ઉત્સવ

આપવાનો આનંદ અપાર!

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

ફેબ્રુઆરી- 2024ના બીજા સપ્તાહમાં ઇંગ્લેન્ડના અખબારોમાં એક લોટરીની ટિકિટને મુદ્દે રસપ્રદ સમાચાર છપાયા હતા કે માઇકલ કાર્ટરીજ નામના એક બ્રિટિશ યુવાનને એક મિલિયન પાઉન્ડ (આશરે સાડા દસ કરોડ રૂપિયા)ની લોટરી લાગી, પણ એના હાથમાં એક ફદિયું પણ ન આવ્યું!

બન્યું હતું એવું કે એ યુવાને એ લોટરીની ટિકિટ ખરીદતી વખતે પોતાની ગર્લફ્રેન્ડ શાર્લેટ કોક્સનું નામ અને એડે્રસ આપ્યું હતું, પણ એ લોટરી પર મોટી રકમનું ઈનામ લાગ્યું એટલે ગર્લફ્રેન્ડની નિયત બગડી. એમાંય વળી પેલી લોટરી લાગી એના ત્રણ દિવસ પહેલાં માઈકલભાઈએ ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો કર્યો હતો! લોટરી લાગી એટલે માઈકલે ગર્લફ્રેન્ડને કહ્યું કે એ લોટરીની ટિકિટ મેં ખરીદી હતી એટલે એના પર લાગેલી રકમ મારી ગણાય…. શાર્લેટે કહી દીધું કે એ ટિકિટ મારા નામથી લેવામાં આવી છે માટે એ રકમ મારી ! શાર્લેટે પોતાની એક ફ્રેન્ડ દ્વારા માઈકલને કહેવડાવી દીધું : હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે… હવે મારો સંપર્ક કરવાની કોશિશ પણ ન કરતો…!’

માઈકલને પહેલાં આઘાત લાગ્યો ને પછી એને ગુસ્સો આવ્યો. એણે કોર્ટના દરવાજા ખખડાવ્યા. જો કે જજે કહી દીધું કે : આ ટિકિટ શાર્લેટના નામે છે એટલે આ રકમ એની જ ગણાય! માઈકલે ગર્લફ્રેન્ડની સાથે એક મિલિયન પાઉન્ડ પણ ગુમાવ્યા!

વિશ્વવિખ્યાત `સન’ ન્યૂઝપેપરમાં આ સમાચાર વાંચીને મને થોડા વર્ષો અગાઉ અમેરિકામાં બનેલો એક કિસ્સો યાદ આવી ગયો. એ કિસ્સામાં લોટરીની રકમને મુદ્દે એક યુવતી અને એના પરિચિત વચ્ચે ઝઘડો થયો હતો. મજાની વાત એ છે કે એ ઝઘડો લોટરીની રકમ ન લેવા માટે થયો હતો!

એ કિસ્સામાં અમેરિકાના સ્પ્રિંગફિલ્ડ શહેરમાં કોન્વે’સ રેસ્ટોરાં એન્ડ લાઉન્જમાં બાર ટેન્ડર (શરાબના પેગ તૈયાર કરનારી વ્યક્તિ) તરીકે નોકરી કરતી 25 વર્ષીય યુવતી ઓરોરા ફેફર્ટને એક નિયમિત ગ્રાહકે લોટરીની બે ટિકિટ ટિપ તરીકે આપી હતી.

એ ગ્રાહક ઓરોરાને એ રીતે ઘણી વાર લોટરીની ટિકિટ ટિપ તરીકે આપતો હતો. એણે ઓરોરાને ટિકિટ આપી એ વખતે એના હાથમાં લોટરીની ઘણી ટિકિટસ હતી. એણે ઓરોરાને કહ્યું કે આમાંથી કોઈ પણ બે ટિકિટ પસંદ કરી લે.

ઓરોરાએ સ્મિત કરીને બે ટિકિટ પસંદ કરી લીધી. એ બંને ટિકિટ ઓરેગોન લોટરીની હતી. ઓરોરાને એ બે ટિકિટમાંથી પ્રથમ ટિકિટમાં પાંચ ડોલરનું ઈનામ લાગ્યું. ઓરોરા મલકી પડી. એને થયું કે ચાલો, પહેલી વાર પેલા ગ્રાહકે આપેલી લોટરીની ટિકિટમાં સમ ખાવા પૂરતું કંઈક તો મળ્યું, પણ ઓરોરાને ગ્રાહકે આપેલી બીજી ટિકિટમાં ય ઈનામ મળ્યું. એ ઈનામ હતું સત્તર હજાર, પાંચસો ડોલરનું એટલે કે આશરે સાડા અગિયાર લાખ રૂપિયાનું હતું!

મધ્યમવર્ગની ઓરોરા ખુશ થઈ ગઈ. એને ઘણા સમયથી ઘર માટે સોફા ખરીદવો હતો અને બીજા નાના-મોટા ખર્ચ કરવા હતા, પણ બાર ટેન્ડર તરીકે એને મળતી આવકમાંથી એ શક્ય નહોતું બનતું.
ઓરોરાના મનમાં હિસાબ શરૂ થઈ ગયા. એણે વિચાર્યું કે પોતે સોફા ખરીદશે અને બીજા નાના- મોટા ખર્ચ કરશે તો પણ આમાંથી ખાસ્સી રકમ બચશે. આવા વિચારો કરી રહેલી ઓરોરાને અચાનક યાદ આવ્યું કે આ ટિકિટ તો પેલા ગ્રાહકની છે એટલે પોતે નૈતિક રીતે ઈનામના પૈસા તે ગ્રાહકને આપી દેવા જોઈએ…

પેલો ગ્રાહક નિયમિત રીતે લાઉન્જમાં આવતો હતો. ઓરોરાએ એને કહ્યું કે આ ટિકિટના ઈનામ પર તમારો અધિકાર છે એટલે લો આ ટિકિટ….!’
પેલો ગ્રાહક તો ઓરોરાનું માથું ભાંગે એવો નીકળ્યો. એણે મલકાતા ચહેરે ઓરોરાને કહ્યું: મેં તો તને ટિકિટ આપી દીધી હતી એટલે એના પર લાગેલું ઈનામ પણ તારું જ ગણાય. મને આમાંથી એક ડોલર પણ ના ખપે! ‘

આમ બંને વચ્ચે મીઠી રકઝક ચાલુ થઈ. છેવટે ઈનામની રકમ હાથમાં આવી ત્યારે ઓરોરાએ જબરદસ્તી કરીને પેલા ગ્રાહકને એમાંથી અમુક રકમ આપી.


માણસના વિચારોને આધારે એનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે ને એના આધારે એ વર્તતો હોય છે. કોઈ માણસ પોતાના વિચારો થકી સુખી થતો હોય ને બીજાને સુખ આપે તો બીજી તરફ, કોઈ માણસ પોતે દુ:ખી થતો હોય ને બીજાઓને પણ દુ:ખી કરતો હોય…
ઉપરોક્ત ટૂંકી કથાનો સાર એ છે કે જે
મજા આપવામાં છે એ લેવામાં (કે છીનવી
લેવામાં) નથી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button