સ્પોટ લાઈટ : મુંબઈમાં આવકાર, ગુજરાતમાં જાકારો

- મહેશ્વરી
હું એ દોરની વાત કરી રહી છું જ્યારે અમેરિકા જવું એક સ્ટેટસ ગણવામાં આવતું. એ દેશમાં ગયેલા લોકો સામે અહોભાવથી જોવામાં આવતું હતું. યુએસનો પ્રવાસ ખેડી આવનારી વ્યક્તિ પણ જમીનથી સહેજ અધ્ધર ચાલતી હતી. ત્યાંના અનુભવોની વાત ઓળખીતા પાળખીતાઓમાં ગર્વભેર રજૂ કરતી હતી. જોકે મારા માટે યુએસ પ્રવાસ કોઈ મીઠું સંભારણું નહોતો. મને આ ટૂરમાં જરાય મજા નહોતી આવી. નાટકના પરફોર્મન્સ પ્રેક્ષકોએ બહુ એન્જોય નહોતા કર્યા અને અમને હરવા ફરવા પણ મોકો નહોતો મળ્યો.
મુંબઈ પાછી ફરી ત્યારે હાથમાં કોઈ નાટક નહોતું. નવા નાટકની ઓફરની રાહ જોઈ રહી હતી એવામાં જૂની રંગભૂમિ સંબંધિત કામની ઓફર આવી. એક અનોખા શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારે જૂની રંગભૂમિના ગીતો અભિનય સાથે પરફોર્મ કરવાનાં હતાં. એ ગીતો અગાઉ ઘણી વાર રજૂ કર્યા હોવાથી મને કંઠસ્થ હતા. એટલે ખાસ રિહર્સલ કરવાની જરૂર પણ નહોતી. એના શો શરૂ થયા. મારું પરફોર્મન્સ નાનકડું હતું, પણ ન મામા કરતા કહેણો મામો સારો – કશું જ ન મળે ત્યારે થોડું મળે એમાં રાજી થવાનું એવી વાસ્તવિકતા વચ્ચે રહેવાનું હતું.
જૂની રંગભૂમિ સંબંધિત મારા શો ચાલતા હતા, પણ નાટકમાં કામ મળે એની મને ઉત્કંઠા હતી. કારણ કે નાનકડા પરફોર્મન્સ માટે ઝાઝા પૈસા ન મળે અને નાટકના શો થાય ત્યારે ‘નાઈટ મળે’ અને એ રકમ ઘર ચલાવવામાં મદદરૂપ થાય. કામનો સંતોષ પણ વધારે હોય. એવામાં નવેસરથી ‘અફલાતૂન’ નાટક ભજવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને મારી ભૂમિકા માટે મને કહેણ આવ્યું. એક નીરજ વોરાને બાદ કરતા બધા કલાકારો એ જ હતા. નવેસરથી શરૂ થયેલા નાટકના શો પણ દોઢેક વર્ષ તો ચાલ્યા. નાટક જ એવું જબરદસ્ત હતું કે લોકચાહના ન મળી હોત તો જ નવાઈ હતી.
‘અફલાતૂન’ નાટકને મુંબઈમાં કેવો અફલાતૂન આવકાર મળ્યો, નાટ્ય રસિકોએ એના કેવા ઓવારણાં લીધાં એની વાત વિગતે મેં બે હપ્તા પહેલા કરી હતી. ન સમજાય કે ગળે ન ઊતરે એવી વાત એ છે કે આ નાટકને ગુજરાતમાં પસંદ નહોતું કરવામાં આવ્યું. મુંબઈમાં 300 કરતાં વધારે શો થયા અને અમે કલકત્તામાં પણ નાટક ભજવી આવ્યા, પણ ગુજરાતમાં એના શો માટે અમને આમંત્રણ મળ્યું જ નહીં. આવા જબરદસ્ત હિટ નાટક સાથે કેમ આવું ઓરમાયું વર્તન થયું એનો જવાબ કોઈ પાસે નહોતો. ગુજરાતી નાટકને ગુજરાતમાં જ આવકાર નહીં, બોલો.
જોકે, નવા ગ્રુપ સાથ‘અફલાતૂન’ના શો શરૂ કર્યા ત્યારે અમદાવાદ અને ગાંધીનગરથી શો માટે આમંત્રણ અમને મળ્યા. આ નાટક ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શન્સનું હતું અને એ સમયે ઉપેન્દ્ર ભાઈ ગુજરાતની કેબિનેટમાં પ્રધાન હતા. અમદાવાદના પ્રયોગ વખતે બનેલી ઘટના આજે પણ યાદ આવે છે ત્યારે મન ચકરાવે ચડી જાય છે કે આવું કેમ થયું હશે? નાટકનો છેલ્લો સીન બાકી હતો ત્યાં અચાનક પાછળની હરોળમાં બેઠેલા પ્રેક્ષકોએ હુરિયો બોલાવવાનું શરૂ કર્યું. ‘નાટક બંધ કરો’ જેવી બૂમો પાડવા લાગ્યા. વાતાવરણ ઉગ્ર બની રહ્યું હોવાથી પડદો તો પાડી દીધો, પણ અમે બધા વિચારમાં પડી ગયા કે આખું નાટક એન્જોય કર્યા પછી છેક છેલ્લે પબ્લિકે આવું શા માટે કર્યું હશે? જાતજાતની વાતો થઈ, પણ હશે એમ કરી અમે મન વાળી લીધું. અમદાવાદનો કડવો અનુભવ વિસરી અમે શો કરવા હિંમતનગર ગયા. અહીં ઉપેન્દ્ર ભાઈ અમને મળવા આવ્યા. અમારી સાથે વાતચીત કરી હૈયાધારણ આપી અમારો ઉત્સાહ વધાર્યો. આમ ગુજરાતમાં એક આંગળીના વેઢે ગણાય એટલા જ શો થયા.
એક દિવસ ‘અફલાતૂન’ નાટકનો પ્રયોગ જોવા સિદ્ધાર્થ રાંદેરિયા આવ્યો હતો. નાટક જોયા પછી સિદ્ધાર્થે મને ફોન કર્યો અને પ્રવીણ સોલંકી લિખિત ‘રંગ છે રાજા’ નાટકમાં મને રોલ ઓફર કર્યો. આ તરફ ‘અફલાતૂન’ નાટક બંધ થશે એવી ચણભણ થઈ રહી હતી. એટલે મેં નવું નાટક ‘રંગ છે રાજા’ સ્વીકારી એના રિહર્સલ શરૂ કરી દીધા. સાથે પેલા જૂની રંગભૂમિ સંબંધિત શો તો ચાલુ જ હતા. અમેરિકાથી પાછી ફરી ત્યારે કોઈ કામ નહોતું એટલે પછી બે નાટક અને એક શોનું કામ મળ્યું હોવાથી હું હરખાઈ ગઈ. કલાકારને વ્યસ્તતા અત્યંત પ્રિય હોય છે.
‘રંગ છે રાજા’નું મારું પાત્ર બહુ જ સરસ હતું. દર્શકોને કાયમ યાદ રહી જાય એવું. તખ્તા પર કામ કરતા અભિનેતા- અભિનેત્રીને નાટકની નાઈટ પેટે તગડું કવર મળે એના આનંદ કરતા એનું પાત્ર દર્શકોને કેટલું ગમે છે એમાં વધુ રસ હોય છે. હૈયામાં કોતરાઈ જવાની વાત જ ઓર હોય છે. નાટકનો થીમ અને એની રજૂઆતને સારો આવકાર મળ્યો અને એના 200 પ્રયોગ થયા. એ દરમિયાન આ નાટક માટે અમેરિકા ટુર નક્કી કરવામાં આવી.
સિદ્ધાર્થ રાંદેરિયા સાથે હું પહેલી વાર કામ નહોતી કરી રહી. અગાઉ સરિતા જોશીના ‘દેવકી’ નાટકમાં અમે સાથે કામ કર્યું હતું. એ વખતે સિદ્ધાર્થ સાથેના સીનમાં કોઈ સમસ્યા થતી હોવાનો ફણગો ફૂટ્યો હતો પણ એ સમસ્યાનો બહુ જલદી ઉકેલ સુધ્ધાં આવી ગયો હતો. સિદ્ધાર્થ રાંદેરિયાનો રંગભૂમિ પર ડંકો વાગતો હતો. એના નાટકોની લોકપ્રિયતા જબરદસ્ત હતી. ચેરિટી શો ઓછા કરે અને ઘણી વાર તો ના પાડી દે અને પબ્લિક શો કરે ત્યારે મોટેભાગે ‘હાઉસફુલ’નું પાટિયું ઝૂલતું જ હોય. એનું નસીબ બહુ બળવાન છે એવી દલીલ નાટ્ય સૃષ્ટિના કેટલાક લોકો કરતા. નસીબનો સાથ હોય એ જરૂરી છે, પણ અંતે તો તમારું નાટક પ્રેક્ષકોના હૃદય સુધી પહોંચે એ જરૂરી છે અને એવું બને તો જ દર્શકો દોડતા થિયેટરમાં આવે.
રિહર્સલ દરમિયાન જ કલાકારોને ખ્યાલ આવી ગયો હતો કે આ નાટક ઊપડશે. અને થયું પણ એવું જ. 200 ખેલ ભજવાયા પછી ‘રંગ છે રાજા’ નાટક અમેરિકા લઈ જવાનું નક્કી થયું. અગાઉનો અમેરિકાનો અનુભવ સારો નહોતો એટલે યુએસની વાત સાંભળવા મળી ત્યારે હું કંઈ બહુ હરખાઈ ન ગઈ. જોકે, અમેરિકાના પ્રવાસે નાટક જઈ રહ્યું છે એ વિશે સત્તાવાર રીતે મારી સમક્ષ કોઈ રજૂઆત ન થઈ. મને પૂછવામાં પણ નહોતું આવ્યું. નાટકના નિર્માતા કિરણ સંપટ હતા. તેમણે મને એટલું જ કહ્યું કે ‘મહેશ્વરી, એકાદ મહિનાની જ ટૂર છે. ત્યાંથી પાછા ફર્યા બાદ ફરી તારી સાથે જ નાટક કરવાનું ચાલુ રહેશે. એટલો સમય તું સંભાળી લેજે.’
‘રંગ છે રાજા’ના મારા રોલ માટે શચિ જોષી નામની અભિનેત્રીને લઈ જવાના છે એવી જાણકારી મને મળી. ગુજરાતી નાટકોમાં આવું ઘણી વાર બનતું હતું. સ્વદેશમાં કોઈ નાટકના 200 – 300 શો થયા હોય અને કલાકારનું પરફોર્મન્સ પણ દર્જેદાર રહ્યું હોય તો પણ નાટક અમેરિકા જવા ઊપડે ત્યારે અમુક કલાકાર બદલી નાખવામાં આવે. એટલું જ નહીં, જે કલાકારને બદલી નાખવાનો નિર્ણય લેવાયો હોય એને જાણ કરવાનું સૌજન્ય પણ ન દેખાડવામાં આવે. અલબત્ત, મને આ વાતનું માઠું નહોતું લાગ્યો. મને પૂછ્યું હોત તો પણ અગાઉના અમેરિકાના પ્રવાસના કંગાળ અનુભવને કારણે મેં જવાની ના જ પાડી હોત.
એક મહિના સુધી મારે હાથ જોડીને ઘરે બેસી રહેવું પડ્યું. નવું કોઈ કામ મળ્યું નહીં. જોકે, એક હૈયાધારણ એ હતી કે ‘રંગ છે રાજા’ના શો મુંબઈમાં ફરી ચાલવાના છે. ખુદ નિર્માતા કિરણ સંપટે આ વાત મને કરી હતી. એક મહિનાનો પ્રવાસ કરી ગ્રુપ પાછું ફર્યું અને ફરી હું એના શો કરવા લાગી. જોકે, આ વખતે પબ્લિકનો રિસ્પોન્સ અગાઉ જેવો નહોતો એનો ખ્યાલ અમને બધાને આવી ગયો. ટિકિટબારીનું સેલ એ વાતની પુષ્ટિ આપતું હતું. આ દરમિયાન મારી જાણ બહાર કિરણ સંપટ ગ્રુપે નવા નાટકના રિહર્સલ શરૂ પણ કરી દીધા.
આપણ વાંચો: મિજાજ મસ્તી : ખાડા જ સત્ય… રસ્તો ભ્રમણા: ગાલના ખંજનથી ભ્રષ્ટાચારના ભંજન સુધી!
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં…
ડાહ્યાભાઈ ધોળશાજીએ શ્રી દેશી નાટક સમાજ માટે ‘વીણાવેલી’ નામનું નાટક લખેલું. નાટકનું સ્વરૂપ પદ્ય છે પણ આ નાટક ગદ્ય સ્વરૂપે પણ ખીલ્યું છે. નાટકની કથા અનુસાર ચંપાગઢના રાયસિંહને વીણાસુંદરી અને વેલીસુંદરી નામે બે દીકરીઓ હતી. મા ગુજરી ગયા પછી વીણા સુંદરીએ ચતુરાઈ અને વિદ્યાના બળથી પોતાનો સંસાર કેવી રીતે સુધાર્યો તથા વેલીસુંદરી લક્ષ્મીના મદમાં વિદ્યા વિના કેવી પસ્તાઈ એ નાટકનું કથા તત્ત્વ છે. નાટકમાં પીંપળ પાન ખરંતા શીર્ષક સાથે એક હૃદયસ્પર્શી ગીત છે. આખું ગીત આ પ્રમાણે છે: કાયા કાચો કુંભ છે જીવ મુસાફર પાસ, તારો ત્યાં લગી જાણજે જ્યાં લગી શ્વાસોશ્વાસ. સદા સંસારમાં સુખ દુ:ખ સરખા માની લઈએ, રાખે જેવી રીતે રામ, રંગે તેવી રીતે રહીએ. પીંપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં. નહિ જેવી ને તેવી નિત્ય કોઈની નભતી જોઈએ, દશાના ઢંગ ઋતુના રંગ જેવા દેખી લઈએ. કદી મહોલાતો માળિયાં, કોમળ છપ્પર ખાટ, કોઈ દિન એવો આવશે, ભૂખ્યા ન મળે ભાત. કહે છે ને કે એક તસવીર એક હજાર શબ્દના અહેવાલ કે લેખ કરતાં વધુ પ્રભાવી ચિત્ર રજૂ કરવાની તાકાત ધરાવે છે. બસ એ જ રીતે કાવ્યની કેટલીક પંક્તિઓ એકાદ કલાકના વાણી પ્રવચન કરતા વધુ સચોટ સાબિત થઈ સમજણમાં ઉમેરો કરે છે.
પીંપળ પાન ખરંતા એનું આગવું ઉદાહરણ છે, બરોબર ને!