ઉત્સવ

સ્પોટ લાઈટ : ‘વડીલોના વાંકે’ આજના પ્રેક્ષકોને ગમે ખરું?

-મહેશ્વરી

પૃથ્વી ગોળ હોય છે એ શાળાના અભ્યાસ દરમિયાન આપણને ભૂગોળ વિષયમાં શીખવા – જાણવા મળે છે. જીવનમાં પણ દુનિયા ગોળ હોય છે એનો પરિચય સંસારના અનુભવ કરાવે છે. જુઓ ને, નાના પાયે મરાઠી નાટકોમાં અભિનય કરી પ્રગતિનું એક પછી એક પગથિયું ચઢી મહેશ્વરી એટલે કે હું ગુજરાતી નાટકોની પ્રથમ હરોળની હિરોઈન બની ગઈ. નાટ્ય જગતમાં જેનો દબદબો હતો એ ‘શ્રી દેશી નાટક સમાજ’ સાથે જોડાઈ અને અનેક ગુજરાતી નાટકો ભજવ્યાં. પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ પામી. જોકે, સંજોગોએ પલટો માર્યો અને ગુજરાતી નાટ્ય પ્રવૃત્તિનો સાથ અચાનક છૂટી ગયો અને હું ફરી મરાઠી નાટકોમાં વ્યસ્ત થઈ ગઈ. સાચે જ દુનિયા ગોળ છે, હેં ને!

સ્પોટ લાઈટ : પતિની પત્ની પરાયણતાને મહત્ત્વ આપી ‘પત્નીવ્રતા’ નાટક કેમ નથી લખાયું?

કોંકણ – ગોવામાં ‘બહરલા પારિજાત’, ‘પતિવ્રતા’ વગેરે મરાઠી નાટકોના પ્રયોગોને સફળતા મળી રહી હતી. મરાઠી પ્રેક્ષકોના પ્રેમ અને આદર મળી રહ્યા હતા. કામ વિનાની મહેશ્વરી એકદમ પ્રવૃત્તિમય બની ગઈ. મરાઠી મારી માતૃભાષા હોવાથી ભાષાની તો કોઈ સમસ્યા હતી જ નહીં અને અલગ જ પ્રકારના નાટકો ભજવવા મળતા હોવાથી આનંદ આવતો હતો.

એવામાં અચાનક એક દિવસ વિનયકાંત દ્વિવેદી (વિનુભાઈ) મળવા આવ્યા. મને કહે, ‘મહેશ્વરી, આપણે નાટક કરવાનું છે. તું તૈયાર રહેજે.’ એમની ઓફર સાંભળી હું સહેજ ચોંકી ગઈ, કારણ કે મરાઠી નાટકોની વ્યસ્તતા વચ્ચે ગુજરાતી નાટકની ભજવણી કરવાની હતી. એક સાથે બે ઘોડા પર સવાર થવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે એ વાતથી ‘મુંબઈ સમાચાર’ના વાચકો સુપેરે પરિચિત હશે. બન્યું એવું કે નવી રંગભૂમિ સાથે સંકળાયેલા સિદ્ધહસ્ત કલાકાર ‘ભાઉ’ ગિરેશ દેસાઈની ઈચ્છા વિનુભાઈ સાથે જૂની રંગભૂમિના નાટકમાં કામ કરવાની હતી. ‘ગાડાનો બેલ’ નાટક ભજવવાનું નક્કી થયું. એમાં હીરોનો રોલ ગિરેશ ભાઈએ કર્યો હતો. આ નાટક સૌપ્રથમ શ્રી દેશી નાટક સમાજે ૧૯૪૬માં ભજવ્યું હતું. ‘ગાડાનો બેલ’ નામથી ગુજરાતી ફિલ્મ સુધ્ધાં બની હતી. એમાં નિરૂપા રોયએ કામ કર્યું હતું. ‘ગાડાનો બેલ’માં કામ કર્યા પછી નિરૂપા રોય હિન્દી ફિલ્મો તરફ વળી ગયાં હતાં. અમારા નાટકને ઠીક ઠીક સફળતા મળી અને એના ૭૫ શો થયા. મરાઠી નાટકો તો હું કરતી જ હતી અને સાથે ગુજરાતીની ઓફર આવી એટલે હું ખાસ્સી વ્યસ્ત થઈ ગઈ. અલબત્ત બે મોરચા સંભાળવા સહેલું તો નહોતું જ, પણ નવરા બેસી રહેવા કરતા કોઈ પણ કલાકારને અતિ વ્યસ્તતા કાયમ વહાલી લાગતી હોય છે.

સ્પોટ લાઈટ: ‘એક મિનિટ’ – એક નવી એન્ટ્રી

જૂની રંગભૂમિના નાટકોની પુન: ભજવણી કરવા ઉત્સુક વિનુભાઈએ ‘ગાડાનો બેલ’નો રિસ્પોન્સ જોઈ ‘વડીલોના વાંકે’ નાટક પણ ભજવવાનું નક્કી કર્યું. ગુજરાતી રંગમંચ પર પૂર્ણપણે નાયિકાનું વર્ચસ્વ હોય એવું આ પ્રસિદ્ધ ત્રિઅંકી નાટક પહેલી વાર મુંબઈના ભાંગવાડી થિયેટરમાં ૧૯૩૮માં ભજવાયું હતું. ૧૯૭૦ના દાયકામાં ‘શ્રી દેશી નાટક સમાજ’ આ નાટકના શો કરી રહ્યું હતું ત્યારે હું એના કોમિક કર્ટનમાં જમના ઝાપટેનો રોલ કરતી હતી અને અચાનક મને નાટકમાંથી કાઢી મૂકવામાં આવી હતી એ વાત થોડા હપ્તા પહેલા મેં કરી હતી. આમ એ નાટક સંદર્ભે થોડી કડવાશ મારા મનમાં હતી. જોકે, વિનુભાઈએ ‘તારે સમતાનો રોલ કરવાનો છે’ એમ કહ્યું ત્યારે હૈયું હરખાઈ ગયું અને બધી કડવાશ ઓગળી ગઈ. સમતાની ભૂમિકા ભજવનારી હું ચોથી અભિનેત્રી હતી. પહેલી વાર ભજવાયું ત્યારે મોતીબાઈ સમતાનો રોલ કરતા હતા. ત્યારબાદ મનોરમા બહેને એ ભૂમિકા ભજવી અને પછી રૂપકમલ બહેને એ પાઠ ભજવ્યો. આમ એક ઉજજવળ પરંપરા આગળ ધપાવવાની હતી. પહેલા શોના દિવસે મેં ગજબનો રોમાંચ અનુભવ્યો હતો. દરેક કલાકારના વ્યવસાયિક જીવનમાં એવો સમય આવતો હોય છે જ્યારે કશુંક નોખું કે પડકારરૂપ કામ કરવાની તક મળે ત્યારે એનામાં અનેરા ઉત્સાહનો સંચાર થતો હોય છે.

‘વડીલોના વાંકે’ ઓપન થયું અને નાટ્ય રસિકોએ એને જબ્બર પ્રતિસાદ આપ્યો. ૪૪ વર્ષ વીત્યા પછી પણ કોઈ કૃતિમાં દર્શકો રસતરબોળ થાય એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. નાટકને મળેલી અસાધારણ સફળતા શેને આભારી છે એવા સવાલના જવાબમાં આ નાટકના રચયિતા પ્રભુલાલ દ્વિવેદી ૧૯૩૮માં એટલું જ બોલ્યા હતા કે ‘પ્રભુને.’ ૧૯૮૨માં તો એવું બન્યું કે પ્લાન ખુલે ને શો હાઉસફૂલ થઈ જાય. ત્યારે મંડળો અને સોલ્ડ આઉટ શોની પ્રથા ફૂલીફાલી નહોતી. લગભગ ૨૫૦ શો સુધી નાટ્ય રસિકોના ઉમળકાને કારણે ‘વડીલોના વાંકે’ ચાલ્યું. આજે ૪૨ વર્ષ વીતી ગયા એ વાતને. આજે રજૂ થાય તો ચાલે ખરું? પ્રેક્ષકોને ગમે ખરું? સમતા ઉપરાંત પુષ્કર, ગોપાળશેઠ જેવા પાત્રો આજના દર્શકોને ગમે ખરા? આ સવાલોના જવાબ મારી પાસે તો નથી. જૂની રંગભૂમિનો પ્રભાવ હજુ ઓસર્યો નથી એનો ખ્યાલ આવતા પછી ‘શંભુમેળો’, ‘સંપત્તિ માટે’, ‘સંતાનોને વાંકે’ વગેરે નાટકો પણ અમે કર્યા. વ્યવસાયિક જીવન બહુ સરસ રીતે ચાલી રહ્યું હતું, પણ અંગત જીવનમાં એવી ઘટના બની કે મારામાં એવો સંચાર થયો ને મેં એવું પગલું ભર્યું જેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી.

પૈસો બંધ થયા પછી ‘પૈસો બોલે છે’
તખ્તા પર ભજવાતા નાટકમાં ખેલ ભજવાય અને વાર્તા વળાંક લેતી આગળ વધતી જાય. ‘કહાની મેં ટ્વીસ્ટ’ ક્યારેક અકળાવનારી હોય તો ક્યારેક આનંદ આપનારી પણ હોય. જીવન પણ એક તખ્તો જ છે. અહીં પણ વિવિધ ખેલ ભજવાય અને જીવનકથામાં ધાર્યો – અણધાર્યો પલટો આવતો રહે છે. ‘આર્ય નૈતિક નાટક કંપની’ના માલિક નકુભાઈ શાહના પુત્ર નંદલાલ શાહને રંગભૂમિ માટે લાગણી જાગી અને કંપનીની ટિકિટબારી પર બેસી તેમણે શરૂઆત કરી. કંપનીમાં એક નાટક લખવામાં બે – ત્રણ તો ક્યારેક ચાર લેખકની મદદ લેવામાં આવતી હતી. ટિકિટ ફાડતા હાથને એક દિવસ કલમ ચલાવવાનો મોકો મળ્યો. ‘ન્યાયનાં વેર’ નાટકમાં બે પ્રવેશ લખવાની તક મળ્યા બાદ નંદલાલ ભાઈએ પહેલું સ્વતંત્ર નાટક ‘ભાવના બી.એ’ લખ્યું. બદલાયેલા વાતાવરણમાં તેમણે ગામડાઓમાં નાટકની ભજવણી શરૂ કરી. અન્ય કંપનીના નાટકો પરવાનગી લઈ ભજવ્યા પણ પ્રેક્ષકોનો પ્રતિસાદ ન મળતા કંપની બંધ કરવી પડી. ત્યારબાદ ‘શ્રી દેશી નાટક સમાજ’એ નંદલાલ ભાઈનું ‘પૈસો બોલે છે’ રજૂ કર્યું. નાટ્ય રસિકોએ વધાવી લીધું અને એના ૫૧૪ પ્રયોગ થયા. ત્રણ મહિના પહેલા બુકિંગ થઈ જતું અને રવિવારે બે ખેલ કરવા પડતા એવું કહેવાતું હતું. ‘પૈસો બોલે છે’ નાટક પરથી નંદલાલ ભાઈએ ફિલ્મ પણ બનાવી હતી. ટૂંકમાં કંપની બંધ કરવી પડતા પૈસા આવતા બંધ થયા અને પછી ‘પૈસો બોલે છે’ને કારણે પૈસો બોલવા લાગ્યો, પ્રસિદ્ધિ મળવા લાગી. (સંકલિત)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button