વિશેષ પ્લસ: સેલ્ફ હેલ્પ દ્વારા મેન્ટલ હેલ્થના ચક્રમાંથી મેળવો મુક્તિ…

-રેખા દેશરાજ
વાત એવી છે કે તમે કદાચ જાણતા હશો, પણ અત્યારે તમારા ધ્યાનમાં નહીં હોય. જોકે, તમારા નહીં જાણવાથી એ હકીકત નહીં બદલાઈ જાય કે 15થી 35 વર્ષનો ભારતીય યુવા વર્ગ દુનિયામાં સૌથી વધુ માનસિક પરેશાનીઓનો શિકાર છે. 2020ના લાસેન્ટ સાઇક્રેટિક રિપોર્ટ અનુસાર 20 કરોડ ભારતીય યુવાનો માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પરેશાન છે. આ આંકડો દેશની જનસંખ્યાના 15 ટકા હતો. 15થી 34 વર્ષના ભારતીય યુવા વર્ગમાં હતાશા, ચિંતા અને આત્મહત્યાના વિચારો જેવી ગંભીર સમસ્યાઓ જોવા મળી હતી. 2021માં પ્રસિદ્ધ થયેલા યુનિસેફના ‘સ્ટેટ ઓફ વર્લ્ડ ચિલ્ડ્રન’ રિપોર્ટ અનુસાર ભારતમાં 15થી 24 વર્ષના ભારતીય યુવા વર્ગના 10માંથી સાત જણ ક્યારેક તો ડિપ્રેશન- હતાશાનો ભોગ બને છે અને એમાંથી 14થી 15 ટકા યુવાવર્ગ નિયમિતપણે મેન્ટલ હેલ્થ સ્ટ્રગલનો સામનો કરી રહ્યા છે.
એકંદરે જોવા જઈએ તો 18થી 30 વર્ષના ભારતીય યુવા વર્ગમાં આત્મહત્યાના કેસ સૌથી વધારે છે. જોકે, ટકાવારીના હિસાબે અમેરિકા અને બ્રિટનના યુવાન ભારતીયોમાં ઘણી વધુ માત્રામાં આત્મહત્યા કે આત્મહત્યાની કોશિશ થાય છે. પણ, સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં લગભગ 37 કરોડ યુવાનો કોઈને કોઈ સ્વરૂપમાં આત્મહત્યાની સમસ્યાનો સામનો કરતા હોય છે. હકીકત એ છે કે ભારતમાં મેન્ટલ હેલ્થ – માનસિક આરોગ્ય બહુ મોટી સમસ્યા છે. અલબત્ત આ સમસ્યા મેન્ટલ હેલ્થ પ્રત્યે સજાગ રહી પૂરી નહીં થાય. કારણ કે ભારતમાં મેન્ટલ હેલ્થની સમસ્યા અન્ય વિકરાળ સમસ્યાઓમાંથી નીપજે છે, પણ દેશમાં સાર્વજનિક સ્વાસ્થ્યનો જે ઢાંચો છે એ જોતા દરેક વ્યક્તિને માનસિક સ્વાસ્થ્યની સમસ્યામાંથી મુક્ત થવા માટે જરૂરી સહાય નથી મળતી. ટૂંકમાં ભારતમાં મોટા પાયે યુવાનોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યા જોવા મળે છે. યુવા વર્ગ વધુ ને વધુ સેલ્ફ હેલ્પનો આશરો લે એ જરૂરી છે. આ કેવી રીતે સંભવ છે એની છણાવટ કરતા પહેલા એ જાણી લઈએ કે ભારતમાં મેન્ટલ હેલ્થ આટલી મોટી સમસ્યા શું કામ છે?
માનસિક અસ્વસ્થતાનાં કારણો
દેશમાં 15થી 35 વર્ષના યુવાનોમાં સૌથી મોટી આરોગ્યની સમસ્યા માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે. દેશમાં લગભગ દરેક યુવાન તણાવ અને હતાશાથી પરેશાન છે. એ વાત જુદી છે કે એમની ગણતરી બીમાર લોકોમાં નથી થતી. એનાં એક નહીં અનેક કારણો છે, જેમ કે –
ભારતીય યુવા વર્ગ પરીક્ષા, નોકરીની અસુરક્ષા અને અનિશ્ર્ચિત ભવિષ્યને કારણે કરિયર બનાવવાનું પ્રેશર અનુભવે છે. બીજી તરફ ઓછી તક મળતી હોવાથી અને નોકરી ઈચ્છુક ઉમેદવારોની સંખ્યા ઘણી મોટી હોવાથી ભારતીય યુવા વર્ગને સતત હરીફાઈનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિ જ તણાવ અને હતાશાને જન્મ આપે છે.
સોશિયલ મીડિયાનો પ્રભાવ, ઘર અને પરિવારની સામાજિક અપેક્ષાઓ અને સરખામણી કરવાની ચેષ્ટાને કારણે ભારતીય યુવા વર્ગ મેન્ટલ હેલ્થના દુષ્ચક્રમાં અટવાઈ જાય છે. ભારતીય સમાજમાં સરખામણી થતી હોવાથી યુવા વર્ગ અસુરક્ષિતતાનો સામનો કરે છે. સાથે સાથે યુવાન થતા જ લગ્ન, પૈસા અને સેટલ થવા જેવી સમસ્યાઓ મોઢું ફાડી ઊભી રહે છે. આવા વિષચક્રને કારણે એ લોકો મોજ મસ્તીથી નથી જીવી શકતા અને માનસિક બીમારીઓના સકંજામાં આવી જાય છે.
શારીરિક પ્રવૃત્તિ ઓછી થતી હોવાથી તેમજ મોબાઈલની ઘેલછાને કારણે શહેરમાં વસતા મોટાભાગના યુવાનો અનિદ્રાનો શિકાર બને છે. અનિદ્રાની તકલીફ માનસિક બીમારીને આમંત્રણ આપે છે. ભારતીય યુવાનો દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ઓછી એક્સરસાઇઝ કરે છે અને આપણી ખાણીપીણી આદતો પણ ઘણે અંશે નકારાત્મક છે. તેલયુક્ત અને મેંદાનો ખોરાક વધુ પ્રમાણમાં લેવાતો હોવાથી મેદસ્વિતા આવે છે જે માનસિક પરેશાનીનું કારણ છે.
આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવું આસાન છે. જોકે, એને માટે તમારી પાસે પૈસા હોવા જરૂરી છે અને દેશમાં બધા માટે ઉપલબ્ધ હોય એવી યોગ્ય ચિકિત્સા વ્યવસ્થા અને બધા સારવાર મેળવી શકે એવો ઢાંચો હોવો જરૂરી છે. કોરોનાના સમયમાં જોવા મળ્યું હતું કે ભારતમાં ફક્ત 20 ટકા ઉચ્ચ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જ સહેલાઈથી તબીબી સુવિધાઓ મેળવી શકે છે. એટલે ઓછી આવક ધરાવતા આપણા દેશના યુવાનો માટે આ સમસ્યાનો સામનો કરવા માટે સેલ્ફ હેલ્પની મદદ લેવી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. હવે સવાલ એ છે એના માટે શું કરવું?
સૌથી પહેલા દિનચર્યામાં સુધારો –
દરરોજ ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.
દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ શારીરિક વ્યાયામ અને એટલો જ સમય યોગ, પ્રાણાયામ જેવી સોફ્ટ એક્સરસાઈઝ કરવી જોઈએ.
દરરોજ સમતોલ આહાર લેવો. બહારના તળેલા – શેકેલા પદાર્થો ઓછા આરોગવા.
દરરોજ કમ સે કમ બે કલાક સોશિયલ મીડિયા અને મોબાઈલથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. એનાથી ડિજિટલ ડીટોક્સ સંભવ બનશે. માનસિક રીતે સ્વસ્થ રહેવા આ જરૂરી છે.
લાગણીઓ કાબૂમાં રાખવી અને આવેશમાં ન આવી જવું. વધુ પડતો ગુસ્સો, ભય કે દુ:ખ જેવી લાગણીઓ કોઈ પણ સંજોગોમાં દબાવી ન રાખવા જોઈએ. એને સ્વીકારતા શીખો અને જો લાગણીઓ ઠાલવવા યોગ્ય વ્યક્તિ ન મળે તો જાત સાથે સંવાદ સાધવો જોઈએ.
દરરોજ 5થી 10 મિનિટ ધ્યાનની મુદ્રા અપનાવવી જોઈએ. 5થી 10 મિનિટ ઊંડા અને લાંબા શ્વાસ લેવા જોઈએ.
આ બધા ઉપાયોથી માનસિક સ્વાસ્થ્ય બહેતર બનાવી શકાય છે.
આપણ વાંચો: ડ્રીમ સિનેમાસ્કોપ પ્રકરણ -38