સ્પોટ લાઈટ ઃ ટાંટિયા એવા મજબૂત રાખવા કે હાથ ન જોડવા પડે…
-મહેશ્વરી
જોગેશ્વરીનું પોતીકું ઘર છોડ્યા પછી જાણે મારા પગમાં ભમરી હોય એમ હું એક ઠેકાણેથી બીજે ઠેકાણે, બીજેથી ત્રીજે અને… એમ ઘર બદલતી રહેતી હતી. મારું મગજ સ્થિર હતું, પણ મારું રહેવાનું સ્થાન અસ્થિર હતું, પણ હું હિંમત નહોતી હારી. પ્રભુને કાયમ એટલી પ્રાર્થના જરૂર કરતી હતી કે ‘ટાંટિયા એવા મજબૂત રાખજો કે બે હાથ જોડવા ન પડે.’ માનવીના હાથ-પગ માત્ર શરીરનાં અવયવ નથી, એવાં ઓજાર છે જેની મદદથી માણસ ઈતિહાસ લખી શકે છે અને ઈતિહાસ રચી પણ શકે છે.
આ પણ વાંચો : સુખની શોધમાં
માણસ ગમે એટલો પુરુષાર્થ કરે, પણ જો પ્રારબ્ધ સાથ ન આપે તો જીવનમાં બહુ આગળ નથી વધી શકાતું કે ઝળહળતી સફળતા નથી મળતી એવું અનેક લોકોનાં મોઢે સાંભળ્યું હતું. મેં તો કાયમ પુરુષાર્થને જ મહત્ત્વ આપ્યું છે. પુરુષાર્થ કરવો આપણા હાથની વાત છે જ્યારે પ્રારબ્ધ શું કરશે, કેવા ખેલ દેખાડશે એની કલ્પના પણ નથી કરી શકાતી. બરકત વિરાણી ‘બેફામ’ સાહેબનો એક શેર કોઈએ સંભળાવ્યો હતો અને મને એટલો બધો ગમી ગયો કે હૈયામાં જડાઈ ગયો. ‘બેફામ’ સાહેબ લખી ગયા છે કે ‘પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે, ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે.’ આ કવિ લોકો ગજબ હોય છે. કેવળ પરમાત્મા પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવાની શીખ આપે છે.
અંધેરીના ‘રાજકુમાર’ સેનેટોરિયમના ત્રણ મહિના તો જાણે ચપટી વગાડતાંમાં પૂરા થઈ ગયા. પાછું નવું ઘર શોધવા પુરુષાર્થ કરવાનો. મારા ઘર શોધવાના સંકટ સમયની સાંકળ જેવા વિનયકાંત દ્વિવેદી અને જ્યોતિ દ્વિવેદી મારી મદદ માટે ફરી હાજર થઈ ગયા. વિનુભાઈ જે બૅન્કમાં નોકરી કરતા હતા ત્યાં તેમના એક સહકર્મચારીએ પોતાના ઘરમાં એક પેઈંગ ગેસ્ટની જરૂર છે એમ જણાવ્યું. વિનુભાઈ તો રાજી થઈ ગયા, કારણ કે એમાં એમને મારી સમસ્યાનો ઉકેલ દેખાતો હતો. મને એ સાથી બૅન્ક કર્મચારીનું સરનામું આપ્યું અને હું તાબડતોબ તેમને મળી આવી. અંધેરીમાં હાઈવે નજીક આવેલા એ ભાઈના ઘરમાં બે વિશાળ બેડરૂમ હતા જેમાંથી એક બેડરૂમ પેઈંગ ગેસ્ટ તરીકે આપવા માગતા હતા. જૂની બચત તેમ જ ગુજરાતી-મરાઠી નાટકોમાં કામ કરીને મળેલી રકમમાંથી સાચવી રાખેલા પૈસા સાથે મારી પાસે દસેક હજાર રૂપિયા જમા હતા. એ રકમ ડિપોઝિટ તરીકે આપી હું બાળકો સાથે ‘નવા ઘર’માં શિફ્ટ થઈ ગઈ.
ઘર તો મળી ગયું, પણ ઘરવખરીનું શું? થોડાં વાસણકૂસણ હતાં, પણ ગેસનો ચૂલો નહોતો. યોગી નગરમાં ગેસ કનેક્શન ન હોવાને કારણે પડેલી મુશ્કેલી દિમાગમાં તાજી હતી. જોકે, કશું કહ્યા વિના અનેક વાર મારી મુશ્કેલી – તકલીફ સમજી એનો ઉકેલ લાવી દેતાં જ્યોતિબહેને ગેસનો ચૂલો અને સિલિન્ડરની વ્યવસ્થા કરી આપી. આ દ્વિવેદી પતિ-પત્ની મને જીવનમાં એટલી બધી વાર મદદરૂપ થયાં છે કે હું તેમનું ઋણ ક્યારેય ફેડી નહીં શકું. આર્થિક મદદ કરતાં, મુશ્કેલીમાં ટેકો બની ઊભાં રહે, હિંમત આપે, વ્યવસ્થા ગોઠવી દે એ બધાનું મૂલ્ય વધુ ઊંચું છે.
વિનુભાઈના પિતાશ્રી પ્રભુલાલ દ્વિવેદીએ ‘ઉઘાડી આંખે’ નામના નાટકમાં એક હૃદયસ્પર્શી ગીત લખ્યું હતું જેની બે પંક્તિ આ પ્રમાણે છે: ‘કોઈના દુ:ખમાં ભાગ પડાવીને પોતે સુખ માને, જમે થાય એ જગદીશ્વરના ચોપડાના પાને.’ દ્વિવેદી દંપતીએ આ પંક્તિ જીવનમાં ઉતારી હતી. તેમણે મારાં દુ:ખમાં કાયમ ભાગ પડાવ્યો. દ્વિવેદી દંપતીનું માયાળુ વર્તન મારા જીવનની સોગાદ છે. એક એવી સોગાદ જેની પાસે આર્થિક સંપત્તિ પાણી ભરે. અમે – હું, મારી બે દીકરી અને એક દીકરો – અંધેરીના નવા ઘરમાં સેટ થઈ ગયાં. ગેસ મળી ગયો હોવાથી અહીં ઘાસલેટ માટે દોડાદોડ નહોતી કરવી પડતી એ મોટી નિરાંત હતી. નાટકોનું કામ ચાલતું હતું. જૂની રંગભૂમિ પર આધારિત વિનુભાઈએ તૈયાર કરેલા ‘સંભારણાં’ના ક્યારેક શો થાય.
‘વડીલોના વાંકે’ની ભજવણી થતી અને મીડિયાના ‘કોરી આંખો ને ભીનાં હૈયા’ના શો પણ થતા હતા. જીવનનું ગાડું ગબડતું હતું. આ નવા ઘરમાં મારી પાસે રહેલા નાનકડા કાષ્ઠના મંદિર પાસે હું નિયમિત પૂજા કરવા બેસતી. પૂજા કરતી હોઉં ત્યારે કાયમ ગણપતિ બાપ્પા મારી નજર સામે તરવરવા લાગે. જાણે મારી આસપાસ હોય એવો ભાસ થાય. વહાલા વાચક સ્નેહીઓને જાણી નવાઈ લાગશે કે હું ક્યારેય કોઈ મંદિરનાં પગથિયાં નથી ચડી. હા, નાનપણમાં મંદિરમાં ગઈ હતી, નવરાત્રી વખતે કે ગણેશોત્સવને ટાંકણે, પણ એમાં ભક્તિભાવ નહોતો, નર્યું ભોળપણ હતું. મંદિરના પ્રાંગણમાં દોડાદોડી કરતાં, રમતાં. લગ્ન પછી તો ક્યારેય મંદિરમાં નહોતી ગઈ.
આ પણ વાંચો : બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવવા અઈંનો સહારો ન લો..!
લગ્નજીવનની કડવાશ કદાચ એને માટે જવાબદાર હશે. દુન્યવી નજરે હું નાસ્તિક હોવા છતાં મને કેમ બાપ્પા દેખાતા હશે એ સમજાતું નહોતું. મેં ગણેશજીને મનોમન કહ્યું પણ ખરું કે મને ખ્યાલ નથી આવતો કે હું શું કરું? ત્યારે મને ખબર પડી કે પ્રભાદેવી વિસ્તારમાં ગણેશજીનું પ્રતિષ્ઠિત સિદ્ધિવિનાયક મંદિર છે. ત્યાં જઈ બાપ્પાનાં દર્શન કરવાના ભાવ જાગ્યા. પરોઢિયે ચાર વાગ્યે પહેલી વાર હું દર્શન કરવા ગઈ અને એ દિવસથી દર મંગળવારે દર્શન કરવા જવાનો સિલસિલો અનેક વર્ષ સુધી ચાલતો રહ્યો. ભક્તિ ભાવ જ્યારે અંદરથી પ્રગટે એની વાત જ ન્યારી હોય છે, પણ એક વાત કહું? મેં ક્યારેય બાપ્પા પાસે ખોળો પાથરી મારા રહેવાનો કાયમી ઉકેલ લાવી દ્યો કે બીજી કોઈ માગણી નથી કરી. બધા જેમ વંદન કરતા હતા એમ વંદન કરી પાછી ફરતી હતી. સવારે ચાર વાગ્યે નીકળી જતી અને નવેક વાગે ઘરે પહોંચી જતી. એક દિવસ દર્શનની લાઈનમાં ઊભી હતી ત્યારે એક બહેને એવી સરસ વાત કરી કે ભક્તિભાવનો એક અલગ જ અર્થ મને એ દિવસે સમજાયો.
દરેક શહેરમાં થિયેટરનું સપનું
રંગભૂમિને સમર્પિત પૃથ્વી થિયેટર્સની સ્થાપના 1942માં પૃથ્વીરાજ કપૂરે કરી હતી. સંસ્થાનું પહેલું નાટક હતું કવિ કાલિદાસનું ‘શકુંતલા’ જેની ભજવણી 1944માં થઈ હતી. 1944થી 1960 દરમિયાન પૃથ્વી થિયેટર્સ કંપનીએ 112 શહેરમાં 2662 નાટકના પ્રયોગ કર્યા હતા જે એક અનોખી સિદ્ધિ લેખવામાં આવી છે. આ એક એવો વિક્રમ છે જે નિ:શંક સમગ્ર પ્રજા માટે ગૌરવ લેવા જેવી વાત છે.
આ પણ વાંચો : બેકારનું લેબલ ભૂંસવું છે? આ જગ્યા માટે એપ્લાય કરો…
કંપનીની નાટ્ય પ્રવૃત્તિ તેમ જ એના કલાકાર- કસબીઓ વિશે ‘ધ પૃથ્વીવાલાઝ’ નામનું પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. થિયેટર કંપનીની વિશિષ્ટ સ્મૃતિઓ પુસ્તકની લાક્ષણિકતા છે. આયુષ્યના 92મા વર્ષે પૃથ્વી થિયેટર્સમાં ‘એક થી નાની’ નાટક ભજવનારાં અને નાટ્ય કંપની સાથે 1945માં જોડાનારાં ઝોહરા સહગલે એક વખત પૃથ્વીરાજ કપૂરને કુતૂહલવશ પૂછ્યું હતું કે ‘કેમ તમે તમારી નાટ્યસંસ્થાનું નામ પૃથ્વી થિયેટર નહીં, પણ બહુવચનમાં ‘પૃથ્વી થિયેટર્સ’ કેમ રાખ્યું છે? કોઈ ખાસ કારણ છે?’ સવાલ સાંભળી પૃથ્વીરાજજીએ હળવું પણ માર્મિક સ્મિત કર્યું અને જણાવ્યું કે ‘ભારતના દરેકે દરેક શહેરમાં સંસ્થાનું થિયેટર હોય એ મારું સપનું છે.’ ફિલ્મોમાં ખાસ્સી લોકપ્રિયતા અને કમાણી મળ્યા પછી પણ આવું સપનું તો રંગભૂમિનો ઓલિયો જ જોઈ શકે. (સંકલિત)