ઉત્સવ

રામ નામે પથ્થર તર્યા હવે રામ નામે બ્રાન્ડસ તરશે!

આ પ્રત્યક્ષ જોવાનો અવસર આવી ગયો છે..! .

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

આવતીકાલનો દિવસ ઇતિહાસ રચશે અને તેની નોંધ હજારો વર્ષો સુધી લેવાશે. કહી શકાય કે આવતી કાલનો દિવસ અમર થઇ જશે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આ પુણ્યક્ષણના સાક્ષી બનીશું અને આપણા જીવનકાળમાં આ શુભ કાર્ય થશે. આ પ્રસંગને માર્કેટિંગની ભાષામાં સમજીયે તો આને મૂવમેન્ટ માર્કેટિંગનો ભાગ ગણી શકાય. ‘મૂવમેન્ટ માર્કેટિંગ’ અર્થાત્ બ્રાન્ડનું કોઈપણ સામાજિક કાર્ય સાથે જોડાવું. કોઈ એક એવી ચળવળ, જે સકારાત્મક કામ સમાજમાં કરી રહી હોય અને બ્રાન્ડ તેને સહારો આપે-મદદરૂપ બને અથવા બ્રાન્ડ આવી ચળવળ પોતે શરૂ કરે.
ઉદાહરણ તરીકે, ટાટા ટીનું ‘જાગો રે’ કેમ્પેઇન જેણે સમાજના અમુક એવા વિષયને છેડી કેમ્પેઇન બનાવ્યું. કદાચ સમજવા માટે આ આસાન ઉદાહરણ હોઈ શકે. આ ઉપરાંત સરકાર દ્વારા ચલાવવામાં આવતું પોલિયો મુક્ત ભારત કેમ્પેઇન પણ એનું ઉદાહરણ હોઈ શકે. જો તમે કેમ્પેઇનને સમજ્યા હશો તો ખબર પડશે કે આ એક સમજી વિચારી આયોજનબદ્ધ કેમ્પેઇન હતું અને આનું સકારાત્મક પરિણામ આપણે આજે જોઈ શકીએ છીએ.

બસ, આજ રીતે જો તમે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ પહેલેથી અનુભવ્યો હશે તો ખબર પડશે કે આ એક ઊંચી કોટિનું ઉચ્ચસ્તરે ઘડેલું આયોજન છે. ૧૨૦ કરોડથી વધારેના દેશમાં અંતિમ માનવ સુધી આ વિચાર મર્યાદિત સમયાવધિમાં પહોંચાડવો તે ખાવાના ખેલ નથી. ગર્વ અને છાતી ઠોકીને કહી શકીયે કે જો કોઈપણ દેશમાં તાકાત હોય તો આવું આયોજન આ સ્તરે કરી બતાવે. એક ઉત્સવ ઉજવાતો હોય તેમ લાગે છે. લોકોમાં રામ પ્રત્યેની, પોતાના દેશ પ્રત્યેની અને પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા વધુ મજબૂત થઇ છે. મોહલ્લા, બિલ્ડિંગ, ઘરોમાં, મંદિરોમાં કળશ સ્થાપના, રામ નામની ધૂન ભજન, ચોખાનો પ્રસાદ અને કાર્યક્રમની રૂપરેખા અને અંતે બધા પોતાના સ્થાનિક સ્થળે એક જગ્યાએ મળી આ અવસર માણશે. નથી
લાગતું કે આ કોઈ મોટી બ્રાન્ડનું સફળ કેમ્પેઇન હોય! ચોક્કસપણે આવનારા સમયમાં મૂવમેન્ટ માર્કેટિંગ માટેની આ મોટી કેસ સ્ટડી થશે. હવે આપણે જોયું તેમ કાં તો બ્રાન્ડ પોતે ચળવળ ઊભી કરે અથવા આવી ચળવળમાં પોતે ભાગ લે. જે દેશમાં બ્રાન્ડ દિવાળી જેવા ઉત્સવો અને ક્રિકેટ માટે અલગથી બજેટ ફાળવે છે અને તેને પોતાનો માલ વેચવા માટેની મહત્ત્વની સીઝન ગણે છે એ શું આ ઉત્સવનો લાભ નહિ લે?

આપણે કદાચ મુંબઈમાં બેઠા છીએ તેથી ખબર નહિ પડે કે બ્રાન્ડ શું કરી રહી છે. બધી જ મોટી બ્રાન્ડોએ આ ઉત્સવના અને આજુબાજુના સ્થળે પોતાની બ્રાન્ડને આ ચળવળ સાથે જોડી દીધી છે. કોઈ પણ બ્રાન્ડ જયારે કેમ્પેઇન ચલાવે ત્યારે હેતુ નક્કી કરે છે અને આ કેસમાં અવેરનેસ અને લોકોની સહાનુભૂતિ, ક્ધઝયુમર ટ્રસ્ટ અર્થાત્ ગ્રાહકનો વિશ્ર્વાસ જીતવું તે પ્રાથમિક હેતુ હશે. માલ વેચાય તે નફામાં ગણાશે. આપણે જાણીએ છીએ કે આજનો ગ્રાહક જાગરૂક છે અને તે આનો અભ્યાસ જરૂર કરશે કે કઈ કઈ બ્રાન્ડે આ ઉત્સવમાં ભાગ લીધો છે. આ વાતથી બ્રાન્ડ અજાણ નથી અને તેથી એ પોતાનું પૂરું જોર લગાવી દેશે આ ચળવળને પોતાની તરફેણમાં લાવવા.

ચાલો, આપણે જાણીએ કે કઈ રીતે બ્રાન્ડોએ પોતાનું પ્રમોશન શરૂ કર્યું છે.

અયોધ્યા અને આજુબાજુના શહેરો આજે મહત્ત્વના સ્થળો બની ચુક્યા છે. ત્યાંની વસતિ કરતાં ૧૦ ગણા લોકો આ દિવસે આમાં ભાગ લેશે અને આવનારા દિવસો અને વર્ષોમાં આ મોટું હોટસ્પોટ બનવાનું છે તેમાં બે મત નથી.

વગર મહેનતે નવું માર્કેટ અનેક બ્રાન્ડ માટે તૈયાર થઇ ગયું છે, જેના થકી એ લાખો ગ્રાહકોને મેળવી શકશે. આથી બ્રાન્ડસ માટે આ આજની કે એક દિવસની રમત નથી પણ આવનારા સમયની મોટી રમત છે.

અયોધ્યા સાથે આજુબાજુના મહત્ત્વના શહેરોના રસ્તા પર આવતા ધાબા અને રેસ્ટોરન્ટ જેવા ખાવાના સ્થળોએ શ્રદ્ધાળુઓ માટે બ્રાન્ડેડ કુલરો, સાઈન બોર્ડ અને ઠંડા પીણાંના વેડિંગ મશીનો લાગી ગયા છે. આ ઉપરાંત પાર્ક, કપડાં બદલવાના રૂમો, બ્રાન્ડેડ ગેટ, લોકોની જરૂરિયાતના વિવિધ સ્ટોલ પણ લાગી ગયા છે. અમુક બ્રાન્ડે મંદિરના થીમને લઈને પોતાનું પ્રમોશન પ્લાન કર્યું છે, ત્યાં સુધી કે પોતાના બ્રાન્ડ કલરને બાજુએ મૂકી મંદિરના કલરનો પોતાના કેમ્પેઇનમાં ઉપયોગ કર્યો છે. રસ્તાઓ પર આવતા ખાવાના ધાબાઓમાં જમ્યા પછી પાચન માટેની પીપરમેન્ટની એક નામી બ્રાન્ડે અને બીજી એક જ્યુસની બ્રાન્ડે તેમના ઉત્પાદનોનું મફતમાં વિતરણ કરવાની યોજના બનાવી છે. વિવિધ પ્રવૃત્તિઓ લોકો માટે અને એક્સપિરિયન્સ સેન્ટરો ઊભા કરાયા છે. એક ખાવાના તેલની નામી બ્રાન્ડે પોતાના પ્રોડક્ટનું સેમ્પલિંગ કરવાનું વિચાર્યું છે, જેના માટે મોટી સંખ્યામાં સ્ટોલો ઉભા કર્યા છે. નામી અગરબત્તીની બ્રાન્ડે છે.

મહિના સુધી અગરબત્તીનું દાન મંદિરને કર્યું છે તે ઉપરાંત મંદિરના પ્રાંગણમાં ઉત્સવના દિવસ માટે પાંચ ફૂટ ઊંચી અગરબત્તીના સહારે ખુશ્બુ પાથ બનાવ્યો છે. બીજી કેટલીક બ્રાન્ડ્સે બેરિકેડ્સ પણ આપ્યા છે. આની સાથે અયોધ્યા અને આજુબાજુના શહેરોમાં બધા ઓઉટડોર માધ્યમો ખરીદાઈ ગયા છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે કઇ રીતે બ્રાન્ડ્સ આ ચળવળનો હિસ્સો બની લાભ ઉઠાવી રહી છે.

અહીં તમે એક વાતની નોંધ લીધી હશે તો જણાશે કે, મોટેભાગે બધી બ્રાન્ડએ સેલને મહત્ત્વ નથી આપ્યું પણ સેમ્પલિંગ અને મફતમાં ઉત્પાદનો આપવાની વાત કરી છે. આ બ્રાન્ડ માટે ભવિષ્યનું રોકાણ છે. મોટાભાગના લોકો એવી બ્રાન્ડ સાથે જોડાવા માગે છે જે માત્ર નફો જ નહીં પરંતુ સામાજિક પરિવર્તન તરફ પણ કામ કરે છે. આના દ્વારા ગ્રાહકોને તમારા ઉત્પાદન અથવા સેવાઓ પર વિશ્ર્વાસ વધુ બેસે છે. આવી ચળવળ તમારા વ્યવસાયને ઉન્નત બનાવી શકે છે. આમ, તમારે જાગૃત રહેવાની જરૂર છે કે કઈ ચળવળ તમારી બ્રાન્ડને મદદ કરશે અને જોવા જઇયે તો આ જે ઉત્સવ છે, માર્કેટિંગની ભાષામાં જે ચળવળ છે તે બધા માટે મોટી તક લઈને આવી છે. આથી આવનારા સમયમાં ચોક્કસ પણે કહેવાશે કે રામના નામે બ્રાન્ડો તરી ગઈ..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…