ઝબાન સંભાલ કે : ચોળિયા-કસોટિયા-ગોસલિયા

-હેન્રી શાસ્ત્રી
વિનોદિની બહેન નીલકંઠે ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં ખૂબ જહેમત ઉઠાવી પદ્ધતિસરની સામગ્રી રજૂ કરી છે. પુસ્તકમાં તેમણે જણાવેલી વિગતો વધુ લોકો સુધી પહોંચે એ આશય સાથે આ રજૂઆત કરી છે. કિલ્લાની સાચવણીની જવાબદારી નિભાવનારા લોકો ગઢવી કહેવાતા.
ગઢ એટલે કિલ્લો અને એના પરથી ગઢવી અટક અસ્તિત્વમાં આવી. હવે તો રાજાશાહી નથી રહી કે નથી રહ્યા કિલ્લા. અમુક તો ખંડેર જેવી હાલતમાં ભવ્ય ભૂતકાળની ર્જીણ અવસ્થા જેવા છે. એ કિલ્લાને સાચવવાની જવાબદારી પણ નથી. તેમ છતાં ગઢવી અટક અકબંધ રહી છે.
સાપ ગયા પણ લિસોટા રહી ગયા એમ તમે કહી શકો. ગોસલિયા અટકને ગો-ગાયમાતા સાથે નાતો છે. આ લોકો ગૌશાળા રાખી મોટી સંખ્યામાં ગાયોનું જતન કરી તેમને સાચવતા અને એટલે ગોસલિયા કહેવાયા. આજે ગૌશાળા છે, પણ એ ચલાવનારા ગોસલિયા જ હોય એ જરૂરી નથી.
ઓછી જાણીતી અટક ચોળિયા વિશે આ પુસ્તકમાં રસપ્રદ જાણકારી આપવામાં આવી છે. ચોળિયું કપડું વેચનારા ચોળિયા કહેવામાં આવે છે. ભગવદગોમંડળ અનુસાર ચોળિયું એટલે પાણકોરાની જાતનું રાતું મજબૂત કાપડ. પાણકોરું એટલે એક જાતનું ગજિયા જેવું જાડું સુતરાઉ કાપડ અથવા જાડી ખાદી. જેને ઝટ પાણી અડે નહીં એવું કપડું. આ કપડાં પરથી પાણી સરી જાય. ગાંધીજીના પ્રકાશન ‘નવજીવન’માં સંઘના સભ્યો પૂર્વે ખેતીનું કામ કરતા ત્યારે પાણકોરાને નામે પ્રસિદ્ધ થયેલી ખાદી પહેરતા એવો ઉલ્લેખ છે. વિનોદિની બહેનના કહેવા અનુસાર ચોળિયા પરિવારની પોતાની એવી માન્યતા છે કે અમદાવાદની પોળોમાં ચોરા પર બેસવાનો અધિકાર અમુક પરિવાર પૂરતો સીમિત હતો. અહીં જે લોકો હકથી બેસતા એ લોકો ચોરિયા કહેવાતા હતા.
કાળક્રમે ચોરિયાનું રૂપાંતર થઈ ચોળિયા અટક વ્યવહાર માં રૂઢ થઈ ગઈ. અગાઉના મદ્રાસ શહેરમાંથી જે લોકો વેપાર અર્થે બ્રહ્મદેશ (આજનું મ્યાનમાર) ગયા એ લોકોને આ ચોળિયા ઉપનામ આપવામાં આવ્યું હતું. રંગૂન શહેરમાં ચોળિયાઓની ઘણી દુકાનો જોવા મળે છે.
આવી જ એક ઓછી જાણીતી પણ વ્યવસાયને કારણે પડેલી અટક છે કંકોડીવાળા. કંકોડી એટલે એક જાતની વેલ જેને કંકોડાની વેલ પણ કહે છે. આ વેલ પહાડી જમીનમાં ઊગે છે. તેના પર વરસાદ પડતાં અંકુર ફૂટી વેલા થાય છે. એનું મૂળિયું સુગંધી હોય છે. એની ખાસિયત એ છે કે એ ક્યારેય સડી નથી જતું.
Also read :ચાઇનીઝ કોથમીર – આદું- મીઠો લીમડો ને દાતણ બજારમાં ક્યારે આવશે ?
આ કંકોડી વેચનારા કંકોડીવાળા તરીકે ઓળખાયા. બીજી એક વ્યવસાયલક્ષી અટક છે કસોટિયા. સોના રૂપાની પરખ કરનારાને કસોટિયા કહે છે. સોના અને રૂપાનો કસ (અર્ક અથવા સત્ત્વ) પારખવાનું કે ઓળખવાનું કામ એ લોકો કરતા હતા અને એટલે તેમની આ અટક પડી. બાપદાદા એ ધંધો કરતા હતા અને આજની પેઢીને એ વ્યવસાય સાથે દૂર સુધી કોઈ નિસબત ન હોવા છતાં અટક જાળવી રાખી છે.
NICKNAMES OF COUNTRIES
હાલ ભારતીય ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયા પ્રવાસે છે. કાંગારું, સિડની હાર્બર અને સર ડોન બ્રેડમેનના દેશ તરીકે આપણે એને વર્ષોથી ઓળખતા આવ્યા છીએ. ઑસ્ટ્રેલિયા માત્ર દેશ નથી, એક ખંડ છે અને સાત ખંડમાં સૌથી નાનો છે.
આ દેશનું ‘નિક નેમ’ એટલે કે હુલામણું નામ પણ છે. Australia has the title of THE LAND OF GOLDEN FLEECE. આ વ્યાખ્યામાં અંગ્રેજી શબ્દ ફ્લીસ છે જેનો અર્થ થાય છે ઊન. સ્કૂલમાં તમે કવિતા ભણ્યા હશો Mary had a little lamb, its fleece was white as snow. મેરી નામની છોકરી પાસે એક નાનકડું ઘેટું હતું જેના શરીર પરનું ઊન બરફ જેવું સફેદ-શ્વેત હતું. ઑસ્ટ્રેલિયામાં મેરિનો જાતિના ઘેટાં થાય છે અને આ ઘેટાનું ઊન એકદમ મુલાયમ હોય છે અને વિપુલ માત્રામાં ઊન મળે છે. ગોલ્ડન-સોનેરી શબ્દ કેમ જોડાયો? ઑસ્ટ્રેલિયામાં Wattle flower ખૂબ જોવા મળે છે. આ ફૂલ સોનેરી રંગના હોય છે. આ બે કારણસર ઓસ્ટ્રેલિયા THE LAND OF GOLDEN FLEECE તરીકે ઓળખાય છે.
આ સિવાય Country DOWN UNDER એવી પણ એની પહેચાન છે. આ નામ મળવાનું કારણ એમ છે કે પૃથ્વી બે ગોળાર્ધમાં વહેંચાયેલી છે: ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ (Northern Hemisphere – Southern Hemisphere). ઓસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત છે અને નકશામાં આ દેશ સૌથી નીચલા હિસ્સામાં હોવાથી આ દેશ ‘ડાઉન અન્ડર’ પણ કહેવાય છે. ઓસ્ટ્રેલિયાની પડોશમાં આવેલો ટચુકડો દેશ ન્યૂઝિલૅન્ડ ક્રિકેટ અને રગ્બી જેવી રમતો ઉપરાંત કિવી નામના પક્ષી માટે તેમજ Land of the Long White Cloud જેવી નામના પણ ધરાવે છે. સફેદ વાદળાની ઓળખ જોડાઈ એનું કારણ એવું છે કે ઈ. સ. ૧૮૯૮માં વિલિયમ રિવ્સ નામના રાજકારણીએ ન્યૂ ઝિલૅન્ડનો ઇતિહાસ લખ્યો હતો અને એમાં એનું વર્ણન Aotearoa તરીકે કરવામાં આવ્યું હતું.
Also read: ફોકસ: બીજાં પાંચ ‘હરિયાણા’ મળે તો ભારત ઑલિમ્પિકમાં પાવર હાઉસ બની જાય
ન્યૂઝિલૅન્ડની માઓરી ભાષામાં એનો અર્થ વાદળાનું ગઠન એવો થાય છે અને એની મદદથી પોલિનેશિયન લોકોને દેશ ખોળી કાઢવામાં મદદ મળી હતી. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ન્યૂ ઝિલૅન્ડના સૈનિકોને ‘કિવી’ તરીકે સંબોધન કરવામાં આવતું હતું અને કાળક્રમે એ તેમની ઓળખ બની ગયું. કિવી પક્ષીની માફક ન્યૂ ઝિલેન્ડના રહેવાસીઓ અનોખા, ડાર્ક પરિસ્થિતિમાં ગોઠવાઈ જાય એવા અને થોડા વિચિત્ર હોય છે.