ઉત્સવ

રાજસ્થાનનાં રજવાડાંઓનાં ભવ્ય ઇતિહાસનીઝાંખી કરાવતું નગર – સૂર્યનગરી જોધપુર

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

રાજસ્થાનના થારના રણનાં એ દઝાડતા વહેતાં વાયરા વચ્ચે જાણે દુધિયા દાંત બતાવી મરક મરક હસતું હોઈ એવો આભાસ આપતું શહેર. વિપરીત પરિસ્થિતિઓમાં પણ ટકી રહી આજે અડીખમ ઊભું છે અને એના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. રજવાડાઓની શૌર્યભૂમિમાં અનેક ગાથાઓ સંભળાય છે. વીરતાનો અને સંસ્કૃતિનો વારસો આજે પણ સતત નદીના નીરની જેમ વહી રહ્યો છે.

રાજસ્થાનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ધરોહર સંગોપીને બેઠેલું એવું જ એક નગર એટલે જોધપુર. ‘બ્લુ સિટી’ તરીકે ઓળખાતા જોધપુરના મહેલો, દુર્ગો અને મંદિરોમાં રાજસ્થાનના રંગો ઝળકે છે. અહીંના મહેરાનગઢ કિલ્લાની આસપાસ વીંટળાઈને આવેલ વાદળી , આસમાની રંગોનાં મકાનોના કારણે આ શહેરને બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો પહેલા જોધપુરના બ્રાહ્મણોએ તેમનાં મકાનોની ઓળખ માટે તેમનાં મકાનો વાદળી રંગથી રંગ્યા અને ધીમે ધીમે એ શહેરની પરંપરા થઈ અને દેખાદેખીમાં બધા જ ઘર વાદળી રંગના થઈ ગયા. આ ઉપરાંત અહીં તાપમાન ખૂબ જ વધુ હોવાથી લોકો પોતાના ઘરને ઠંડું રાખવા વાદળી રંગથી ઘર રંગવા લાગ્યા. આજે આ બ્લુ સિટી એક ફોટોજેનિક શહેર તરીકે વિશ્ર્વભરનાં પ્રવાસીઓને આકર્ષે છે.

જોધપુરનું મુખ્ય આકર્ષણ ત્યાંના મહેલો અને કિલ્લાઓ છે. તેમાં મહેરાનગઢ ફોર્ટ સૌથી શ્રેષ્ઠ છે. મહેરાનગઢનો અર્થ સૂર્ય એવો થાય છે. પંદરમી સદીમાં રાવ જોધા દ્વારા આ કિલ્લાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને આગળના રાજાઓ એમની જરૂરિયાત અનુસાર બાંધકામો કરાવતા ગયા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફોર્ટ ચીડિયાટુક નામની પહાડી પર બનાવવામાં આવ્યો. જેમાં સાત પોલ ( દરવાજા) છે અને એક આઠમું રહસ્યમય પોલ પણ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કિલ્લાની રચના કરવામાં આવી હતી. આ કિલ્લાની અંદર ખૂબ જ સુંદર મહેલ, ઝરોખા અને મંદિર છે.

હાલ મ્યુઝિયમમાં એ સમયનાં હથિયારો , પુરાણું ફર્નિચર , રાણીઓની પાલખીઓ વગેરે સાચવીને રાખવામાં આવેલ છે. મહેરાનગઢ ફોર્ટ એ સૂર્યાસ્ત સમયના તેની આસપાસ વીંટળાયેલા નીલાં મકાનો અને કિલ્લાના સુંદર દ્રશ્ય માટે જાણીતો છે. જોધપુરમાં બહુ બધા રૂફટોપ કેફે અને રેસ્ટોરાં આવેલ છે જેની અચૂકથી મુલાકાત લઈ સૂર્યાસ્તના એ રંગોને અચૂકથી માણવા જોઈએ. સૂર્યનગરી જોધપુરનો સૂર્યાસ્ત જોવો એ એક લહાવો છે અને દરેકના વિશ લિસ્ટમાં એ જરૂરથી હોય જ છે. ઢળતી સાંજનું આકાશ ધીરે ધીરે વાદળી રંગોનાં મકાનોને છેલ્લો સોનેરી ઓપ આપીને ગ્રે શેડની ચાદર ઓઢાડી રહ્યું હોય એવાં દ્રશ્યો મહેરાનગઢની ઊંચાઈએથી કોઈને પણ અભિભૂત કરી મૂકે છે. અહીં મેહરાનગઢના કિલ્લાની સામે જ એક ટેકરી પર નાનકડું મંદિર છે જેનાં પરથી મહેરાનગઢ સોનેરી ઓપ આપતો સૂર્ય ક્ષિતિજ પર સરકતો જોઈ શકાય અને આખું જોધપુર જાણે સોનેરી રંગે રંગાયું હોય એવું દ્રશ્ય સર્જાય છે.

શહેરનું બીજું મુખ્ય આકર્ષણ ઉમેદભવન પેલેસ છે. મહારાજા ઉમેદસિંહ દ્વારા નિર્મિત આ ભવન સંગેમરમર અને બાલુક પથ્થરમાંથી દુષ્કાળ દરમિયાન લોકોને રોજગારી મળી રહે એ હેતુથી આ ભવ્ય મહેલ બનાવવાની શરૂઆત કરી હતી. હાલમાં આ મહેલના એક ભાગમાં હોટેલ , બીજામાં સંગ્રહાલય અને ત્રીજા ભાગમાં રાજ પરિવારના સભ્યોના રહેણાંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

મારવાડના તાજમહેલ તરીકે જાણીતું જસવંત થડા. મહારાજા સરદારસિંહ દ્વારા તેમના પિતા જસવંતસિંહ દ્વિતીય અને તેમના સૈનિકોની યાદમાં બનાવડાવ્યું હતું. સંગેમરમરના પથ્થરોથી સર્જાયેલ બેનમૂન સ્થાપત્ય કલારસિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જસવંત થડા નજીકમાં જ તળાવ પાસે રાવ જોધાનું સ્ટેચ્યૂ આવેલ છે. આ ઉપરાંત આસપાસ મંડોર ગાર્ડન, ચામુંડા માતાનું મંદિર, બાલસમંદ ઝીલ, કાયલાના લેક, રાવ જોધા ડેઝર્ટ રોક પાર્ક, મસૂરિયા હિલ ગાર્ડન વગેરે સ્થળોની મુલાકાત લઈ શકાય.

કોઈ પણ સ્થળની મુલાકાત લઈએ ત્યાં આપણે શોપિંગ તો અચૂક કરીએ જ. જોધપુર શહેરની વચ્ચે ઘંટાઘર આવેલ છે જેની આસપાસ સરદાર માર્કેટ ભરાય છે, જ્યાં અંદાજે સાતસો ઉપર દુકાનો આવેલ છે. જ્યાં હેંડીક્રાફ્ટની આઇટમ્સ ઉપરાંત રાજસ્થાનની સાડી, કુર્તા, લાખની બેંગલ્સ , લોકલ ક્રાફટ અને બીજું ઘણું બધું, શોપિંગ રસિયા માટે અહીંથી વિશેષ કોઈ જગ્યા ન હોઈ શકે. આ ઉપરાંત મોચી બજાર, ત્રિપોલિયા બજાર, ઘંટાઘર, કપારા બજાર, નઈ સડક માર્કેટ, ઉમેદભવન પેલેસ માર્કેટ વગેરેમાં હંમેશાં ગ્રાહકોની ભીડ જોવા મળે છે. મોચી બજારમાં રાજસ્થાનની ટિપિકલ કસીદાકારી વાળી, ભરત ભરેલી મોજડીઓ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અમુક એન્ટિક વસ્તુઓની દુકાનોમાં સાવ જ યુનિક કહી શકાય એવું કલેક્શન પણ મળે છે.

શહેરની વચ્ચે “તુરજી કા ઝાલરા વાવ આવેલ છે. ઈ.સ. ૧૭૪૦માં મહારાજા અભયસિંહના રાણી તુરજી દ્વારા જળ પ્રબંધ માટે આ વાવ બનાવવામાં આવી હતી. પ્રવાસીઓ અહીં આવીને ચોક્કસથી ફોટોગ્રાફી કરે છે. આસપાસના વિસ્તારોમાં લોકલ ફૂડ અને મ્યુઝિકને એક્સપ્લોર કરી શકો. જોધપુર આવતા લોકો બિશનોઇ ગામની અચૂકથી મુલાકાત લે છે. અહીંના મૂળ નિવાસીઓનું પ્રકૃતિ સાથેનું નિરાળું સહજીવન, તેમની ગ્રામીણ પરંપરા અને જીવનશૈલી તેમને ખરેખર પર્યાવરણના રક્ષક અને પર્યાવરણપ્રેમી બનાવે છે. બ્લેકબક પ્રજાતિનાં હરણ અને ચીકારા જેવાં પ્રાણીઓ કોઈ પણ ડર વગર આ લોકો સાથે રહે છે. તેઓ ખેજડીનાં વૃક્ષોની પૂજા કરે છે. ખેજડલી ગામમાં તેમનું એક સ્મારક પણ આવેલ છે. એક સમયે અમૃતદેવી બિશનોઇ અને તેમના સાથીઓ દ્વારા ખેજડીનાં વૃક્ષો બચાવવા સૈનિક સામે બળવો કર્યો જેમાં ૩૬૩ લોકોએ ખેજડીનાં વૃક્ષોની રક્ષા કરવા જીવ ગુમાવ્યો હતો. વિશ્ર્વમાં વૃક્ષો બચાવવા માટેનું આ સર્વોચ્ચ અને અદ્વિતીય બલિદાન છે.

જોધપુરની ગલીઓમાં તમે રાજસ્થાનની મહેકને માણી શકો, નટબજાણિયા અને કલબેલિયાનાં નૃત્યોનો આનંદ લઈ શકો. વિસરાઈ જતા કઠપૂતળીઓના ખેલ જોઈ શકો. કેમલ સફારી પણ લઈ શકો.જોધપુરના સ્ટ્રીટ ફૂડની વાત જ અલગ છે. ખાતા ખાતા માણસનું પેટ ભરાય પણ મન નહીં. જોધપુર જઈને ત્યાંના મિર્ચી વડાંનો સ્વાદ ન માણીએ તો જોધપુરની મુલાકાત અધૂરી રહી કહેવાય. અહીંના મિર્ચી વડા દેશ વિદેશમાં ફેમસ છે. મરચાંમાં બટેટાના માવા સાથેનો થોડો સ્વીટ , સ્પાઇસી અને ટેંગી ટેસ્ટ વિસરાઈ નહિ. આ ઉપરાંત પ્યાઝ કી કચોરી, કલાકંદ, ચાસણી નાખેલી માવા કચોરી, ઘેવર, બદામનો હલવો, કોફતા , શાહી સમોસા, રાજસ્થાનની સ્પેશિયલ દાલબાટી ચૂરમાં અને ગુલાબ જાંબુ સાથે મખનિયા લસ્સી , મિશરીલાલજીની લસ્સી અને તેમની પેંડા રબડી અચૂકથી માણવી. આ સિવાય પાવતા વિસ્તાર આસપાસમાં સ્ટ્રીટ ફૂડનો લ્હાવો અચૂક માણવો.
જોધપુરવાસીઓ માટે બ્લુ માત્ર રંગ નથી એ હવે તેમની ઓળખ સમાન છે. ત્યાંની વાદળી સાંકડી શેરીઓમાંથી પસાર થવું એ એક તહેવાર જેવું છે. દૂર દૂરથી આવેલ લોકો અહીંની બ્લુ દીવાલોની બેકગ્રાઉન્ડવાળી ફોટોગ્રાફી કરે જ. અહીં બહુ બધી હોસ્ટેલ આવેલ છે. આપણા ગુજરાતમાં હજી હોસ્ટેલ ક્લચર નથી આવ્યું. આપણે ત્યાં હોટેલ કલચર છે પણ હોસ્ટેલ કલચર હજુ વિકસ્યું નથી.

સામાન્ય રીતે હોસ્ટેલમાં આપણે જાતે પોતાનાં ઘરે રહેતા હોય એમ જ રસોડાનો ઉપયોગ કરી શકીએ છીએ, કપડાં ધોવાની વ્યવસ્થા હોય છે અને સાવ જ નજીવા દરે બેડ એન્ડ બ્રેકફાસ્ટ મળી રહે છે. જો તમે સોલો ટ્રાવેલિંગ કરતા હોઈ અથવા તો કરવાની ઈચ્છા હોય પણ મનના ડર લાગતો હોય કે એકલા લાગશે કે ગમશે કે નહીં ગમે એવું બધું તો આવી હોસ્ટેલમાં તમને બહુ બધા અલગ અલગ લોકોનો પરિચય કરાવે અને તમારે કંઈ જ ન કરવું હોય તો પણ તમે અહીંની આવી હોસ્ટેલના કેફેમાં જઈને આરામથી આખો દિવસ બેસી શકો અને મજાની વાત એ કે તેઓ માત્ર નાઈટમાં જો તમારે સ્ટે કરવું હોય તો જ સાવ નજીવો ચાર્જ લે છે અને એમાં પણ જોધપુરમાં આવી બધી જ હોસ્ટેલમાં રૂફટોપ કેફે હોઈ ત્યાં રાત્રે પણ સરસ મજાની રંગબેરંગી લાઈટો સાથે સ્કાયલાઈનને મળતા મેજિકલ મહેરાનગઢના ફોર્ટની બોલતી દીવાલો કે જે વર્ષોથી જાણે પેઢીઓનો ઈતિહાસ કહી રહી છે તેને જોઈ શકો , સાંભળી શકો અને તેના વાદળી આસમાની કલર જાણે એમનાં ઘરો ઉપર ઊતરી આવ્યો હોય એવો સુંદર નજારો માણી શકો.

સૂર્યનગરી જોધપુરની મુલાકાત લઈને કોઈ પણ વ્યક્તિ સોલો ટ્રાવેલિંગ શરૂ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button