સુબ્રતો રોય સામાન્ય લોકોના નિસાસા લઈને ગયા
કવર સ્ટોરી – વિજય વ્યાસ
ભારતના જાહેર જીવનના અનોખા પાત્ર એવા સુબ્રતો રોયનું મંગળવારે મોડી રાત્રે મુંબઈમાં નિધન થયું એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. સામાન્ય રીતે એક યુગ પૂરો થયો એવુ કહીએ ત્યારે તેને સારા અર્થમાં લેવાય છે પણ સુબ્રતો રોયના કિસ્સામાં આ યુગ સારો નહોતો પણ યાદ રાખવા જેવો ચોક્કસ છે. ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં ભારતના કોર્પોરેટ જગતમાં છવાઈ ગયેલા અને જે ભવિષ્યમાં દેશમાં સૌથી ધનિક વ્યક્તિ બનશે એવું કહેવાતું એવા સુબ્રતો રોયનો યુગ ભારતના ઈતિહાસમાં એવું પ્રકરણ છે કે જેમાં કરોડો લોકોનાં આંસુ, વેદનાઓ, તકલીફો સમાયેલી છે.
સુબ્રતો રોયે જેમને નવડાવી નાખ્યા એવા સામાન્ય લોકોની લોહીપરસેવાની કમાણી આ યુગમાં ફનાફાતિયાં થઈ ગઈ ને આ સામાન્ય લોકોને તેમની રકમ પાછી મળશે કે કેમ તેમાં શંકા જ છે. સુબ્રતો રોયે આ સામાન્ય લોકોની લોહીપરસેવાની કમાણીના જોરે તાગડધિન્ના કર્યો, અંગત પ્રસંગોમાં પાણીની જેમ પૈસા વહાવ્યા, રાજકારણીઓને ખુશ રાખ્યા, પોતાની દેશના સૌથી મોટા ધનિક બનવાની મહત્વાકાંક્ષા સંતોષવા એક પછી એક નિષ્ફળ સાહસો કર્યાં. જે લોકોએ સુબ્રતો રોય અને તેમની સહારા પર ભરોસો મૂકેલો તેમની સાથે સુબ્રતો વિશ્ર્વાસઘાત કર્યો, ગદ્દારી કરી. સુબ્રતો આ લોકોને પહેલાં જ લોહીનાં આંસુએ રડાવી દીધેલા ને તેમનાં એ આંસુનું કદી વળતર મળશે કે નહીં એ સવાલ મૂકીને સુબ્રત રોયે કાયમ માટે વિદાય લઈ લીધી.
સુબ્રતો રોય ૨૦૧૨માં સહારા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને દેશના લગભગ ૩ કરોડ રોકાણકારો પાસેથી ઉઘરાવેલી ૨૪ હજાર કરોડ રૂપિયાની રકમમાં ઘાલમેલના આરોપમાં જેલમાં ગયા ત્યારથી આ સવાલ પૂછાય છે. સુબ્રતો રોયે બે વર્ષ લગી જેલની હવા ખાધી અને પછી જેલની બહાર આવી ગયા. બહાર આવ્યા પછી તેમણે વારંવાર સધિયારો આપ્યો કે, સહારાના રોકાણકારોની પાઈએ પાઈ ચૂકવી દઈશું પણ એ દિવસ કદી આવ્યો જ નહીં. સુબ્રતો રોયે વિદાય લીધી પણ સહારા ગ્રુપ તો હજુ અસ્તિત્વમાં છે જ પણ સુબ્રત રોય એ હદે બધું બગાડીને ગયા છે કે, હવે સામાન્ય લોકોને કશું મળવાની આશા નથી.
સહારાના ૨૫ હજાર કરોડ રૂપિયા સેબી પાસે પડ્યા હોવાનું કહેવાય છે પણ સહારાના લેણદાર જ એટલા બધા છે કે, સેબી આ રકમ રિલીઝ કરે તો પણ બધાંને મુદ્દલ પણ પાછું ના મળે, સુબ્રતો ઊચા વ્યાજ ને વળતરનાં આંબા-આંબલી બતાવેલાં તેને તો ભૂલી જ જવાં પડે.
સુબ્રતો રોય ભારતીય કોર્પોરેટ જગતમાં અણઘડપણાનો નાદાર નમૂનો છે. માત્ર પબ્લિસિટીના જોરે તમે મોટું બિઝનેસ સામ્રાજ્ય ખડું કરી શકતા નથી એ વાત સુબ્રતો રોયના કિસ્સામાં અક્ષરશ: સાચી પડી છે. સુબ્રતો રોયે અમિતાભ બચ્ચન પરિવારના સુપરસ્ટાર ને સચિન તેંડુલકર સહિતના એ જમાનાના તમામ ક્રિકેટરોને લોકો પાસેથી લીધેલા પૈસાના જોરે સહારાનો પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતારી દીધેલા પણ તેના કારણે તેમના બિઝનેસને કોઈ ફાયદો ના થયો કેમ કે બિઝનેસ ચલાવવા માટે જે આવડત અને દૂરંદેશી જોઈએ એ સુબ્રતો રોયમાં નહોતી. અંબાણી કે અદાણી દસ વરસ પછી ક્યો બિઝનેસ ચાલે છે એ જોઈ શક્યા ને તેમાં રોકાણ કરીને મોટા બન્યા એવું સુબ્રતો રોય ના કરી શક્યા કેમ કે તેમનામાં લાબું જોવાની ક્ષમતા નહોતી.
સુબ્રતો રોયની સ્ટોરી રેગ્સ ટુ રીચીઝ હોવાના દાવા થાય છે. સુબ્રતો સાઇકલ પર ખારી વેચીને શરૂઆત કરેલી ને પછી મોટું સામ્રાજ્ય ઊભું કર્યું એવી વાતો મીડિયામાં છપાય છે પણ એ વાતો ખોટી છે. સુબ્રત રોય બંગાળના જમીનદાર પરિવારમાંથી આવતા હતા ને ધંધા માટે તેમનો પરિવાર બિહારમાં સ્થાયી થયેલો. સુબ્રત રોય ગોરખપુરમાં ભણીને મિકેનિકલ એન્જીનિયર થયેલા પણ ધનિક પરિવારના હોવાથી નોકરી કરવા માગતા નહોતા. નોકરીના બદલે બિઝનેસ કરવા માગતા હતા સુબ્રત રોય ૧૯૭૬માં સહારા ફાયનાન્સમાં જોડાયા ત્યારે સહારા ડચકાં ખાતી કંપની હતી તેથી સુબ્રતે બે વર્ષ પછી આ કંપનીને ખરીદીને સહારા ગ્રુપ બનાવ્યું.
૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં કોલકાત્તાની પીયરલેસને ચીટ ફંડમાં જબરદસ્ત સફળતા મળી હતી તેથી સુબ્રતે પિયરલેસના મોડલની નકલ કરીને સહારાને તેજીમાં લાવી દીધી. સહારા પાસે જોરદાર નાણાં આવવા માંડ્યા તેથી સુબ્રતોને મોટા થવાનો સણકો ઉપડ્યો. સહારા ગ્રુપની સ્થાપનાના ત્રણ વર્ષ પછી સુબ્રતે ૧૯૮૧માં સહારા વન મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ કંપની શરૂ કરીને અખબારો, મેગેઝિન્સ, ટીવી ચેનલ શરૂ કરી ને ફિલ્મો પણ બનાવી.
ભારતમાં આર્થિક ઉદારીકરણ આવ્યું પછી સુબ્રતો એરલાઈન્સ બિઝનેસમાં આવ્યા. સુબ્રતો ૧૯૯૧માં એર સહારા નામે એરલાઈન્સ સ્થાપીને ૧૯૯૩માં એર સહારાએ ઓપરેશન પણ ચાલુ કર્યું પણ આ કંપની કદી નફો ના કરી શકતાં છેવટે ૨૦૦૭માં જેટ એરવેઝને વેચી દેવી પડેલી. સુબ્રતો.ને રીયલ એસ્ટેટ મોગલ બનવાના પણ અભરખા હતા તેથી ૧૯૯૧માં જ પુણે પાસે એમ્બી વેલી નામે ભવ્ય સિટી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ ઉપરાંત દેશનાં તમામ મોટાં શહેરોમાં સહારા સિટી બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ શરૂ કરેલો
સુબ્રતો ૧૯૯રમાં રાષ્ટ્રીય સહારા નામે હિંદી અખબાર ચાલુ કર્યું હતું ને એ ચાલતું નહોતું છતાં ૨૦૦૦માં સુબ્રતે સહારા ટીવી શરૂ કર્યું. ૨૦૦૩માં સહારા ટાઈમ (અંગ્રેજી), સહારા સમય (હિંદી) અને સહારા આલમી (ઉર્દૂ) એમ ત્રણ મેગેઝિન શરૂ કરેલાં. આ કશું ના ચાલ્યું ને બધામાં લાખના બાર હજાર કરવાના દાડા આવ્યા. સુબ્રતે હોટલ બિઝનેસમાં ઝંપલાવીને ૨૦૧૦માં લંડનની આઈકોનિક ગ્રોસવેનોર અને ૨૦૧૨માં ન્યુ યોર્કમાં ઐતિહાસિક પ્લાઝા હોટલ તથા ડ્રીમ ડાઉનટાઉન હોટલ ખરીદેલી પણ એ પણ ના ચાલી.
સુબ્રત રોયે ૧૯૭૮માં સહારા ગ્રુપની સ્થાપનાથી ૨૦૧૨માં જેલમાં ગયા ત્યાં સુધીનાં ૩૪ વર્ષમાં મીડિયા, ફાયનાન્સ, રીયલ એસ્ટેટ, ફાયનાન્સિયલ સર્વિસીસ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, એરલાઈન્સ, પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ, મેન્યુફેક્ચરિંગ, લાઈફ ઈન્સ્યોરન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કો-ઓપરેટિવ સોસાયટી, એન્ટરટેઈનમેન્ટ, ટુરિઝમ, હેલ્થકેર, હોસ્પિટાલિટી એમ તમામ પ્રકારના ધંધા કર્યા. આ બધા ધંધા સહારા ફાયનાન્સની સામાન્ય લોકોની બચતમાંથી કર્યા ને બધામાં ખોટનો ધંધો કરીને છેવટે તાળાં મારવાં પડ્યાં.
સહારા પાસે નાણાંની રેલમછેલ છે એવું સાબિત કરવા સુબ્રતે સહારા ગ્રુપને ભારતીય ક્રિકેટ અને હોકી ટીમનું સ્પોન્સર બનાવ્યું હતું. આઈપીએલમાં પૂણે વોરિયર્સ ટીમ સુબ્રતે ખરીદેલી જ્યારે ઈન્ડિયન બેડમિંટન લીગમાં અવધ વોરીયર્સ ટીમ ખરીદેલી. ફોર્મ્યુલા વનની ટીમ પણ સુબ્રતે ખરીદેલી. એમ્બી વેલીમાં ભવ્ય કાર્યક્રમો કર્યા પણ કશું ના ચાલ્યું.
સુબ્રતે મુલાયમસિંહ યાદવ સાથે ઘરોબો કેળવીને યુપીમાં પાવર અને રીયલ એસ્ટેટ બિઝનેસમાં મોટા ખેલાડી બનવાના ઉધામા કરી જોયેલા પણ તેમાં પણ ના ફાવ્યા ને છેવટે જેલમાં જવાનો વારો આવ્યો. રોશનલાલ નામના ઈંદોરના એક સી.એ. હોવાનો દાવો કરતા વ્યક્તિએ નેશનલ હાઉસિંગ બેંકેને રોશનલાલે ૪ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ પત્ર લખેલો. આ પત્રમાં આક્ષેપ કરેલો કે, સહારા ઈન્ડિયા રીયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડે ૨.૩૩ કરોડ રોકાણકારો પાસેથી ૧૯૪૦૧ કરોડ રૂપિયા અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ૭૫. ૧૪ લાખ રોકાણકારો પાસેથી ૬૩૮૦ કરોડ રૂપિયા મળીને લગભગ ૨૫,૮૦૦ કરોડ રૂપિયા ઓપ્શનલ ફુલ્લી ક્ધવર્ટિબલ ડીબેન્ચર્સ (ઓએફસીડી) બહાર પાડીને ઉઘરાવ્યા છે પણ આ ગેરકાયદેસર છે. સુબ્રત પહેલાં સોનિયા ગાંધી વિરૂધ્ધ બેફામ બોલી ચૂકેલા ને એ વખતે કેન્દ્રમાં ડો. મનમોહનસિંહની સરકાર હતી તેથી આ પત્ર સેબી પાસે ગયો ને સેબીએ સુબ્રતોને બૂચ મારી દીધો તેમાં સુબ્રતો કદી ઊચા જ ના આવ્યા.
સુબ્રતો રોયના જીવનની કરુણાંતિકા એ છે કે, એક સમયે જેની આગળપાછળ હજારો લોકો ફરતા, જે માણસ બહાર નિકળતો ત્યારે તેના કાફલામાં પચાસ-સો લોકો રહેતાં, જેની આગળપાછળ સેલિબ્રિટી ફરતી એ સુબ્રતો રોય ગુજરી ગયા ત્યારે તેમનો પરિવાર પણ તેમની સાથે નહોતો.
સુબ્રતો રોય અને સ્વપ્નાની લવ સ્ટોરીની બહુ વાતો છપાઈ છે પણ એ સ્વપ્ના બીમારીના દિવસોમાં સુબ્રતો સાથે નહોતાં. સુબ્રતો હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સોના સહારે હતા. જેમનાં લગ્નમાં કરોડો રૂપિયા પાણીની જેમ વહાવેલા એ બંને દીકરા પણ પાસે નહોતા. આખો પરિવાર વિદેશમાં સ્થાયી થઈ ગયો છે ને સુબ્રતોના પાપના છાંટા પોતાના પર ના પડે એટલા માટે કોઈ આવ્યું જ નહીં. લંડનમાં રહીને ભણતા પૌત્રે અગ્નિ સંસ્કાર કરવા પડ્યા.