ઉત્સવ

સફળતા ઘોડાના ડાબલા જેવી હોય છે, એ આજુબાજુમાં દેખાતું બંધ કરી દે

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

એક સમયે કિંગ ફિશર એરલાઈન્સના માલિક અને રાજ્ય સભાના સભ્ય વિજય માલિયા, ૪,૦૦૦ જ્વેલરી સ્ટોર્સ ધરાવતા ગીતાંજલિ ગ્રુપના માલિક મેહુલ ચોકસી, તે વખતે સૌથી સફળ આઈટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સના ચેરમેન રામાલિંગા રાજુ, ડાયમંડ કિંગ નીરવ મોદી, સહારા સામ્રાજ્યના મેનેજિંગ ‘વર્કર’ સુબ્રતો રોય, દંતકથારૂપ અંબાણી પરિવારના અનિલ અંબાણી, ભારતની સૌથી સફળ કોફી ચેઈન કાફે ‘કોફી ડે’ના સ્વર્ગસ્થ ચેરમેન વી. જી. સિદ્ધાર્થ, એક સમયે જેનું નામ ઘરે-ઘરે મશહૂર હતું તે વીડિયોકોન કંપનીના માલિક વેણુગોપાલ ધૂત, ક્ધસ્ટ્રકશન કિંગ જયપી ગ્રુપના સ્થાપક જયપ્રકાશ ગૌંર અને ભારતમાં પ્રાઇવેટ એરલાઇન્સનું નામ રોશન કરનાર જેટએરવેઝના નરેશ ગોયેલની (અને બીજા અનેકની) કહાની બહુ જાણીતી છે. તેમના સમાચારોની, છાપાળવી ભાષામાં કહીએ તો, શ્યાહી હજુ તાજી જ છે.

બધાને ખબર છે તેમ, એક વખતે તેઓ આધુનિક ભારતના મૂડીવાદી સ્વપ્નના નિર્માતાઓ હતા. દેશ અને દુનિયામાં તેમનાં ઉદાહરણ આપવામાં આવતાં હતાં. આ એવા લોકો હતા, જેમને ફર્શ સે અર્શ તક અથવા ઝીરોથી હીરોની વાર્તાઓના નાયક ગણવામાં આવતા હતા. ભારત એવા અનેક બિઝનેસમેનથી ભરેલું છે, જેઓ ૧૯૯૧ના આર્થિક ઉદારીકરણના પવનમાં બહુ ઊંચે ઉડ્યા હતા, પરંતુ તેમની વાર્તાનો અગત્યનો હિસ્સો તેમની ઉડાન નથી, તેમનું પતન છે. આપણે સફળ લોકોના જીવનમાંથી પ્રેરણા લઈએ છીએ, પણ ઘણીવાર નિષ્ફળતામાંથી પણ ઘણું શીખવાનું હોય છે.

ગ્રીક દંતકથાઓમાં ઇકારસની વાર્તા છે. પ્રાચીન ગ્રીસમાં, એક નિષ્ણાત કારીગર ડાઈડલુસ તેના પુત્ર ઇકારસ સાથે રહેતો હતો. તે ક્રેટના રાજા મિનોસ માટે કામ કરતો હતો. એકવાર ડાઈડલુસથી અપરાધ થયો, એટલે મિનોસે પિતા-પુત્ર બંનેને કારાવાસમાં પૂરી દીધા.

ઇકારસનું લોહી ગરમ હતું. તેને કારાવાસ તોડીને બહાર નીકળવું હતું. ડાઈડલુસે તેની કારીગરીનો ઉપયોગ કરીને એક યોજના બનાવી. તેણે કારાવાસમાં સળગતી બત્તીઓમાંથી મીણ એકઠું કરીને પોતાના માટે અને પુત્ર ઇકારસ માટે પાંખો બનાવી, જે પહેરીને કેદમાંથી ઊડી જવાય.

તેણે ઇકારસને પાંખો પહેરીને કેવી રીતે ઉડાય તે શીખવાડ્યું. પુત્ર તૈયાર થઇ ગયો, તે પછી લાગ જોઇને તેણે કારાવાસમાંથી ઉડવાનું નક્કી કર્યું. તેણે ઇકારસને ચેતવ્યો હતો કે બહુ ઊંચે ના ઊડતો અથવા બહુ નીચે ના ઊડતો. બહુ ઉપર સૂરજની ગરમી છે અને નીચે સમુદ્રનું પાણી છે.

બંને ઉડ્યા. એ આઝાદીની ઉડાન હતી. એ કારાવાસ અને ક્રેટથી દૂર નવા જીવનની ઉડાન હતી. ઇકારસને મજા આવી ગઈ. તે પિતાની ચેતવણી ભૂલી ગયો અને આકાશમાં ઉપરને ઉપર જવા લાગ્યો. થોડા સમયમાં જ, સૂરજની કાળઝાળ ગરમીમાં તેની મીણની પાંખો ઓગળવા લાગી અને છેલ્લે તે સમુદ્રમાં પડીને મરી ગયો.

ડેની મિલેર નામના એક કેનેડિયન અર્થશાસ્ત્રીએ, આ દંતકથા પરથી ઇકારસ પેરાડોક્સ’ (ઇકારસનો વિરોધાભાસ) નામની ધારણા રચી હતી. ૧૯૯૦માં, તેમણે ‘ઇકારસ પેરાડોક્સ’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં તેમણે બિઝનેસની દુનિયામાં અસાધારણ રીતે પ્રગતિ કરનાર કંપનીઓ કેવી રીતે પોતાના પગ પર કુહાડી મારે છે તે સમજાવવા માટે ઇકારસની દંતકથાનો સહારો લીધો હતો.
મિલેર લખે છે, આ કંપનીઓ તેમની સફળતા અને તાકાતથી અતિઆત્મવિશ્ર્વાસમાં સરી ગઈ હતી. સફળતા તમને ચતુરાઈ અને અતિશયોક્તિ, આત્મવિશ્ર્વાસ અને આત્મસંતુષ્ટિ, જીદ અને રૂઢીચુસ્તતા તરફ લઇ જાય છે. બીજી રીતે કહીએ તો, જે બાબતો એક બિઝનેસમેનને પ્રગતિ તરફ લઇ ગઈ હતી, તે જ બાબતોમાંથી તેનો અતિઆત્મવિશ્ર્વાસ આવ્યો હતો, જે અંતત: પતનમાં પરિણમ્યો હતો. જે પાંખો ઇકારસને કારાવાસમાંથી આઝાદ કરવામાં કામ આવી હતી, તે જ પાંખો તેના સમુદ્ર-પતનનું કારણ બની હતી.

મોટાભાગના સફળ બિઝનેસમેનમાં સ્પર્ધાત્મકતાની આગવી લાક્ષણિકતા હોય છે. જયારે તેમની એ સ્પર્ધાત્મકતામાં નવી ધાર નીકળતી જાય અને તેમને નવી ઊંચાઈઓ પર લઇ જાય, ત્યારે તે ફોર્મ્યુલામાં તેમનો આત્મવિશ્ર્વાસ પણ વધતો જાય. મને યાદ છે કે એક અત્યંત સફળ સમાચારપત્રના માલિકે એકવાર કોઈકને કહ્યું હતું કે, પણ મારું પેપર જોરદાર ચાલે છે પછી મારે એમાં શું કામ કોઈ ફેરફાર કરવા જોઈએ? વાચકો બદલાઈ ગયા હતા, પણ પેપર ન બદલાયું, પરિણામે, બજારમાં તગડી સ્પર્ધા આવી, ત્યારે તેનામાં જાતને બદલવાની ક્ષમતા નહોતી રહી. પેપર ખતમ થઇ ગયું.

સફળતા ઘોડાના ડાબલા જેવી હોય છે. એ આજુબાજુમાં દેખાતું બંધ કરી દે અને માત્ર પોતાની દોડ પર જ ફોકસ કરે. ટૂંકા ગાળા માટે આ વ્યૂહરચના કારગત નીવડે છે, પણ લાંબા ગાળા માટે એ પણ જોવું પડે કે બાજુમાં નવા ઘોડા કેવા આવ્યા છે, તેમના ઘોડેસવારોએ કેવી તૈયારી કરી છે, રેસકોર્સની જમીનમાં શું ફેરફાર થયા છે વગેરે.

૨૦૦૭માં, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની નોકિયાનો, વૈશ્ર્વિક સ્માર્ટફોન બજારમાં ૫૦ ટકાનો હિસ્સો હતો.

અડધો-અડધ બજારને નિયંત્રિત કરવાની તેની સફળતા તેના યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ ધરાવતા તગડા હેન્ડસેટ્સમાંથી આવી હતી. ૨૦૧૩ સુધીમાં નોકિયાના હેન્ડસેટ્સનું વેચાણ ઘટીને ૫ ટકા થઇ ગયું હતું. કેમ? બીજાં અનેક કારણો ઉપરાંત, નોકિયા ગ્રાહકોની બદલાયેલી માનસિકતાને ઓળખવામાં નિષ્ફળ રહી હતી.

બજારમાં ત્યારે નવા-નવા સ્માર્ટફોન આવી ગયા હતા અને ગ્રાહકોને પડે તો પણ તૂટે નહીં તેવા મજબૂત ફોનને બદલે ઊંચી ગુણવત્તા અને નવીન સોફ્ટવેરવાળા ફોન ગમવા લાગ્યા હતા, પણ નોકિયાએ હાર્ડવેરમાં જ સુધારા-વધારા કરવાનું ચાલુ રાખ્યું (કારણ કે તેની સફળતાની ફોર્મ્યુલા જ એ હતી), પરિણામે એપલ અને સેમસંગ જેવા નવા ખેલાડીઓ મેદાન મારી ગયા.

હું જે કરતો આવ્યો છું તે જ યોગ્ય છે એવો અભિગમ કટ્ટરતા પેદા કરે છે. ખુદને બહેતર બનાવવા માટેની પૂર્વશરત એ છે કે આપણને આપણા વિચારો, વ્યવહાર, આદતો અને હુન્નરને બદલવાની જરૂરિયાત મહેસૂસ થવી જોઈએ. જે એમ માને છે કે હું પરફેક્ટ છું તે પર્સનલ ગ્રોથ કરી ન શકે. ખુદના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું અઘરું હોય છે. તેના માટે એ એકરાર કરવો પડે કે હું જે છું અને જે કરું છું તે બરાબર નથી, મારે મારી અંદર ઘણા ચેન્જ લાવવા પડશે. આવો ચેન્જ માણસના ઈગો માટે ચેલેન્જ છે, અને ૩ કારણોથી માણસો ખુદને બદલી શકતા નથી.

૧. પરિવર્તન પીડાદાયક હોય છે. આપણે જે રીતે જીવીએ છીએ, તેની આપણને ટેવ પડી જાય છે. આપણે એવું માનીએ છીએ હું જેવી રીતે વિચારું છું અને વ્યવહાર કરું છું તે ઉત્તમ જ છે.

૨. ધીરજનો અભાવ. પરિવર્તનનું પરિણામ લાંબા ગાળે ભવિષ્યમાં હોય છે. આપણને તાબડતોબ ફળ જોઈતું હોય છે.

૩. ઇમાનદારીની ગેરહાજરી. જાતને બદલવા માટે જાત સાથે ઈમાનદારી જોઈએ. આપણે આપણી સ્થિતિ માટે બીજા લોકો અથવા સંજોગોનો દોષ કાઢીએ છીએ, અને ખુદને બચાવી લઈએ છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો