ઉત્સવ

પગલાં માંડુ અવકાશમાં

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

સાંઈ કવિ મકરંદ દવે કહે છે-
પગલાં માંડુ અવકાશમાં, જોઉં હરિવરનો હાથ
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

આજની યુવાપેઢી પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા અનેક પડકારો ઝીલે છે. ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ કારકિર્દી પંથ કપરો ભલે હોય પણ તેમાં અનેક સંઘર્ષ તથા સાહસથી સભર છે. મુંબઈની જાણીતી મીઠીબાઈ કોલેજમાંથી બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયેલા અર્જુન ગાંધીએ વિદેશી કંપનીમાં જે સિદ્ધિ મેળવી તે કઈ રીતે મેળવી તે જોઈએ.

યુ.એસ.એ.ની ટાટા એલેક્ષસી કંપનીમાં મેડિકલ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટની આજે એક ખાસ મિટિંગ યોજાઈ હતી. બોર્ડ ઓફ ડાયરેકટર્સ સાથે ફેક્લટીની આખી ટીમ હાજર હતી. આસિટન્ટ ડાયરેક્ટર લૂઈ જ્હોને ઊભા થઈને સ્મિત આપતાં કહ્યું- “વી ધ બોર્ડ ઓફ ડાયરેકટર્સ આર વેરી પ્રાઉડ ઓફ અવર યંગ ટીમ. ધ ક્વાલિટી ઓફ અવર પ્રોડકશન ઈઝ ગ્રેટ. મેન્યુફેક્ચરિંગ એન્ડ માર્કેટિંગ ઈઝ ડુઈંગ વન્ડરફુલ જોબ. કોન્ફરન્સ રૂમમાં ટેબલ પર હળવા હાથ મારી સૌએ ખુશી દર્શાવી.

ડાયરેક્ટર ડો. પ્રોફેસર સ્મિથે ઊભા થઈને કહ્યું- આય એમ પ્રાઉડ ફોર અવર યંગ ટીમ. ધે હેવ ઈનોવેટિવ માઈન્ડ એન્ડ ધે આર વર્કિંગ હાર્ડ. આય વુડ લાઈક ટુ મીટ મિ. અર્જુન ગાંધી.
રાઉન્ડ ટેબલની જમણી બાજુએ ત્રીજી ખુરશીમાં બેઠેલા અર્જુનના આખા શરીરે રોમાંચ વ્યાપી ગયો. આંખમાં હર્ષાશ્રુ આવી ગયા.

“આર યુ ફ્રોમ ઈંડિયા? “યસ સર, ઈંડિયા- બોમ્બે, સર.
“આય રેડ યોર આર્ટિકલ- ઈન આઈ.સી.જે.એ. જર્નલ એબાઉટ-
એપનોઈઆ ડિટક્શન ઈટસ્ વેરી ઈનોવેટિવ. કોન્ગ્રેચ્યુલેશન માય યંગ એન્ડ સ્માર્ટ સાયંટિસ્ટ. વેલ ડન માય બોય. આય એમ પ્રાઉડ ઓફ યુ. ઓન બીહાફ ઓફ અવર ટીમ આય વોન્ટ ટુ પ્રેઝન્ટ ધીસ એક્ષલન્સ સર્ટીફીકેટ ડો.સ્મિથે હર્ષભેર કહ્યું.

અર્જુને ઊભા થતાં કહ્યું- થેંકયુ સો મચ. આય એમ ઓવરવેલ્હ્મડ. આય સીક યોર બ્લેસીંગ, સર. કહેતા ડાયસ પર જઈને ડો.સ્મિથને પગે લાગ્યો. “ગોડ બ્લેસ યુ માય ચાઈલ્ડ, ડો.સ્મિથે કહ્યું- “સી ધીસ ઈઝ ધ ગ્રેટ ઈંડિયન કલ્ચર.
પછી તો મિટિંગમાં અનેક ચર્ચા થઈ પણ અર્જુન માટે તો આ યાદગાર દિવસ બની ગયો. વિદેશની ભૂમિ પર એક ભારતીય યુવાનનું ડાયરેક્ટરે સન્માન કર્યું.

અર્જુન ગાંધીને હજારો ગાઉ દૂર બેઠેલા એના મા-બાપ યાદ આવી ગયાં. છેલ્લાં ત્રણ વર્ષથી અર્જુન આ કંપનીમાં કામ કરે છે. આજે મળેલું આ એક્ષલન્સ સર્ટિફિકેટ શ્રેષ્ઠ શિક્ષણ, તેની મહેનત અને માતા-પિતા અને દાદીમાના આશિષનું પરિણામ કહી શકાય. રૂમ પર આવીને આજે મળેલું સર્ટિફિકેટ ટેબલ પર મૂકેલા ફેમિલિફોટા પાસે મૂક્તાં કહ્યું- આય લવ યુ ઓલ. મોમ-પાપા, તમારા થકી જ આજે આ થઈ શક્યું.

અર્જુન સંસ્મરણોમાં સરકી પડ્યો. મીઠીબાઈ કોલેજમાં એડમિશનની દોડધામ, કઈ શાખામાં ભણવું એને માટે મેં અને મમ્મીએ ભેગી કરેલી માહિતી પછી હેક્ટીક સ્ટડી. હા, કોલેજમાં હું સ્ટુડિયસ અને ગંભીર ગણાતો. કોઈ ખાસ મિત્રો નહીં. લેક્ચર એટેન્ડ કરું, અને ફ્રી ટાઈમમાં લાયઈબ્રેરીમાં અભ્યાસ. નાનો ભાઈ ઈશાન કહેતો પણ ખરો, ભઈ કોલેજમાં મજા નહીં કરો તો કયારે કરશો ?. પણ, આજે મારો તોફાની ઈશુ પણ આઈટીઅન છે.

બારમા ધોરણમાં ૯૫ ટકા મેળવી હું પાસ થયો ત્યારે મેડિકલમાં જઈ શકાત પણ અર્જુનને કંઈક નવી દિશામાં ભણવું હતું. ૨૦૧૨ના અરસામાં બાયોલોજીના વિષય સાથે મેડિકલ એન્જિનિયરિંગની નવી શાખા શરૂ થઈ હતી, જેમાં સંશોધનક્ષેત્રે ઘણી તક હોવાથી અર્જુને આ શાખામાં એડમિશન લીધું.

સવારે ૬.૩૦ વાગે નીકળું ત્યારે નાસ્તાના ડબા અને પાણીની બોટલ લઈ મમ્મી ઊભી જ હોય. કોલેજ લેકચર્સ, લાઈબ્રેરી અને કલાસ પતાવીને રાત્રે ૧૦ વાગે ઘરે જઉં તો ડાયનિંગ ટેબલ પર મમ્મી રાહ જોતી જ હોય. આજે પણ એ રાહ જ જુએ છે- મારા ફોનની. મોમ યુ આર ગ્રેટ.

અમારા પ્રેક્ટિલ લેબના પ્રો.આર.કે. ઐયર એટલે જીવતીજાગતી લેબોરેટરી. મેડિકલ વિજ્ઞાનના નવા જર્નલ્સ વાંચવા આપે, ચર્ચા કરે. એમણે જ મારું નામ યંગસાયંઠિસ્ટ આપ્યું. પ્રો.ઐયર મારા ગોડફાધર. જયારે મારી ગર્લફ્રેન્ડ મનીષા અને મારા આત્મીય સંબંધોમાં તિરાડ પડી, હું ફસ્ટ્રેટ હતો. બઘું જ છોડીને કશેક ભાગી જવાનો હતો. પણ, ઐયર સરે મને હિંમત આપી. જીવનની દિશા બતાવી.

૧) જીવનને સાર્થક બનાવો. તારા જીવનનો ગોલ શું છે?
૨) ગર્લફ્રેન્ડના રીલેશનમાં નિષ્ફળ એટલે જીવન નિષ્ફળ નથી.
૩) તારા અભ્યાસના ક્ષેત્રે તું શું કરી શકે- કેવી રીતે કરીશ- મેડિકલ ક્ષેત્રે કંઈક નવું કર. તું અર્જુન છે. તારો આત્મવિશ્ર્વાસ અને કાર્યનિષ્ઠા તને સફળતા તરફ લઈ જશે.
બસ, હતાશા ખંખેરી મેં જ્ઞાનયજ્ઞ માંડ્યો. એનું પરિણામ આ સર્ટિફિકેટ.
ત્યાં જ ફોનની ઘંટડી રણકી. ઈશાને કહ્યું, ભાઈ કેમ છે?

અર્જુને કહ્યું- ઈશુ, ફેસટાઈમ કર. દાદી, મોમ- પાપાને બોલાવ. બધાને પોતે લખેલા સંશોધન લેખ વિશે વાત કરતાં, મિટિંગમાં ડાયરેક્ટરે આપેલા સર્ટિફિકેટ વિશે જણાવ્યું ત્યારે ફેસટાઈમ પર નાનો ઉત્સવ ઉજવાઈ ગયો.

બી.ટેક.માં જીપી.એ. ૮.૧૯ સાથે ડિગ્રી મેળવ્યા બાદ તેણે પૂનાની સિસ્મેક્ષ ઈંડિયા પ્રા.લિ.માં કારકિર્દી શરૂ કરી. અર્જુનની કાર્યદક્ષતા જોઈ એક જ વર્ષમાં તેને નવા એમ્પલોઈને ટ્રેનિંગ આપવાનું કામ સોંપાયું.

મારા છોકરાએ પાણીનો ગ્લાસ પણ જાતે લીધો નથી, એ પૂનામાં એકલો કેવી રીતે રહેશે ? દાદી તો તૈયાર જ ન હતાં, “હું તને પૂના જવા નહીં દઉં. મમ્મી સાથે દાદી પૂનામાં અર્જુનની રૂમ પર ગયાં. બધી વ્યવસ્થા જોઈ અને શનિ-રવિ અર્જુન મુંબઈના ઘરે આવશે એ જાણ્યું, ત્યારે જ હા પાડી. હવે અર્જુન રાઈસ-દાલ, પાંઉભાજી કે કઠોળ બનાવી લેતો.

નવા એમ્પલોઈને કંપનીની વિદેશી શાખામાં રીક્રુટમેન્ટની ટ્રેનિંગ અર્જુન આપતો. આથી તેના મનમાં વિદેશમાં અને ખાસ તો યુ.એસ.એ. જવાની મહેચ્છા જાગી. પૂનાની કંપનીના પોતાના સી.ઈ.ઓ. સાથે વાત કરી. અર્જુન સારી રીતે જાણતો હતો કે કંપની તરફથી તેને અમેરિકા મોકલવામાં આવે તે લાભદાયક છે. કંપનીના ખર્ચે જવાય અને જોબ પણ સલામત.

૨૦૧૯ની વાત- તેના છ ટ્રેઈનીને વિદેશની કંપનીમાં મોકલવામાં આવ્યા. પણ, અર્જુનને બાકાત રાખવામાં આવ્યો. અર્જુન હતાશ થયો. તેણે કંપનીના જોબ રીક્રુટમેન્ટ મુખ્ય અધિકારી સમક્ષ ફરિયાદ કરી.

અર્જુન, યુ આર એસેટ ટુ અવર કંપની. તમને કેવી રીતે જવા દઈએ.
સર, આય વોન્ટ ટુ ગો ફોર અવર કંપની, એન્ડ મેઈક માય ફયુચર.
એક બાહોશ યુવાનને પાંખ આપવા ઈનચાર્જ ઓફિસર સહમત થયા.
કોરાનાનો પહેલો કાળ શાંત થયો, ત્યારે ૨૦૨૧માં અર્જુન યુ.એસ.ની આ કંપનીમાં જોડાયો.
દાદી, મોમ-ડેડ, ઈશાન બધાં ખુશ પણ વિરહના દરિયામાં હવે તરવાનું હતું.
અર્જુન સપનાની પાંખે પરદેશની ભૂમિ તરફ ઉડાન ભરતો હતો. હવે લક્ષ્યસિદ્ધ કરવા આ નવી દુનિયા, નવા પડકાર, નવા સંઘર્ષ. એ દિવસોમાં કોલેજના મિત્રો સાથે ગાતો હતો તે ગીત ગાવા લાગ્યો..

આશાએં, આશાએં, આશાએં.
કુછ પાનેકી હો આશ, કોઈ અરમાં હો ખાસ ખાસ …
તો એ મંજિલે દૃઢ ડગલાં ભરવાના છે.

વિદેશની ભૂમિ પર કુટુંબના મિત્ર અને તેનો કુટુંબનો સાથ મળ્યો. એક ઈંડિયન વૃદ્ધ દંપતીના ઘરે પેઈંગ ગેસ્ટ તરીકે રહ્યો. કોરાનાની અસરને કારણે વર્ક ફ્રોમ હોમ હતું, નવું સાહસ, નવા અનુભવોનો આનંદ પણ મા-બાપ, ભાઈનો વિરહ.

અર્જુન કહે છે- થેંકસ ટુ ધીસ ડિજિટલ વર્લ્ડ- વો હમસે બહોત દૂર હૈ, મગર વો પાસ ભી હૈ.

વિદેશની ઓફિસ શરૂઆતના અનુભવ અને સમાયોજન પણ સરળ નથી.

અર્જુન કહે છે કે એક તો કુટુંબીઓથી દૂર રહેવાનું સેટબેક હોય પણ કોઈ નવા ઈંડિયન એમપ્લોઈને તેના સિનિયર તરત સ્વીકારતા નથી. એમના મનમાં એવું હોય છે કે આ અમારા કરતાં વધારે કામ કરીને પ્રમોશન લેશે. પોતાનું કામ પણ જુનિયરને સોંપે. અર્જુને એમાંથી માર્ગ કાઢયો. તેમના કામમાં સામેથી મદદ કરી. થોડું અળગાપણું વેઠીને પણ મૈત્રી બાંધી. આમ અર્જુને પગલાં માંડ્યા અવકાશમાં.

આજે અર્જુન ગાંધી એટલે બધાનો મિત્ર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button