વિજ્ઞાન ક્ષેત્રે હજુ પણ મહિલાઓને અન્યાય?

સંશોધન -નિધી ભટ્ટ
ભૂતકાળમાં ડોકિયું કરીને જોઇએ તો સ્ત્રીઓની પરિસ્થિતિ ઘણી સુધરી છે. દરેક ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણ થવા લાગ્યું છે. ઘર અને કુટુંબને સાચવીને પણ સ્ત્રીઓએ શિક્ષણ તેમ જ નોકરી-વ્યવસાય ક્ષેત્રે હરણફાળ ભરી છે એ સારી વાત કહેવાય, પરંતુ વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે હજુ પણ મહિલાઓને જોઇએ એવું ગૌરવભયુર્ં સ્થાન મળ્યું નથી એ બાબત ચિંતા પ્રેરે એવી છે.
એલ્સવેર નામની વિશ્ર્વસ્તરીય સંશોધન અને વિશ્ર્લેષણ કરતી સંસ્થાના એક અહેવાલ મુજબ વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓનો સહભાગ ૨૦૦૧માં ૨૮ ટકા હતો એ વધીને ૨૦૨૪માં ૪૧ ટકા થયો છે. જોકે ભારત માટે હજુ દિલ્હી દૂર છે. ભારતમાં મહિલાઓની વસતિ લગભગ પુરુષો જેટલી એટલે કે અડધોઅડધ છે, પણ તોયે વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ એક તૃતિયાંશ એટલે કે ૩૩ ટકા જ છે. આ બાબતે હજું પણ લિંગઆધારિત વિષમતા આંખે ઊડીને વળગે એવી છે.
જોકે આવી વિષમતામાં પણ માર્ગ કાઢે તેવી સંશોધક મહિલાઓ પણ છે. ટેસી થોમસ, રિતુ શ્રીવાસ્તવ (અંતરિક્ષ વિજ્ઞાન),સુજાતા રામદોરાય (ગણિત), સંઘમિત્રા બંદોપાધ્યાય (કૉમ્પ્યુટર ક્ષેત્ર), વત્સલા થિરુમલાઇ (મનોવિજ્ઞાન),સુદીપ્તા સેનગુપ્તા ( ભૂગર્ભ વિજ્ઞાન) આ બધી ભારતીય મહિલાઓએ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે ગજબનું કાઠું કાઢ્યું છે. જીવવિજ્ઞાન ક્ષેત્રે પણ ઘણી મહિલા સંશોધકો જેમ કે અર્ચના શર્મા, સંધ્યા વિશ્ર્વેશ્ર્વરૈયા, કિરણ મજુમદાર જેવી વિજ્ઞાનીઓ અગ્રેસર છે. આ ઉપરાંત મેડિકલ ક્ષેત્રે કૅન્સર જેવી અસાધ્ય બીમારીઓના વિભાગમાં પણ મહિલા સંશોધકો પોતાનો ફાળો આપી જ રહી છે.
જોકે, વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ હજુ પણ પુરુષસમોવડી થઇ નથી શકી. તેના ઘણા કારણોમાંનું એક કારણ એ પણ હોઇ શકે કે સ્ત્રીપુરુષ સમાનતાનું તત્ત્વ હજુ પણ આપણા સમાજમાં પૂરેપૂરું વિકસ્યું નથી. સંશોધનના મહત્ત્વના ક્ષેત્રે સ્ત્રીઓ પૂર્ણ ક્ષમતાપૂર્વક કામ કરી શકે તે અંગે હજુ પણ આપણા જડ સમાજમાં આશંકા સેવાય છે. હજુ પણ ઘણા કુટંબોમાં સ્ત્રીઓ સામાન્ય નોકરી વ્યવસાય કરીને ઘરના આર્થિક ઉપાર્જન કરે અને ઘર પણ સંભાળે તેવી માન્યતા કે અપેક્ષા હોય છે. બીજી બાજુ સંશોધન ક્ષેત્રમાં વધુ જ્ઞાન, વધુ મહેનત અને વધુ સમય ફાળવવાની જરૂર હોય છે. પ્રયોગશાળામાં કામ કરવાની શારીરિક અને માનસિક તૈયારી હોવી જરૂરી છે.સંશોધન ક્ષેત્રે દિવસરાત કામ કરવા તત્ત્પર રહેવું પડે. સંશોધન અડધેથી છોડાય નહીં. એટલે જ આવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે સ્ત્રીઓને મોકલવા અંગે તેમના કુટુંબીઓ કે સાસરી પક્ષવાળા ભારે ખચકાટ અનુભવતા હોય છે. બહુ ઓછા કુટુંબીઓનો આ બાબતમાં મહિલાોને પૂરતો સહકાર મળી રહેતો હોય છે. જો પૂરતો ટેકો મળી રહે તો જ સ્ત્રીઓ પોતાના મનગમતા ક્ષેત્રમાં જઇ શકે અને વધુમાં વધુ સમય ફાળવી શકે.
શહેરી મહિલાોની સરખામણીમાં ભારતની ગ્રામીણ મહિલાઓ તો હજું પણ વધુ ભેદભાવ અને પૂર્વગ્રહથી પીડાઇ છે. પ્રયોગશાળામાં પૂરતો સમય ઊભી રહી શકશે કે કેમ થી માંડીને ઉપકરણો સાથે વ્યવસ્થિત કામ પાર પાડી શકશે કે કેમ એવી અલગ અલગ જાતની શંકાઓ સેવાય છે. આવી માનસિકતાઓ સામે આત્મવિશ્ર્વાસથી જજૂમનાર નીડર મહિલાઓ જ વૈજ્ઞાનિકની કક્ષાએ પહોંચી શકે છે. વધારે ને વધારે મહિલાઓને આ ક્ષેત્રે અગ્રેસર કરવી હોય તો તેમની સામે હાલની મહિલા વૈજ્ઞાનિકોના કાર્યોની ઝલક દેખાડતા રહેવું જોઇએ. તેમનો આત્મવિશ્ર્વાસ વધે એવી પ્રોત્સાહક સ્થિતિ ઊભી કરવી જોઇએ.
વિજ્ઞાન-સંસોધનક્ષેત્રે પણ હજુ લિંગભેદ દેખાઇ આવે છે. મહિલાઓને મદદનીશ કે સહકાર્યકર્તાનો હોદ્દો જ હજુ મળે છે. તેને પૂરા સંશોધનની ધૂરા સોંપી શકાય એ નજરે હજુ પણ જોવામાં આવતી નથી. અલબત્ત આ બાબતે પાશ્ર્ચાત્ય દેશો પણ ખૂબ આગળ નથી. સંશોધક મહિલા રોઝાલિન્ડ ફ્રેન્કલિને ડીએનએ જેવા આનુવાંશિક રેણુની ત્રિમિતિય સંરચનાના સંશોધનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, પણ પૂર્વાગ્રહવશ તેના આ યોગદાન પરત્ત્વે દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું. સ્ત્રીઓ પોતાના સંશોધન અંગે પેટન્ટ મેળવવા ઇચ્છે તો પણ પુરુષો જેટલું મહત્ત્વ અને સહકાર આજે પણ પ્રાપ્ત કરી શકતી નથી.
છેક ૧૯૦૧થી સંશોધન ક્ષેત્રે નૉબેલ પુરસ્કાર આપવામાં આવે છે, પણ સવાસો વર્ષના સમયગાળામાં માત્ર ત્રણ જ મહિલાઓ આ પુરસ્કારની હકદાર બની શકી છે. વૌશ્ર્વિક સ્તરે જો આ પરિસ્થિતિ હોય તો આપણા દેશની તો શી વાત કરવી? હા એક ઉપાય છે. જેમ ફિલ્મોમાં બેસ્ટ અભિનેત્રી કે રમતગમત ક્ષેત્રે બેસ્ટ સ્પોર્ટ્સવુમનને અઢળક ઍવોર્ડ્સ અને પ્રોત્સાહન મળતા હોય છે તેમ મહિલા વૈજ્ઞાનિકો માટે પણ વિવિધ પારિતોષક જાહેર કરીને પ્રોત્સાહન આપવું જોઇએ. મહિલાઓને સ્ત્રી સંબંધી જે સમસ્યાઓ નડતી હોય તેને ધ્યાનમાં રાખીને વધુ સુવિધાઓ આપવી પડશે. સમાજની હોંશિયાર સ્ત્રીઓને પુરુષ જેટલી અને જેવી જ નજરે જોઇ તેમને સંશોધનક્ષેત્રે જોતરવાથી દેશ અને દુનિયાને વધુ લાભ મળી જ રહેશે. સ્ત્રીઓને નાનપણથી જ તેમના મનગમતા ક્ષેત્રમાં કોઇ પણ જાતના લિંગભેદ વગર જવા દેવાની માનસિકતા માબાપ કેળવી શકે તો ભવિષ્યમાં સંશોધક ક્ષેત્રે જવા માટે એક નૈતિક બળ મળી રહેશે. પુરુષોની સાથે સાથે મહિલાઓનું પણ યોગદાન સંશોધન ક્ષેત્રે વધતું જશે. આ કાર્ય માટે સમાજે આજે નહીં તો કાલે પૂર્વગ્રહો કે લિંગભેદ ભૂલીને આગળ આવવું જ પડશે.