ઉત્સવ

લોકશાહીમાં આધ્યાત્મિકતા?: કહેના ક્યા ચાહતે હો?

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

આપણા દેશમાં એવું છે ને કે જે કોઇ વિચાર કરી શકે એ બધાં જ વિચારક! આમ તો આપણા દેશમાં લોકો ઝાઝું વિચારતા નથી હોતા, પણ જે વિચારે છે એ લોકો ખાલી વિચારવામાં જ વ્યસ્ત રહે છે. જ્યારથી કોઇએ કહી દીધું કે ભારત, વિચારશીલ લોકોનો દેશ છે ને આપણે વિચાર્યા વિના જ એ વાત સ્વીકારી લીધી કારણ કે એક સમયે રાજાઓના રાજમાં, નવરા બેઠાં વિચારકો જ રાજાઓ વિશે વિચારતા. વળી, રાજાઓ વિચાર્યા વગર કામ કરતા. જ્યારે એમની ઈચ્છા થઈ ત્યારે તેઓ યુદ્ધ કરવા નીકળી પડતા અને જ્યારે ઈચ્છા થઈ ત્યારે શૃંગારરસની મજા લેવામાં મગ્ન થઈ જતાં. એટલે વિચારકોમાં જે સૌથી બુદ્ધિશાળી ને વ્યવહારુ હોય એ રાજાનો મંત્રી બની બેસતો. બસ પછી મામલો ખતમ! પછી વિચારવાનું કામ એનું. રાજાને કંઈપણ પૂછવું હોય તો મંત્રીને પૂછી લે. પછી ભલે ને લાડવામાં ખાંડ નાખવી કે ગોળ જેવો સવાલ હોય કે પછી પાડોશી રાજ્ય પર હુમલો કરવાની વાત હોય!

આવા મંત્રીઓની સલાહને જ કારણે એક પછી એક રાજા-રજવાડા ડૂબતાં ગયા અને એક દિવસ એવો આવ્યો કે પછી દેશમાં માત્ર મંત્રીઓ જ મંત્રીઓ રહી ગયા અને હવે એમને પૂછનાર કોઈ નહોતું. મંત્રીઓ લોકશાહીની વ્યાખ્યા બની ગયા. મંત્રીઓ માત્ર દેશ કે રાજ્યોનાં જ હોય છે એવું નથી, સરકારી ખાતામાં પણ મંત્રીઓ હોય છે. એ સરકારી ખાતાનાં મંત્રીને સલાહ આપનારા પાછા સરકારી અધિકારી હોય. એટલે કે મંત્રીના મંત્રી, અધિકારી બની ગયા. હવે હાલત એ છે કે અધિકારીઓ. મંત્રીઓને ડૂબાડવા લાગ્યા અને મંત્રીઓ, દેશને!

ખેર, વિચારવાવાળા વિચાર કરીએ રાખે છે ને ચિંતન કરવાવાળા ચિંતા કર્યે રાખે છે. આજકાલ વિચાર કરવાવાળા લોકો, લોકશાહી વિશે વિચારે છે. આપણે ત્યાં વાણી સ્વતંત્રતા ઓછી છે, પણ વિચારવાની સ્વતંત્રતા પૂરેપૂરી છે. તમે મંત્રી પર વિચાર કરી શકો છો, તમે મુખ્યમંત્રી પર વિચાર કરી શકો છો અને તમે પ્રધાનમંત્રી પર પણ વિચારી શકો છો. અરે તમે સમગ્ર લોકશાહી પર વિચાર કરી શકો છો. જેમ કે તાજેતરમાં મારા શહેરના એક ચિંતકે વિચાર્યું અને કહ્યું કે – ‘જ્યાં સુધી આપણાં દેશમાં આધ્યાત્મિકતા ટકી રહેશે ત્યાં સુધી લોકશાહી ટકી રહેશે એમાં કોઈ શંકા નથી.’

હવે હું એ શોધી રહ્યો છું કે પેલી આધ્યાત્મિકતા ખુદ શેના પર ટકી છે? એટલે નહીં નહીં કે હું એ આધ્યાત્મિકતા પર સવાલ ઉઠાવવાનો કે એને જડમૂળથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છું, પણ એટલું જાણવું તો જરૂરી છે કે જ્યારે બધું જ ઉખડી રહ્યું છે, ત્યારે કોણ શું, કેવી રીતે ટકી રહ્યું છે? શું એ એની મેળે ટકી રહ્યું છે કે એને ટકાવી રાખવામાં કોઈનો સ્વાર્થ છે? આધ્યાત્મિક ભારતમાં આધ્યાત્મિકતા હવે ક્યાં છે? એ જાણકારી મેળવવી એટલી જ મુશ્કેલ છે જેટલું શરીર નામની જગ્યામાં આત્માને શોધવો અથવા બ્રહ્માંડમાં બ્રહ્મ તત્ત્વને!

હવે આમાં બીજી સમસ્યા છે આધ્યાત્મનો લોકશાહી સાથેનો સંબંધ શું છે એ પાછો શોધવાનો! અગાઉ જ્યારે જ્યારે આ દેશમાં આધ્યાત્મિકતા વિશે કાંઇ પણ વાતો થતી ત્યારે આ દેશમાં લોકશાહી નહોતી. હવે લોકશાહી આવી ગઈ છે ત્યારે કોઈની પાસે આધ્યાત્મિકતા વિશે વિચારવાનો સમય નથી. આવી સ્થિતિમાં ‘આધ્યાત્મ અને લોકશાહી’ વચ્ચેના સંબંધની તપાસ કરવી એ માથાના દુ:ખાવા જેવું છે.

વળી આપણે રહ્યા વિચારક લોકો. વિચાર્યા વગર તો કશું માનીશું જ નહીં. ને એવામાં કોઈ ભાઈએ કહ્યું કે આપણી લોકશાહી, આધ્યાત્મિકતા પર ટકી છે, ત્યારે આપણી ફરજ બની જાય છે કે એના શબ્દોને એવી રીતે કાપીએ કે માડીએ જે તેથી ભવિષ્યમાં એ આવું બધું વિચારવાનું ભૂલી જાય.

તો મંત્રીની આગળ એક મંત્રી અને મંત્રીની પાછળ બે મંત્રી છે. આગળ મંત્રી, પાછળ મંત્રી, મંત્રીની ઉપર મંત્રી, મંત્રીની સાથે મંત્રી, વાળા આ દેશમાં લોકશાહીનો મૂળ મંત્ર આધ્યાત્મિકતા છે. મારા શહેરના પેલા ચિંતકે કહ્યું કે આધ્યાત્મિકતાથી ચારિત્ર્યનું ઘડતર થાય છે અને જ્યાં સુધી ચારિત્ર મજબૂત છે ત્યાં સુધી લોકશાહીના બધાં પડકારોનો સામનો કરવો શક્ય છે. આ સાંભળીને પહેલા તો મને શંકા થઈ કે શું મજબૂત વિચારો અને ગુણોવાળો વ્યક્તિ સારો ચારિત્ર્યવાન હોવાનો દાવો નથી કરતો અને શું એનો ઈરાદો આ સંદર્ભમાં ચૂંટણીમાં ઊભા રહેવાનો તો નથી ને? પણ ચૂંટણી તો પૂરી થઈ ગઈ એટલે આપણી શંકાઓને તપાસવાનો સમય જતો રહ્યો. એટલે સલામતી એમાં જ છે કે આપણે વિષય પર રહીએ. એક નમ્ર ચિંતકનું વલણ અપનાવતા મારો મહાન મત એ છે કે ગાંધીજી સાથે જ એ યુગનો અંત આવ્યો જ્યારે આધ્યાત્મિકતા સાથે રાજકારણ જોડાયેલું રહેતું હતું. લોકશાહી પાછળથી આવ્યું અને એ એના પ્રકારનું રાજકારણ લાવ્યું.

જેમનામાં થોડી આધ્યાત્મિકતા જોવા મળતી હતી પાર્ટીઓએ એવા લોકોને સ્ટેજ પરથી હટાવવાનું શરૂ કર્યું. ટિકિટ મેળવવી છે, ચૂંટણી જીતવી છે, મંત્રી બનવું છે તો પછી પોતાના માટે અને પોતાના લોકો માટે જે કરી શકાય તે કરવું પડશે. જે કંઈ આધ્યાત્મિકતા છે, તે ફક્ત આટલી જ છે.

લોકશાહીમાં નેતાઓને આધ્યાત્મિકતામાં રસ ફક્ત અંગત કારણોસર જ હોય છે. નેતાઓને એમનો ફાયદો મેળવવાના પ્રયાસમાં જો દેશને પણ સાથે સાથે થોડો ફાયદો થાય તો એમને એનાથી કાંઇ વાંધો નથી. રાષ્ટ્રના હિતમાં કોઈ બિલ્ડિંગનું નિર્માણ થતું હોય અને કોઈ નેતા કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ કે કમિશન લે, એટલો સ્વાર્થ કોઈ પણ દેશમાં જોવા મળે છે. પણ આજે ભારત એટલી ઊંચાઈ પર છે કે લાંચ કે કમિશન લેવું છે, એટલા માટે એક ગેરકાયદેસર બિલ્ડિંગના બાંધકામ પર ભાર મૂકી અને એને ઊભી કરવામાં આવે છે. અંગત લાભો વહેંચાય ગયા પછી બિલ્ડિંગના સાચા ઉપયોગની કોઈને પડી નથી હોતી. એના બદલે હવે તેઓ નવા બિલ્ડિંગ વિશે વિચારે છે અને એના બાંધકામના મહત્ત્વ પર ભાર મૂકવાનું શરૂ કરે છે. કર્મના નામે આપણે ત્યાં આટલું જ આધ્યાત્મ બચ્યું છે. લોકશાહી દેશની આત્મા હોય કે ન હોય, નેતા તો ચોક્કસ ભગવાન છે. આત્માએ પરમાત્મા સાથે જોડાવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આત્મા અમર છે, પણ ભગવાન એના કરતાં અમર છે અને આત્માએ આખરે તો ભગવાનને જ મળવાનું છે.

મારા શહેરના ચિંતકો કહે છે કે આધ્યાત્મિકતા ચારિત્ર્ય ઘડે છે. ધારો કે માની લઈએ કે ચારિત્ર્ય ઘડાય છે! પણ જ્યારે રાજકીય પક્ષો ચૂંટણીના ઉમેદવારોને ટિકિટ આપે છે ત્યારે તેઓ ચરિત્ર અને એની પાછળના આધ્યાત્મનો વિચાર નથી કરતાં. તેઓ ઉમેદવારની જ્ઞાતિ, વર્ગ વગેરે જુએ છે, ચૂંટણીમાં પૈસા ખર્ચવાની એની ક્ષમતા જુએ છે, શહેરના ગુંડાઓ કે પોતે ગુંડાગીરી કરી શકે કે નહીં એની ખાતરી કરી લે છે. રાજકારણમાં એ કયા જૂથની વ્યક્તિ છે એની જાણકારી મેળવે છે. આ માપદંડ પર એની તપાસ કર્યા પછી જે વ્યક્તિ યોગ્ય હોય એને ટિકિટ આપે છે. આ આખી પ્રક્રિયામાં ચારિત્ર આડે આવતું નથી.

નેતાગીરી એ પોતાનામાં ચારિત્ર્ય છે. આ દિવસોમાં ચારિત્ર્યહીન નેતાગીરીને વધુ અગ્રણી બનાવે છે. મારા શહેરના વિચારક મહોદય કૃપા કરીને હજી થોડો વધુ વિચાર કરો. ચારિત્ર્યવાન વ્યક્તિ આ દેશની લોકશાહીમાં મતદાતાથી વધુ કંઈ નથી અને નેતાને શંકા છે કે તે યોગ્ય જગ્યાએ મતદાન નહીં કરે. એની નજરમાં એક ચારિત્ર્યવાળો મતદાર પક્ષનો અને અંગત રીતે એનો દુશ્મન હોય શકે.
આખરમાં આધ્યાત્મિક અથવા અન્ય કોઈ સંદર્ભમાં આ ચારિત્ર્ય હોય છે શું? જો તમે કોઈને પૂછશો તો એ કદાચ સત્યના અને ન્યાયના પ્રત્યે વ્યક્તિની દ્રઢતા, માનવતા, સમાજની સેવા, આત્માની શુદ્ધતા જેવી વાતો કરશે. આમાંથી એક વાત બતાવો કે જે પક્ષમાં અને લોકશાહીમાં જરૂરી છે. ચારિત્ર્યની જરૂર શ્રેષ્ઠ મૂલ્યોના નિર્વાહ માટે હોય છે. જ્યારે મૂલ્યો નથી બચ્યા તો પછી ચારિત્ર્યનું શું અથાણું બનાવશો? આજના રાજકારણમાં ચારિત્ર્યવાન માણસ ખતરનાક ગણાય છે. ડાકુઓ માટે ખુલ્લી જેલ છે, કારણ કે એમના પર વિશ્ર્વાસ કરી શકાય છે. ચારિત્ર્યવાળા લોકોને બંધ જેલમાં રાખવામાં આવે છે. એના પર શંકા રહે છે કે એ દીવાલ કૂદીને ભાગી જશે.

એટલે જેની પાસે ચારિત્ર્ય છે એને પકડી રાખો. એને પોતાનામાં જ સમાવી લો. નકામી વાતોમાં કંઈ રાખ્યું નથી. વિચારકો તો વિચારતા રહે છે.

એ બિચારાઓ વિચારતા રહેવા સિવાય કરી પણ શું શકે? બુદ્ધિના ચણા ગમે એટલા લોખંડના હોય, એ નરકને તોડી શકતા નથી. વિચારકોની ધૂંધળી ભૂમિકા ઊલટાની ‘આવ્યા છો તો નાખો વખારમાં’ જેવી વાહિયાત હોય છે. ચારિત્ર્ય કસ્તુરી છે. જેની પાસે ચારિત્ર્ય છે તેણે એ ન ભૂલવું જોઈએ કે તે શિકારીઓથી ભરેલા જંગલમાં એક હરણ છે. માત્ર હરણ. ફિલ્મના વિષય સિવાય આ દેશમાં ગાંધીનો શું ઉપયોગ? ચારિત્ર્ય! હ્…!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત