સ્ટાઇલ ઓફ ‘સવાલ પૂછવાની કળા’
શરદ જોશી સ્પીકિંગ-ભાવાનુવાદ: સંજય છેલ
સવાલ પૂછવા અને એના જવાબ આપવાની જે પરંપરાગત સ્ટાઇલ છે, એ મુજબ, સવાલો હંમેશાં ટૂંકા હોય અને એના ઉત્તર લાંબા, વિસ્તારથી હોય. પ્રાચીન સમયમાં શિષ્યો કોઇ પ્રશ્ર્ન પૂછતાં જેમ કે ‘ઇશ્ર્વર છે?’ તો ગુરુજનો એનો વિસ્તારથી અને ગહનતાથી સમજાવીને શિષ્યોને જવાબ આપતા. ત્યારે શિષ્ય પણ જ્ઞાન મેળવવા જિજ્ઞાસુ રહેતો અને ગુરુ પણ વાતને વિગતવાર સમજવામાં ખૂબ ઇમાનદાર ને ઉત્સાહી હતા. એ સમયમાં રાજકીય ક્ષેત્રે પ્રશ્ર્નો પૂછવાની તો પ્રથા જ નહોતી. ત્યારે તો માત્ર રાજાઓ દ્વારા આદેશ આપવામાં આવતા હતા અને પ્રજા દ્વારા ચૂપચાપ એનું પાલન કરવામાં આવતું હતું. મંત્રીથી લઈને ખેડૂત સુધી બધાંને રાજા પ્રશ્ર્ન પૂછતાં
અને લોકોએ પ્રશ્ર્નોનો જવાબ આપવો પણ પડતો. ઈતિહાસમાં એ યુગ પણ હતો કે જ્યાં રાજાને કોઇ સવાલ પૂછી શકતું નહીં અને ભૂલથી કોઇ પૂછે તો પૂછવવાળાની જીભ કાપી નાખવામાં આવતી હતી. જાણે રાજ્યમાં એક જાતની સતત કટોકટી કે ઇમરજંસી ના લગાડી હોય.
પરંતુ આજકાલ પત્રકારો સવાલ કરે છે અને નેતાઓ જવાબ આપે છે. હા, પ્રશ્ર્ન પૂછવાની શૈલી બદલાઈ ગઈ છે. હવે સવાલો લાંબા હોય છે ને સામે જવાબ ટૂંકા! આજકાલ વન લાઈનર મતલબ કે એક લીટીમાં ટૂંકો જોરદાર જવાબ આપવાનો મહિમા છે. મીડિયામાં પણ સવાલ-જવાબની આખી સ્ટાઇલ લોકસભા નેતાઓના સવાલ-જવાબની શૈલીથી પ્રભાવિત છે. વિધાનસભા કે સંસદમાં તો સરકાર, હંમેશાં સામેથી આવતા સવાલોરૂપી તીરોના જવાબો હાથમાં, ઢાલ રાખીને જ આપે છે, એટલે કે સતત પોતાનો બચાવ કરે છે. ત્યાં સરકારને કરાતાં સવાલોમાં વિરોધથી લઈને ચમચાગીરી સુધી બધું જ દેખાઇ આવે છે. નેતાઓના જવાબોમાં મૂર્ખતાથી લઈને બેજવાબદારી કે મીંઢાપણાં સુધી બધું જ ટપકતું હોય છે. કમસેકમ આ બાબતમાં તો સંસદ કે વિધાનસભાઓને મનોરંજન માટે જોવા કે સાંભળવાની આદર્શ જગ્યા ગણી શકાય.
આજકાલ પ્રશ્ર્ન પૂછવાવાળા એમના વાક્યોને ખૂબ લાંઆઆઆઅબા કરે છે. જેમ કે મૂળ સવાલ એમ હોય કે- ‘શું વિદેશમંત્રી ચીન જશે?’ તો પ્રશ્ર્ન પૂછવાવાળો એને એવી રીતે નહીં પૂછે કે ‘શું તમે ચીન જશો?’ એનો પ્રશ્ર્ન એવો હશે ‘શ્રીમાન મંત્રીજી શું તમે એ જણાવવાનું કષ્ટ કરશો કે આ વર્ષે તમે ચીન જશો કે નહીં?’
સામે જવાબ સાવ નાનો: ‘ના’ અથવા ‘હા.’
શું છે કે આમાં જવાબ તો મળ્યો પણ એમાં વાત જામી નહીં. મજા ના આવી એટલે સવાલને વધારે લાંબો કરવામાં આવ્યો. જેમ કે- “આ વર્ષે રશિયા, ફ્રાંસ, અમેરિકાના સફળ પ્રવાસ પછી ચોક્કસ કહી શકાય કે આપણાં વિદેશી સંબંધો સુધર્યા છે અને એ દેશો પણ આપણી સમસ્યાઓને યોગ્ય રીતે સમજ્યા છે, આ સંદર્ભમાં હું એમ પૂછવા માગું છું કે ચીન સાથે આપણને થોડી સમસ્યાઓ છે અને એ આપણો પડોશી દેશ છે, આવી પરિસ્થિતિમાં ભારતના વિદેશમંત્રી હોવાના કારણે તમારી ચીન યાત્રા નજીકના ભવિષ્યમાં એટલે કે આ વર્ષે થશે કે નહીં?
પણ જવાબ તો ટૂંકો જ મળશે: ‘હા’ કે ‘ના’
પરંતુ પ્રશ્ર્ન પૂછવાવાળાને જરૂર સંતોષ થશે કે એણે મોટો પ્રશ્ર્ન પૂછ્યો. છાપામાં સમાચાર કંઈક આ પ્રમાણે હશે- “વિદેશમંત્રીએ કહ્યું કે તેઓ અત્યારે ચીન નથી જઈ રહ્યા. પણ આ જ વાત બઢાવી-ચઢાવીને લખી શકાય. એ આ રીતે હોઇ શકે- “વિદેશમંત્રીને એમની રશિયા, ફ્રાંસ, અમેરિકાના પ્રવાસની સફળતાના પરિપ્રેક્ષ્ય વિશે
પૂછવામાં આવ્યું કે શું નજીકના ભવિષ્યમાં એમની ચીનની મુલાકાત લેવાની સંભાવના છે?
વિદેશમંત્રીએ કહ્યું, “અત્યારે એવી કોઈ સંભવના નથી!
વાત તો એની એ જ છે કે જવાબ આપવાવાળો હજી પણ ચીન નથી જઈ રહ્યો… પણ સવાલ પૂછવાવાળાનું લાંબુ વાક્ય ગંગા-જમુનાનાં મેદાનો ઓળંગીને, હિમાલય પર ચઢીને પેલી બાજુએ ઊતરી ગયો. એ શું ઓછું છે? ઉ