ઉત્સવ

ચા-ખાંડ ને સહાનુભૂતિ

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

મને છેલ્લા કેટલાય મહિનાઓથી ચા અને ખાંડના સમાચાર ખૂબ જ મૂંઝવી રહ્યા છે. બંને મોરચે કંઈક ગડબડ ચાલી રહી છે એટલે મને શંકા છે કે આવતા શિયાળામાં મહિનામાં ચા મોંઘી થઈ જશે અને ચા મળશે તો પણ એને માણવાની મજા નહીં આવે.

મારા જેવા લોકો, જે ખરાબ દિવસોમાં ખરાબ ચા અને સારા દિવસોમાં સારી ચા પીને પોતાની ઐયાશીનો વિસ્તાર વર્ષોથી એક કપ ચા સુધી જ સીમિત રાખ્યો હોય છે, એવા લોકો ચા અને ખાંડના ભાવવધારા વિશેના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખી છે અને લાચારી અનુભવે છે.

બહુ પહેલા મેં છાપામાં વાંચ્યું હતું કે આ વર્ષે હરાજીમાં આપણી સારી ગુણવત્તા અને સ્વાદવાળી ચાને વિદેશી કંપનીઓએ ખૂબ ઊંચા ભાવે ખરીદી લીધી છે. આ દુ:ખ મને વર્ષોથી પરેશાન કરી રહ્યું છે કે આપણે ભારતીયો આપણા દેશમાં સારી ગુણવત્તાવાળી ચા ઉગાડીએ છીએ, છતાં આપણે ક્યારેય એને પી નથી શકતા. હવે જો એ ચા પીવી હોય તો છેક વિદેશ જવું પડે. ત્યાં કદાચ સારી ભારતીય ચા પીવા મળી જાય છે. આ વર્ષે હરાજીના ભાવમાં થયેલા વધારાને કારણે એ આશા તો છોડી જ દીધી છે કે આપણને સારી ચા પીવા મળશે.

એ જ રીતે ખાંડના મામલામાં શરૂઆતથી જ ડરામણા સમાચાર આવ્યા કે આ વર્ષે ઉત્પાદન ઓછું છે. બે જ મહિનામાં ખાંડના ભાવ ઝડપથી વધ્યા અને વળી કેટલાંક દોઢ ડાહ્યા લોકોએ નિવેદનો આપ્યાં કે ભાવમાં આવો વધારો તો સ્વાભાવિક છે. હું સમજી ગયો કે હવે ધીમે ધીમે એક કપ ચા પણ મોંઘી પડશે, પણ હવે વિદેશથી ખાંડ આયાત કરીને ભારતીય બજારમાં ઠાલવવામાં આવી છે એટલે જો કે ભાવમાં થોડો ઘટાડો થશે પણ શું છે કે એકવાર જે ચીજ વસ્તુની કિંમત વધી જાય પછી એના ભાવ ઘટશે એવી આશામાં હવે હું નથી જીવતો. એક વખત વધી ગયેલા ભાવ ક્યારેય ઘટતા નથી. જે વેપારીને એક વખત મોંઘા ભાવ લેવાની આદત પડી જાય છે એ એક અથવા બીજા બહાને એ જ ભાવ ચાલુ રાખે છે એટલે મારું અનુમાન છે કે આ શિયાળામાં દિવાળીની મીઠાઈઓ બન્યા પછી ખાંડના ભાવ ફરી વધી જશે.

આમ ખાંડ મોંઘી- ચાની પત્તી મોંઘી, એટલે એક કપ ચા ચોક્કસ મોંઘી થશે જ. ચાના સહારે પ્રેરણા મેળવીને લખનારા મારા જેવા લેખકો માટે ભવિષ્ય બહુ સુખદ નથી લાગી રહ્યું. મને એ નથી સમજાતું કે જ્યારે સરકાર દારૂ પીનારાઓ માટે દરેક પ્રકારની શરાબની યોગ્ય વ્યવસ્થા કરે છે અને શરાબીઓને ફરિયાદ કરવાની તક આપતી નથી તો પછી અમારા જેવા નિર્દોષ ચા પીનારાઓને મોંઘી ને ખરાબ ચા પીવા માટે શું કામ ફરજ પાડે છે?

આપણાં રેલવે સ્ટેશનો અને ટ્રેનો, આનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે, જ્યાં વિશ્ર્વની સૌથી ખરાબ ચા પીવા મળે છે. હું માત્ર એ સમજવા માગું છું કે આ બાબતમાં સરકારનો દ્રષ્ટિકોણ શું છે અને શા માટે છે? હમણાં ચા વિશે એક મોટા નેતાએ કહી દીધું કે આપણે દેશની બધી ચાને નિકાસ કરી દેવી જોઈએ અને આપણે લોકોએ ચા બિલકુલ પીવી જ ના જોઈએ! હું સ્પષ્ટપણે કહું છું કે જો સરકારનો આ જ દૃષ્ટિકોણ હશે તો મને દેશમાં માત્ર સાદી ચાને સહારે લખતા અમારા જેવા ચા-જીવી લેખકોનું ભવિષ્ય ઉજળું દેખાતું નથી. આ કિસ્સામાં અમને સહાનુભૂતિની ચા જેટલી જ જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button