ઉત્સવ

૧૮ મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસે ભારતીય સંગ્રહાલયોની સ્થિતિ અને ભાવિ યોજનાઓ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

સંગ્રહાલય જ્ઞાનનો મોટો સ્ત્રોત છે. તે આપણને જ્ઞાનની સાથે સાથે આપણા દેશનો ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, કલા, સ્થાપત્યનો પણ પરિચય કરાવે છે
સંગ્રહાલયોને ઈતિહાસના ભંડાર પણ કહેવામાં આવે છે.

માનવની પ્રવૃત્તિ કે વૃત્તિ સંગ્રહ કરવાની રહી છે. તે કઈ પ્રાપ્ત કરે છે તેને સંચિત (Store) કરવા ઈચ્છે છે જ્યાં સુધી તેની પાસે જગ્યાનો આભાવ ન હોય. અભાવના કારણે જરૂરીયાત અનુસાર બિનઉપયોગી વસ્તુઓ કાઢી/વેચી નાખે છે. સંગ્રહ (Collection)ની આ પ્રવૃત્તિ અસભ્ય પાષાણિક માનવ કાળથી જોડાયેલી રહી છે. તે પોતાના રહેઠાણોમાં શસ્ત્રો, હાડકા, અનાજ, વાસણો વગેરેનો સંગ્રહ કરતા હતા જે સભ્યતાની સમાપ્તિ બાદ પણ દટાયેલ વસ્તુ ઉત્ખનનથી આજે પ્રાપ્ત થાય છે. આ સંગ્રહની પ્રવૃત્તિએ આજે સંગ્રહાલયનું સ્વરૂપનું ગ્રહણ કર્યું છે.

પોતાના ભૂતકાળ વિશે જાણવાની જિજ્ઞાસાને લીધે ઇતિહાસ વિષયનો આવિર્ભાવ થયો છે, જેના કારણે અસ્તિત્વમાં આવેલા સંગ્રહાલયો રોજિંદી જીવનશૈલી, ખાન-પાન, વિવિધ વસ્તુઓ વગેરે પ્રદર્શિત કરે છે. અને સાંસ્કૃતિક વારસાની જાળવણી અને ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરે છે.

સંગ્રહાલય એટલે શું ? એક છોડ જયારે વૃક્ષ બને છે પરંતુ તે ત્યાં સુધી જ ટકી શકે છે જ્યાં સુધી તે તેના મૂળ સુધી જોડાયેલ રહે છે. વિણના વિકાસ માટે ઈતિહાસને યાદ રાખવું જરૂરી છે. પોતાની સંસ્કૃતિ, પરંપરા, ઐતિહાસિક દિવસ વગેરેની લોકોએ વારસાની જાળવણી કરવી જોઈએ તેથી જ વિકાસને યોગ્ય માર્ગ મળી શકે. આ જરૂરિયાતોને સમજીને વિશ્ર્વભરના દેશોએ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક મહત્ત્વને સમજવા, ભૂતકાળની સ્મૃતિઓ, અવશેષો અને કલાકૃતિઓને એક સુરક્ષિત જગ્યાએ સુરક્ષિત રાખે છે તેને સંગ્રહાલય કહે છે. લોકોને ઈતિહાસ સુધી પહોંચાડવા અને તેની સાથે જોડાયેલ વસ્તુઓને જોવા સમજવા માટે વિશ્ર્વ ભરમાં અનેક મોટા, અતિ જૂના અને લોકપ્રિય સંગ્રહાલય ઉપલબ્ધ છે. આ સંગ્રહાલયોના મહત્ત્વ સમજાવવા માટેના ઉદેશ્યથી દર વર્ષે ૧૮ મે ના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવામાં આવે છે.

આ સંગ્રહાલયો એવી ઇમારતો છે જેમાં આપણે કલાત્મક, સાંસ્કૃતિક, ઐતિહાસિક, પરંપરાગત અને વૈજ્ઞાનિક રુચિની ઘણી વસ્તુઓ જોઈએ છીએ. આ જ્ઞાનનો મોટો સ્ત્રોત છે. તે આપણને જ્ઞાન તો આપે જ છે સાથે સાથે આપણા દેશનો ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, કલા, સ્થાપત્યનો પણ પરિચય કરાવે છે. સંગ્રહાલયમાં એવી ઘણી વસ્તુઓ છે જે લોકો માટે રાખવામાં આવી છે. આ બધી બાબતો પરથી આપણે જાણી શકીએ છીએ કે પ્રાચીન કાળના લોકો કેવી રીતે જીવતા? તેઓ કઈ વસ્તુનો શું ઉપયોગ કરતા? કઈ વસ્તુઓ બનાવતા હતા? આ બધી બાબતોની જાણકારી સંગ્રહાલયોમાં મળે છે. તેથી જ સંગ્રહાલયોને ઈતિહાસના ભંડાર પણ કહેવામાં આવે છે.

સંગ્રહાલયોના પ્રકાર : સંગ્રહાલયોને નીચેની શ્રેણીઓ કે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે: ૧. લલિત કળામાં તમામ પ્રકારની પેઇન્ટિંગ, ચિત્રો, શિલ્પ, વાસ્તુકલા વગેરેનો સમાવેશ થાય છે. ૨. ઐતિહાસિક સંગ્રહાલયોમાં ઐતિહાસિક ઘટનાઓ અથવા સમય/કાળ, વ્યક્તિત્વ વગેરેનું નિરૂપણ કરે છે. તેમાં શસ્ત્રો, મૂર્તિઓ, પથ્થરો અને અન્ય સામગ્રીથી બનેલી કલાકૃતિઆનોે સમાવેશ થાય છે. ૩. વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ઇતિહાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસનું પ્રતિનિધિત્વ કરતી તમામ બાબતોનો સમાવેશ છે ઉદાહરણ તરીકે ડાયનાસોરના અવશેષો. ૪. સંગ્રહાલય ઘરમાં કેટલાક પ્રખ્યાત વ્યક્તિ સબંધિત જેમ કે ગાંધીજી અને સાબરમતી આશ્રમ, ડો. ભીમરાવ આંબેડકરનું ઘર, ટીપુ સુલતાન પેલેસ વગેરે. ૫. પુરાતત્ત્વ સંગ્રહાલય જેમાં ઈતિહાસ સાથે સંબંધિત તમામ વસ્તુઓ છે. ૬. સામાન્ય સંગ્રહાલયમાં એક કરતાં વધુ વિષયો હોય છે અને તેથી આ સંગ્રહાલયને મલ્ટિડિસિપ્લિનરી સંગ્રહાલય કહેવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે મનાવાય છે. : પ્રતિ વર્ષ ૧૮, મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવાય છે. વર્ષ ૨૦૦૯માં ૯૦ થી વધુ દેશોના ૨૦,૦૦૦ સંગ્રહાલયે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસમાં ભાગ લીધો હતો. વર્ષ ૨૦૧૦માં ૯૮, ૨૦૧૧માં ૧૦૦ અને વર્ષ ૨૦૧૨ માં ૧૨૯ દેશોના લગભગ ૩૦,૦૦૦ થી વધુ સંગ્રહાલયે ભાગ લીધો હતો.

છેલ્લાં દસ વર્ષની આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ : આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ ( ICOM) દ્વારા પ્રતિ વર્ષ કાર્યક્રમ માટે સંગ્રહાલયની થીમ જાહેર કરે છે. વર્ષ ૨૦૧૪ની થીમMuseum collections make connections’ ૨૦૧૫ની થીમ Museums for a sustainable society’,’, ૨૦૧૬ની થીમ “u ’ud ‘Museums and Cultural Landscapes’, ૨૦૧૭ ની થીમ ‘Museums and contested histories : Saying the unspeakable in museums’,૨૦૧૮ની થીમ ‘Hyperconnected museums: New approaches, new publics’, 2019“u ’ud ‘Museums as Cultural Hubs : The future of tradition’, ૨૦૨૦ની થીમ ‘Museums for Equality: Diversity and Inclusion’ ૨૦૨૧ The Future of Museums: Recover and Reimagine’ ૨૦૨૨ The Power of Museums’, ૨૦૨૩ Museums, Sustainability and Well-being’, ૨૦૨૪ની ud Museums for Education and Research’ છે. વિશ્ર્વમાં શિક્ષણ અને સંશોધન થકી સંગ્રહાલય પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્ેશ્ય અહીં સ્પષ્ટ દેખાય છે.

વિશ્ર્વમાં સંગ્રહાલયોની સ્થિતિ : વર્ષ ૨૦૨૧ યુનેસ્કોના રિઝીનિયલ ક્લાસિફિકેશન અનુસાર વિશ્ર્વમાં આ પ્રમાણે સંગ્રહાલયોની સ્થિતિ છે જેમાં પશ્ર્ચિમ યુરોપ અને કેનેડામાં ૩૯,૬૨૮, એશિયા પેસિફિક ૧૮,૧૮૦, પૂર્વી યુરોપમાં ૧૧,૩૬૬, લેટિન અમેરિકા અને કેરેબિયન ૮૭૧૬, આફ્રિકા ૮૬૮, આરબ રાજ્યોમાં ૭૫૭, રોમ ( હોલી સી) ૧૯, ઇઝરાયલ ૨૨૬, અમેરિકા ૩૩,૦૮૨ સહિત સમગ્ર વિશ્ર્વમાં કૂલ ૧, ૦૩, ૮૪૨ સંગ્રહાલયો છે.
ભારતમાં સંગ્રહાલયોની સ્થિતિ: ભારતીય સંગ્રહાલયનો ઉદ્ભવ અને વિકાસ એ ભારતના વારસા અને સંસ્કૃતિના વિકાસમાં અભૂતપૂર્વ ઘટના છે. ૧૭૮૪માં સ્થપાયેલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ દ્વારા એશિયાટિક સોસાયટી ભારતીય સંગ્રહાલય એ માત્ર ભારતીય ઉપખંડમાં જ નહીં પરંતુ વિશ્ર્વના એશિયા પેસિફિક ક્ષેત્રમાં પણ પ્રથમ અને સૌથી મોટું બહુહેતુક સંગ્રહાલય હતું. સંગ્રહાલય ચળવળના ભાગરૂપે દેશની સામાજિક-સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ માટે એક મહત્ત્વપૂર્ણ યુગની શરૂઆત હતી. ભારતીય સંગ્રહાલયની સ્થાપનાથી ભારતમાં સંગ્રહાલય સ્થાપનાનો નવો ટ્રેન્ડ શરૂ થયો.

અમેરિકામાં ૧૫ કરોડની વસ્તી સામે ૧૫૦૦ સંગ્રહાલય હતા. વર્ષ ૨૦૨૨ પ્રમાણે અમેરિકામાં ૩૩. ૩૩ કરોડની વસ્તી સામે ૩૩ હજારથી વધુ સંગ્રહાલય છે. ગ્રેટ બ્રિટનમાં ૫૦ લાખની વસ્તી સામે ૮૦૦ હતા. વર્ષ ૨૦૨૨ ૬.૭ કરોડની વસ્તી સામે ૨૫૦૦ થી વધુ સંગ્રહાલય છે તેની સામે વર્ષ ૧૯૩૪ પછી ભારતમાં ૩૦ કરોડની વસ્તી સામે માત્ર ૧૦૦ સંગ્રહાલય જ હતા. ભારતમાં પ્રજાકીય અને વહીવટી જાગૃતિના કારણે સંગ્રહાલયોમાં જબરદસ્ત પ્રગતિ થઇ પરિણામે દેશમાં ૪૦૦થી વધુ સંગ્રહાલયો અસ્તિત્વમાં છે પરંતુ યુરોપ અને અમેરિકાની તુલનામાં ઘણા ઓછા છે તે માટે અનેક કારણો જવાબદાર છે.

ભારતમાં ઉલ્લેખનીય સંગ્રહાલય : ભારતમાં આ પ્રમાણે અગત્યના સંગ્રહાલય આવેલ છે જેમાં રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી, નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, બેંગલુરુ, વિક્ટોરિયા મેમોરીયલ હોલ, કોલકત્તા, એશિયાટિક સોસાયટી કોલકત્તા, રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય, નવી દિલ્હી, રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય, મુંબઈ, સાલારજંગ સગ્રહાલય, હૈદરાબાદ, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, ઇલાહાબાદ સંગ્રહાલય, રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંપદા સંરક્ષણ અનુસંધાન પ્રયોગશાળા, લખનઊ, કલા ઈતિહાસ સંગ્રહાલય વિજ્ઞાન, નવી દિલ્હી, શિવાલિક જીવાશ્મ પાર્ક સંગ્રહાલય, સિરમોર, રેલ સંગ્રહાલય દિલ્હી, આંતરરાષ્ટ્રીય ઢીંગલી સંગ્રાલય, દિલ્હી, દ્વીપ સંગ્રહાલય, નાગાર્જુનકોંડા, જવાહર રમકડા સંગ્રહાલય, પોંડીચેરી, કાળા જાદુ અને ટોના સંગ્રહાલય, આસામ, પટના સંગ્રહાલય, પટના, તિબેટ કાર્યો અને અભિલેખાગાર પુસ્તકાલય, ધર્મશાળા જેવા કેટલાક અગત્યના સંગ્રહાલયો પણ છે.

ગુજરાતમાં ઉલ્લેખનીય સંગ્રહાલય : ગુજરાતમાં આ પ્રમાણે અગત્યના સંગ્રહાલય આવેલ છે જેમાં
વડોદરા સંગ્રહાલય અને ચિત્ર ગેલેરી, પતંગ સંગ્રહાલય, કેલિકો સંગ્રહાલય, કચ્છ સંગ્રહાલય, દરબાર હોલ સંગ્રહાલય, મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય, આઈના મહલ, લખોટા સંગ્રહાલય, વેચર સંગ્રહાલય, વોટ્સન સંગ્રહાલય, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, સરદાર પટેલ સંગ્રહાલય, ગાંધી આશ્રમ સંગ્રહાલય, પુરાતત્ત્વીય સંગ્રહાલય, લોથલ જેવા કેટલાક અગત્યના સંગ્રહાલયો પણ છે.

ભારતીય સંગ્રહાયલની ભાવિ યોજનાઓ : વર્તમાન સમયમાં ભારતમાં પરિવર્તન બહુ ઝડપથી થઇ રહ્યું છે તે સ્થિતિમાં સંગ્રહાલયના કાર્યને પણ બદલવું અનિવાર્ય છે. પશ્ર્ચિમી દેશોમાં સંગ્રહાલયોની વ્યવસ્થા વ્યક્તિગત કે સંસ્થાકીય સહયોગથી ચાલે છે જયારે ભારતમાં રાજકીય સહયોગ તેમાં મુખ્ય છે. એટલે અહીં વ્યક્તિગત જાગૃતિ લાવવી આવશ્યક છે. દેશી રાજ્યોમાં મહારાજાઓ તેમાં વધુ સક્રિય ભૂમિકા નિભાવતા તેથી જ ઘણા મહેલો સંગ્રહાલયમાં પરિવર્તિત થયા હતા. ગ્વાલિયરનો સિંધિયા મહેલ, ગુજરાત આઈના અને લખોટા મહેલ તેના જીવંત ઉદાહરણ છે.

આ દ્રષ્ટિએ ભવિષ્યમાં નીચે મુજબના સંગ્રહાલયોની સ્થાપનાની સરકાર અને સમાજ પાસે અપેક્ષા કરી શકાય છે. ૧. ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ સંગ્રહાલય, વિદ્યાલયોમાં કલા અને પુરાતત્ત્વીય સંગ્રહાલય, વૈજ્ઞાનિક અને પ્રોધોગીકી સંગ્રહાલય, વ્યક્તિગત સંગ્રહાલય સ્થાપિત કરવા જોઈએ. ૨. શહેરી ક્ષેત્રમાં કલા અને પુરાતત્ત્વીય સંગ્રહાલય, વૈજ્ઞાનિક અને પ્રોદ્યોગીકી સંગ્રહાલય, નૃશાસ્ત્રીય સંગ્રહાલય, વ્યક્તિપરક સંગ્રહાલય (રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, સાવરકર), પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલય, પુસ્તક સંગ્રહાલય, ફીલેટીલિક સંગ્રહાલય, સુરક્ષા સંગ્રહાલય, સ્વાસ્થ્ય સંગ્રહાલય અને બાળ સંગ્રહાલય સ્થાપિત કરવા જોઈએ. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રમાં સંગ્રહાલયના વિકાસની સંભાવના અપેક્ષાકૃત વધુ હોય છે.

સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ એ દરેકની નાગરિક ફરજ છે. કોઈપણ સ્થળેથી મળતી ઈતિહાસ અને સંસ્કૃતિની વસ્તુઓ મળે તો તુરંત સરકાર અને સંગ્રહાલયમાં જાણ કરવી જોઈએ. પુન: આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની સૌને શુભેચ્છાઓ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button