ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સ્પોટ લાઈટ : ‘હેલો, કાંતિ મડિયા બોલું છું’

-મહેશ્વરી

શૈશવકાળમાં મોટા ભાગનાં બાળકોમાં ખેલકૂદ માટે ખૂબ રુચિ જોવા મળે છે. ડબ્બા ઐસપૈસ (થપ્પો જેવી રમત જેમાં ડબ્બો અથવા નારિયેળની કાચલીનો ઉપયોગ કરવામાં આવતો), સાંકળી, પકડદાવ, લગોરી, ખો-ખો જેવી રમતોમાં બાળકોને બહુ આનંદ આવતો. મારા બાળપણના સમયમાં મોબાઈલ ફોન કે વીડિયો ગેમ ક્યાં હતાં? આવી રમતો રમવાથી મનોરંજન મળવાની સાથે સાથે એ બાળકોનાં શારીરિક અને માનસિક ઘડતર કરવામાં મદદરૂપ થતી.

જોકે, મને ખેલકૂદ માટે બાળપણમાં વિશેષ આકર્ષણ નહોતું, પણ ખો-ખો રમત જોવામાં ખૂબ આનંદ આવતો હતો. રમનારાં બાળકો જે ચપળતા દેખાડતાં એ જોઈ હું દંગ રહી જતી. ત્યારે ક્યાં ખબર હતી કે આયુષ્યની ત્રીસીમાં જીવનમાં મારે ખો-ખો રમવાનો વારો આવશે. આ રમતમાં ખેલાડી એક જગ્યા પર બેઠો હોય ત્યાં અચાનક ખો મળતાં ઊઠીને પ્રતિસ્પર્ધીને આઉટ કરવા દોડવું પડે છે અને એવું વારેઘડીએ થયા કરે.

જોગેશ્વરીનું ઘર છોડ્યા પછી હું સતત ખો-ખો રમતી હોઉં એમ એક ઘરથી બીજા ઘર તરફ દોડી રહી હતી. જોગેશ્વરીથી ભાઈના ઘરે, ત્યાંથી વિલે પાર્લે અને ત્યાર બાદ એક સેનેટોરિયમથી બીજા સેનેટોરિયમની ભાગદોડ મને શૈશવકાળની રમતનું સ્મરણ કરાવી રહી હતી. જોકે, સેનેટોરિયમ વ્યવસ્થાનો એક લાભ એ હતો કે ત્રણ મહિના તો રહેવાની પરવાનગી મળી જતી હતી.

સમુદ્ર નજીકના જુહુ સેનેટોરિયમમાં ત્રણ મહિના રહી. ત્યાંથી હું જ્યારે મહાલક્ષ્મી સેનેટોરિયમમાં આવી એ જગ્યા પણ બહુ સુંદર હતી. નજીકમાં જ માતાજીનું મંદિર હતું અને દરિયો પણ નજીક હતો. મને સાગર બહુ ગમે એની વિશાળતાને કારણે, અનેક સરિતાને પોતાનામાં સમાવી લેવાના એના સ્વભાવને કારણે. સિનેમા જોવાનો પણ શોખ ધરાવતા નાટ્યપ્રેમીઓને સંજીવ કુમારની ફિલ્મ ‘અનોખી રાત’નું ગીત કદાચ યાદ હશે. ‘ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં, નદી મિલે સાગર મેં, સાગર મિલે કૌન સે જલ મેં, કોઈ જાને ના’ પંક્તિઓ મને અત્યંત પ્રિય છે. મળતાં મળતાં ખોવાઈ જવાની વાત, વિલીન થઈ જવાની વાતથી, એ વિચારે મને કાયમ મુગ્ધ કરી છે.

જોકે, મહાલક્ષ્મી સેનેટોરિયમમાં એક દિવસ અચાનક પ્રાગજી ડોસાના જમાઈની અણધારી મુલાકાતના પગલે ખો-ખોના સાંસારિક ખેલમાંથી મુક્તિ મળશે એવી આશા જન્મી હતી. એક સારી વાત એ હતી કે નાટકોમાં કામ મળી રહ્યું હતું અને દીકરીઓ પણ મોટી થઈ ગઈ હતી અને પોતપોતાના કામમાં ગૂંથાઈ ગઈ હતી. સાંજે બધાં ઘરે પાછાં ફરીએ અને દરેક જણ દિવસ દરમિયાનની ગતિવિધિનું વર્ણન કરે.

આ પ્રકારની આપ-લે દીકરીઓના ઘડતરમાં મહત્ત્વની સાબિત થઈ રહી હતી. સમય સડસડાટ પસાર થઈ રહ્યો હતો અને સેનેટોરિયમના ત્રણ મહિના ક્યાં પૂરા થયા એ ખબર જ ન પડી. પ્રાગજીભાઈના જમાઈએ કરી આપેલી ગોઠવણ અનુસાર અમારે બોરીવલીના યોગી નગરમાં શિફ્ટ થવાનું હતું. ત્રણ મહિના પૂરા થયા અને ફ્લૅટની ચાવી મળી ગઈ. દક્ષિણ મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાંથી દૂર પરાના બોરીવલીમાં પહોંચી ગયા.

યોગી નગરની જગ્યા નાની હતી, વન રૂમ કિચન. સ્કવેર ફિટને હિસાબે નાનું, પણ ત્યારે તો મારા માટે મહેલ જેવું હતું. ગામડામાં મોટા ખોરડાઓમાં રહેલા લોકો શહેરના આવા ફ્લેટમાં આવે તો કહે કે ‘તમારે પગતાણ બહુ ઓછી.’ પગતાણ એટલે જગ્યાની છૂટ, મોકળાશ. જોકે, આ પ્રકારના ઘરમાં રહેતાં (વિશેષ કરી ચાલી સિસ્ટમમાં) લોકોમાં મનની મોકળાશની જાહોજલાલી જોવા મળતી.

યોગી નગરમાં મોટા ભાગના ગુજરાતીઓ અને એમાં જૈન લોકોની વસ્તી વધારે. હું રહેવા ગઈ એ બિલ્ડિંગમાં બધા પાડોશીઓ-હસુભાઈ, ઉદયભાઈ વગેરે મજાના માણસો હતા. મળતાવડો સ્વભાવ અને મદદરૂપ પણ થાય. એકંદર વાતાવરણ અનુકૂળ હોવાથી અમે બહુ જલદી સેટ થઈ ગયા.

બીજી એક વાત એ હતી કે એ સમયે (૧૯૮૩માં અમે યોગી નગર રહેવા આવ્યા) ગુજરાતી નાટકો અને એના કલાકારોનો વટ હતો. ‘અમારા મકાનમાં મહેશ્ર્વરી રહેવા આવ્યાં છે’ એવું લોકો ગર્વથી કહેતાં. ઘરમાં થોડી ઘરવખરી હતી અને થોડાં વાસણ કૂસણતો હું લઈને જ ફરતી હતી. આ ઘરમાં એક તકલીફ એ હતી કે ગૅસ સિલિન્ડર – ચૂલાની વ્યવસ્થા નહોતી.

દિવેટવાળો સ્ટવ હતો. હા, એ વાપરવા માટે ઘાસલેટ-કેરોસીન મેળવવાની બહુ મુશ્કેલી હતી. એ સમયે રૅશનકાર્ડ પર ઘરના સભ્યોની સંખ્યા અનુસાર રૅશનની દુકાનમાંથી કેરોસીન મળતું. ક્યારેક હસુભાઈના તો ક્યારેક ઉદયભાઈના તો ક્યારેક બીજા કોઈના રૅશનકાર્ડ પર મને કેરોસીન મળી જતું, પણ એને માટે તડકામાં લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું.

જોકે, હું હારી નહીં, નિરાશ ન થઈ કે ડગમગી પણ નહીં. દરેક મુશ્કેલી, દરેક વિપરીત પરિસ્થિતિ મારું મનોબળ મજબૂત બનાવતી હતી અને પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની તાકાત વધારતીહતી.

બિલ્ડિંગના રહેવાસીઓમાં મોટા ભાગના લોકો નોકરી-ધંધા સાથે સંકળાયેલા લોકો હતા. નાટ્યજગત સાથે સીધો કે આડકતરો સંબંધ ધરાવતી કોઈ વ્યક્તિ નહોતી. થોડા દિવસ પસાર થયા પછી ખબર પડી કે રંગભૂમિ સાથે કનેક્શન ધરાવતી એક વ્યક્તિ અહીં રહે છે ખરી. જૂની રંગભૂમિમાં એક રૂપકમલ નામનાં અભિનેત્રી હતાં જેમનો ઉલ્લેખ મેં એકથી વધુ વાર અગાઉ કર્યો છે.

‘વડીલોના વાંકે’ નાટકમાં કામ કર્યા બાદ તેમની લોકપ્રિયતા વધી હતી. રૂપકમલબહેનની પુત્રવધૂ પન્નાની બહેન અમારા ઉપરના ફ્લૅટમાં રહેતી હતી. એમના ઘરે ફોન હતો અને એ એટલા સારા સ્વભાવની હતી કે મને પોતાનો ફોન નંબર આપ્યો અને મારા ફોન આવે તો મને બોલાવતી.

એ સમયે બહુ ઓછા લોકો પાસે ફોનની સગવડ જોવા મળતી અને એનું કનેક્શન મેળવવા બહુ સમય લાગતો હતો. જોકે, આ ફોનની વ્યવસ્થાથી મને બહુ નિરાંત થઈ, કારણ કે નાટકવાળા મારો સંપર્ક સહેલાઈથી કરી શકતા હતા. મારે કરવો હોય તોપણ હું ફોન કરી શકતી હતી.

એક દિવસ સવારે ‘મહેશ્વરીબહેન, તમારો ફોન છે’ એવી બૂમ પડી, પણ એ બૂમ રોજ કરતાં વધુ પ્રભાવી લાગી. હું ફટાફટ દાદરો ચઢી ફોન લેવા ગઈ અને રિસિવર હાથમાં લીધું અને સામે છેડેથી અવાજ સંભળાયો, ‘મહેશ્ર્વરી, હું કાંતિ મડિયા બોલું છું.’

રિસિવર મારા હાથમાંથી પડતાં પડતાં રહી ગયું. હું રોમાંચિત થઈ ગઈ. નવી રંગભૂમિના ઉદયમાં પ્રવીણ જોશી અને કાંતિ મડિયા એ બે દિગ્ગજ નામ હતાં. જોકે, ૧૯૭૯માં પ્રવીણભાઈએ અચાનક જીવનના તખ્તા પરથી એક્ઝિટ લઈ લીધી હતી. કાંતિ મડિયાનાં નાટકો માટે નાટ્યરસિકોમાં ગજબનું આકર્ષણ અને આદર હતાં.

એમની સાથે એમનાં નાટકોમાં કામ કરવું એ કોઈ પણ કલાકાર માટે લહાવો હતો.’ મેં કહ્યું, ‘બોલો કાંતિભાઈ.’ ઔપચારિક વાતચીત પછી તેમણે મને મળવા બોલાવી. કોઈ નવા નાટકનું આયોજન કરી રહ્યા હતા. હું તો રાજી રાજી થઈ ગઈ.
ન્યાયાધીશ સમક્ષ નાટક ભજવાયું…

વીસમી સદીના ત્રીજા દાયકાના પ્રારંભમાં યુરોપમાં ‘સરરિયાલિઝમ’ તરીકે ઓળખ મેળવનાર અતિવાસ્તવવાદ (વાસ્તવિકતા અને કલ્પનાનો સંગમ) પ્રકાર સાહિત્યમાં અને ફળસ્વરૂપે નાટકોમાં પણ જોવા મળ્યો. વિશ્વવિખ્યાત સ્પેનિશ ચિત્રકાર અને ફિલ્મકાર સેલ્વાડોર ડાલીના નિકટવર્તી સ્પેનિશ નાટ્યકાર ફેડેરિકો ગાર્સિયા લોર્કાએ ૧૯૨૯માં The Shoemaker’s Prodigious Wife નાટક લખ્યું હતું,

આ પણ વાંચો…ઊડતી વાત -: રાજુ રદી સરકારને આપશે ‘ભેટ’ બોલો, કઈ?

જેમાં પતિ-પત્ની, ૫૩ વર્ષના શૂમેકર (મોચી) અને તેમની ૧૮ વર્ષની પત્નીના ઘર્ષણથી ઘેરાયેલા જીવનની વાત હતી. જશવંત ઠાકરે ‘લોકનાટ્યસંઘ’ના નેજા હેઠળ અમદાવાદ માં સ્પેનિશ નાટકનું રૂપાંતર ‘મોચીની વહુ’ નામથી પહેલી વાર ભજવ્યું ત્યારે પૃથ્વીરાજ કપૂર હાજર રહ્યા હતા.

જોકે, રાજકારણીઓની ચડામણીથી મોચી સમાજે નાટકના આયોજક સામે માનહાનિનો દાવો કર્યો હતો. નાટ્ય સંઘના વકીલે મૅજિસ્ટ્રેટને જાતે જ નાટક જોઈને આખરી નિર્ણય લેવા સૂચન કર્યુ. મૅજિસ્ટ્રેટે સ્વીકાર્યું અને નાટક જોયું. નાટક ફરતે ઘેરાયેલા વિવાદની વાત વાયુવેગે પ્રસરી ગઈ અને ન્યાયમૂર્તિ નાટક જોવા પધાર્યા એ દિવસે ઑડિટોરિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. નાટક બે-ત્રણ વાર જોયા પછી મૅજિસ્ટ્રેટને ક્યાંય કોઈ વાંધો નહીં જણાતાં અંતે એ નાટકને જાહેરમાં ભજવવાની મંજૂરી આપવામાં આવી હતી. (સંકલિત)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button