એક હાથ લો, દૂસરે હાથ દો…!
…અર્થાત્ વાટકી વહેવાર કે પરસ્પર પીઠ ખંજવાળવી !
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
હમણાં ચૂંટણી બોન્ડના જારી થયેલા ડેટાના વિવાદમાં, મીડિયામાં એક અંગ્રેજી શબ્દ બહુ ઉછળ્યો હતો; ચીશમ ાજ્ઞિ િીજ્ઞ (ક્વિડ પ્રો ક્વો). તેનો સંદર્ભ એવા આરોપ સાથે હતો કે દેશની અમુક કંપનીએ કરોડો રૂપિયાનાં ચૂંટણી ડોનેશન
આપીને સરકારી કોન્ટ્રાકટ મેળવ્યા છે અથવા તો સરકારી તપાસ એજન્સીઓ તરફથી રાહત
મેળવી છે.
‘ક્વિડ પ્રો ક્વો’ એટલે કશું કામ કઢાવવા માટે એકબીજાની ફેવર કરવી. તમે મારી પાસેથી પૈસા લો અને બદલામાં મને વસ્તુ અથવા સેવા આપો તો તેને એક ઉચિત આર્થિક વિનિમય કહેવાય, પરંતુ એવી લેવડ-દેવડ અનુચિત અથવા ગેરકાનૂની હોય, તો તેને ક્વિડ પ્રો ક્વો કહેવાય. દાખલા તરીકે, એક સેક્સ વર્કર પૈસાના બદલામાં સેક્સ આપે, તો તે વૈધ લેવડ-દેવડ કહેવાય, પરંતુ એક મહિલા ઉમેદવાર નોકરી મેળવવા માટે મેનેજરને સેક્સ આપે તો તે ક્વિડ પ્રો ક્વો કહેવાય.
એક ભાષાનો એક શબ્દ જયારે બીજી ભાષાઓમાં અનુવાદ વગર સ્વીકારાઈ ગયો હોય ત્યારે તેનો સામાન્ય અર્થ એ થાય કે તે ભાષાના લોકો તે શબ્દને બરાબર સમજે છે. ક્વિડ પ્રો ક્વોનું પણ એવું જ છે. મૂળ લેટિન શબ્દ છે પરંતુ અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં તે એટલો ભળી ગયો છે કે લોકો ન તો તેનો અર્થ પૂછે છે કે ન તો તેનું મૂળ પૂછે છે. આવું ઘણા શબ્દો સાથે થાય છે. દાખલા તરીકે, સવાર માટે અને બપોર પછીના સમય માટે અંગ્રેજીમાં અનુક્રમે અખ અને ઙખ વપરાય છે, પણ લોકો ભાગ્યે જ એ જાણવાની કોશિશ કરે છે તેનો અસલી અર્થ શું થાય (અખ એટલે લેટિનમાં ‘એન્ટે મેરિડિયમ’- બપોર પહેલાં, અને ઙખ એટલે ‘પોસ્ટ મેરિડિયમ’- બપોર પછી)
ક્વિડ પ્રો ક્વો લેટિનમાંથી આવે છે અને તેનો શબ્દશ: અર્થ થાય છે- કશુંક માટે કશુંક. આમ તો તે લેવડ-દેવડના અર્થમાં જ વપરાતો હતો, પરંતુ અંગ્રેજી ભાષામાં તેનો પ્રવેશ જુદી રીતે થયો હતો. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી અનુસાર, ૧૫૩૫ની આસપાસ, ઈરામુસ નામના એક લેખકના એકરારનામા (ક્ધફેશન)ના અનુવાદમાં આ શબ્દ અંગ્રેજીમાં ચલણમાં આવ્યો હતો. તેમાં ઈરામુસે ડૉકટર અને કેમિસ્ટ વચ્ચે આ શબ્દ પ્રયોજાતો હોવાનું લખ્યું છે અને તેનો સંદર્ભ દવાઓ આપવા સાથે હતો. ધારો કે તમને પેટમાં દુ:ખે છે અને તમે
ડૉકટર પાસે જાવ છો. ડૉકટર તમને એક દવા
લખી આપે છે. પછી તમે કેમિસ્ટ પાસે જાવ છો પણ તેની પાસે એ દવાને બદલે બીજા નામની
દવા છે.
તમે એક દવાને બદલે બીજી દવા લો તેને ક્વિડ પ્રો ક્વો કહેવાય. આ અદલા-બદલી બેય અર્થમાં હતી- અજાણતાં કે પછી છેતરપિંડીથી. અંગ્રેજીમાં તેનો આ અર્થ બહુ લાંબો ટક્યો નહોતો. ૧૮૦૪માં આવેલી ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીની આવૃત્તિમાં છેલ્લી વાર આ શબ્દનો અર્થ દવાના સંદર્ભમાં હતો.
આ ડિક્શનરી એવી પણ માહિતી આપે છે કે લોકો અનૌપચારિક રીતે કરારપત્રોમાં ‘કશાકના બદલામાં કશુંક’ અર્થમાં આ શબ્દને ૧૫૬૦થી વાપરતા હતા અને આજ સુધી તેનો એ અર્થ જળવાઈ રહ્યો છે. એનો એક બીજો ઓછો પ્રચલિત અર્થ ‘કોઈ વ્યક્તિ પોતે જે છે તેના કરતાં જુદા હોવાનો દંભ કરે તે’ પણ થતો હતો.
લેટિન અર્થ પ્રમાણે, લોકો વચ્ચે ચીજવસ્તુઓની આપ-લે થાય તેને ક્વિડ પ્રો ક્વો કહેતા હતા- જેમ કે, તમે મને ખાંડ આપો અને હું તમને મીઠું આપું. એ અર્થમાં, સુભાષચંદ્ર બોઝે જયારે ‘તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’નો નારો આપ્યો, ત્યારે તેને ક્વિડ પ્રો ક્વો પણ કહી શકાય.
૧૬૫૪માં ક્વિડ પ્રો ક્વોનો ઉપયોગ ધાર્મિક સંદર્ભમાં પણ હતો. ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ પ્રથમના શાસન પર લખાયેલા એક પુસ્તકમાં ઈશુ સાથે એક એવા કરારની વાત છે ‘જેમાં ક્વિડ પ્રો ક્વો વગરનું ખાલી વચન ના હોય.’ ઈશુમાં માનનારાઓએ તેના ‘બદલામાં’ શેતાન અને તેના કામોનો ત્યાગ કરવો પડે.
ઇંગ્લિશ વકીલોને લેટિન ભાષાના શબ્દો, કહેવતો અને મહાવરાઓનો ઉપયોગ કરવાનું બહુ ગ
મતું હોય છે અને એ રીતે જ ૧૬મી અને ૧૭મી સદીમાં ક્વિડ પ્રો ક્વો શબ્દ વસ્તુઓના
વિનિમયના સંદર્ભમાં કાયદાકીય રીતે વપરાવા લાગ્યો હતો.
ઇંગ્લિશ કાનૂની ઇતિહાસની સ્કૂલ ઓફ લોના એક વિદ્વાન અને કાયદાના પ્રોફેસરે ૨૨,૦૦૦ થી વધુ અંગ્રેજી અદાલતના રેકોર્ડ્સનો ડેટાબેઝ બનાવ્યો હતો. તેમાં ખબર પડી હતી કે ૧૪૧૦ અને ૧૪૯૦ની વચ્ચે ૩૫ કેસોમાં ૫૦ થી
વધુ વખત ક્વિડ પ્રો ક્વો શબ્દ આવ્યો હતો. એ કહે છે કે, તે સમયે ક્વિડ પ્રો ક્વોનો સંબંધ લોકોને તેમનાં વચન પાળવા માટે મજબૂર કરવા અંગે
હતો.
સામાન્ય રીતે કરાર લેખિતમાં હોવો જરૂરી હોય છે, પરંતુ ક્વિડ પ્રો ક્વો શબ્દનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે લેખિતમાં કંઈ જ ન હોય. મતલબ જબાન આપેલી હોય- ગુજરાતીમાં એને ‘બાપના બોલથી’ કહેવાય!
મજાની વાત એ છે કે આ શબ્દ તેના ઐતિહાસિક અર્થમાં સકારાત્મક છે. તમે મારું એક કામ કરો અને હું તમારું બીજું કામ કરી દઉં’ તે માનવ સંબંધનો પાયો છે. માનવ સમાજ આ પ્રકારની સહિયારી અને સહકારી ભાવના પર જ વિકસ્યો છે. એટલે આપણે ઉપરોકત જોયું તે પ્રમાણે, ચાહે અંગત વપરાશ હોય, કાનૂની હોય કે ધાર્મિક હોય, ક્વિડ પ્રો ક્વો પારસ્પરિક મદદ કરવાના અર્થમાં હતો. છેક ૧૯મી અને ૨૦મી સદીમાં આવીને તેમાં નકારાત્મકતા અને અપરાધિક ભાવ આવી ગયો હતો. ક્વિડ પ્રો ક્વોને આજે કૌભાંડ, ભ્રષ્ટાચાર અથવા સાંઠગાંઠના સંદર્ભમાં લેવામાં આવે છે.
તેનું કારણ રાજકારણમાં પ્રવેશેલી અનૈતિકતા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેની એક તપાસમાં ક્વિડ પ્રો ક્વો શબ્દ બહુ ઉછળ્યો હતો. એમણે પોતાના કાર્યકાળના અંતે, ચૂંટણી વેળા, એમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર (અને વર્તમાન રાષ્ટ્રપતિ) જો બાઈડન વિરુદ્ધ માહિતીઓ આપવા માટે, યુક્રેનના રાષ્ટ્રપતિને બદલામાં અબજો ડોલરની મિલિટરી સહાય કરવાનું વચન આપ્યું હતું.
ભારતમાં નેતાઓ અને સરકારી અધિકારીઓ પર બેમર્યાદ સંપત્તિ ભેગી કર્યાના આક્ષેપો લાગે છે. તે સિવાય મહિલાઓ પાસેથી જાતીય ફેવર લેવાના પણ મામલા આવતા રહે છે. આને ક્વિડ પ્રો ક્વો
કહે છે.
તેને લાંચ પણ કહી શકાય. જયારે કોઈ લેવડ-દેવડ ખરાબ ઇરાદા પર આધારિત હોય અને પ્રતિકૂળ અસરો પેદા કરે છે ત્યારે તે ‘ક્વિડ પ્રો ક્વો’ કહેવાય. ઉદાહરણ તરીકે, સપ્લાયર કંપની તેના પ્રોક્યોરમેન્ટ મેનેજરને એવી શરતે બોનસ આપે કે મેનેજરે સરકારી ટેન્ડર જીતી લાવવાનું તો તે ક્વિડ પ્રો ક્વો
કહેવાય. તે કંપનીને નુકસાન પહોંચાડે છે અને વ્યવસાયિક સ્પર્ધાને અવરોધે છે એટલે લાંચના દાયરામાં આવે.
ટૂંકમાં, એક હાથે લો અને બીજા હાથે દો અથવા તમે મારી પીઠ ખંજવાળો અને હું તમારી ખંજવાળુ તો તે ક્વિડ પ્રો ક્વો કહેવાય !