ઝબાન સંભાલ કે : પડવો: પખવાડિયાનો પ્રથમ દિવસ

- હેન્રી શાસ્ત્રી
આજે ચૈત્રી સુદ એકમ. કહેવા માટે મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ – ગૂડી પડવો છે. એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજય મેળવી જે દિવસે અયોધ્યા પાછા ફર્યા એ દિવસે ચૈત્ર સુદ એકમ હતી. શ્રી રામના વિજયાગમનને વધાવવા અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગૂડી, તોરણો બાંધી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ મહત્ત્વની જાળવણી કરી ચૈત્રસુદ એકમે (પડવો) આ તહેવાર દર વર્ષે ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગૂડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં છે. ભગવદ્ગોમંડળ અનુસાર પ્રતિપદા એટલે એકમ તિથિ, પખવાડિયાનો પહેલો દિવસ, પડવો. ચંદ્ર સૂર્યની નજદીક આવી તરત જ પૂર્વ તરફ જવા માંડે એટલે પ્રતિપદા તિથિનો આરંભ થાય. નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. આ દ્રષ્ટિકોણથી વર્ષના કેટલાંક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે ઓળખાય છે જે સાડા ત્રણ મુહૂર્ત જાણીતા છે. ગુડી પડવાનો દિવસ આ સાડાત્રણ મુહૂર્ત પૈકી એક છે. આ સાડાત્રણ મુહૂર્તમાં અક્ષય તૃતીયા (અથવા અખાત્રીજ) – વૈશાખ સુદ એકમ, આખો દિવસ, ગૂડી પડવો – ચૈત્ર સુદ એકમ, આખો દિવસ, દશેરા – આસો સુદ દસમ, આખો દિવસ અને નૂતન વર્ષ – કારતક સુદ એકમ, અડધો દિવસનો સમાવેશ થાય છે. અનેક લોકો ચૈત્ર સુદ એકમના દિવસની શરૂઆત કડવા લીમડાનાં પાન ખાવાથી કરે છે. આ પ્રથા પડવાનું કારણ એ છે કે આ સમયની આસપાસ જ કડવા લીમડાને નવા પાન ફૂટેલા હોય છે. તેના કૂમળા પાન લઇ તેમાં સાકર, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટી આરોગવામાંઆવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે. એક જૂનો રૂઢિપ્રયોગ છે જે આજની તારીખમાં અપ્રસ્તુત લાગી શકે છે. લીમડે લટકવું એટલે અવગતિ થવી. માબાપની પાછળ ઉત્તર ક્રિયા ન કરવામાં આવે ત્યારે તેનાં માબાપ તો લીમડે લટકે છે એવું અસલના વખતમાં કહેવાતું હતું. અલબત્ત વિજ્ઞાનના વિસ્તાર સાથે આ કહેવત હવે કાળબાહ્ય બની ગઈ છે.
રાષ્ટ્ર भाषा
आहत – आहट
હિન્દીમાં એવા કેટલાક શબ્દો છે જેનો અંત્ય અક્ષર બદલવાથી અર્થમાં આસમાન જમીનનો ફરક આવી જાય છે. એના વપરાશમાં ચૂક અનર્થ સર્જી શકે છે. એક ઉદાહરણ છે आहत – आहट. आहत का अर्थ होता है घायल, ज़ख्मी। આહત અને આહટ શબ્દમાં ફરક છે અંત્ય અક્ષરનો. આહતનો અર્થ થાય છે ઘાયલ અથવા જખ્મી. उस युद्ध में ४०० सिपाही आहत हुए. પેલા યુદ્ધમાં 400 સિપાહી ઘાયલ થયા કે જખ્મી થયા. आहट का अर्थ होता है किसी के आने-जाने, बात करने, हिलने-डुलने से उत्पन्न हुई मंद ध्वनि, पदचाप। કોઈની આવન જાવનથી કે હલવા – ડોલવાથી જે મંદ ધ્વનિ ઉત્પન્ન થાય એ આહટ કહેવાય છે. ગુજરાતીમાં એને માટે અત્યંત મીઠડો શબ્દ છે પગરવ. हिंदी में पदचाप कहते हैं. ઉમાશંકર જોશીની સરસ મજાની કવિતા છે કે પ્રભુ, તારો પગરવ જરી સુણાય, વનવનવિહંગના નાદે, મલયઅનિલના કોમલ સાદે. વિહંગ એટલે પક્ષી અને મલયઅનિલ એટલે પહાડ પરથી વહેતો પવન. આ બધા વિશિષ્ટ ધ્વનિમાં કવિને પ્રભુનો પગરવ સંભળાય છે. आहट शब्द का बेहतरीन दर्शन कैफ़ी आज़मी के गीत की पंक्तियों में होता है. કવિ અને ગીતકાર કૈફી આઝમીએ ફિલ્મ ‘હકીકત’ માટે લખેલા ગીતમાં આહટ શબ્દનું સુંદર દર્શન થાય છે. ज़रा सी आहट होती है तो दिल सोचता है, कहीं ये वो तो नहीं, कहीं ये वो तो नहीं. સહેજ અમથો કોઈના ચાલવાનો અવાજ (પગરવ) થયો અને મનમાં એવી લાગણી થઈ કે એ (પ્રિયતમ) આવ્યા લાગે છે. ત અને ટ અક્ષરનો કેવો તરખાટ.
સગ્ગી बहिण
म्हणी मागची कथा
કહેવત પાછળની કથા સમજણ અને જ્ઞાનનો વિસ્તાર કરે છે. सुसर बाई तुझी पाठ किती मऊ! કહેવત પાછળ રહેલી કથાનો આસ્વાદ લઈએ. સુસર બાઈ એટલે માદા ઘડિયાલ (મગર વર્ગનું પ્રાણી જે મગરમચ્છ તરીકે પણ ઓળખાય છે). કથા અનુસાર એક શિયાળને નદી પાર કરી સામે કાંઠે જવું હતું, પણ તરતા નહોતું આવડતું. एटले પાણીમાં માદા ઘડ઼િયાલ જોઈ કહ્યું કે ‘મને સામે પાર લઈ જા તો ત્યાં સાચવી રાખેલી એક મજેદાર વસ્તુ ખાવા આપીશ’. ઘડ઼િયાલ ભોળવાઈ ગઈ. તરત શિયાળને પીઠ પર બેસાડી સામે પાર જવા લાગી. પીઠ પર સવાર શિયાળે મધમીઠી ભાષામાં સ્તુતિ શરૂ કરી દીધી. કહેવા લાગ્યો કે ‘મગરીબાઈ, તારી પીઠ કેવી? રૂની રજાઈ જેવી. તારી ચામડી કેવી? અત્યંત સુંવાળી. તારી આંખો કેવી? માખણના ગોળા જેવી. તારું નાક કેવું? નાજુક નમણી નાર જેવું.’ આમ શિયાળે પોતાનો સ્વાર્થ સાધવા અતિશયોક્તિ કરી સાવ ખોટી પ્રશંસા માદા ઘડિયાલની કરી. હરખાતી ને પોરસાતી ઘડિયાલ ઝડપ કરી સામે કાંઠે પહોંચી ગઈ. કિનારે ઉતરતાંવેંત શિયાળ એક પળ રાહ જોયા વિના નાસી છૂટ્યું અને ઘડિયાલ મજેદાર વસ્તુ ખાવાથી વંચિત રહી ગઈ.
ENGLISH વિંગ્લિશ
MEANING CHANGE
ભાષા સતત બદલાતી રહે છે. શબ્દના અર્થમાં પણ સમય સાથે ફેરફાર થતા રહે છે. અંગ્રેજીમાં એવા ઘણા શબ્દો છે જેના અગાઉના અર્થ જાણીએ તો મોઢું આશ્ચર્યથી પહોળું થયા વિના ન રહે. ઉદાહરણ જાણવાથી વાત સ્પષ્ટ થશે. Everyone is familiar with word NICE. It means Pleasant, Enjoyable or Attractive. અંગ્રેજી શબ્દ નાઈસથી તો લગભગ બધા જ વાકેફ હશે. આ શબ્દના વિવિધ અર્થ સુખદ, આનંદદાયક કે આકર્ષક થાય છે. Tour of Switzerland was a NICE (pleasant) experience. સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસનો અનુભવ સુખદ રહ્યો. The afternoon spent at park was NICE (enjoyable). બપોરે પાર્કમાં બેસવાનો અનુભવ આનંદદાયક રહ્યો. Heroine looks NICE (attractive) in wedding gown. વેડિંગ ગાઉનમાં હિરોઈન આકર્ષક લાગે છે. When we know the original meaning of NICE, you will be flabbergasted. નાઈસ શબ્દનો મૂળ અર્થ જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. When NICE came into English in the 14th century it meant FOOLISH. 14મી સદીમાં નાઈસ શબ્દનો અર્થ મૂર્ખાઈભર્યું એવો થતો હતો, બોલો. Over seven hundred years it has changed its meaning from ‘foolish’ to ‘shy’, then to ‘dainty’, from there to ‘delightful’ and to our modern meaning of ‘giving pleasure or satisfaction’. Some shift! 700થી અધિક વર્ષ દરમિયાન આ શબ્દના અર્થએ કરવટ બદલી છે. મૂર્ખાઈભર્યુંથી શરૂઆત થઈ પછી શરમાળ એવો અર્થ ધારણ કર્યો. ત્યારબાદ નાનકડું પણ સુંદર એવો અર્થ થયો. એના પછી રમણીય અર્થ કરવામાં આવ્યો અને 17મી સદી દરમિયાન આજે પ્રચલિત છે એ સુખદ, આનંદદાયક કે આકર્ષક અર્થ અસ્તિત્વમાં આવ્યા અને આજે પણ ટકી રહ્યા છે.
આ પણ વાંચો: ટ્રાવેલ પ્લસ : કલા, આધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર