ઉત્સવ

સરકારી દમનની દાસ્તાનો… જાલિમ સત્તાનું ઝેર

ચાલાક ચાટુકાર ચૂપ રહે છે. (છેલવાણી)

મિજાજ મસ્તી -સંજય છેલ

સત્તા ને શંકા, સગી બહેનો છે. સૌથી શક્તિશાળી સત્તાધારી સૌથી વધુ ભયભીત હોય. એ જૂઠ-ફરેબ, જુમલા-હુમલા કે વચન-પ્રવચન…કોઇપણ રીતે સત્તાને સાપની જેમ મુઠ્ઠીમાં જકડી લે.

એક રાજાએ પ્રજામાં મતદાન કરાવ્યું: ‘શું એ વિશ્ર્વનો શ્રેષ્ઠ રાજા છે?’ પ્રજાએ ડરીને રાજાને જ મત આપ્યો, સિવાય કે એક માણસ. રાજાએ એને આમંત્રીને ‘સત્યવાન નાગરિક’ તરીકે ભેટ-સોગાતોથી સન્માન કર્યું. પછી રાજાએ એને ચારધામની જાત્રાએ મોકલ્યો. એ ગયો તે ગયો-પાછો આવ્યો જ નહીં. પ્રજા જાતજાતની અટકળો કરતી રહી. વર્ષો પછી એ અચાનક પ્રગટ થયો ત્યારે સૌએ પૂછયું, ‘તું ક્યાં ખોવાઈ ગયેલો?’ પણ એ સત્યવાન, સાવ ચૂપ કારણ કે એ જાત્રામાં ગયો ત્યારે રસ્તામાં ગુંડાઓએ જીભ કાપી નાખેલી!

એક રાત્રે રાજા વેશપલટો કરીને નગરમાં નીકળ્યો ત્યારે લોકોની ટીકાઓ સાંભળી: ‘રાજાના માણસોએ જ પેલાની જીભ કાપી હશે.’ આ સાંભળીને રાજાએ ફરી પેલા સત્યવાનનું સન્માન કરીને પ્રજાને કહ્યું, ‘પ્રજાજનો, આપણો સત્યવાન નાગરિક, જેવો આપણાં રાજ્યમાંથી બહાર ગયો કે કોઈએ એની જીભ કાપી નાખી. બોલો! અર્થાત્ બીજાં રાજ્યો, આપણાં રાજ્યની જેમ સલામત નથી. અહીં તો બોલવાની સ્વતંત્રતા છેને?’

આ સુણી પ્રજાએ રાજાનો જયજયકાર કર્યો. હવે રાજા પેલાનું મોં ખોલીને રોજ તપાસે છે કે જીભ, ફરી ઊગી તો નથીને?!

દરેક દૌરમાં દમનની આવી જ દાસ્તાનો હોય છે, તુમાખી તાનાશાહોની!

રશિયાનાં પ્રેસિડન્ટ પુતિનના વિરોધી ને વિપક્ષી નેતા એલેક્સી નવાલની વર્ષો સુધી જેલમાં સબડેલા અને એમને ઝેર આપવાનો પ્રયાસ પણ થયેલો. એ નવાલનીનું હમણાં રશિયન જેલમાં છાતી પર હુમલાથી મૃત્યુ થયું. એક્ટિવિસ્ટો કહે છે રશિયન ખૂફિયા એજેંસી કે.જી.બી. હંમેશાં દુશ્મનની છાતી પર એક મુક્કો મારીને ખતમ કરી નાખે છે…અને પુતિન પણ અગાઉ ઘાતકી કે.જી.બી.માં જ હતા.
નવાલનીની માતા, ૭-૭ દિવસ સુધી દીકરાની લાશ માટે ટળવળતી રહી. રશિયન સરકારે શબ આપવામાં શરત મૂકી: અંતિમસંસ્કાર ગુપ્ત રીતે કરવાના, નહીં તો જેલમાં જ દફનાવી દેવાશે!

નવાલનીની પત્ની યૂલિયાએ પુતિન પર હત્યા અને નવાલનીનાં શબને ગોંધી રાખવાનો આરોપ મૂક્યો છે. યૂલિયા રશિયન પ્રજાને પુતિન સામે આંદોલન કરવા લલકારે છે. અમેરિકા-યુરોપનાં નેતાઓ પણ નવાલનીનાં મોત માટે પુતિનને જ જવાબદાર ગણે છે.

તાજેતરમાં ફરી ચૂંટણી જીતીને પુતિન, ફરી પ્રેસિડંટ બન્યા ત્યારે કહ્યું: ‘નવાલની રશિયા પાછા નહીં આવે’ એ શરતે હું એમને જેલમાંથી છોડવા તૈયાર હતો…પણ હાય, શું થાય? જિંદગીમાં અચાનક કંઈક થાય એની કોઇને ક્યાં કલ્પના હોય ?’

હમ બોલેગા તો બોલોગે કિ બોલતા હૈ!

(વર્મા મલિક)
હમણાં ઈરાનમાં મશહૂર ગાયક શર્વિન હાજીપુરને સરકાર વિરુદ્ધ લોકોને આંદોલન કાજે ભડકાવવાના ગુનામાં ૪૨ મહિનાની સજા થઇ. શર્વિનનો ગુનો એ જ કે ૨૦૨૨માં હિજાબ વિરુદ્ધ આંદોલનમાં એણે એક્ટિવિસ્ટ મ્હાસા અમીનની હત્યા વિશે વિદ્રોહી ગીત ગાયેલું. વળી એ જ ગીત માટે અમેરિકન પ્રેસિડંટની પત્ની, જિલ બાઈડનના હાથે શર્વિનને ગ્રેમી એવોર્ડ મળેલો! હવે એ જ તાનાશાહ ઇરાન સરકાર શર્વિન પર દબાણ કરે છે કે અમેરિકા દ્વારા થતા અપરાધો માટે કોઇ જલદ ગીત બનાવે અને ઓનલાઇન અમેરિકા પર ચાબખા મારતી ટીકાઓ કરે!

ઈરાનમાં હિજાબ આંદોલન પછી સામાજિક કાર્યકરો, પત્રકારો ને કલાકારોએ જેલમાં જઇને જીવલેણ સરકારી દમન ઝેલવું પડે છે. દરેક સત્તાને વિરોધીઓ કે વિદ્રોહીઓની ચુપ્પી જ ગમે છે, નહીં તો આખેઆખું સરકારી તંત્ર તો ધરપકડ કરવા તૈયાર જ હોય છેને?

એક રાજાનો ચમચો મંત્રી વિરોધીઓને ખતમ કરવામાં માહિર હતો. રાજાને થયું, ‘આ મંત્રીને જ ન્યાયાધીશ બનાવી દઉં તો શત્રુઓને ચપટીમાં સજા અપાવી શકીશ!’ પછી રાજાએ મંત્રીને એ શરતે જજ બનાવ્યો કે ચુકાદો રાજાની મરજી મુજબ આપવાનો. ચમચો મંત્રી તરત માની ગયો. પછી રાજા, એક પછી એક શત્રુઓના કેસ કાઢવા માંડ્યો. પણ મંત્રી તો જજ બનતાં જ સત્યનો પક્ષ લેવા માંડ્યો અને રાજા વિરુદ્ધ ચુકાદા આપવા લાગ્યો! ચારે બાજુ રાજાની ટીકા અને મંત્રીની વાહ-વાહ થવા માંડી. રાજાએ મંત્રીને ધમકાવ્યો તો એણે કહ્યું: ‘મહારાજ, મને ય સમજાતું નથી કે જેવો હું ન્યાયનાં સિંહાસન પર બેસું છું કે કોણ જાણે કેમ મારાથી સત્ય બોલાઇ જાય છે ને આપની વિરુદ્ધ ચુકાદો અપાઈ જાય છે!’ રાજાને થયું કે ન્યાયની ખુરશીમાં જ કોઇ રહસ્ય છે. એટલે એણે હીરાજડિત ન્યાયની ખુરશીનાં ટુકડા કરીને દરિયામાં ફેંકી દીધા. હવે સાદા આસન પર ચમચો મંત્રી, રાજાની મરજી મુજબ પક્ષપાતી ચુકાદાઓ આપવા માંડ્યો. પછી એકવાર રાજાએ એના જન્મદિવસે અમીરો અને કલાકારોને પાર્ટી આપી, જેમાં દારૂ પીને અમુક બુદ્ધિજીવીઓ બબડવા માંડ્યા: ‘ન્યાય તો પહેલાં બરાબર થતો હતો, હવે કંઈક ગડબડ છે!’ આ સાંભળતા જ રાજાના મોંમાં કોળિયો અટકી ગયો. કોળિયામાં એક હીરો હતો, જે પેલી હીરાજડિત ન્યાયની ખુરશીનાં ટુકડાંમાંથી દરિયામાં પડેલો, જેને કોઇ માછલીએ ખાધેલો…જે માછલી રાજાએ ખાધી અને ગળામાં હીરો ફસાઇ ગયો. તાનાશાહ રાજાનું મૃત્યુ થયું. રાજકુમાર બહુ નાનો હતો એટલે મંત્રીએ રાજ્યનો કારભાર સંભાળી લીધો. સત્તા મળતાં વેંત, સૌથી પહેલાં મંત્રીએ રાજ્યમાં દારૂ-માંસાહાર રાતોરાત બંધ કરાવ્યા. જેથી ફરીથી નશામાં કોઈ બુદ્ધિજીવી સત્તાની ટીકા ન કરે અને ન્યાયનાં આસનનો ટુકડો અર્થાત્ ‘સત્ય’ના અંશને કારણે પોતાનો જીવ ન જાય…

પ્રજાએ કહ્યું : ‘ધન્ય છે મંત્રી! દારૂ-માંસાહાર વિના સમાજને કેટલો સંસ્કારી બનાવી દીધો!’

ખરેખર, જો સંસ્કારી સત્તા ના હોત તો સમાજનું શું થાત?

એંડ-ટાઇટલ્સ:
આદમ: સાચું કહું?
ઈવ: આવડશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button