ઉત્સવ

ટેબલ એપલ પેની

ટૂંકી વાર્તા – મધુ રાય

ન્યુરોલોજિસ્ટ ડોક્ટર ખાને હરિલાલને કહ્યું કે હું તમને ત્રણ વર્ડ્ઝ આપું છું. થોડા વખત પછી પૂછીશ કે ક…યા/ ત્રણ વર્ડ/ હતા…?

હરિલાલે માથું હલાવ્યું, ઓક્કે. ડોક્ટરે મુઠ્ઠી વાળીને એક-એક આંગળી ખોલતાં કહ્યું, ટેબ…લ, / એપ…લ,/ પે…ની!

હરિલાલ અમસ્તાં ડાક્ટરને કહેવા લાગ્યા, ઈ તો આજથી દસ વરસ પછી બી તમે પૂછશો તો હું રાઈટવે કહી શકીશ ટેબલ એપલ પેની. પોબલેમ સું છે કે નોરમલ કોર્ષમાં કોઈ પોતાનું નામ કહે તો બે મિનિટમાં હું ભૂલી જાઉં છું. હમણાં જ તમારી રિસેપ્શનિષ્ટનું નામ પૂછેલું પણ એણે જેની કહેલું કે જાસ્મિન કે જેસિકા ધેટ આઈ ફરગેટ.

ડો. ખાને હરિલાલની ખોપરી તરફ ઈશારો કરતાં જોક્સ મારી, કે દાદા, ઈ તો એઈજની વાત છે, યાહ? જુવાનીના ટાઈમમાં તો તમને આખે આખી નોવેલ યાદ રહી જતી હશે. હરિલાલને ગુસ્સો આવ્યો, કોઈ બી ડોક્ટર પાસે કાંઈ બી વાત લઈને જાઓ ત્યારે મારા બેટા ઈ બધા ઈલાજ કરવાને બદલે તમારી એઈજની પત્તર ફાડે.

ખોરાક ઓછો થઈ ગયો છે?

હવે ઉમ્મર થઈને, સાહેબ.

રાતે બહુવાર ઊઠવું પડે છે?

આ એઈજમાં પછી એવાં બધાં કોમિક થવાનાં.

પેચોટી ખસી ગઈ છે.

દાદા, હવે ગઢપણમાં સહેજ ઓગણીસવીસ તો રેવાનું.

હાળાં તમે કોય ગૈઢા નથી થા+તા? હરિલાલને હજીયે સિનેમાના ડાયલોગ ટોપટુબોટમ મોઢે રહી જાય છે. ક્યા તુમ્હારા ખૂન ખૂન હૈ ઓર હમારા ખૂન પાની? અનારકલી કો રિહા કર દિયા જાય! ગાઈડ મૂવીના સીનબાયસીન ડાયલોગ ટોટલ બાયહાર્ટ. હજી ત્રણચાર માઈલ ચાલવામાં કોઈ પોબલેમ નથી. ને આ એક શોર્ટટાઈમ મેમોરીનો બાવો તો લોન્ગટાઈમથી ધૂણે છે. ગયા સનિવારે કેનેડાથી ગ્રાન્ડસન પહેલીવાર પગે લાગવા આવેલો તો એનું નામ જ યાદ ન આવે. બેટા બેટા કહીને કેરિઓન કરવું પડેલું.

ડાક્ટર સાહેબ, હરિલાલે લાફિંગલી લાફિંગલી કહ્યું, ડાક્ટર સાહેબ, તમને યાદ નહીં હોય પણ બે વરસ પહેલાં હું તમારી પાસે આવેલો. ને તમારી ભેગી એક ધોળી છોકરી ડોક્ટર પણ તમારા ભેગી ઈન્ટર્નનું કરતીતી. ઈ વાત વાતમાં મારા સાથળ ઉપર થાપો મારતીતી.
વ્હૂ? વેરોનિકા? ડાક્ટરે સહેજ ઝંખવાણા થઈને કહ્યું. ને મનમાં કહ્યું, હા હા, ઈ તનેયે જલસા કરાવતી હસે, ડામીચ. ડામીચે હરિલાલને ગૈઢો કહ્યાનું વેર વળી ગયું.

તો હવે? હરિલાલે પૂછ્યું. મેમોરીનું સું કરસું?

ડાક્ટરે કમ્પ્યુટરના માઉસને સહેજ અડી લીધું. તમે ક્રોસવર્ડ પઝલ કરો. મેમોરીની ગેઈમ્સું રમો. કોઈનું નામ પૂછો એની સાથે કાંઈક જોડીને યાદ રાખ રાખો. નામ હોય રોબર્ટ તો યાદ રાખવું કે લાઇક રોબર્ટ કેનેડી. નામ હોય જેની, તો યાદ રાખવું જેની લાઇક પેની.

ઈ બધું થઈ ચૂઈકું છે, ડાક્ટર.

વેલ, તો પછી મગજનો એમારાઈ કરાવો. અંદર કાંઈ ઓર્ગેનિકલી રોંગ હોય તો ખબર પડે, યુ નો? ડોક્ટરે પોતાના મગજ ઉપર ચળ કરી. ધત્ત! હજાર ડોલરનું આંધણ? ફરગેટ ઈટ! હરિલાલે મનમાં ને મનમાં ડોક્ટરની બહેનને બેડ વર્ડ કહ્યા.

તેનું મોઢું જોઈને ડોક્ટર ખાનગી વાત હોય તેમ બોલ્યા, તમારે હજાર ડોલર ન ખરચવા હોય તો એક લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપાય છે પણ ઈ હજી સરકારે એપ્રૂવ કર્યો નથી, ઓકે? તમે ઇચ્છો તો એના ટેસ્ટિંગમાં ભર્તી થઈ શકો, પણ ઈ આપણું ટોપ સિક્રેટ, હોંકે? હરિલાલે માથું હલાવ્યું, હોંકે.

આજુબાજુ જોઈને ડોક્ટરે હરિલાલને ફિંગડી પકડીને ઊભા કર્યા. અંદરના રૂમમાં લઈ જઈને કહે કે એ ઈલાજનું નામ છે, ડીએનએ સ્પ્લાઈસિંગ. હરિલાલને ખબર હતી કે ડીએનએ શું હોય પણ ડીએનએનું સ્પ્લાઈસિંગ થાય?

ઓહ યસ, ડોક્ટરે ઇંગ્લિસમાં હા પાડી. તમે જોજોને, થોડા ટાઈમમાં યુ કેન ચેન્જ યોર આઈ કલર, યોર હેર, ઈવન યોર હાઈટ. હરિલાલની હાઈટ બાબત કોઈ બોલે તો બી એને માઠું લાગી જતું. પણ હમણાં લેટગો કર્યું.

ડોક્ટરે ઇંગ્લિસમાં ચાલુ રાખ્યું કે એક બેક્ટિરિયા બેઈઝ્ડ જિન થેરેપી છે જેને ‘ક્રિસ્પર’ કહેવાય છે, સી.આર.આઈ.એસ.પી.આર, ક્રિસ્પર. ડોક્ટરે એક મેગેઝિન બતાવ્યું. એમાં એની ડિટેલ્સું હતી. હવે પછીના જમાનામાં માણસ જન્મે એવો ને એવો જ આખી જિંદગી સફર કરે; ઓલ ધેટ વિલ બી આઉટડેટેડ. તમારા ડીએનએ’ને કટ એન્ડ પેસ્ટ કરીને યુ કેન ડુ એની થિંગ. યુ કેન બી એનીથિંગ. યુ કેન લુક લાઈક હૃત્તિક રોશન. ને મજા ઈ છે, કે તમારા જે-તે ડીએનએ ગડબડ કરતા હોય તેને કાપીને એમાં સુધરેલા ડીએનએ જોડી દઈએ એટલે ઐશ્વર્યા રાય તમારી વાંહે વાંહે ફરવા લાગે. હરિલાલને ‘કોઈ જે-તે’ જેવા વર્ડઝ વાપરે તો કંટાળો આવતો. પણ આ ઐશ્વર્યાવાળી વાત ગમી.

ડોક્ટરે પંજો ગોળ ફેરવી ઉમેર્યું, ને યુ નોવ વ્હોટ? તમારા સુધરેલા ડીએનએ’ઝ આર પરમેનન્ટલી યોર્સ. તમારાં બેબીઝ બી બધા હૃત્તિક રોશનના કાકા જેવા બ્યૂટિફુલ થાય, હોંકે? “હ્યુમન્સ વર્ઝન ૨.૦.

તો બધા ઈ ક્રિસ્પર કેમ નથી કરાવતા?

બાબા, કરાવે છે, સિક્રેટલી! સ્ટ્રોકથી અપંગ થઈ ગયેલા હોકી પ્લેયર્સ મેક્સિકો જઈને એના સ્પાઈનલ કેનાલમાં સ્ટેમ સેલના ઈન્જિક્સન લ્યે છે. બાયડીયું બોટુલિનમ ટોક્સિનના રગડા ચહેરામાં કે કુલ્લામાં પંપ કરાવે છે. કોકોક વાર એની સિમેન્ટનું પોયઝન હોરર મૂવી જેવું કામ કરે છે. ઈ રિસ્ક રહે છે. એટલે વાયડા અમેરિકાવાળા કહે છે કે કુદરત સાથે એવા અખતરા ન કરાય. સુપર રેઈસ બુપર રેઈસની મથાકૂટ થાય. કોઈ ગેરલાભ લ્યે. સાચા હૃત્તિકને બદલે ડુપ્લિકેટ હૃત્તિક ઐશ્વર્યાને બાયણે ઊભો રહે ને એવું બધું. ઈ ટ્રીટમેન્ટ ટોટલી સેઈફ ન થાય ત્યાં સુધી સરકાર રજા ન આપે.

હરિલાલ ડાક્ટરની સામું જોઈ રહ્યા.

ડોક્ટરે દોસ્તારીના અવાજે કહ્યું: અરે મુંઝાવ નહીં, જિગર! બ્રિટનમાં એક લાયલા નામની એક વરસની છોકરીને લ્યુકેમિયા થયેલો. કોઈ ઈલાજમાં સકસેસ ન મળતાં ડોક્ટરોએ જિન થેરેપી કરીને તો સાજી થઈ ગઈ છે. ને ચીનમાં જિન થેરેપીથી એક કૂતરાને દારાસિંગ જેવા મસલ્સવાળો કરી દેવાયો છે. ને દુનિયાભરના એથલીટ વાટ જોવે છે કે અમારો વારો ક્યારે આવશે! એકાદ બે વરસમાં બ્લાઈન્ડનેસનો ઈલાજ પણ હાથવેંતમાં હશે. ડોન્ટ વરી, ડોન્ટ વરી. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button