ઉત્સવ

અચંબો, આશ્ર્ચર્ય ને નવાઈ: ભણેલાઓની ભવાઈ!

મિજાજ મસ્તી -ભાવાનુવાદ: સંજય છેલ

ટાઇટલ્સ:
ભણવું, ગણવું ને નકામું અવગણવું બધું જરૂરી. (છેલવાણી)
એક ઊંટવાળાએ રાત્રે રેગીસ્તાનમાં ઊંટને ઊભું રાખ્યું અને એક ખીલા પાસે એને બાંધવાને બદલે ખીલાની આસપાસ દોરી છૂટ્ટી મૂકી દીધી. આ જોઇને બીજા પ્રવાસીએ પૂછયું, ‘તમે ખીલા સાથે દોરી બાંધી નહીં. ઊંટ, ભાગી નહીં જાય?’

ઊંટવાળાએ કહ્યું, ના. ઊંટ, માની લેશે કે ખીલા સાથે દોરી બાંધેલ છે, કારણ કે એ ભણેલ
નથી ને!’

અભણ ઊંટવાળાને અબૂધ ઊંટ પર માણસ કરતાં વધુ શ્રદ્ધા હતી. જેમ કે આજેય સમાજમાં ભણેલા એટલે સારા લોકો જ હોય એવી જનરલ છાપ છે. સંસ્કૃતમાં સુભાષિત છે: સાક્ષર વિપરિત બને છે ત્યારે રાક્ષસ બની જાય છે.‘સાક્ષર’નું ઊંધું ‘રાક્ષસ’! વર્ષોથી આપણે દેસી, અભણ, ગમાર, ગામડિયાં..વગેરે શબ્દોથી અનએજયુકેટડ લોકો પર કે નેતાઓ પર હસતા રહ્યા છીએં અને અભણ નેતાઓ કે અભણ પ્રજાએ જ દેશનો દાટ વાળ્યો છે. એમ? તો ચાલો, આજે ભણેલાઓની ‘ભવાઇ’દેખાડું.

જુઓ, કેટલાક કલાસિક કેસ:
કૉંગ્રેસ નેતા શશી થરૂર, વિદેશમાં બહુ ભણ્યા છે, અંગ્રેજીમાં ફર્રાટીથી બોલે છે ને પુસ્તકો લખે છે, વિદેશનીતિ અને ઇતિહાસના પંડિત છે. ટ્વિટર કે એક્સ પર સુવિચારો મૂકે છે, પણ મોકો મળતાં જ આઇ.પી.એલ.માં કરોડોનાં સ્કેમ પણ કરી લે છે, પરંતુ જે ઉત્સાહથી આપણે અભણ ને કરપ્ટ લાલુ પ્રસાદ યાદવની નૌટંકી પર કે ઘાસચારા કૌભાંડ પર હસીએ છીએ એ જ આક્રમકતાથી ભણેલા વ્હાઇટ કોલર નેતાઓ કે લોકો પર તીખા પ્રહારો કરીએ છીએં?

મહાન દેશભક્ત નેતા લોકમાન્ય તિલક, નારીઓનાં પુનર્વિવાહના પ્રખર વિરોધી હતા. હજી આજે પણ થોડાં વરસ અગાઉ દિલ્હીની એક ‘ભણેલી’ માતાએ પત્રકાર દીકરી નિરૂપમાનું ખૂન કરી નાખ્યું, કારણ કે એને દીકરીનો બીજી જાતિમાં પ્રેમવિવાહ મંજૂર નહોતો! સંભાજી બ્રિગેડના નેતા અને સમાજસેવક ગુરૂજી સંભાજી ભીડેજીએ થોડા સમય પહેલાં એક લેડી પત્રકારને કહેલું કે પહેલાં કપાળે ચાંદલો લગાડીને આવ, પછી ઇંટરવ્યુ આપીશ!’

તાનાશાહ ને કોમવાદી નેતા હિટલરના જર્મનીમાં અનેક વૈજ્ઞાનિકો, લેખકો, પ્રોફેસરોએ લાખો યહૂદીઓનાં કત્લેઆમમાં ઘાતકી હિટલરનાં નાઝીઓને ખુલ્લેઆમ સાથ આપેલો. વિદ્વાનો કે ભણેલાઓની પણ ચામડી ખોતરો તો એમાં યે અંદરથી નફરતનું ઝેર નીકળી શકે. પ્રકાંડ પંડિતો પણ હિંસક હોઇ શકે.

ટાઇટલ્સ:
બચ્ચોં કે નન્હે હાથોં કો ચાંદ સિતારે છૂને દો,
દો-ચો કિતાબેં પઢકર વો ભી હમ જૈસે હો જાયેંગે (નિદા ફાઝલી) ‘ગીતાંજલિ’ જેવી નોબેલ વિજેતા રચના લખનાર કવિગુરુ ટાગોરે ઢાકામાં યુનિવર્સીટી ન જ બનવી જોઇએ અને ત્યાંના ગરીબોને ભણવાની શી જરૂર છે? જેવી વિચિત્ર દલિલ કરેલી. જમીનદારો વિરૂદ્ધ સમાન હકક અને ખેડે તેની જમીન માટે લડનારા સામ્યવાદી કે કોમ્યુનિસ્ટોને ‘લાલમુખી વાનર’ કહ્યા હતા. વળી જો ‘અમીરો ને ગરીબોમાં સમાનતા આવી જશે તો અમીરો ગરીબોને દાન નહીં આપી શકે, અમીરોને સારા કર્મ કરવાની સગવડ નહીં રહે’ એવી એમની માનવતા વિરોધી થિયરી હતી! આખી જિંદગી બ્રહ્મોસમાજમાં ધર્મ નિરપેક્ષતાની વાત કરનાર કવિ રવીન્દ્રનાથ ટાગોરે ખુદનાં સંતાનોના વિવાહ માટે ઉચ્ચ જાતિની વ્યકિતને જ પસંદ કરવાની જીદ કરેલી!

અહીં મારો આ સૌ મહાનુભાવોની બૂરાઇનો બિલ્કુલ આશય નથી, પણ સત્ય એ છે કે ભલભલા ભણેલાની અંદર પણ એક અધૂરો માણસ વસે છે, કારણ કે દરેક માણસ, શતખંડ હોય છે. એટલે કે સહુની અંદર ૧૦૦થી વધારે ટુકડાઓ-હિસ્સાઓ છુપાયેલા હોય છે. ભણેલાં પણ શતખંડના ખંડેર જેવા ખોખલાં હોઇ શકે.

‘વ્હાઇટ-કોલર’ ગુના કરનારા કાળા કોટવાળા કાબિલ વકીલો, માર્કેટને લૂંટવાનું શીખવતી મેનેજમેંટ સ્કૂલો અને પ્રજાને લૂંટનારી કોર્પોરેટ કંપનીઓ માટે હાવર્ડ ભણેલાઓની ફૌજ તૈનાત હોય છે. પેસ્ટીસાઇડવાળાં પીણાં કે ગુટકા માટે બોલીવૂડનાં ગુણવાન કલાકારો, પૈસા માટે જાહેરાતો કરે જ છેને? ગાંધીગીરી શીખવનાર ફિલ્મ-ડિરેકટર, ‘શિક્ષક દિવસ’ નિમિત્તે શરાબની સરોગેટ કે છૂપી જાહેરાતમાં ચમકે છે. ને બીજી બાજુ, ગોવિંદા-મિથુનનાં કપડાં કે લટકાં પર હસનારો આપણો સમાજ, ભણેલાઓની ડાહી વાતોમાં આવી જાય છે. આપણી ભોળી પ્રજામાં ‘ઇમેજ’ વેંચાય છે. સારાં કપડાં અને સુંવાળી ભાષા વડે લોકો કોઇને પણ ‘સારો માણસ’ ગણી લે છે. અમિતાભ કે ગુલઝાર જેવા ગંભીર અવાજને લોકો આત્માનું ઊંડાણ માની લે છે. બંપર-સ્ટિકર છાપ સસ્તી ફિલોસોફી લખનાર ચાલુ લેખક-લેખિકાઓ કે સસ્તા સ્પીકરોને ભોળા લોકો, ગંભીર સાહિત્યકાર કે ગહન ચિંતક માની બેસે છે. આજના ધંધાડૂ સમય ને સમાજમાં ‘માર્કેટિંગ’ સામે ‘મૂલ્યો’ અને ‘સનસનાટી’ સામે ‘સત્ય’ હારી જાય છે. બીજી બાજુ મેલા કપડાંવાળાં, સારું અંગ્રેજી ન બોલી શકતા, હાંસિયાની પેલે પાર ધકેલાઇ ગયેલાઓની આપણે મજાક ઉડાવીએ છીએ ત્યારે ઈસ્ત્રી-ટાઇટ લોકોના દંભને પણ તપાસી લેવો જોઇએ.

એક પાદરીએ વરસો મહેનત કરીને આફ્રિકાનાં માનવભક્ષી જંગલીઓને સુધાર્યાં અને માણસને ખાવાની આદત છોડાવી. એકવાર એ જંગલીઓએ યુદ્ધના સમાચાર સાંભળ્યા, જેમાં હજારો લોકો મરાયેલા. જૂની આદતવશ, એક જંગલી બોલી ઊઠયો: ‘વાહ! આટલા બધાંને ખાવાની કેવી મજા પડી હશેને?’

એ બધાંને ખાવા માટે નથી માર્યાં’, પાદરીએ કહયું. જો એ લોકોને ખાવાનાં જ નથી તો માર્યાં શા માટે?’ જંગલીએ પૂછ્યુંપણ પાદરી પાસે એ સવાલનો જવાબ નહોતો.

જ્યારે ભણેલ લોકો, નફરતી ટૂચકાંઓ કે એસ.એમ.એસ. ફેલાવે કે સંભળાવે છે ત્યારે અમારી હાલત પેલા પાદરી જેવી જ થઇ જાય છે. કોઇ ડિનર પાર્ટીમાં આવું થાય ત્યારે હું કહું છું: ‘વેરી ફની, બોલો શું લેશો? ચા કે કોફી કોઇ ડ્રિંક? ચલો, બીજી બાજુએ જઇએ, ત્યાં થોડા ક્લાસી લોકો છે. લેટ્સ ટ્રાય!’

એંડ-ટાઇટલ્સ:
આદમ: તું કેટલી ભણેલી છે?
ઇવ: તને સમજવા જેટલી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…