કાળા ડિબાંગ અંધકારમાં એક જ્યોત ટમટમી

સ્પોટ લાઈટ – મહેશ્વરી
નાટકના પાત્રથી સર્જાતી કલાકારની ઈમેજ અને એ જ કલાકારના અંગત જીવનની ઈમેજમાં ક્યારેક આસમાન – પાતાળ જેવો ફરક હોય છે. હું, મહેશ્વરી, સ્ટેજ પર એન્ટ્રી લઈ મોટા ઘરની વહુ'નો રોલ ગર્વભેર ભજવતી હતી પણ એ જ મહેશ્વરી તખ્તા પરથી એક્ઝિટ લેતી ત્યારે
ખોટા વરની વહુ’ બની જતી. જીવનના આ વિરોધાભાસ વચ્ચે હું વર્ષો સુધી ફંગોળાતી રહી, પણ રંગદેવતાની મારા પર અસીમ કૃપા રહી કે ક્યારેય ન ગબડી પડી કે ન લથડી પડી. નાટ્યકૃતિનાં પાત્રોના નિર્ધારિત વળાંકો જે કુશળતાથી રંગમંચના તખ્તા પર ભજવી પ્રેક્ષકોને આનંદ અને વિસ્મય પમાડ્યા એ જ કુશળતાથી (અલબત્ત જાણબહાર) અંગત જીવનના અણધાર્યા વળાંકો સહજભાવે સ્વીકારી એમાંથી સાંગોપાંગ બહાર નીકળી આગળ વધતી રહી છું.
જોકે, અંગત જીવનના વળાંકોમાં ટકી રહેવું બહુ મુશ્કેલ હોય છે. તું અમારા માટે મરી ગઈ છો' એવા પપ્પાના વેણ,
મહેશ્વરીએ જ પપ્પાની હત્યા કરી છે’ એવો માનો વજ્રઘાત જેવો આરોપ અને માસ્તર પતિના અત્યાચાર અવિરત સહન કરી એને પચાવી જતી મહેશ્વરીના એટલે કે મારા જીવનમાં લેખક જેમ પાત્ર પાસે બળવો કરાવે એ પ્રકારની ક્ષણ આવી. બસ, હવે બહુ સહન કર્યું' જેવી લાગણી કદાચ મારામાં જન્મી હશે અને એક દિવસ ભર્યા બપોરે બેગમાં થોડા કપડાં ભરી મેં ચાલતી પકડી. ભર બપોરે ભાર્યા ઉતાવળમાં જ્યારે પાણી ભરવા ઉઘાડે પગે નીકળતી હોય ત્યારે એનો કંથ એને લહેકામાં કહેતો હોય કે
ગોરી, ઉઘાડા પગે તમે ન નીકળો, પગ તમારા દાઝશે.’ અહીં તો હું આખેઆખી દાઝી ગઈ હતી અને એ અવસ્થામાં મારા પતિ માસ્તર મને હાંકી કાઢવાની પેરવી કરી રહ્યા હતા. રંગમંચ પર ભજવાતા નાટકનાં સત્યો અને જીવન રંગમંચનાં સત્યોમાં ક્યારેક ગજબનાક વિરોધાભાસ હોય છે.
ડીસામાં પરણ્યા એટલે પ્યારા લાડી' નાટકને ખૂબ જ સારો આવકાર મળ્યો હતો. પ્રેક્ષકોએ વેરેલા પ્રશંસાના પુષ્પોથી અભિનેત્રી મહેશ્વરીનું ઉદ્યાન મઘમઘી રહ્યું હતું, પણ વ્યક્તિ મહેશ્વરીનું જીવન તો
ભાગ્યા લાડી’ જેવી મનોદશામાં વીંટળાઈ ગયું હતું. બેગ પકડી હું તો નીકળી પડી. બસ પકડી અમદાવાદ પહોંચી અને ત્યાંથી ટે્રન પકડી મુંબઈ તરફ જવા નીકળી. મા પાસે જવા. ગુજરાતથી મુંબઈ આવતી કોઈ પણ ટે્રન ક્યારેય દહિસર નથી ઊભી રહેતી, પણ એ દિવસે ઈશ્વર જાણે કે બનતી ત્વરાએ મને ઘરે પહોંચાડવા માગતો હોય એમ મારી ટે્રન કોઈ કારણસર દહિસર સ્ટેશન પર ઊભી રહી અને હું ઊતરી ગઈ. મા પાસે જલદી પહોંચવા મારા પગ ઝડપથી ઊપડી રહ્યા હતા, પણ એનાથી બમણા વેગે હૈયામાં ફફડાટ થઈ રહ્યો હતો. મા ઘરમાં આવવા દેશે? મને ભેગી રાખશે કે પછી દરવાજા પરથી જ કાઢી મૂકશે જેવા સવાલો દિમાગમાં દોડવા લાગ્યા હતા. લગ્ન પછી ઘરે પહોંચેલી દીકરી ઘરની ડોરબેલ પર આંગળી મૂકે પછી જ્યાં સુધી દરવાજો ખૂલે નહીં, બેલ પરથી આંગળી હટે નહીં. અહીં તો બેલ દબાવતા પહેલા જ માત્ર મારી આંગળી જ નહીં, મારો હાથ ધ્રુજી રહ્યો હતો. હિંમત ભેગી કરી બેલ તો દબાવી અને હવે શું થશે એની વિમાસણ સાથે ઊભી રહી. નાટકમાં કોઈ પણ અંક શરૂ થતા પડદો ખૂલે ત્યારે કલાકાર જાણતો હોય છે કે એ કયું દ્રશ્ય ભજવવાનો છે અને એની સામે રહેલા પાત્ર કે પાત્રોની પ્રતિક્રિયાથી પણ માહિતગાર હોય છે. જીવનનાટ્યમાં તમારી સ્થિતિ અનુસાર આસપાસની પરિસ્થિતિ – વાતાવરણમાં પલટો આવતો હોય છે. સગી માના વર્તન વિશે હું સાશંક હતી એ માટે એ સમયની મારી અવસ્થા જવાબદાર હતી. માએ દરવાજો ખોલ્યો ત્યારે એની આંખોમાં આ અત્યારે અહીં?' એવો સવાલ હું સ્પષ્ટ વાંચી શકતી હતી, પણ જીવનમાં ઘણી વાર માણસને વાસ્તવિકતાથી ભાગવાનું મન થતું હોય છે. માએ ઘરમાં આવતા કંઈ રોકી નહીં, પણ એના ચહેરા પર ભારોભાર મારા માટેની રીસ - નારાજગી ડોકિયાં કરી રહ્યા હતા. મારો નખાઈ ગયેલો ચહેરો એના ધ્યાનમાં આવ્યો હશે એટલે
અહીં શું કામ આવી છો?’ એટલું તો મને પૂછ્યું ખં. આ રીતે પિયર આવેલી દીકરી સામાન્ય સંજોગોમાં માને વળગીને હિબકે હિબકે રડી પડે, પણ હું થોડી ઢીલી જરૂર પડી હતી, પણ મને રડવું નહોતું આવી રહ્યું. મારા જીવનમાં દન હવે પાત્રોચિત અભિનય પૂરતું જાણે કે સીમિત રહ્યું હતું. મેં કહ્યું કે હું માસ્તરને છોડીને આવી છું એમ કહી માને બધી વાત સવિસ્તાર જણાવી મારા વિશે ઊભી થયેલી ગેરસમજણ દૂર કરવાનો પ્રયાસ કર્યો.
પૂર્ણ હકીકત સાંભળ્યા પછી મા કંઈ બોલી નહીં, પણ એને મારી વીતકકથા પર ભરોસો બેઠો હોય એવું મને લાગ્યું. ઘરમાં હું ગોઠવાઈ તો ગઈ, ઓટલાનો અને રોટલાનો બંદોબસ્ત થઈ ગયો, પણ મારે હાથ જોડીને બેઠા નહોતું રહેવું. બે હાથ પ્રભુ સમક્ષ જોડ્યા, પણ મને કામ મળી રહે એ માગણી માટે. જોકે, નાટકની સિઝન તો શરૂ થઈ ગઈ હતી એટલે લગભગ બધી કંપનીઓમાં આર્ટિસ્ટોની પસંદગી થઈ ગઈ હતી. શું કરવું એની ગડ નહોતી પડતી ત્યાં ખબર પડી કે ધીરજ પેન્ટરના મેનેજર સોમાભાઈ મહેસાણા જિલ્લાના ખેરાળુ ગામમાં છબીલદાસ નાયક અને ચંદુલાલ નાયકએ શરૂ કરેલી નાટક કંપની સાથે જોડાયા હતા. ઘોર અંધકારમાં એક જ્યોત ટમટમતી દેખાઈ. સોમાભાઈને હું ભાઈ માનતી હતી અને તેમને પણ મારા માટે હેત હતું. માની સાથે હું પહોંચી ખેરાળુ અને સોમાભાઈને અથથી ઈતિ આખી વાત જણાવી અને કામ માગવા આવી છું એમ ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું. મારી આપવીતી સાંભળી ગમગીન થઈ ગયા અને મને એટલું જ કહ્યું કે `જો બહેન. હમણાં તો બધું નક્કી થઈ ગયું છે, પણ તું અહીં થોડા દિવસ રહે પછી આપણે જોઈશું કે તને કામ કેવી રીતે મળે?’ સોમાભાઈની હૈયાધારણથી મારામાં હિંમત આવી. ગજબની સાંત્વના મળી.
આજે નહીં તો આવતી કાલે કોઈ કામ મળશે એ આશા સાથે હું કંપનીમાં રહેવા લાગી. આમને આમ એક મહિનો વીતી ગયો અને હું ખેરાળુમાં છું એવી જાણ થતા અચાનક એક દિવસ માસ્તર ડીસાથી બંને દીકરીઓને લઈને આવી પહોંચ્યા. એ જ દિવસે સવારમાં ઝાડ પર જોયેલો સરડો મને યાદ આવી ગયો.
સ્ત્રી સાથે આવનારા પુરુષને જ પ્રવેશ
સિદ્ધહસ્ત નાટ્યલેખક મૂળશંકર મુલાણીના સમયમાં ઐતિહાસિક અને પૌરાણિક નાટકો માટે પ્રેક્ષકોને કૂણી લાગણી હતી. નાટ્ય રસિકો એ તરફ વધુ ઢળેલા હતા. સામાજિક નાટકો ભાગ્યે જ લખાતાં – ભજવાતાં. લોકચિ નજર સમક્ષ રાખી મૂળશંકર મુલાણીએ ઐતિહાસિક કથાને પ્રાધાન્ય આપી ગુજરાતી નાટક મંડળી માટે રાજબીજ' નામનું નાટક રજૂ કર્યું. રાજ અને બીજ નામના બે રાજકુંવર ભાઈઓ અને આકરા સ્વભાવની સાવકી માની વાત કથાનો મહત્ત્વનો હિસ્સો હોવાની નોંધ છે. આ નાટકનું દિગ્દર્શન શ્રી દયાશંકર વસનજીએ કર્યું હતું. 21 ફેબ્રુઆરી, 1891ના દિવસે લેખકના પ્રથમ સ્વતંત્ર નાટક
રાજબીજ’નો પ્રથમ શો થયો. પ્રેક્ષકોમાં નાટકનું આકર્ષણ વધે એ માટે નાટક મંડળીએ પ્રત્યેક અંગ્રેજી મહિનાની છેલ્લી તારીખે `સ્ત્રીઓ માટે ખાસ ખેલ’ની પ્રથા શરૂ કરી હતી. એમાં એક શરત હતી કે સ્ત્રીઓ સાથે આવનારા પુષોને જ એ દિવસે પ્રવેશ આપવામાં આવતો હતો. મૂળ નોંધમાં ઉલ્લેખ નથી પણ સ્ત્રી – પુષ એટલે પતિ – પત્ની એવું હોવું જોઈએ. મતલબ કે મહિનાનો એક દિવસ એવો હતો જ્યારે પતિને એકલા નાટક જોવાની છૂટ નહોતી. માર્કેટિગનો આ કીમિયો નાટકને સારી સફળતા અપાવવામાં નિમિત્ત બન્યો. (સંકલિત)