ઉત્સવ

સુધીર કક્કડ તમામ મોસમના ‘વિચારક’ ને અલવિદા

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

માનવ મન અને તેની તાકાતમાંથી પેદા થયેલી સારી અને ખરાબ અનેક ચીજો સદીઓેથી વિસ્મય અને અભ્યાસનો વિષય રહી છે. એવું કહેવાય છે કે મેડિકલ સાયન્સની અભૂતપૂર્વ સર્વગ્રાહી પ્રગતિ છતાં, કોઈ એક ક્ષેત્ર રહસ્યમય રહી ગયું હોય તો તે છે માણસનું મન. પગના નખથી લઈને માથાના વાળ સુધીનું શરીરતંત્ર કેવી રીતે કામ કરે છે તેનાં તમામ રહસ્યનો વિજ્ઞાને તાગ મેળવી લીધો છે, પરંતુ મન-મગજ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બે વ્યક્તિ કે બે સમુદાયોનાં મન અલગ પડે છે, કેવી રીતે અમુક બાબત પૂરી માનવજાતની માનસિકતામાં એક સરખી છે અને કેવી રીતે અમુક ચીજો અત્યંત ભિન્ન છે તે સમજવા માટે વિજ્ઞાનીઓ આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

જયારે વિજ્ઞાનનો અને ખાસ કરીને માનસ વિજ્ઞાનનો વિકાસ થયો નહતો ત્યારે માણસના વિચાર અને વ્યવહારનેસમજવાનું કામ ધર્મશાસ્ત્રીઓ અને દાર્શનિકો કરતા હતા. માણસના કોઇપણ વર્તનનું મૂળ તેના શરીરની અંતરિકર ચનામાં છે એટલે ઋષિ- મુનિઓ અને દાર્શનિકોએ માણસના અંતરઆત્મા પર ફોકસ કર્યું હતું, જેથી તેની એક પેટર્ન- ઢાંચો સમજીને તેનું નિયંત્રણ કરી શકાય.
પશ્ર્ચિમમાં પૃથ્વી પરના પ્રાકૃતિક જગતને સમજવા માટે નેચરલ સાયન્સનો વિકાસ થયો ત્યારે બાયોલોજીની સાથે સાથે સાઈકોલોજીની અલગ વિદ્યા અમલમાં આવી હતી, જે માનવીય મન અને તેના વ્યવહારોનો ફોડ પાડી શકે. તેના કારણે જ ધર્મશાસ્ત્રીઓ અને દાર્શનિકોનું પ્રભુત્વ ઘટી ગયું. જીવનની દરેક બાબતને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ સમજવાના આગ્રહના કારણે પશ્ર્ચિમમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં મનોવિજ્ઞાનમાં જબરદસ્ત તરક્કી થઇ છે અને અવ્વલ દરજ્જાના મનોવિજ્ઞાનીઓને જન્મ આપ્યો છે, જેમણે એકલ મનની ગહેરાઈની તલાશ કરી છે.એટલું જ નહીં, સમાજ અને સંસ્કૃતિના વિકાસની વિશેષતાઓને પણ મનોવૈજ્ઞાનિક ઢબે સમજી છે.

ભારતમાં એવું કામ સુધીર કક્કડે કર્યું હતું. આ ૨૩ એપ્રિલે મનોવિશ્ર્લેષક અને લેખક સુધીર કક્કડનું નવી દિલ્હીમાં ૮૫ વર્ષની વયે કેન્સરમાં અવસાન થયું ત્યારે કેનેડા સ્થિત ઈરાનિયન ફિલોસોફર અને શિક્ષણશાસ્ત્રી રમિન જહાનબેગલૂએ એમને શ્રદ્ધાંજલિ આપતા લેખના મથાળામાં સુધીર કક્કડને ‘ધ થિંકર ઓફ ઓલ સિઝન્સ’ (તમામ મોસમના વિચારક- સર્વકાલીન વિચારક) ગણાવ્યા હતા. તેમાં એ લખે છે, ‘સુધીર એક બહુઆયામી અને બહુ-દૂરદર્શી વિચારક હતા, જેમણે મિથકો, રિવાજો, મેલી વિદ્યા, ડોકટરો, સપનાં, હિંસા અને ભારતીય માનસ વિશે ઘણું લખ્યું હતું. એમને ભારતીયોની ભારતીયતા અને એ લોકો કેવી રીતે રહે છે, વિચારે છે અને એકબીજા સાથે જોડાયેલા રહે છે તેમાં વિશેષ રસ હતો.’

   સુધીર માત્ર મનોવિજ્ઞાની જ નહીં, ઇજનેર અને અર્થશાસ્ત્રી પણ હતા. એમણે સ્નાતકની પદવી અને બાદમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી.  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તેમજ ઘણી વિદેશી કોલેજોમાં એમણે ભણાવ્યું હતું.  ભારતીય સમાજનું અર્થઘટન કરવામાં એમને રસ હતો. એમને ધર્મ અને રાજકારણની સાથે રાજકીય સંબંધોમાં પણ રસ હતો.

   સુધીર કક્કડ સાંસ્કૃતિક મનોવિજ્ઞાન અને ધર્મના મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્વાન હતા.  હાર્વર્ડ યુનિવર્સિટીમાં લેક્ચરર, હાર્વર્ડ ખાતે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ વર્લ્ડ રિલિજિયન્સમાં સિનિયર ફેલો અને શિકાગો, મેકગિલ, મેલબોર્ન, હવાઈ અને વિયેના યુનિવર્સિટીઓમાં એ મુલાકાતી પ્રોફેસર હતા. એમણે  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-દિલ્હીમાં પણ ભણાવ્યું છે. એમણે નોન-ફિક્શનનાં ૨૦ પુસ્તક લખ્યાં હતાં, જેમાં ધ ઈન્ડિયન્સ: પોર્ટ્રેટ ઓફ અ પીપલ (વેન્ડી ડોનિગર સાથે) અને ધ ક્રિમસન થ્રોનનો સમાવેશ થાય છે, જેને ૨૦૧૦ના  ‘ક્રોસવર્ડ બુક એવોર્ડ ફોર ફિક્શન’ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

    ભારતીયતા એટલે શું? આપણે તેને ઈતિહાસ, પરંપરા, ધર્મ અને ભૌગોલિકતાથી વ્યાખ્યાયિત કરીએ છીએ. સુધીર કક્કડે તેના કેન્દ્રમાં અનુકંપા મૂકી છે. દરેક સંસ્કૃતિ વિશ્ર્વને અને તેમાં મનુષ્યના સ્થાનને પોતપોતાની રીતે જુવે છે. તે દ્રષ્ટિ પછી જે તે સંસ્કૃતિના રહેવાસીઓના માનસને ઘડે છે. આપણી સંસ્કૃતિ દુનિયાને અનુકંપાથી જુવે છે એવો   સુધીર કક્કડનો મત હતો.

     એમણે લખ્યું હતું કે ‘બુદ્ધ, કબીર, નાનક, તુકારામ, બાસવા, ટાગોર અને ગાંધી જેવા અનેક યુગપુરુષોનો સૂર હતો કેઆપણે માત્ર મનુષ્યો જ નહીં, તમામ જીવો સાથે અનુકંપાના ભાવથી જોડાઈએ છીએ. ટાગોર અને ગાંધી બંને આધ્યાત્મિકતાને બંધુત્વની  ભાવનાથી માપતા હતા.   આપણે જો તમામ જીવ  સાથે લગાવ મહેસૂસ ન કરી શકીએ તો આપણી તમામ પ્રાર્થનાઓ અને અનુસરણ નિરર્થક છે’ એમ ગાંધીજીએ લખ્યું હતું.

   સુધીર કક્કડે અનુકંપાને એક પહાડ સાથે સરખાવી હતી, જેને ચડતી વખતે માણસ અનેક છાવણીઓ પાર કરે છે. જેમ કે તેના બેઝ કેમ્પમાં સહિષ્ણુતા છે, જેમાં તમારાથી ભિન્ન લાગણીઓ, માન્યતાઓ અને આદતો ધરાવતી વ્યક્તિનો સ્વીકાર કરવાનો ભાવ છે. તેનાથી ઉપર જાવ તો કરુણાની છાવણી આવે છે, જેમાં બીજાની પીડા માટે દયાનો ભાવ છે. અનુકંપાનું ત્રીજું અને સૌથી છેલ્લું શિખર સહાનુભૂતિનું છે, જેમાં વ્યક્તિ બીજી વ્યક્તિની સંવેદનાઓને પોતીકી મહેસૂસ કરે છે. સહાનુભૂતિ આસપાસના જીવન અને પ્રકૃતિ સાથે એકાત્મનો ભાવ છે. સુધીરે કહ્યું હતું કે ‘એક સાધારણ ભારતીયથી લઈને એક સંત કે મહાપુરુષ અનુકંપાના આ પહાડના યાત્રીઓ છે. અમુક તળિયે છે અને અમુક ઉપર ચડી રહ્યા છે અથવા શિખર પર છે. એમની ફરિયાદ હતી કે અનુકંપા અને પ્રેમની આ ભારતીય પરંપરા  પશ્ર્ચિમમાંથી આપણે ઉછીના લીધેલા સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાનાં મૂલ્યોમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. એ મૂલ્યોમાં, બંધુત્વની ભાવનાનું સ્થાન છેલ્લેે છે. એટલું જ નહીં , વર્તમાન સમયમાં અધિકારોની લડાઈમાં તે હાંસિયામાં પણ ધકેલાઈ ગઈ છે. સમાનતાના અધિકારની લડાઈ દેશના કમજોર વર્ગ માટે જરૂરી છે, પરંતુ તે ન્યાયની લડાઈ બનીને સત્તાનો સંઘર્ષ બની જાય છે અને એમાં બંધુત્વની સહાનુભૂતિ ખોવાઈ જાય છે.  ‘અમે અને તમે’ નું આ વિભાજન અનુકંપાના પહાડને  કમજોર બનાવે છે.’

    સુધીર કક્કડ કહેતા હતા કે ભારતમાં વિવિધ સમુદાયોના લોકોની ધાર્મિક ઓળખ માતા-પિતાની પેઢીમાંથી આવે છે. બાળકનો કોઈ ઈતિહાસ નથી હોતો, પણ  એનાં પેરેન્ટ્સ પોતાના સંતાનને  જે વાર્તાઓ કહે છે, જે રિવાજોનું પાલન કરાવે છે, જે વિચારો અને માન્યતાઓ સમજાવે છે તેમાંથી સંતાનની  ધાર્મિક ઓળખ નક્કી થાય છે.

આ વ્યક્તિગત ધાર્મિક ઓળખની સાથે સાથે બાળકની બીજી એક ઓળખ પણ વિકસિત થાય છે, જે એના સમુદાયમાંથી આવે છે અને જેને સાંપ્રદાયિક ઓળખ કહે છે. આ સામૂહિક સાંપ્રદાયિક ઓળખ એને અન્ય કરતાં વિશિષ્ઠ, અસહિષ્ણુ અને ક્યારેક હિંસક બનાવે છે. સુધીર કક્કડ કહે છે કે ધર્મ જ્યાં સુધી વ્યક્તિગત રહે છે અથવા ઘરની ચાર દીવાલ વચ્ચે રહે ત્યાં સુધી શાંતિપૂર્ણ હોય છે, પરંતુ તે જયારે એક સમૂહની ઓળખ તરીકે બહાર આવે છે ત્યારે તે હિંસા અને સંઘર્ષમાં પરિણમે છે.

      એ  કહેતા હતા કે જ્યાં સુધી આપણાં બાળકોને  શિક્ષણ અને કળા-સાહિત્ય મારફતે સાંપ્રદાયિકતાની

નકારાત્મકતા પ્રત્યે જાગૃત કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય સમાજની અમુક બીમારીઓનો ઈલાજ થવાનો નથી.

આશરે ૯૪૫ શબ્દ

સાથે ૧ ફોટો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button