ઉત્સવ

તારા

મધુ રાયની વાર્તા -મધુ રાય

છગન – લ્યો હાલો, હવે તમે બોલો; એક પાત્ર તમે ઊભું કરો જોયેં!
મગન – એક પાત્રની જ વાત છે ને?
છગન – યસ!
મગન – સરસ.
છગન – અને શરત છે; ખબર ને?
મગન – હેં શરત છે?
છગન – શરત છે, આમાંનું પેલેથી છેલ્લે સુધીનું બધુંય કલ્પિત હોય!
મગન – શરત છે આમાંનું તમામ કલ્પિત હોય, હેં ને? ઓક્કે, લવલી, વ્હાય નોટ!
છગન – ચાલો; પાત્રનું નામ?
મગન – ચાલો પાત્રનું નામ – “તારા!
છગન – અટક?
મગન – “ગીન્સી.
છગન – ઉંમર?
મગન – ઉંમર ૩૫ વર્ષ.
છગન – ભાઈ કે બાઈ?
મગન – લવલી બાઈ!
છગન – જાતની કેવી?
મગન – કાળી, ઊર્ફે આફ્રિકન અમેરિકન.
છગન – ઊંચાઈ?
મગન – ઊંચાઈ પાંચ ફૂટ બે ઈંચ. વજન ૧૩૫ રતલ.
છગન – કાંઈક વર્ણન થાવા દ્યો!
મગન – એકદમ રેશમી કાળો વાન. પણ એક જુદી જાતનું લાવણ્ય. આપણે પાત્ર રચતાં હોઈએ ને પાત્ર કમબખત છોકરી ન હોય, ન છોકરી હોય ને ‘નમણી’ ન હોય તો પછી કમબખત પાત્ર રચવાનું કામ જ શું, હેં ને?
છગન – પણ એની ઊંચાઈના પ્રમાણમાં ૧૩૫ વજન સહેજ જાડી સાઈડ ઉપર ન કહેવાય?
મગન – અરે, એ એક સો પાંત્રીસે પાંત્રીસ રતલ બધા બરાબર એવી સરસ રીતે શરીર પર ગોઠવાયેલા, સમજ્યા ને? બે ભરાવદાર હોઠમાં જ માનો ને કે …હેં ને! ને આપણને થાય કે કાળી છોકરી છે પણ એક જાતની જે છટા છે, શું?
છગન – ઠીક! પછી? ઈ તમને ક્યાં ભુટકાણી?
મગન – પહેલી મુલાકાત મારી તેની સાથે જેલમાં થઈ. ‘હેં મને કહે ને, કે મારા નામનો અર્થ શું થાય?’ તારાએ મને પૂછયું હતું.
તારા – હેં મને કહે ને, કે મારા નામનો અર્થ શું થાય?
છગન – તી તમે વળી જેલમાં ક્યાંથી પૂગી ગ્યા?
મગન – ‘ગ્રીનડેલ કરેકશનલ ફેસિલિટી’માં મારી નોકરીનો બીજો માસ હજી ચાલતો હતો; હું કેદીઓનો પરિચય મેળવતો હતો.
છગન – તમે પહેલા ઇન્ડિયન જેલમાં નોકરી કરતા હતા?
મગન – હા. ઈન્ડિયન હોવાના કારણે બધા મારો ઠઠ્ઠો કરતા. એ ડુંગર જેવડા કાળા બિહામણા ઝનૂની ગુંડાઓની સામે મારું કદ નાનું, બોલવાની ઢબ જુદી, એટલે ઠઠ્ઠાનું એક કારણ પણ મળતું એ સૌને.
છગન – કેદીઓ આમ કેવા?
મગન – કેદીઓમાં મોટા ભાગના કાળા, ઊંચા, જાડા, પડછંદ અને જોખમી પુરુષો હતા. મને જોઈને ઘુરકતા.
છગન – અરર. પછી?
મગન – એક તો હું પરદેસી, ઉપરથી ટચૂકડો, બસ જાણે હમણાં ચપટીમાં મસળીને ફેંકી દેશે. વાત વાતમાં ‘મધર-સકર’ અથવા ‘સન-ઑફ-એ-બિચ’ કહેતા!
છગન – મા-બેનની ગાળ દઈ દિયે?
મગન – અને કોઈ કોઈ વાતમાં તો બંને ગાળ એકી સાથે દેતા, ‘મધરસકિંગ સન ઑફ એ બિચ!’ ઘણા હાથ લંબાવીને મને ગંદી જગ્યાએ ગલી કરવાનો ચાળો કરતા, જે મશ્કરી કહેવાય, કે દોસ્તારી કહેવાય, કે છેડતી કહેવાય. જે કહેવું હોય તે કહેવાય.
છગન – તો કમ્પ્લેન ન થાય ઈ લોકોની હાળાંવની?
મગન – જ્યાં સુધી એક્ચુઅલી કોઈ કેદી તમારા શરીરને રીતસરની હાનિ ન પહોંચાડે ત્યાં સુધી તેને કશું થાય નહીં. માથે ઘુમતો મારે કે બેસબોલ બેટથી ઘૂંટણ તોડી નાખે કે છરીથી ગાલે લોહી કાઢે અથવા માનો કે બિનકુદરતી બળાત્કાર કરે તો તેને સજા થાય. તે સિવાય તમારે બધું હસતા મોંએ સહન કરવાનું.
છગન – લે? કાં?
મગન – કેમકે અમને, યાને સ્ટાફને તાલીમ આપતી વખતે ઠોકી ઠોકીને શીખવવામાં આવતું કે આ સર્વ જુવાન છોકરાઓ ગુનેગાર નથી, ગુનાનો ભોગ બનેલા છે.
છગન – કરે છે ને મારે બેટાંવ, જી મનમાં આવે ઈ કાયદો કરી નાખે!
મગન – સરકાર માને છે કે ‘ખરો ગુનેગાર સમાજ છે!’ સમાજ એટલે… યુ એન્ડ મી! બોલો, પેલો હરામઝાદો તમને માને પયણેલો કૂતરીના દીકરાની ગાળ આપે ને એમાં વાંક એનો નહીં ને તમારો છે.
છગન – અરર. આવું તો બોલીને આપણે તો પાછું દાતણ કરીને મોઢું સાફ કરવું જોવેં, ને ઈ નાલાયકો ત્રણ ત્રણ કટકે ગાળું બોલે એમ? આવા ઠેકાણે તમે ક્યાંથી સલવાઈ ગ્યા?
મગન – ‘ગ્રીનડેલ કરેકશનલ ફેસિલિટી’માં કેદીઓને ‘કલાયન્ટ’ અથવા ‘ક્ધઝયુમર’ કહેવાનો નિયમ હતો.
છગન – ક્ધઝુમર એમ ને?
મગન – હા; ને દરેક ક્ધઝુમરને મિસ્ટર કહેવાનો પણ આગ્રહ હતો ગવર્નર સાહેબનો, અને આ બધા નિયમો ગવર્નર સાહેબના ટેબલ ઉપરથી લખાઈને આવેલા.
છગન – તી કોણ હોય તમારા ઈ કલાયન્ટ કે ક્ધઝુમર જેને ક્યો ઈ?
મગન – મોટા ભાગે કાંઈક નાનોસૂનો ગુનો કરી બેઠા હોય એવા જુવાન છોકરાઓ હતા. મારે દરેક કેદીને અઠવાડિયે એક એક વાર મળીને ‘કાઉન્સેલિંગ’ આપવાની નોકરી હતી.
છગન – તી તમને બીક ન લાગે?
મગન – ટેવ પડી જાય. ‘ગ્રીનડેલ’ જેલની આસપાસ મોટું ફાર્મ હતું જેમાં કેદીઓ પાક ઉગાડતા. જંગી કાંટાની વાડ, વાડ ઉપર રેઝર શાર્પ છરાવાળા વાયરના ગૂંચળાં, અને લાઈટ ટાવર પરથી મોટી લાઈટનો તોપ જેવો ગોળો ચક્કર મારતો.
છગન – ને તમારે રહેવાનુંય ન્યાં ને ન્યાં?
મગન – એટલે આમ એક સ્ટાફ ક્વાર્ટર હતું જેમાં કોઈ કોઈ સ્ટાફ રહેતું, અને જેમાં હું કોઈ વાર રાત રોકાઈ જતો.
છગન – એક જાતની સુધારા શાળા, એમ ને?
મગન – હા, સુધારા શાળા. વર્કશોપમાં કેદીઓને ઓટો મિકેનિક , પ્લમ્બિંગ, ટીવી-રીપેર વગેરે ઉદ્યોગ હુન્નર શીખવવાની વ્યવસ્થા હતી, ને દવાખાનું હતું એમાં ડૉક્ટર ને નર્સો આવતી.
છગન – પુસ્તકાલય-બાલય હસે બધું.
મગન – હા; લાઈબ્રેરી, સિનેમાઘર, વ્યાયામશાળા, ચાર પાંચ ઓરડાની નિશાળ; એમાં અક્ષરજ્ઞાનથી માંડીને હાઈસ્કૂલ ડિપ્લોમા સુધીની ભણવાની વ્યવસ્થા હતી, તેના માસ્તરોની આર્મડ બસ રોજ સવારે આવતી. એક વીકલી છાપું પણ ચલાવતા એ લોકો. તે લખાતું, કમ્પોઝ થતું અને છપાતું ત્યાંને ત્યાં જ, સરકારી પ્રેસમાં, જેમાં કેદીઓ કામ કરતા અને છપાઈનું કામ શીખતા.
છગન – પણ ઓલી રેશમી કાળી ને નમણી બાઈની વાતેય પછી કરવાની છે, હો; હું ભૂઈલો નથી! તારા ગીન્સી.
મગન – આહ! તારા ગીન્સી! પણ પહેલાં મારા ‘કામ’ની વાત કરી લઉં જરાક?
છગન – વાંધો નહીં.
મગન – અઠવાડિયે એક એક વાર, એક એક કલાક કેદીઓના ‘મનની મૂંઝવણો’ બાબત વાતો કરી એમને ‘સારા માર્ગે’ દોરી જવાની મારી ‘ફરજ’ હતી.
છગન – તો તો તમને તો ઈ લોકો ભગવાન માનતા હસે?
મગન – ના રે. કેદીઓ અમને જોઈને હસતા! કાઉન્સલિંગ જાણે ધતિંગ હોય એમ ગોળ ગોળ બોલતા.
છગન – તમે લોકો કેટલા જણ હતા?
મગન – કાઉન્સલરોમાં આઠ છોકરીઓ અને બે પુરુષો; એક હું અને બીજો એક યહૂદી હતો, ડેવિડ નિઝામ!
છગન – નિઝામ?
મગન – યહૂદીનું નામ નિઝામ કેમ હતું એ વાત પછી કરું છું.
છગન – હા, હા, થાવા દ્યો!
મગન – ‘ગ્રીનડેલ’ પુરુષો માટે હતી એમ નજીકમાં ‘મૂનડેલ કરેકશનલ ફેસિલિટી’ સ્ત્રીઓ માટેની જેલ હતી. ડેવિડ પહેલાં ત્યાં કામ કરતો હતો.
છગન – આવડો આ નિઝામ?
મગન – હા, નિઝામ! વાત એવી ઊડી હતી કે તે રોજેરોજ મૂનડેલની છોકરીઓને વાપરતો હતો. ને ડેવિડનું કહેવું એવું હતું કે મૂનડેલની છોકરીઓ એના જેવો ગોરો છોકરો જોઈને રઘવાઈ બનતી. એકી સાથે બબ્બે ત્રણ ત્રણ તેને વળગતી અને બાચકા ભરતી. ગમે ત્યાં હાથ નાખતી. ડેવિડ ના પાડે તો પણ છોકરીઓ વારાફરતી તેનો લાભ લેતી.
છગન – ઊઘડી ગ્યાં લ્યો ભાઈ!
મગન – ડેવિડે ઘણી વાર ફરિયાદ કરેલી કે છોકરીઓ તેના પર બળાત્કાર કરે છે પણ સત્તાવાળાઓએ તેને હસી કાઢેલો. તે લોકો પ્રૂફ માગતા; એ પ્રૂફ ક્યાંથી બતાવે? ડેવિડ દયામણા મોંએ કહેતો કે આખરે તેણે જ ટ્રાન્સફર માગી. અને યસ, ડેવિડનું મૂળ નામ તો ડેવિડ નોસબામ હતું પણ તેની અસંખ્ય ‘પ્રેમિકા’ઓના કારણે સ્ટાફ અને કેદીઓ બધા જ ડેવિડ નાઈઝામ અથવા નિઝામ કહેતા.
છગન – હા, પણ ઓલી રેશમી વાનવાળી બાઈની તો વાત કરો; આખી કથા તો મૂળ એની છે ને વચમાં આવા નિઝામ ક્યાંથી આવી જાય છે?
મગન – ખાલી લિજ્જત માટે! હા, ‘તારા ગીન્સી’ પણ મારી જેમ કાઉન્સેલર હતી ગ્રીનડેલમાં. મૂનડેલની બદલી થયેલી તેની; અને વળી પાછી અહીં આવેલી. મારી નોકરીનો બીજો મહિનો હતો. લાઈટ ચાલી ગયેલી બિલ્ડિંગની એક પાંખમાંથી, અને હું સુનમુન બેઠો હતો મારા ટેબલ ઉપર. હું વિચારે ચડી ગયેલો કે હું ક્યાંથી આવી ગયો, અને હવે શું કરીશ?
છગન – પછી, આ બાઈ આવી?
મગન – હા! આવીને કહે કે ‘એય ઈન્ડિયન! મને ઈન્ડિયન લોકો બહુ ગમે. મેં બહુ ઈન્ડિયનોના સિનેમાં જોયા છે.’ એટલે મેં પૂછયું કે કયા સિનેમા? રાજ કપૂર ને એવા બધા?
છગન – કાળી બાઈડીનેય રાજ કપૂરનો સોખ ખરો, એમ ને?
મગન – ભઈ, બાઈ એટલે બાઈ! રાજ કપૂર એટલે રાજકપૂર , સમજી ગયા ને? પણ વસ્તુ બીજી હતી. તારા ગીન્સી કહે રાજ કપૂર બપૂર ને હું ઓળખતી નથી; હું ઈન્ડિયન ને કાવબોયની વાત કરું છું.
છગન – અરે રે! ઈ ભલી બાઈને ઈ રેડ ઈન્ડિયન ને આ ઈન્ડિયનના ફરકનીયે ખબર નોતી!
મગન – ના! અને એ પાંચ ફૂટ બે ઇંચની બાઈનો ભપકો એવો કે ગ્રીનડેલના છ છ ફૂટના સેન્ડો પહેલવાનોને તતડાવે.
છગન – આવડી આ ગીન્સી?
મગન – યસ. પહેલા જ દિવસથી મારું ઉપરાણું લેવાનું ચાલુ કરી દીધું. કોકને કહે કે મારો કઝીન છે, કોકને કહે કે મારો બ્રધર છે. કોકને કહે કે મારો હસબન્ડ છે. ખબરદાર જો એને હેરાનગતિ કીધી છે તો!
છગન – હસબન્ડ!
મગન – ના. ના. કોઈ પણ જાતનો અટકચાળો ન મળે હોં કે! એની પાસે ગાડી હતી; મારી પાસે ગાડી નહોતી. તે રોજ મૂકી જાય મને મારા ઘરે; કહે કે એવા જેલખાનામાં રાત શું કાઢવી! બીજા લોકો તો આવી રાઈડ આપે તો બે ડૉલર પેટ્રોલના માગે. પણ આ તારા આપણે પૈસા આપીએ તો છૂટા આપણા મોં ઉપર મારે.
છગન – એને કાંઈ હસબન્ડ કે એવું નો’તું?
મગન – ના. એને એક છોકરો હતો. એ છોકરો મોટો થયો અને તેણે ડેઈટ કરવાનું શરૂ કર્યું તેથી આપણી તારાએ પણ ડેટિંગ શરૂ કર્યું. એના છોકરાની ગર્લફ્રેન્ડ પ્રેગનન્ટ થઈ તો તારા પણ પ્રેગનન્ટ થઈ. હાલ એને બે છોકરા છે. અને એના મોટા છોકરાને એક છોકરું છે.
છગન – ટેસડા છે.
મગન – તારા ગીન્સીને વાત કરવાનું વ્યસન. બોલે, બોલે, બહુ બોલે. એની માની વાત કરે. બહેનની, બાપની, દીકરાઓની, પ્રેમીઓની, બહેનપણીઓની, પાડોશીઓની, એની વાતો અખૂટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button