
વિશેષ -નિલેશ વાઘેલા
શેરબજારની તેજી એકધારી વધતી જઇ રહી છે અને તેની સાથે તેમાં ઝંપલાવવાની ઘેલછા પણ વધતી જાય છે. દરેક રોકાણકાર એક જ સપનું સેવે છે કે એક ઝાટકે કમાઇ જાઉં, પણ એનાથી વિપરીત થાય તો? સેબીના એક ચોંકાવનારા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, ખાસ કરીને એફએન્ડઓમાં ખૂબ જ ખૂંવારી થઇ રહી છે.
લોકોને જાણે શેરબજારની ચાનક ચડી ગઇ છે અને પારાવાર નુકસાન છતાં તેમાં હાર્યો જુગારી બમણું રમે, એ નિયમને અનુસરી વધુને વધુ જુગટું ખેલી રહ્યાં છે. આપણું યુવાધન ઇઝી મનીને રવાડે ચડ્યું છે અને તે સમગ્ર દેશ માટે મોટી ચિંતાનો વિષ્ાય છે. એક અભ્યાસ અનુસાર ઇન્ટ્રા ડે ટ્રેડિંગના પ્રમાણમાં ૩૦૦ ટકાનો જબરો વધારો નોંધાયો છે અને ચિંતાજનક બાબત એ છે કે તેમાં પચાસ ટકા હિસ્સો ત્રીસ વર્ષથી ઓછી ઉપરના યુવાનોનો છે.
એક જૂની અને જાણીતી કહેવત છે, શેરબજારની કમાણી, શેરબજારમાં સમાણી! સારાંશ એટલો કે શેરબજારમાં સટ્ટાખોરીની લત લાગી જાય પછી સરવાળે ગુમાવવાનો વારો આવે છે. સવાલ એ છે કે, શેરબજારની સટ્ટાખોરી રોકાણકારોને માલામાલ ઓછા અને પાયમાલ બનાવે છે?
આ સવાલ કે સંકેત કોઇ પાયમાલ થયેલા રોકાણકારો તરફથી નહીં, બલ્કે ખૂદ નાણાં મંત્રાલયના અધિકારીઓ, કેપિટલ માર્કેટના રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ ઓક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને એક્સચેન્જોના અધિકારીઓ તરફથી આવ્યા છે. સેબીએ ટોચના બ્રોકરો પાસેથી કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે એટલે કે સત્ર દરમિયાન જ લેવેચ કરનારાઓના ત્રણ વર્ષના આંકડા મેળવી તેનો અભ્યાસ કરીને તૈયાર કરેલા અહેવાલનો સારાંશ એ જ છે કે યુવાનોની શેરબજારની વધતી ઘેલછાં તેમને પાયમાલી તરફ દોરી શકે છે.
અભ્યાસ અનુસાર વાર્ષિક ધોરણે એક કરોડ રૂપિયાથી વધુ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કરનારાઓમાંથી ૭૬ ટકા લોકોને નુકસાન થયું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ત્રીસ વર્ષથી ઓછી ઉમરના ઇન્ટ્ર-ડે ટ્રેડર્સ ૧૮ ટકા હતા, જે હવે ત્રણ ગણા વધીને ૪૮ ટકા સુધી પહોંચી ગયા છે, જેમાંથી ૮૧ ટકા લોકોએ ખોટ ભોગવી છે.
શેરબજારમાં સામાન્ય રોકાણકારોના વધતા રસને
કારણે સરકાર અને સેબી બંને ચિંતિત છે. બજારના નિરિક્ષકો અને સંચાલકોને રોકાણકારો માટે જોખમ વધવાનો ડર સતાવી રહ્યો છે. એક અતિપ્રચારિત ડેટા અનુસાર ૧૦માંથી સાતેક લોકો એટલે કે લગભગ સિત્તેર ટકા લોકો, ખાસ કરીને સ્ટોક માર્કેટ ડેરિવેટિવ્સમાં નાણાં ગુમાવી રહ્યા છે.
ભારતમાં શેરબજારમાં સામાન્ય લોકોની વધતી જતી રુચિએ સરકાર અને બજાર નિયામક સેબી વિચાર કરતા કરી મૂક્યા છે. એક અભ્યાસ અનુસાર લોકો તેમની બચત શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે જોખમ વધી ગયું છે.
એક અહેવાલ અનુસાર, ગયા વર્ષે માર્ચ સુધી, શેરબજારમાં ઇન્ટ્રાડે ટ્રેડ કરતા ૧૦માંથી ૭ લોકોને નુકસાન થયું હતું. અગાઉના અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ૧૦ માંથી નવ લોકો સ્ટોક માર્કેટ ડેરિવેટિવ્ઝમાં નાણાં ગુમાવી રહ્યા છે.
સામાન્ય રોકાણકારોને શેરબજારમાં ઝડપથી નાણાં કમાવવાની લાલચથી બચવા માટે વારંવાર સલાહ આપવામાં આવી રહી છે. રોકાણકારોને સટ્ટાના અતિરેકથી બચાવવા તેમ જ તેમને અન્ય વિકલ્પ તરફ દોરવાના પ્રયાસરૂપે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને અંદાજપત્રમાં શેરબજારમાં રોકાણથી ઉપજતા નફા પર ટેક્સ વધાર્યો છે.
સરકારનું માનવું છે કે આનાથી શેરબજારમાં વધુ જોખમ લેતા લોકોની સંખ્યામાં ઘટાડો થશે. સરકારના મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ એક કથનમાં જણાવ્યું હતું કે ભાવ નક્કી કરવા માટે શેરબજારમાં ફ્યુચર્સ અને ઓપ્શનનો ઉપયોગ જરૂરી છે, પરંતુ સરકાર નથી ઈચ્છતી કે સામાન્ય લોકો વધુ જોખમ લઈને શેરબજારમાં નાણાંનું રોકાણ કરે.
ભારતનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ કોરોના સમયગાળા દરમિયાનના સૌથી નીચા સ્તર સામે ત્રણગણો વધી ગયો છે. સામાન્ય રોકાણકારોનો આમાં મોટો ફાળો છે, ખાસ કરીને જેઓ શેરબજારના સૌથી જોખમી ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં નાણાંનું રોકાણ કરે છે. આ લોકોના કારણે ભારતમાં શેરબજારમાં ટ્રેડિંગનું પ્રમાણ વિશ્ર્વમાં સૌથી વધુ વિશાળ બન્યું છે. લોટરીની જેમ શેરબજારમાં પણ એ ધ્યાન રાખવું જોઇએ કે જોખમ ઘણું વધારે છે અને લોટરી ભાગ્યે જ લાગતી હોય છે!