સ્પોટ લાઈટ : અલક ચલાણું ઓલે ઘેર ભાણું…
- મહેશ્વરી
ઈશ્વરથી મોટો કોઈ બિલ્ડર નથી જેણે જગત આખાની રચના કરી, જીવને જન્મ આપ્યો. જોકે, વિધિની વક્રતા કેવી છે કે ઈશ્વરે બનાવેલા માણસો એકબીજાને બનાવે’ છે. પ્રભુની બનાવટ (રચના) અંદરોઅંદરબનાવટ’ (કપટ) કરતી થઈ ગઈ એ જોયા પછી `મારા જ બનાવેલા મને બનાવે છે’ એવી લાગણી પ્રભુને થઈ હોય તો એની નવાઈ ન લાગવી જોઈએ.
Also read : મોટા ભાગના દેશોમાં પ્રજાસત્તાક સરકાર છે…
જીવનના આ કડવા અને વરવા સત્યનો અનુભવ મને અનેક વાર થયો છે અને એવા કેટલાક અનુભવ મેં `મુંબઈ સમાચાર’ના વાચકો સમક્ષ અગાઉ રજૂ કર્યા છે. જોકે, એ કારમા અનુભવોમાં હું ભાંગી ન પડી, એનો હસતે મોઢે મુકાબલો કર્યો એની શક્તિ પણ ઈશ્વરે જ મને આપી છે એ કેમ કરીને ભુલાય? આપણને જે મળ્યું છે એ આપણે વીસરી જઈએ છીએ અને જે નથી મળ્યું, જેનો જીવનમાં અભાવ છે એની સતત ફરિયાદ કરતાં હોઈએ છીએ. હું તો કવિશ્રી બાલાશંકર કંથારિયાની કાવ્યપંક્તિઓ જીવનમાં ઉતારી આગળ વધી છું:
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ
તે સહેજે.
ગણ્યું જે પ્યાં પ્યારાએ, અતિ પ્યાં
ગણી લેજે!
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ
ભાસે તો,
જરાય અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
આ પંક્તિઓમાં ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ડગમગી નહીં જવાનું કૌવત છે.
વહાલા પ્રેક્ષકોના અસીમ પ્રેમથી માં હૈયું તો છલકાઈ ગયું, સાથે સાથે તિજોરીમાં પણ ખણખણાટ થયો અને એક સેનેટોરિયમથી બીજા સેનેટોરિયમમાં રઝળપાટ કરતી મહેશ્વરી પાસે પોતાની માલિકીનો ફ્લૅટ બુક કરાવવા જેટલી મૂડી એકઠી થઈ ગઈ. ઈશ્વરે બનાવેલાઓએ મારું ઘર બનાવ્યું એ હકીકત છે. આ વાત કરું છું ત્યારે મને ભાંગવાડીનાં નાટકોમાં કામ કરતી હતી ત્યારે એક કલાકારે કહેલી માર્મિક વાત યાદ આવી ગઈ. એ કલાકારનો રોલ નાનકડો, પણ મહત્ત્વનો હતો અને અદાકારીની આવડતથી પ્રેક્ષકોની પ્રશંસા મળતી હતી. દેશી નાટક સમાજના મૅનેજર એને જ્યારે કહેતા કે તમારું પરફોર્મન્સ જોઈ રાજીપો થયો’ ત્યારે જવાબમાં એ કલાકાર તેમને હળવેકથી કહેતા કેતમાં હૈયું આનંદથી છલકાઈ ગયું એ મને ગમ્યું, પણ તમે શો દીઠ જે કવર આપો છો એની રકમ વધારો તો મારું ગજવું છલકાય અને પરિવારનું પેટ પણ ભરાય.’ તાળીઓના ગડગડાટથી સ્ટેજ પર કલાકાર પોરસાઈ જાય એ સાચું, પણ શો પત્યા પછી પર્ફોર્મન્સ પેટે મળતું કવર એના દૈનિક જીવનની રાહત હોય છે. જીવનનું અસલી તત્ત્વજ્ઞાન ક્યારે કોની પાસેથી શીખવા મળે એનાં કોઈ ગણિત નથી હોતાં.
એંસી હજાર રૂપિયાની રકમ ભરી મેં ફ્લૅટ તો બુક કરાવી લીધો. પઝેશન બને એટલું વહેલું આપશે એવી બાંયધરી બિલ્ડરે આપી હતી. જોકે, આપેલી મુદત સુધીમાં ફ્લૅટ તૈયાર નહોતો થયો. આમ પણ બિલ્ડરના વાયદા દરજી અથવા મોચીના વાયદા જેવા હોય છે. આ બંને પાસે તમે ઢળતા બપોરે જાવ તો કાલે સવારે ચોક્કસ આપી દઈશ એવો વાયદો પાડે અને સવારે જાવ તો સાંજનો વાયદો કરે. ખોટા વાયદા કરવાની વૃત્તિને `સઈ (દરજી)ની સાંજ ને મોચીની કાલ’ કહેવતમાં વણી લેવામાં આવી છે. કહેવતમાં બિલ્ડર પણ ઉમેરી દેવો જોઈએ.
હું અંધેરીમાં રહેતી હતી એ જગ્યાની મુદત પૂરી થવા આવી હોવાથી મારે એ ઘર તો ખાલી કરવું પડે એમ જ હતું. બિલ્ડરને મારી સમસ્યા વિશે વિગતે વાત કરી. મારા સદ્નસીબે એ મારી તકલીફ સમજી ગયો અને પ્રોબ્લેમનું સોલ્યુશન પણ કાઢી આપ્યું. મેં જગ્યા નોંધાવી હતી એની નજીકમાં જ એ જ બિલ્ડરનું બીજું એક બિલ્ડિંગ પણ હતું. એમાં એક ફ્લૅટમાં થોડી જગ્યા મને રહેવા માટે આપી. `ત્રણેક મહિના અહીં રહો, ત્યાં સુધીમાં તમારો ફ્લૅટ તૈયાર થઈ જશે’ એવી હૈયાધારણ આપી. હું એ કામચલાઉ જગ્યામાં શિફ્ટ થઈ ગઈ અને અમે બધાએ રાહતનો શ્વાસ લીધો. જોકે, શ્વાસ અદ્ધર થઈ જાય એવી ઘટના થોડા વખતમાં જ બની.
તમે જો ફિલ્મોના શોખીન હશો અને 1970-80ના દાયકામાં ગુજરાતી ફિલ્મો જોઈ હશે તો ઉપેન્દ્ર ત્રિવેદી-અરવિંદ ત્રિવેદી સિવાયના અન્ય નામવંત એક્ટરો અરવિંદ પંડ્યા, અરવિંદ રાઠોડ વગેરેથી પણ પરિચિત હશો. રાજીવ નામનો પણ એક અભિનેતા હતો. મૂળ નામ જગદીશ ગઢિયા, પણ ફિલ્મોમાં રાજીવ તરીકે જાણીતો હતો. ગુજરાતી સામાજિક ચલચિત્રોનો પ્રવાહ શરૂ થતાં રાજીવ સક્રિય થયો હતો. સંજીવ કુમારને મળતો ચહેરો હોવાને કારણે ગુજરાતી ફિલ્મ `તાના-રીરી’ (1975)માં સંજીવકુમારના સ્થાને મહેમાન કલાકારની સફળ ભૂમિકા ભજવી.
Also read : ટ્રાવેલ પ્લસ : ગુજરાતની વિવિધ રામસર સાઈટ પ્રવાસી પંખીઓનું સ્વર્ગ સમાન શિયાળુ નિવાસ સ્થાન
રાજીવની મહત્ત્વની ભૂમિકા ધરાવતી પ્રથમ ફિલ્મ `મેના ગુર્જરી’ હતી. રાજીવ એની પત્ની અને એક દીકરી એમ ત્રણ જણનો મજાનો પરિવાર હતો. મૂળરાજ રાજડા અને તેમનાં પત્ની ઇન્દુબહેન સાથે લાગણીભીના સંબંધો હતા અને એ લોકો અમને મળવા આવતા. બધા ભેગા થઈ આનંદ કરતા હતા અને એટલે સમય સરસ રીતે પસાર થઈ રહ્યો હતો.
શાંત જળમાં એક પથ્થર ફેંકાય અને કેવાં વમળ સર્જાય એમ હું રહેતી હતી એ ફ્લૅટમાં સમસ્યા ઊભી થઈ. એક દિવસ અચાનક એ ઘરની માલિક ક્રિશ્ચ્યન મહિલા આવી પહોંચી હમણાં ને હમણાં ઘર ખાલી કરો’ એમ કહેવા લાગી. જોકે, એ બોલવું બહુ સહેલું હતું, કરવું અત્યંત અઘરું હતું. મેં તો કહી દીધું કે એમ હું તાત્કાલિક ખાલી નહીં કરી શકું કારણ કે મારી પાસે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા નથી. ત્રણ બાળકોને લઈ હું ક્યાં જાઉં? ખ્રિસ્તી બાઈ જક્કી હતી.મૈં ઈધર રેહનેકો આનેવાલી હૂં. ઈસકે વાસ્તે મુજે જલદી ખાલી કર કે દે’, એમ કહી જતી રહી.
હું તો ટેન્શનમાં આવી ગઈ. તરત પહોંચી બિલ્ડર પાસે અને બધી હકીકતથી તેમને વાકેફ કર્યા. બિલ્ડરે મને સાંત્વના આપી અને કહ્યું કે ઘર ખાલી કરી આપ. તને બીજી વિંગમાં પહેલા માળના ફ્લૅટમાં વ્યવસ્થા કરી આપું છું.’ અને હું બીજા ફ્લૅટમાં શિફ્ટ થઈ ગઈ, પણ ત્યારે ક્યાં ખબર હતી કેઅલક ચલાણું ઓલે ઘેર ભાણું’ કહેવત જેવી મારી હાલત છે.
ભાવનગરમાં વટેમાર્ગુ નાટક જોઈ શકતા
ભાવનગર એક સમયે નાટ્યપ્રવૃત્તિથી ધમધમતું હતું. 1930ના દાયકામાં યંગ કલબ નામની સંસ્થાના નેજા હેઠળ નાટ્ય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે ખુલ્લા પ્રેક્ષાગારમાં (ઓપન ઍર થિયેટરમાં) નાટક કરવાની પહેલ યંગ ક્લબ સંસ્થાએ કરી હતી. એ વખતે ભાવનગરના માણેકવાડી વિસ્તારમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલનું ક્રિકેટ માટે વિશાળ મેદાન એ હતું. આ ક્રિકેટના મેદાનમાં પ્રેક્ષકો ટિકિટ કે પ્રવેશ ફી વિના ઇચ્છા થાય ત્યાં બેસીને નાટક જોઈ શકે. મેદાન નજીકના રસ્તા પરથી પસાર થતો વટેમાર્ગુ પણ નાટક જોવા ઊભો રહી જાય.
Also read : બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : આજના વેપારની આવશ્યકતા… સ્ટાર્ટઅપની માનસિકતા…
એકાંકી ભજવવાની શરૂઆત કર્યા પછી યંગ કલબે ચંદ્રવદન મહેતાના આગગાડી’ નાટકનો પરિચય પણ નાટ્યપ્રેમી જનતાને કરાવ્યો. સંસ્થાએ કેટલીક અંગ્રેજી ફિલ્મની કથા પરથી પ્રેરણા લઈ અમુક ફેરફાર કરી તખ્તાને અનુરૂપ બનાવી નાટકો રજૂ કર્યાં હતાં જેમાંદિવાસ્વપ્ન’, અણધાર્યાં ઉતરાણ’,કલ્પના’, ફ્રેન્કેન્સ્ટાઈન’ વગેરેનો સમાવેશ હતો. યંગ કલબનાં લોકપ્રિય થયેલાં નાટકોમાંદાદાઝ’નો ઉલ્લેખ કરવો પડે. નાટકમાં દાદાઓ ભેગા થઈ નાટકો માટે ચર્ચા કરે અને પછી `રૅશનિંગ’ પર નાટક કરે. સાંપ્રત પરિસ્થિતિની વિસંગતતાઓ પર કટાક્ષ અને રમૂજથી એ નાટકો પ્રેક્ષકોને ખૂબ પસંદ પડ્યાં હતાં. અલબત્ત એ નાટકોની અસરકારતા એ સમય પૂરતી મર્યાદિત હતી. (સંકલિત)