જાહેર કરવા માટે અમ્પાયર બિલી બોડ જાણીતા હતા. ડીકી બર્ડ, ડેવિડ શેફર્ડ, પોલ રીફેલ, રિચર્ડ એલિંગવર્થ,ઇયાન ગોલ્ડ, વેંકટ રાધવન, કુમાર ધર્મસેના જાણીતા અમ્પાયર છે. ફૂટબોલમાં રેફરી એટલે અમ્પાયર ખેલાડીને યલો અને રેડ કાર્ડ દેખાડી રમતમાંથી દૂર કરી શકે છે. મેં રાજુને દિગ્ગજ અમ્પાયરોની જાણકારી આપી!!

ગિરધરભાઇ. સામાન્ય રીતે મહિલાઓની મેચમાં પુરૂષો અમ્પાયરિંગ કરતા હોય છે! હવે એક મહિલા અમ્પાયર પુરુષોની મેચમાં અમ્પાયરિંગ કરી જેન્ડર ઇકવિલીટીનો ઇતિહાસ રચવાની છે.
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ૩ મેચની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચ દરમિયાન કિમ કોટન નામની મહિલા અમ્પાયરે અમ્પાયરિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે!! જયારે ૧૯૯૫માં પાકિસ્તાન વતી બે વન-ડે રમ્યા બાદ અમ્પાયર બનેલા ઑલરાઉન્ડર નઇમ અશરફ અને તેમનાં પત્ની જાસ્મિન નઇમ એવાં પહેલાં પતિ-પત્ની છે જેઓ આજે ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડની પ્રોફેશનલ મેચમાં એકસાથે અમ્પાયરિંગ કરશે. બ્લેકબર્નથી લોફબરો આવેલું આ અમ્પાયર-દંપતી રેચલ હેહો ફ્લિન્ટ ટ્રોફીમાં લાઇટનિંગ અને વેસ્ટર્ન સ્ટોર્મ વચ્ચેની મેચમાં સજોડે અમ્પાયરિંગ કરેલ હતું! અમ્પાયરિંગ ક્ષેત્રમાં મહિલાઓની ખભેખભા મિલાવીને એલબીડબલ્યુ કરવાની ક્ષમતા વિશે રાજુએ રોચક વાત કહી!!

રાજુ ક્રિકેટમેચમાં અમ્પાયરે પગે પેડ બાંધી, હાથમાં ગ્લોવ્ઝ પહેરી બેટસમેન બની ફટકાબાજી કરવાની હોતી નથી. બોલ હાથમાં લઇ રનર્સઅપ પર દોડી બોલિંગ કરવાની હોતી નથી.
મહાભારતના યુધ્ધમાં એક તરફ નિશસ્ત્ર કૃષ્ણ અને બીજી તરફ અક્ષૌહિણી સેના વચ્ચે પસંદગી કરવાની હતી તેમાં અર્જુને કૃષ્ણ અને દુર્યોધનને સેના પસંદ કરી હતી. છતાં, ભીષ્મ પિતામહે પાંડવ સેનાનો ખુડદો બોલાવ્યો ત્યારે ભગવાન કૃષ્ણ રથનું પૈડું સુદર્શન ચક્રની જેમ ઉગામીને ભીષ્મ પિતામહ તરફ ધસી ગયા હતા.

ક્રિકેટમાં અમ્પાયર નિર્બેટ કે નિર્બોલ હોય છે!! છતાં એક વાર વર્લ્ર્ડ કંપની મેચમાં પ્રેક્ષકો ધસી આવતા ડોન ઓસલર નામના અમ્પાયરે સ્વરક્ષાર્થે સ્ટમ્પ ઉખાડીને પ્રેક્ષકો તરફ ઉગામ્યું હતું . જો કે, તેણે દરિંદા જેવા દર્શકોને ડરાવવા સ્ટમ્પ ઉગામ્યાનો દાવો કરેલ!! મેં રાજુને યુનિક કિસ્સો સંભળાવ્યો.

ગિરધરભાઇ. અમ્પાયર ક્રિકેટ રમતો ન હોય તો પણ તેને આઉટ કરી પેવિલિયનનો રસ્તો દેખાડી શકાય??’ રાજુએ મને મનઘડંત સવાલ કર્યો!!

રાજુ નવા વરસની ઉજવણીનો હેંગ ઓવર ઉતર્યો નથી કે શું? બેટસમેનને આઉટ આપનાર અમ્પાયરને કેવી રીતે આઉટ કરી શકાય?’ મે આઘાત પામી સવાલ કર્યો!!

ગિરધરભાઇ. હમણા એક ન ભૂતો ન ભવિષ્યતિ જેવો બનાવ બની ગયો. અમેરિકન પ્રીમિયર લીગ (અઙક)ની દસ ઓવરની ટુર્નાન્ન્ટની બીજી સિરીઝ મુસા સ્ટેડિયમ, ટેકસીસ ખાતે રમાઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં ૧૯ ટીમો રમી રહી છે. જેની સેમી ફાઇનલ મેચમાં મેદાન પરથી અમ્પાયરોને ભગાડવાને લઈને વિવાદ સર્જાયો છે.

મેદાન માલિકો અને અમ્પાયરો વચ્ચે પેમેન્ટને લઈને વિવાદ વકરેલ.પેમેન્ટ મળ્યા સિવાય અન્પાયરિંગ ન કરવા કે મેદાનમાંથી ડગલું ભર્યું તે ના હટું તે ના હટું તેવી જાહેરાત કરી. પરિણામે આયોજકે પોલીસ બોલાવી. આઇસીસી પેનલ પરના અમ્પાયર વિજય પ્રકાશ સહિત અમ્પાયરોએ પોલીસ સામે દલીલ કરી પોલીસની ડાગળી ચસકતા અમ્પાયરોને હટાવ્યા.

અમ્પાયર ક્રિકેટ મેચમાં ધ્રુવ તારા જેવો અવિચળ કહેવાય. અત્રે અમ્પાયરની ગેરહાજરીમાં આયોજકના ભાઇ અને પ્લેયરોએ અમ્પાયરિંગ કર્યું. કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ વ્યકિત પોતાના કેસમાં જજ બની શકે નહીં એવું કહેવાય છે.પરંતું, પોતે પોતાની મેચમાં અમ્પાયરિંગ ન કરી શકે એવું કયાં કહ્યું છે?રાજુએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો!!

આ દુનિયાની પહેલી મેચ હશે, જયાં, ખેલાડીની હાઉઝ ધેટ?’ અપીલ પર ખેલાડીને આઉટ કે નોટ આઉટ આપનાર અમ્પાયરને જ ખેલાડી નહીં બલ્કે ,આયોજકોની અપીલ પર તમામ પ્રકારે એટલે સ્ટંમ્પાઉટ, એલબીડબલ્યુ, કેચાઉટ, હીટ વિકેટ, માંકડેડ આઉટ, ટાઇમ આઉટ, રનઆઉટ કરવામાં આવ્યા!ફૂટબોલની ભાષામાં સેલ્ફગોલ થયો.કહે છે કે હવે કદાચ ક્રિકેટ જેન્ટલમેન ગેમ રહી નથી!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?