ઉત્સવ

યોગગુરુનું સુપ્રીમ કોર્ટમાં સર્વોત્તમ શીર્ષાસન

ભારતની ભોળી પ્રજાને આયુર્વેદના નામે એલોપેથીથી દૂર કરવાનો તેમ જ ખોટા ભ્રમક દાવાઓ કરવાનો કારણો રચનારા યોગગુરુ બાબા રામદેવ અને તેમના સાથીદાર બલ્કૃષ્ણને સુપ્રીમ કોર્ટે ઘૂંટણિયે પાડી દીધા હતા. ૧૪૦ કરોડ જનતાની સામે અનેક શેખી મારનારા બાબાએ સુપ્રીમમાં બે હાથ જોડી કરગરીને માફી માંગી હતી જોકે, મીડિયા પર બાબા રામદેવના પ્રભાવને કારણે આ સમાચારને જોઈએ એટલું પ્રાધાન્ય નથી મળ્યું

કવર સ્ટોરી -વિજય વ્યાસ

પોતાની જાતને યોગ ગુરૂ અને આયર્વેદના મહાન જ્ઞાતા ગણાવતા બાબા રામદેવ સુપ્રીમ કોર્ટની અડફેટે ચડી ગયા છે. સુપ્રીમ કોર્ટે ‘પતંજલિ’ આયુર્વેદની ભ્રામક દવાની જાહેરાતના કેસમાં ‘પતંજલિ’ના સહ-સ્થાપક સ્વામી રામદેવ અને ‘પતંજલિ’ના મેનેજિંગ ડિરેકટર આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું,કારણ કે રામદેવ અને એમની કંપની સામે ‘ઇન્ડિયન મેડિકલ અસોસિયેશન’ IMA)એ જબરો કેસ ઠપકાર્યો છે.

‘આઈએમએ’ પોતાની અરજીમાં આક્ષેપ મૂક્યો છે કે, ‘પતંજલિ’એ કોવિડ વેક્સિનેશન અને એલોપથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો છે. સાથે સાથે પોતાની આયુર્વેદિક દવાઓથી કેટલાક રોગોનો ઇલાજ કરી શકાય છે એવો ખોટો દાવો પણ કર્યો છે. ‘પતંજલિ’ આયુર્વેદની ભ્રામક દવાઓની જાહેરાતોના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે એવી રજૂઆતને સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે.
ભાજપ સરકાર અને ખાસ તો વડા પ્રધાનની ચમચાગીરી કરી કરીને મોટા થયેલા બાબા રામદેવ પોતાની જાતને કાયદાથી પણ પર માનવા માંડેલા તેથી સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયેલા. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે રામદેવની કંપનીને ભ્રામક જાહેરાતો ન આપવાનો આદેશ આપેલો, પણ તેનેય ઘોળીને પી ગયેલા રામદેવે આ ભ્રામક જાહેરાતો ચાલુ રાખી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો તો રામદેવના ભાગીદાર જેવા બાલકૃષ્ણે જવાબ આપવાની તસદી સુધ્ધાં ના લીધી તેમાં સુપ્રીમ કોર્ટ વધારે ભડકી. સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી પછી બાબા રામદેવે કોર્ટની માફી માગવાની તૈયારી બતાવી અને એમણે કોર્ટની માફી માગી લીધી, છતાં પણ સુપ્રીમ કોર્ટ માફી આપવાના મૂડમાં નથી. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘રામદેવ અને બાલકૃષ્ણ બંનેએ આગામી ૨૩તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે. તમે જરાય નિર્દોષ નથી..’ એવી તેજાબી ટકોર પછી કોર્ટે નોટિસ પાઠવીને સવાલ પણ કર્યો છે કે, બંનેની સામે અદાલતની અવમાનનાની કાર્યવાહી કેમ શરૂ ન કરવી જોઈએ?!

સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રામદેવ ને બાલકૃષ્ણની કરૂબાજ જુગલજોડી હાજર થઈને શું કહે છે એ જોવાનું રહે છે, પણ સુપ્રીમ કોર્ટ પોતાનું આકરૂં વલણ ચાલુ રાખે એ દેશના હિતમાં છે કેમ કે રામદેવ ફાટીને ધુમાડે ગયા છે. પોતાનો માલ વેચવા એ લોકોના જીવ સાથે તો રમત રમે છે ને દેશની સુપ્રીમ કોર્ટને પણ ગણકારતા નથી.

આ કેસમાં ૨૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ થયેલી સુનાવણીમાં જસ્ટિસ અમાનુલ્લાએ આદેશ આપેલો કે, ‘પતંજલિ’એ ભ્રામક દાવાવાળી તમામ જાહેરાતો તાત્કાલિક બંધ કરવી પડશે. કોર્ટ આવા કોઈપણ ઉલ્લંઘનને ગંભીરતાથી લેશે અને ઉત્પાદન પરના દરેક ખોટા દાવા માટે૧કરોડ રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે.

રામદેવ અને બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટની કોઈ વિસાત જ ના હોય એ રીતે આ આદેશના બીજા જ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને એલાન કર્યું કે, ડાયાબિટીસ અને અસ્થમાને ઈલાજ કરીને સંપૂર્ણપણે મટાડી શકાય છે. એ પછી ‘પતંજલિ’એ ડિસેમ્બર ૨૦૨૩ અને જાન્યુઆરી૨૦૨૪માં પ્રિન્ટ મીડિયામાં જાહેરખબરો આપીને આ જ દાવો કર્યો. સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ચ અદાલત છે ને તેના આદેશ પછી આ રીતે વર્તીને રામદેવે તેનું અપમાન કર્યું છે એ જોતાં સુપ્રીમ કોર્ટે એમને છોડવા ના જ જોઈએ.

બીજી બાજુ, રામદેવ ન જાણે ક્યા ફાંકામાં જીવે છે કે એ કોઈને ગણકારતા નથી અને પોતાને મહાજ્ઞાની સમજે છે. કોરોના કાળ વખતે બાબા રામદેવે એલોપથીને ‘સ્ટુપિડ સાયન્સ’ ગણાવીને કહેલું કે,‘રેમડેસિવિર’ જેવી એલોપથીની દવાઓ કોરોનાના દર્દીઓને બચાવી શકતી નથી તેના પરથી જ એલોપથી બોગસ છે એ સાબિત થાય છે. રામદેવે કહેલું કે, એલોપથીની દવાને લીધે હજારો લોકોનાં મોત થયાં છે અને આ સારવાર પદ્ધતિ નિષ્ફળ ગઈ છે. કોરોના કાળમાં એલોપથીની સારવાર લેનારા દસ હજાર લોકોનાં મોત થયાં હોવાનો દાવો કરીને રામદેવે સવાલ પણ કરેલો કે,જે ડોક્ટર પોતાનો જીવ નથી બચાવી શકતા એ ડોક્ટરો બીજાં લોકોનો જીવ કઈ રીતે બચાવી શકવાના?

રામદેવનો દાવો હતો કે,૯૮ટકા રોગોનું નિદાન આયુર્વેદથી કરી શકાય છે. રામદેવની વાતો સામે તબીબોની સંસ્થા ‘આઈએમએ’ મેદાનમાં આવી ગઈ હતી ને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. રામદેવે આ મુદ્દે માફી માગી લીધી પછી પણ દિલ્હી હાઈકોર્ટમાં રામદેવ સામે ૧૦૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડ્યો છે. એ વખતે પાછો રામદેવે કટાક્ષ કરીને કહેલું કે,જે લોકોનું માન જ નથી તેમની માનહાનિ કેવી?

રામદેવે એ પહેલાં કોરોના કાળમા વહેતી ગંગામાં હાથ ધોઈ લઈને કોરોનાના કારણે ફફડેલાં લોકોને ખંખેરી લેવા માટે રસી શોધ્યાનો બોગસ દાવો પણ કરેલો. રામદેવે પોતાની જૂની દવા રસીના નામે લોકોને બઝાડી દઈને કરોડો રૂપિયા ખંખેરી લીધેલા. બાબા રામદેવની પિન ‘કપાલભાતી’ યોગ પર ચોંટેલી છે તેથી એ તેનાં ગુણગાન ગાતા હતા ને ‘કપાલભાતી’થી કોરોના પણ મટે એવી વાતો પણ કરતા હતા….! રામદેવ પોતાને આયુર્વેદના નિષ્ણાત માને છે તેથી જાત જાતના નુસખા પણ એમણે લોકોને બતાવેલા.

એક વાત આપણે સમજી લઈએ કે બાબ રામદેવ ડોક્ટર નથી. એમની પાસે આયુર્વેદની કોઈ ડિગ્રી નથી કે એમણે કશું સંશોધન કર્યું નથી, છતાં એ આ બધું કર્યા કરતા હતા ને સરકાર એમને કશું કરતી નહોતી. કારણ એ કે, ભાજપ સત્તામાં નહોતો આવ્યો ત્યારે એ પક્ષના મળતિયા તરીકે લોકોને ભરમાવવામાં રામદેવે મોટું યોગદાન આપેલું. એ વખતે બાબા રામદેવ એવો દાવો કરતા કે, ભાજપની સરકાર આવશે તો પેટ્રોલ ૩૫ રૂપિયે લિટર ને ડિઝલ તો ૩૦ રૂપિયે થઈ જશે. આ ‘મદદ’ના વળતરરૂપે રામદેવને લોકોને લૂંટવાનો ખુલ્લો પરવાનો મળ્યો પછી એના મદમાં ને મદમાં રામદેવ સુપ્રીમ કોર્ટને પણ ઘોળીને પી ગયા તેમાં એ હવે ભેખડે ભેરવાયા છે.

કમનસીબી એ છે કે, આપણા દેશમાં બાબા રામદેવ જેવા ધર્મના નામે ચરી ખાતા બાબાઓ દરેક શાસકના સમયમાં પોષાય છે ને પૂજાય પણ છે. ઈન્દિરાજીનાં સમયમાં ધીરેન્દ્ર બ્રહ્મચારી જેવા ઠગભગતોની બોલબાલા હતી તો ચંદ્રશેખર તથા નરસિંહરાવના સમયમાં ચંદ્રાસ્વામી પૂજાતા હતા. ભાજપના શાસનમાં બાબા રામદેવ માથે ચડી વાગ્યા છે.
આવા લોકો આજે આ દેશમાં પૂજાય છે તેનું કારણ એ છે કે, પ્રજામાં જ કોમન સેન્સ-સામાન્ય જ્ઞાન કે ભાન નથી કે જે માણસ દાક્તરીનું ભણ્યો નથી એ માણસ કઈ રીતે કોઈને કંઈ સલાહ આપી શકે? આ કોમન સેન્સનો પ્રશ્ર્ન છે, પણ લોકો એવી સેન્સ બતાવ્યા વિના ઘેટાંના ટોળાની જેમ દોરવાઈ જાય છે તેથી બાબાઓે પેદા થાય છે- હજુ પેદા થયા કરશે ને પૂજાયા પણ કરશે….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button