સુખનો પાસવર્ડ : …તો કોઈની પણ આંખની શરમ ન રાખો !

આશુ પટેલ –
આ કોલમ માટે વિષય વિચારી રહ્યો હતો એ વખતે થોડા દિવસો અગાઉ ‘ભૂલે બિસરે નગમે’ નામનાં સોશિયલ મીડિયા પેજ પર વાંચેલો એક રસપ્રદ અને પ્રેરક કિસ્સો યાદ આવી ગયો.
છ દાયકા અગાઉ એ સમયના વિખ્યાત અભિનેતા દેવ આનંદ ‘ગાઈડ’ ફિલ્મ બનાવી રહ્યા હતા. એ ફિલ્મના સંગીત માટે તેમણે એસ.ડી. બર્મનને સાઇન કર્યા હતા. એ સમયમાં એક દિવસ અચાનક એસ. ડી, બર્મનને હાર્ટ એટેક આવી ગયો. એમને તાત્કાલિક સારવાર મળી ગઈ એટલે એ બચી તો ગયા, પણ ડોક્ટરે એમને થોડા મહિના ફરજિયાત આરામ કરવા કહ્યું.
આવાં મુશ્કેલ સમયમાં બીજો કોઈ પ્રોડ્યુસર હોત તો એણે બીજા સંગીતકારને લઈને ફિલ્મનું કામ ચાલુ રાખ્યું હોત, પણ દેવ આનંદે એવું ન કર્યું. એમણે ફિલ્મનું શૂટિંગ મોડું શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો.એમણે શૂટિંગ છ મહિના માટે મુલતવી રાખી દીધું.
દેવ આનંદને ઘણા દોઢ ડાહ્યાઓએ સલાહ આપી કે બીજા સંગીતકારને સાઇન કરી લો, પણ દેવ આનંદે કહ્યું કે ‘આ ફિલ્મનું સંગીત તો બર્મનદાદા જ બનાવશે, ભલે મારે એમના માટે છ મહિના રાહ જોવી પડે…’ આ દરમિયાન કેટલાક અન્ય મોટા નિર્માતાઓએ એસ.ડી. બર્મન પાસેથી કામ પાછું લઈ કોઈ બીજા સંગીતકારને સોંપી દીધું, પણ દેવ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા. એ પછી એસ.ડી.બર્મન સાજા થઈ ગયા અને એમણે ‘ગાઈડ’ ફિલ્મના સંગીત પર ફરીથી કામ શરૂ કર્યું. પોતાને હાર્ટ અટેક આવ્યો એને કારણે દેવ આનંદની ફિલ્મ અટકી પડી એ માટે એમને અફસોસ થતો હતો. એટલે એમણે માત્ર પાંચ દિવસમાં ‘ગાઈડ’ ફિલ્મનાં બધાં જ ગીતો તૈયાર કરી દીધાં. દેવ આનંદને તો એમના પર પૂરો વિશ્વાસ હતો એટલે એમણે એક ગીત છોડીને બધાં ગીતોને તરત મંજૂરી આપી દીધી.
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ: ચેકમેટ જેવી સ્થિતિ પરિસ્થિતિમાં પણ કોઈક રસ્તો શોધી શકાય છે
બર્મનદાદાએ બનાવેલું એક ગીત દેવ આનંદને પસંદ ન પડ્યું. જોકે બર્મનદાદાને પોતાની ધૂન અને સંગીત પર પૂરો વિશ્વાસ હતો. દેવ આનંદ મુંબઈમાં એ ગીતના રેકોર્ડીંગ પછી ફિલ્મના શૂટિંગ માટે ઉદયપુર પહોંચ્યા, પણ એમને એ એક ગીત પસંદ નહોતું પડ્યું. એમણે સાથીઓ સાથે આ વાતની ચર્ચા પણ કરી અને એમણે યુનિટના સભ્યોને પેલું ગીત સંભળાવ્યું. જ્યારે યુનિટના સભ્યોએ એ ગીત સાંભળ્યું ને બધાએ એના ખૂબ વખાણ કર્યાં, પણ દેવ હજુ પણ માનવા તૈયાર નહોતા.
આ ગીતનું શૂટિંગ ઉદયપુરમાં કરવાનું હતું.
ફિલ્મના દિગ્દર્શક દેવ આનંદના ભાઈ વિજય આનંદે વચલો રસ્તો કાઢતા કહ્યું કે ‘અત્યારે તો આ ગીતનું શૂટિંગ કરી લઈએ, પછી આ ગીત ફિલ્મમાં સારું ન લાગે તો બીજું ગીત રેકોર્ડ કરી લઈશું.’
આમ આ ગીતનું શૂટિંગ શરૂ થયું. એ ગીત માટે જેટલા દિવસો શૂટિંગ ચાલ્યું એ દરમિયાન દેવ આનંદે એક વાત નોંધી કે યુનિટના બધા જ સભ્યો સેટ પરથી હોટેલ સુધી જાય ત્યારે આ જ ગીત ગાઈ રહ્યા હતા.
એ ગીતનું શૂટિંગ તો થઈ ગયું, પણ પછી ફિલ્મના આગળના શૂટિંગ દરમિયાન પણ દેવ આનંદે કેટલાય અઠવાડિયાઓ સુધી યુનિટના સૌને એ જ ગીત ગાતાં સાંભળ્યા. અંતે એમણે પણ સ્વીકારી લીધું કે આ ગીત ફિલ્મમાં રહેશે અને એ પણ સ્વીકાર્યું કે આ ગીત જેમ છે એમ જ ફિલ્મમાં મુકાશે.
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ : મદદરૂપ થવા તત્પર માણસની કદર કરો…
જ્યારે ‘ગાઈડ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારબાદ રાગ મિશ્ર ભૈરવીમાં તૈયાર કરાયેલું પેલું જ ગીત એ ફિલ્મનું સૌથી હિટ ગીત સાબિત થયું. આજેય એ હિન્દી ફિલ્મ સંગીતનું અમર ગીત માનવામાં આવે છે. એ ગીત એટલે ‘આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફીર મરને કા ઈરાદા હૈ..!.’
શૈલેન્દ્રએ લખેલાં આ ગીતની એક વિશેષતા એ હતી કે એસ.ડી. બર્મને આ ગીતને એક જ ધૂન પર તૈયાર કર્યું હતું. સામાન્ય રીતે ફિલ્મી ગીતોમાં સૌથી વધુ મહેનત મુખડા પર થાય છે. એકવાર મુખડું બની જાય, પછી અંતરા તૈયાર થાય.
અંતરા અલગ રીતે કમ્પોઝ થાય છે અને છેલ્લી લાઇન ફરી મુખડાની ધૂન સાથે મળી જાય છે, પણ આ ગીતમાં જે મુખડું છે એટલે કે ‘કાંટોં સે ખીંચ કે યે આંચલ…’એ જ ધૂન અંતરાઓમાં પણ ગવાય છે પછી તે ‘અપને હી બસ મેં નહીં મેં…’ હોય કે ‘મૈં હૂં ગુબાર યા તૂફાં હૂં…’ હોય.
આ એક અનોખો પ્રયોગ હતો, જે એસ.ડી. બર્મને આ ગીતમાં કર્યો હતો જ્યાં આખું ગીત, એટલે કે મુખડું અને અંતરા બધું એક જ ધૂનમાં બનાવાયું હતું.
આ પણ વાંચો: સુખનો પાસવર્ડ – : `સર્ટિફિકેટવીરો’ની પરવા કર્યા વિના જીવવું જોઈએ
દોસ્તો, આ કિસ્સા પરથી બે વાતની પ્રેરણા લેવા જેવી છે. એક તો તમને જે માણસમાં વિશ્વાસ હોય એનો ખરાબ સમય આવે તો પણ એને પડતો ન મૂકવો. અને બીજી વાત એ કે પોતાના કામ પર ભરોસો હોય તો કોઈની પણ આંખની શરમ ન રાખવી જોઈએ.
બર્મનદાદા પાસે સંગીત તૈયાર કરાવવા માટે છ મહિના રાહ જોઈ અને પછી દેવ આનંદને ગીત ન ગમ્યું તો બર્મનદાદાએ એવું ન કહ્યું કે ‘તેમને આ ગીત નથી ગમ્યું તો હું બીજી ધૂન તૈયાર કરી દઉં…’.
જો દેવ આંનદે બીજા સંગીતકારને લઈને કામ આગળ ધપાવ્યું હોત અથવા તો એસ.ડી. બર્મને બીજી ધૂન બનાવી આપી હોત તો આપણે આવા એક અદભુત ગીતથી વંચિત રહી ગયા હોત!