ઉત્સવ

સુબ્રત રોય: ઝાકઝમાળ જિંદગીનો કલંકિત અંત

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી

નવા વર્ષના પહેલા દિવસે, સહારા ઇન્ડિયા પરિવાર નામના બિઝનેસ સમૂહના સ્થાપક, સુબ્રત રોયનું, ૭૫ વર્ષની વયે અવસાન થયું, ત્યારે સુન્દીપ ખન્ના નામના બિઝનેસ પત્રકારે લખ્યું હતું, સુબ્રત રોય યુવાન હતા ત્યારે કોઈ તેમને કહેવાનું ભૂલી ગયું કે ગમે તેટલી સાદગીપૂર્ણ શરૂઆત હોય, તમે આન્ત્રપ્રેન્યોર છો એનો અર્થ એ નથી કે કાયદાની ચુંગાલમાંથી આજીવન બાકાત રહી શકો. તેમને જો આ સલાહ મળી હોત, તો તે એક અપમાનજનક અંત કરતાં વધુ સાર્થક જીવન જીવી શક્યા હોત. હજુ વર્ષની શરૂઆતમાં જ સરકારે તેમની કંપનીઓએ એક કરોડથી વધુ રોકાણકારો પાસેથી છેતરપિંડી દ્વારા એકત્ર કરેલા નાણાં પરત કરવાના પ્રયાસરૂપે સહકારી મંડળીઓના કેન્દ્રીય રજિસ્ટ્રાર (સીઆરસીએસ) સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું હતું. દુર્ભાગ્યે, તેમને આ સમાચારથી યાદ રાખવામાં આવશે.

કોઈ બિઝનેસમેનનું અવસાન થાય, ત્યારે તે નવી પેઢીએ પ્રગતિ માટે શું કરવું જોઈએ તેનો મૂલ્યવાન બોધપાઠ મૂકીને જાય છે. સુબ્રત રોયનું બદનસીબ કેવું કે તે ગયા ત્યારે શું ન કરવું જોઈએ તેનો ‘મૂલ્યવાન’ વારસો મૂકીને ગયા છે. ૧૯૭૮માં ૨૦,૦૦૦ રૂપિયાની નાનકડી મૂડી સાથે સહારા સમૂહની શરૂઆત કર્યા પછી, તેમની સફર હાઉસિંગથી લઈને ઉડ્ડયન અને મીડિયાથી લઈને ફાયનાન્સ સુધીના બહુવિધ વ્યવસાયો સુધી ફેલાઈ હતી. રોયનો અંત આવ્યો ત્યારે, સહારા સમૂહની વેબ સાઈટ અનુસાર, તેમના સમૂહની સંપત્તિ ૨ લાખ કરોડ ૫૯ હજાર કરોડ હતી.

તેમની વાર્તા ફર્શ સે અર્શ તકને ચરિતાર્થ કરે તેવી હતી, પરંતુ એમાં ઘણાં પ્રકરણો એવાં હતાં જે તેમની ટ્રેજેડીને પણ ચરિતાર્થ કરતાં હતાં. જેમ કે, નાના રોકાણકારોના ૨૦ હજાર કરોડ પાછા આપવામાં નિષ્ફળ ગયેલા રોય કોર્ટનું અવમાન કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં હાજર ન થયા, તો ૨૦૧૪માં તેમને તિહાર જેલમાં પૂરવામાં આવ્યા હતા. જેલની એ આકરી અને એકલવાયી જિંદગીને આસાન બનાવવા માટે રોયે જિંદગીના બોધપાઠ પર લાઈફ મંત્ર નામનું પુસ્તક લખ્યું હતું.

સહારાશ્રીથી જાણીતા સુબ્રત રોય કરિશ્માવાળી વ્યક્તિ હતા. તેઓ ભારતના પ્રથમ સુપરસ્ટાર બિઝનેસમેન હતા. એક સમય હતો જ્યારે તેમની પ્રસિદ્ધિનો સૂરજ ચારેબાજુ ઝગમગ થતો હતો. રાજકારણીઓ તેમની આગળ-પાછળ ફરતા હતા. બોલીવૂડના કલાકારો તેમનું મનોરંજન કરતા હતા. પત્રકારો તેમના પર લેખ લખતા હતા. રોયના હાથમાં જાદૂ હતો; એ જ્યાં પણ હાથ મુકે ત્યાંથી સંપત્તિ અને સત્તા નીકળતી હતી.

પણ ક્યારેય સૂર્ય અસ્ત થતો ન હતો. વરિષ્ઠ નેતાઓ કતારમાં ઊભા હતા. બોલીવૂડ સુપરસ્ટાર પોતાના ઘરે ચા વહેંચતા હતા. આ ઉદ્યોગ સુબ્રત રોય સામે ઝૂક્યો હતો. પત્રકારોએ તેમનું સમર્થન કરીને ગર્વ અનુભવ્યો હતો. રોયે જે પર હાથ મૂક્યો તે સંપત્તિ, ખ્યાતિ અને સત્તાની ટોચ પર હતો. તેઓ ચિટ ફંડથી માંડીને એરલાઇન્સ સુધી બધું જ કરતા હતા.
લખનઊમાં તેમના પુત્રોનાં લગ્નોમાં ભારતના પ્રધાનમંત્રી, એક ડઝનથી વધુ કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને સમગ્ર ઉદ્યોગ જગત રોયનું મહેમાન હતું. ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓએ ત્યાં મહેમાનોને ભોજન પીરસ્યું હતું. વિશ્ર્વ કપ વિજેતા ટીમના તમામ સભ્યોને સહારાએ બનાવેલા આધુનિક શહેર એમ્બી વેલીમાં ઘર ભેટમાં આપવામાં આવ્યા હતા.

રોયની પાસે બિનહિસાબી સંપત્તિ અને અપાર શક્તિ હતી. કહે છે કે સંપત્તિ અને સત્તા સાપના ઝેર જેવી હોય છે. તેને ઝીરવવાની તાકાત ન હોય તો તે ખુદને ખતમ કરી નાખે. રોયના કિસ્સામાં એ કદાચ અતિ-આત્મવિશ્ર્વાસનો શિકાર થઇ ગયા હતા, અને એકવાર તેમનો સમય બદલાયો, તે સાથે શક્તિશાળી લોકોએ તેમને પીઠ બતાવવાની શરૂ કરી દીધી હતી.

હકીકતમાં, સપ્ટેમ્બર, ૨૦૦૯માં સહારા સમૂહે સહારા પ્રાઇમ સિટીનો આઈપીઓ લાવવા માટે સેબીને અરજી કરી હતી. બીજા મહિને સહારા જૂથની વધુ બે કંપનીઓ-સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ-એ આઈપીઓ માટે અરજી કરી હતી. સહારા સમૂહ એક સાથે ૩ આઈપીઓ દ્વારા શૅરબજારમાં પ્રવેશવા માંગતું હતું, પરંતુ કોઈને ખબર નહોતી કે આ નિર્ણય જૂથના પતનની વાર્તા લખશે.

જ્યારે સેબી આ દસ્તાવેજોની તપાસ કરી રહ્યું હતું, ત્યારે બે સહારા કંપનીઓની ફરિયાદો નિગરાની હેઠળ આવી હતી. તેમાં ખબર પડી હતી કે સહારા સમૂહે સેબીની પરવાનગી વગર રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કર્યાં હતાં. સેબીએ બે સહારા કંપનીઓને ભંડોળને પરત કરવા જણાવ્યું હતું. આ કારણે સહારા અને સેબી વચ્ચે વિવાદ થયો હતો. આ મામલો જુદી જુદી અદાલતોમાં ગયો હતો, પરંતુ આખરે સુપ્રીમ કોર્ટે સહારાને રોકાણકારોના ૨૪,૦૦૦ કરોડ રૂપિયા સેબીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. ત્યાંથી સહારાના ખરાબ દિવસો શરૂ થયા હતા.

એ રાતોરાત થયું નહોતું. તેમનું જેલમાં જવું અનેક ઘટનાઓની પરાકાષ્ઠા હતી. રોય તેમના જીવનની અલગ-અલગ ઘટનાઓ (કે ભૂલો)ને એકસાથે જોડીને તે કઈ દિશામાં જઈ રહ્યા છે તે સમજવા જેટલા સતર્ક કે સમજદાર નહોતા. અથવા તેમને તેમની અમાપ ધન-શક્તિ પર વિશ્ર્વાસ હતો. તેમનામાં અગમચેતી હોત, તો ઘણા અકસ્માતોને અટકાવી શક્યા હોત.
અગણિત લોકોએ સુબ્રત રોય પર વિશ્ર્વાસ મૂક્યો અને તેમની જીવનભરની કમાણી સહારામાં રોકી દીધી હતી. તેમને આશા હતી કે સહારાશ્રી તેમની સંપત્તિને વધારવામાં મદદ કરશે. એવું કશું ના થયું. રોય કોઈ પારદર્શકતા વિના વ્યવસાય કરતા હતા અને લોકોના પરેસેવાની કમાણી પર શાનો-શૌકતભરી જિંદગી જીવતા હતા.

વ્યક્તિગત રીતે સુબ્રત રોય છવાઈ જવામાં પાવરધા હતા, પરંતુ વ્યવસાયિક પરફોર્મન્સ માટે એવું કહી શકાય તેમ નહોતું. તે અનેક ક્ષેત્રોમાં વ્યવસાય કરતા હતા, પણ એમાં નફો થતો નહોતો. ખોટ અને દેવાનો ઢગલો થઈ રહ્યો હતો અને કામદારોને પગાર મળતો ન હતો. કામદારોનું કલ્યાણ તેમની પ્રાથમિકતામાં નહોતું.

ઘણા લોકોને એ જાણીને આઘાત લાગ્યો હતો કે રોયે તેની કાનૂની મુસીબતોના ખર્ચા કાઢવા માટે અથવા દંડની ભરપાઈ કરવા માટે તેમની સંપત્તિ અને અન્ય ઇમારતો વેચી હતી. એક અતિ-સમૃદ્ધ અબજોપતિ હોવા છતાં, રોય પાસે સ્થિર નાણાકીય પીઠબળ નહોતું. એક સશક્ત બિઝનેસ હંમેશાં ખરાબ દિવસો માટે અગમચેતીરૂપે વ્યૂહરચનાઓ ઘડી રાખે છે, પરંતુ રોય પાસે કોઈ વ્યૂહરચના નહોતી. તેમને કદાચ લાગ્યું હશે કે એવા દિવસ ક્યારેય નહીં આવે.

૨૦૧૪માં, રોય સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા, ત્યારે પોતાને વકીલ તરીકે ઓળખાવતા એક માણસે તેમની પર કાળી શાહી ફેંકી હતી. શાહી ફેંક્યા પછી, મનોજ શર્મા નામના એ માણસે પોતાની શર્ટ ઉતારીને લહેરાવી હતી અને બૂમો પાડવા લાગ્યો કે તે (સુબ્રત રોય) ચોર છે અને ગરીબો પાસેથી પૈસા ચોર્યા છે.

સુબ્રત રોય કાળી શાહીથી રંગાયેલી શર્ટ પહેરીને ન્યાયાધીશો સમક્ષ હાજર થયા હતા. તે એક ફિલ્મી દ્રશ્ય હતું. તેમણે આત્મવિશ્ર્વાસની સાથે જાતે જ દલીલો કરતાં કોર્ટને કહ્યું હતું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરવા માટે વધુ એક તક ઈચ્છે છે. તેણે કહ્યું હતું કે જો તે આ છેલ્લા પ્રયાસમાં નિષ્ફળ જશે તો તે અદાલત સમક્ષ ઊભા રહેશે અને સજા સ્વીકારશે. જોકે, ન્યાયમૂર્તિ કે. એસ. રાધાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરની ખંડપીઠ તેમના આત્મવિશ્ર્વાસથી પ્રભાવિત થઇ નહોતી અને રોકાણકારોના પૈસા પાછા આપવા માટેની નક્કર દરખાસ્ત ન આવે ત્યાં સુધી તિહાર મોકલી દીધા હતા. ૨૦૧૭માં, રોય પેરોલ પર બહાર આવ્યા હતા, પરંતુ શક્તિશાળી લોકોની જેમ, તેમના સ્વાસ્થ્યએ પણ તે પછી તેમનો સાથ છોડી દીધો હતો. તેઓ જેટલી શોમેનશીપ સાથે જીવન જીવ્યા હતા, તેટલી જ શાંતિમાં ચાલ્યા ગયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button