ઉત્સવ

ઝબાન સંભાલ કે : નીલકંઠ – નિમાવત – મશરૂવાળા – મંડનમિશ્ર…

-હેન્રી શાસ્ત્રી

વ્યવસાય, સ્થળ કે ગામના નામ અથવા ધાર્મિક ક્રિયાના સંદર્ભમાં અટકો પડી એમ ગુરુના ચેલા પરથી પણ અટક અસ્તિત્વમાં આવી હોવાનું ઉદાહરણ છે. નિમાવત એનું વિશિષ્ટ ઉદાહરણ છે. વિનોદિનીબહેનના કહેવા અનુસાર ‘નિમ્બાર્ક કે નીમાજી નામના ગુરુના ચેલા હોવાથી એમના શિષ્યો નિમાવત કહેવાતા. કાળક્રમે નીમાજી ગુરુની યાદમાં એમના ચેલાઓએ નિમાવત શબ્દ કુટુંબની અટક તરીકે અપનાવી લીધો હતો.’ ગુરુના નામ પરથી સંભવત: આ એકમાત્ર અટક છે.
મશર સંસ્કૃત શબ્દ મિશ્ર પરથી ઊતરી આવ્યો છે. હાલ નેપાળમાં આવેલો જનકપુર વિસ્તાર પૂર્વે મિથિલા નગરી તરીકે ઓળખાતો અને મિથિલા નગરી કે મૈથિલ પંડિતોની અટક મિશ્ર જોવા મળતી હતી.

આજની તારીખમાં સુધ્ધાં ઉત્તર ભારતમાં આ અટક જોવા મળે છે. વિનોદિની નીલકંઠના કહેવા અનુસાર ‘મશર અટક મિશ્ર શબ્દ પરથી ઊતરી આવી છે. આ શબ્દ અન્ય કોઈ શબ્દને અંતે મુકવાથી એ શબ્દ શ્રેષ્ઠાર્થવાચક બને છે.

જેમકે મંડનમિશ્ર.’ બર્નાર્ડ શોના જગવિખ્યાત નાટક ‘પિગ્મેલિયન’ના ગુજરાતી સંસ્કરણ ‘સંતુ રંગીલી’માં પ્રોફેસર હિમાદ્રિ વદન વૈષ્ણવ ભાષાશાસ્ત્રી ડો. બુવારિયાને સંતુને શિક્ષિત કરવાના સંદર્ભમાં કહે છે કે ‘શરત મારવા તૈયાર છું કે આ છોકરી (સંતુ)ને ભાષા શીખવી મંડનમિશ્રની પત્ની બનાવી દઉં.’ મંડનમિશ્ર સર્વ શાસ્ત્રમાં નિપુણ થયો હતો. તેની પત્ની સાક્ષાત સરસ્વતીનો અવતાર ગણાતી હતી અને મંડનમિશ્ર બ્રહ્મનો અંશ મનાતો. એ માહિષ્મતી નગરી (‘બાહુબલી’ ફિલ્મ આવ્યા પછી આ નગરી લોકોમાં વધુ જાણીતી બની)નો નિવાસી હતો.

જોકે, મશરૂવાળા અટકને મશર સાથે કોઈ સંબંધ નથી. મશરૂ એટલે રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટાવાળું લૂગડું. મુસલમાની ધર્મમાં માત્ર રેશમી કપડાં પહેરવાની મનાઈ હોવાથી થોડા રૂના મિશ્રણવાળાં કપડાંનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ગુજરાતી ભાષા વિશ્ર્વમાં કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા જાણીતું અને આદરણીય નામ છે. ગાંધીજીની વિચારસરણીને અનુસરનારા અને કેળવણી ક્ષેત્રે પાયાનું કામ કરનારા વિદ્વાન તરીકે તેમની નામના છે. એમના વડવા મશરૂનો ધંધો કરતા હોવાથી તેમની અટક મશરૂવાળા પડી હતી. વિનોદિનીબહેન નીલકંઠના અભ્યાસમાં તેમની અટક નીલકંઠનો પણ ઉલ્લેખ જોવા મળે છે.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંશોધન ગ્રંથમાળા હેઠળ પ્રકાશિત થયેલા તેમના પુસ્તકમાં જણાવાયું છે કે ‘સુરત નવાબી શહેર હતું ત્યારે એમના કારભારી હતા નીલકંઠ મહેતા. મહેતા તેમની અટક હતી. મહેતા અટકનો વળી અલગ ઈતિહાસ છે અને મહત્તર (મહાનથી વધુ ચઢિયાતો) પરથી ઊતરી આવ્યો હોવાનું કહેવાય છે.

નવાબના કારભારી નીલકંઠ મહેતાના અનેક વંશજો મહેતા તરીકે જ ઓળખાતા હતા. દરેક નાગર મહેતા કહેવાતા. ત્યારબાદ કહે છે કે કુટુંબીજનોએ જ અટક ટૂંકાવી નીલકંઠ કરી નાખી અને પછી એ પરિવાર નીલકંઠ અટકથી જાણીતો બન્યો. નીલકંઠ (શિવજીની ઓળખ) નામ પ્રચલિત છે, અટક સુધ્ધાં છે.


NAME – SURNAME IDIOMS

દક્ષિણ એશિયામાં આવેલો સવા સાત લાખની વસ્તી ધરાવતો ભૂતાન નામનો દેશ છે તો ટચૂકડો, પણ એક વિશિષ્ટ કારણસર વિશ્ર્વ સમસ્તમાં ખ્યાતિ ધરાવે છે. Bhutan’s unique blend of cultural preservation, environmental conservation, and the holistic Gross National Happiness philosophy makes it the happiest country on Earth.

આપણા પાડોશી દેશમાં સાંસ્કૃતિક જતન, પર્યાવરણની દરકાર અને જાળવણી અને જનતાની સુખાકારી જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાથી પૃથ્વી પરના સૌથી ખુશાલ શહેરની નામના ધરાવે છે. Bhutan is also called the land of the Thunder Dragon. સિવાય ભૂતાનને થંડર ડ્રેગનની ભૂમિ પણ કહેવામાં આવે છે. હિમાલયમાંથી ભૂતાનના ખીણ પ્રદેશમાં વીજળી ત્રાટકે છે ત્યારે પ્રકાશનો જે ઝળહળાટ જોવા મળે છે એ દ્રશ્ય રાક્ષસ મોઢામાંથી આગ ઓકતો હોય એવું લાગતું હોવાથી આવી અનોખી ઓળખ મળી છે. ફાસ્ટ બોલરો, વિવિયન રિચર્ડ્સ અને બ્રાયન લારાના ક્રિકેટિંગ કન્ટ્રી તરીકે ખ્યાતનામ વેસ્ટ ઈન્ડિઝ કેટલાક દેશનો સમૂહ છે. એમાંનું એક છે ક્યુબા. Cuba is known as the ‘Sugar Bowl ‘of the world.

ક્યુબા વિશ્ર્વના સાકરના વાટકા કે છાલિયા તરીકે ઓળખાય છે. આવી ઉપમા મળવાનું કારણ એવું છે કે આ દેશ ખાંડ ઉત્પાદનમાં વિશ્ર્વનો નંબર વન દેશ છે. દેશ સ્પેનિશ સત્તા હેઠળ હતો ત્યારથી ખાંડ ઉત્પાદનમાં આ દેશ અગ્રણી રહ્યો છે. વર્ષો સુધી દેશનું અર્થતંત્ર ખાંડના વેપારને લીધે મજબૂત રહ્યું હતું.

યુરોપ ખંડ ૪૪ દેશનો સમૂહ છે. આ બધામાં ઈટલી ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક મૂલ્યોમાં અગ્રણી દેશ માનવામાં આવે છે. ઈટલીનાં બે પ્રખ્યાત શહેર છે રોમ અને વેનિસ. રોમના મૂળિયાં ખૂબ ઊંડાં છે અને અત્યંત પ્રાચીન શહેરમાંનું એક છે.

Italy’s Venice is referred to as the city of canals. વેનિસ ‘નહેરોના શહેર’ તરીકે ખ્યાતિ ધરાવે છે. There are, in fact, 150 canals running through Venice, which makes the city a collection of tiny islands connected by bridges and walkways. શહેરમાં જોવા મળતી સંખ્યાબંધ નહેર શહેરની જાણે કે સોનામહોર છે. વેનિસમાં પાંચ પચીસ કે પચાસ નહીં, બલ્કે ૧૫૦ નહેર વહી શહેરની શોભા વધારે છે. સૌંદર્યનો ગુણાકાર થાય છે અને વેનિસ ટાપુઓના શહેર જેવું પ્રતીત થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button