અચાનક બધા મને પગે પડવા લાગ્યા…
મહેશ્ર્વરી
શ્રી દેશી નાટક સમાજ પર પડદો પડી ગયો ત્યારે અભિનય કારકિર્દીમાં પણ પડદો પડી જશે કે શું એવી અસ્વસ્થતા મારી જેમ અનેક કલાકારોએ અનુભવી હશે. અસ્વસ્થતાનું કારણ માત્ર હવે કામ વિનાના થઈ ગયા એ નહોતું. નાટક કંપનીમાં અમે બધા પગારદાર નોકરિયાત હતા એ વાત સાચી, પણ એ એક પરિવાર હતો. જેમ કોઈ પરિવારમાં રહેતા સભ્યો વચ્ચે સંપ – કુસંપ, પ્રેમ – લડાઈ થાય એવું બધું જ અમારી વચ્ચે થતું હતું, પણ અમે બધા લાગણીના તંતુથી જોડાયેલા હતા. આ તંતુ અચાનક તૂટી ગયો હતો. દેશી નાટક સમાજ જૂની અને નવી રંગભૂમિ વચ્ચે સેતુ સમાન હતો. આ નાટક કંપની કલાકાર – કસબીઓને પોષવા ઉપરાંત સમાજસેવા અને રાષ્ટ્રસેવાના કામમાં પણ યોગદાન આપતી હતી. ૧૯૬૪માં સંસ્થાના અમૃત મહોત્સવની ઉજવણી વખતે તત્કાલીન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ઉપ રાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુસેનની વિશેષ ઉપસ્થિતિ સંસ્થાની ઊંચાઈ અને લોકપ્રિયતાની રસીદ હતી. આવી સંસ્થા સમેટાઈ જાય ત્યારે કેવી લાગણી થાય એ વહાલા વાચકો સમજી શકશે. હવે શું? એવો સવાલ અનેકની જેમ મારી સામે પણ મોં ફાડીને ઊભોહતો, પણ રંગદેવતાના આશીર્વાદથી એનો જવાબ બહુ જલદી મળી ગયો. જયંત ભાઈ સાથે બે નાટક ગુજરાતમાં અને પછી લંડનમાં ભજવવાનું ગોઠવાઈ ગયું.
ગુજરાતમાં ‘લલ્લુ પરણ્યો લંડનમાં’ અને ‘પરણ્યા એટલે પ્યારા લાડી’ને સારો આવકાર મળતા અમારા બધાના ઉત્સાહમાં ભરતી આવી. લંડન જવા નીકળતા પહેલા જયંતભાઈ બધા કલાકારોને શ્રીનાથજી દર્શન કરવા લઈ ગયા. જયંતભાઈને શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા હતી અને એમના દર્શન કર્યા પછી જ લંડન જવા નીકળવું એવો તેમણે નિર્ધાર કર્યો હતો. શ્રદ્ધા રાખવી કે હોવી એ અંગત બાબત છે, પણ સતત સ્પર્ધા વચ્ચે જીવતા જીવ માટે શ્રદ્ધા ટોનિકનું કામ કરે છે એવું મેં અનુભવ્યું છે અને જોયું સુધ્ધાં છે. અમારી સવારી છોટાઉદેપુર પહોંચી અને ત્યાંથી અમે શ્રીનાથજી પહોંચ્યા. એ સમયે શ્રીનાથજી વિશે હું કશું જાણતીનહોતી પણ એમના માટે અનેક લોકોની શ્રદ્ધાથી હું વાકેફ હતી. એટલે પ્રભુના દર્શન કરવાની મને પણ તાલાવેલી હતી. નાટક કંપનીમાં કોઈના મધુર સ્વરમાં ‘મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી’ સાંભળ્યું હતું એનું સ્મરણ થયું. મુસાફરીમાં એ ફરી આખું સાંભળવા મળ્યું અને મન પ્રસન્ન થઈ ગયું.
રાત્રે દસેક વાગ્યે અમે શ્રીનાથજી પહોંચ્યા અને એક ધરમશાળામાં અમને ઉતારો મળ્યો. મંદિરના મુખિયાજી મળ્યા અને બધાએ તેમને નમસ્કાર કરી આશીર્વાદ લીધા. મુખિયાજી પણ અમને જોઈ રાજી થયા અને મને કહેવા લાગ્યા કે ‘તમે બધા કલાકાર છો તો સવારે મંગળાના દર્શન વખતે ભજન અને નૃત્યની રજૂઆત કરશો તો વાતાવરણપાવન બની જશે. અહીં જે ભક્તજનો છે તેમને પણ લાભ મળશે.’ જયંતભાઈ તરત બોલ્યા કે ‘મહેશ્ર્વરી, હા પાડી દે. પ્રભુના દરબારમાં કળાની રજૂઆતનો મોકો બધાને નથી મળતો. તને પણ આવી તક કદાચ ફરી નહીં મળે.’ મેં મલકાતાં મોઢે પ્રસ્તાવ સ્વીકારી લીધો. પવિત્ર ધામના વાતાવરણની અસર કહો કે બીજું કંઈ કહો, હું ઉત્સાહ – તરવરાટનો અનુભવ કરવા લાગી. શ્રીનાથજી સમક્ષ નૃત્ય – ગાયન રજૂ કરવાની ઉત્કંઠા એવી ઘેરી વળી હતી કે રાત્રે ઊંઘી એના કરતા પડખા ઘસ્યા એમ કહેવું વધુ યોગ્ય કહેવાય. પરોઢિયે ત્રણ વાગ્યે તો જાગી ગઈ અને વ્યવસ્થિત રીતે તૈયાર થઈ મંદિરમાં ગઈ. શ્રીનાથજી બાવા સમક્ષ શીશ નમાવી ગીત – નૃત્ય શરૂ કર્યા અને સમગ્ર વાતાવરણ પ્રભુમય બની ગયું. ચાર વાગતાજ ઢોલ નગારા જોર જોરથી વાગવા લાગ્યા અને મંગળાના દર્શન ખૂલ્યા. ભક્તોની ભીડ ઊમટી અને લોકોનો ધસારો મારા તરફ આવતો જોઈ મંદિરના પૂજારીએ તરત મને અંદર લઈ લીધી અને મંદિરના પાછલા દરવાજેથી બહાર નીકળી જવા કહ્યું.
બહાર નીકળી હું હજી રાહતનો શ્ર્વાસ લઉં ત્યાં શું જોયું? ભક્તજનો બધા મને વંદન કરી મને પગે પડવા લાગ્યા. હું તો મૂંઝાઈ ગઈ. હું પણ તેમના જેવી જ એક ભક્ત હતી.આવું કેમ થઈ રહ્યું છે એ મને સમજાયું નહીં.પછી વિચાર કરતા સમજાયું કે હું કેટલી નસીબદાર કે છેક ગર્ભગૃહમાં શ્રીનાથજીની મૂર્તિ નજીક સન્મુખ દર્શન થયા એ જોઈ બધા ભાવવિભોર થઈ ગયા હતા. શ્રીનાથજીનો આ અનુભવ મારા હૈયા પર કોતરાઈ ગયો. શ્રદ્ધાને કોઈ સરનામું નથી હોતું એ વાતનો પરિચય થયો. શ્રીનાથજીના પાવન અનુભવ પછી અમે બધા મુંબઈ આવ્યા અને જૂન મહિનાના બીજા અઠવાડિયામાં અમારો રસાલો નીકળ્યો લંડન જવા…
રંગભૂમિ પર પહેલી વાર ‘કૃષ્ણાવતાર’
શ્રીમદ ભગવદ ગીતાના ‘યદા યદા હી ધર્મસ્ય…’ શ્ર્લોક અનુસારજ્યારે પૃથ્વી પર અધર્મનું સામ્રાજ્ય છવાઈ જાય છે, ધર્મનો ક્ષય થાય છે ત્યારે ધર્મની પુન: સ્થાપના કરવા, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે.ગુજરાતી રંગભૂમિ પર શ્રી કૃષ્ણ પ્રથમ વાર રજૂ થયા હતા ૧૯૦૬માં. રાધાની પ્રેમલક્ષણાભક્તિ તેમજ રાસલીલા દર્શાવી ગુજરાતી રંગભૂમિ પર ‘કૃષ્ણચરિત્ર’ નામનું નાટક ગૌરવપૂર્ણ રીતે ભજવાયું હતું. નાટકને ખૂબ લોકપ્રિયતા મળી અને કંપનીના બેન્ક બેલેન્સમાં પણ ખાસ્સો વધારો થયો. વિદ્વાન સારસ્વત રમણભાઈ નીલકંઠે આ નાટકની સ્તુતિ કરી લેખકને ધન્યવાદ આપ્યા હતા. કૃષ્ણ – ગોપીઓના સંબંધ જે રીતે દર્શાવાયાએની રમણભાઈએ પ્રશંસા કરી હતી.
‘કૃષ્ણચરિત્ર’નીસફળતાની અસર તત્કાલીન નાટકો પર પડી અને રંગભૂમિ કૃષ્ણમય અને ભક્તિમય બનવા લાગી. કૃષ્ણને કેન્દ્રમાં રાખી નવા નાટકો લખવાની પ્રેરણા મળી અને ‘કૃષ્ણ સુદામા’, ‘નરસિંહ મહેતા’, ‘કંસવધ’, ‘દ્રૌપદી’ વગેરે અન્ય લેખકો દ્વારા લખવામાં આવેલાં નાટકોમાં શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધા. કેટલાક લોકો આ બદલાવને ‘સંભવામિ યુગે યુગે’નો નાટ્ય અવતાર માનવા લાગ્યા હતા. (સંકલિત)