વિશેષ પ્લસ : મનનો અરીસો છે આપણી આંખ

-રશ્મિ શુકલ
આપણી આંખો ન માત્ર આપણને વિશ્ર્વ સાથે પરિચય કરાવે છે, પરંતુ તે આપણા દિમાગનો અરીસો પણ છે. આજે તમને જણાવીશું કે આપણી આંખની કીકીની સાઈઝ દર્શાવે છે કે કેટલી યાદોનો ખજાનો છુપાયેલો છે અને આપણે ઊંઘતા હોઈએ ત્યારે પણ એ પ્રક્રિયા ચાલતી રહે છે. એ વિશે તાજેતરમાં જ શોધ થઈ છે. વૈજ્ઞાનિકોએ આંખની કીકીના કદ અને જૂની-નવી યાદોને બ્રેઇન કઈ રીતે બેલેન્સ કરે છે એની શોધ કરી છે.
આંખની કીકી અને મગજ વચ્ચે શું સંબંધ છે?
શું તમે ક્યારે પણ એ વાત નોંધી છે કે વિવિધ લાગણીઓ વ્યક્ત કરતી વખતે આંખની કીકીની સાઈઝમાં પરિવર્તન આવે છે. સામાન્ય સ્થિતિમાં વ્યક્તિ જ્યારે ઊંઘતી હોય ત્યારે કીકીનું કદ બદલાય છે. એ દેખાડે છે કે તમારું દિમાગ યાદોની પ્રક્રિયા કઈ રીતે કરી રહ્યું છે. તમે ઊંઘતા હોવ ત્યારે કીકી નાની અને મોટી થાય છે, જે તમારા દિમાગનું પ્રતિબિંબ તમારા અગાઉના અનુભવ પ્રમાણે થાય છે.
ન્યૂરોસાઇન્ટિસ્ટ મુજબ જૂની યાદોનું સ્થાન નવી યાદો લે છે. તમારું મન
ભૂતકાળ અને વર્તમાન વચ્ચે કેવી રીતે સુમેળ સાધે છે એનાં પર કીકી બારીકાઈથી નજર રાખે છે.
શું છે REM- નોન REM?
આપણે જ્યારે ઊંઘતા હોઈએ ત્યારે આપણેે બે તબક્કામાંથી પસાર થઈએ છીએ. એમાં એક છે REM એટલે રેપિડ આઈ મૂવમેન્ટ એટલે ઝડપી આંખની ગતિ. બીજું છે નોન છઊખ એટલે આંખની ગતિ ઝડપી ન હોવી. શારીરિક પુન: સ્થાપના અને યાદશક્તિ એકત્રીકરણમાં એ અલગ ભૂમિકા ભજવે છે.
નોન REM સ્લીપ પહેલા તબક્કામાં આવે છે અને એનાં ત્રણ સ્ટેજ હોય છે. એ સ્ટેજમાં શરીરના ટિશ્યૂઝ રિપેર થાય છે, મજબૂતી આપે છે અને ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોન્ગ બનાવે છે. નોન REM સ્લીપનો ધ્યેય હોય છે કે આપણી જૂની યાદોને જાળવી રાખવાનો. નોન REM સ્લીપની શરૂઆત ખરા અર્થમાં ત્યારે થાય છે જ્યારે યાદોનો ખજાનાનું એકત્રીકરણ થાય છે. એ ક્ષણ ખૂબ જ નાની એટલે કે 100 મિલિસેક્ધડ જેટલી હોય છે, પરંતુ નવી યાદોને ગોઠવવામાં અને જૂની યાદોને સંગ્રહ કરીને રાખવામાં ખૂબ અગત્યની હોય છે. આ અવસ્થા એ વાતની પણ ખાતરી લે છે કે નવી યાદો ભલે બને એની સાથે નવી યાદોને સંભાળીને રાખવાની કામગીરી પણ એ બખૂબી ભજવે છે.
તો બીજી, તરફ REM સ્લીપ સપનાની દુનિયામાં લઈ જાય છે. એ દરમ્યાન રેપિડ આઈ મૂવમેન્ટ થાય, બ્રેઈનની સક્રિયતા વધે. આ સ્ટેજ ભાવનાત્મક નિયમન અને સર્જનાત્મક સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ કરે છે. સ્લીપ દરમિયાન મગજ માહિતીનું સંશ્ર્લેષણ કરે છે. જૂના અનુભવોને નવી આંતરદૃષ્ટિ સાથે જોડે છે. 2018માં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, REM સ્લીપ જટિલ કુશળતા શીખવા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે.
હેલ્ધી નિંદર મળે એ માટે આ બન્ને તબક્કા અગત્યના છે. REM સ્લીપ ભાવનાત્મક અને જ્ઞાનાત્મક અનુભવો ઉમેરે છે. તો બીજી તરફ નોન REM સ્લીપ મેમરી સ્ટોરેજ અને પુન:સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આંખની કીકીની વધ-ઘટ પાછળનું વિજ્ઞાન શું કહે છે?
આ વાતને ઊંડાણપૂર્વક સમજવા માટે રિસચર્સે ઉંદરોના દિમાગની પ્રવૃત્તિને અને તેમની કીકીને સમજવા પર અભ્યાસ કર્યો. ઉંદરોને પોતાના ખોરાક અને પાણીની શોધ કરવાની પ્રવૃત્તિ શીખવાડવામાં આવી હતી. તેમને નવા ટાસ્ક શીખવવામાં આવ્યા.
ઊંઘતી વખતે તેમની કીકીની સાઈઝ પ્રતિબિંબ કરે છે કે દિમાગ નવી કે પછી જૂની યાદોને પ્રોસેસ કરી રહ્યું છે.
એ વખતે જ્યારે રિસર્ચર્સે ઉંદરોની ઊંઘને ખલેલ પહોંચાડી તો તેમની કીકી યાદોને ફરીથી યાદ કરવા માંડે છે. એ કીકી અને યાદોના પ્રકારની વચ્ચેનો સંબંધ દેખાડે છે.
સપના અને પ્રતિક્રિયાઓ: મેમરી વિશે કીકી શું જણાવે છે?
સપનાઓ ભૂતકાળ અને વર્તમાનનું મિશ્રણ છે. તમારું દિમાગ જ્યારે જૂની યાદો વાગોળવા માંડે છે, ત્યારે તમને ભૂતકાળની ઘટનાઓનાં સપનાં આવે છે. ઠીક એ રીતે જ્યારે નવી યાદોને એકત્રિત કરવામાં આવે છે ત્યારે સપનાઓ વર્તમાનની ઘટનાઓને તાજી કરે છે. આવી રીતે કામ કરવાની બ્રેનની રીત હોય છે. એ યાદોને વ્યવસ્થિત ગોઠવે છે, સવારે સ્પષ્ટ દૃષ્ટિકોણ સાથે જગાડે છે કે શું યાદ રાખવા જેવું છે.
આપણ વાંચો: આકાશ મારી પાંખમાં : મેં મારા પતિને મારી નજર સામે ગોળીથી વિંધાતા અને છેલ્લો શ્વાસ લેતા જોયો છે