ઉત્સવ

વિશેષ: અંજીરની ખેતી છે ફાયદાકારક

-વીણા ગૌતમ

ઘણા લોકો ગૂલર અને અંજીર વચ્ચે કન્ફ્યુઝ છે. જોકે ગૂલર અને અંજીર બંને એક જ ‘ફિકસ’ પ્રજાતિનાં ફળો છે, પરંતુ આ બંને અલગ ફળો છે. આ બંને એકબીજા સાથે એટલી હદે સમાન છે કે જાણકાર લોકો પણ તેમને એક માની બેસે છે, પરંતુ ગૂલર એ ઉત્તર ભારતમાં જોવા મળતું એક નાનું અને ક્લસ્ટરવાળું ફળનું ઝાડ છે, જેની સામાન્ય રીતે વ્યવસાયી રીતે ખેતી થતી નથી, જ્યારે અંજીર એ ગૂલર જેવું જ નાનું, હલકું, ગોળાકાર ફળ છે, જે ખૂબ જ મીઠું, નરમ અને સ્વાદિષ્ટ હોય છે.
એક તાજા અંજીરમાં લગભગ ૩૦ કેલરી હોય છે, જ્યારે સૂકા અંજીરમાં લગભગ ૪૯ કેલરી હોય છે.

આ સિવાય અંજીરના એક ફળમાં સરેરાશ ૦.૫૭૯ ગ્રામ પ્રોટીન, ૧૨.૪૨ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૨.૩૨ ગ્રામ ફાઈબર, ૦.૨૨૨ ગ્રામ ચરબી, ૦.૪૪૫ ગ્રામ સેચ્યુરેટેડ ફેટ, ૦.૧૦૬ ગ્રામ પોલી અનસેચ્યુરેટેડ ફેટ, ૦.૦૪૯ ગ્રામ મોનો સેચ્યુરેટેડ ફેટ, ૨ મિલિગ્રામ સોડિયમની સાથે ૮૩ ટકા સર્કરા પણ હોય છે,

જે તેને વિશ્વનું સૌથી મીઠું ફળ બનાવે છે. આમ છતાં અન્ય ફળોની સરખામણીમાં તાજા અને મીઠા અંજીરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કદાચ એટલા માટે કે તેમાં પોટેશિયમ પણ સારી માત્રામાં જોવા મળે છે. જે બ્લડ પ્રેશર અને સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

મૂળભૂત રૂપે અંજીર મધ્ય એશિયા અને ભૂમધ્ય પ્રદેશનું વૃક્ષ છે, પરંતુ તે ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં પણ જોવા મળે છે. ભારતમાં, અંજીરની ખેતી મહારાષ્ટ્રના પુણે શહેરની આસપાસ કરવામાં આવે છે, જેને વર્ષ ૨૦૧૬માં જીઆઈ ટેગ મળ્યો છે અને વિશ્ર્વમાં તેની ખૂબ માગ છે.

હાલમાં તેનો રસ પોલૅન્ડ અને તાજા અંજીર હોંગકોંગમાં નિકાસ કરવામાં આવે છે, પરંતુ સમગ્ર વિશ્ર્વમાં તેની માગ છે. સામાન્ય રીતે સિઝનમાં તાજા અંજીર સ્થાનિક બજારમાં રૂા. ૧૦૦થી ૨૫૦ પ્રતિ કિલોના ભાવે મળી રહે છે, પરંતુ જો તે પુણેના અંજીર છે તો તે ઓછામાં ઓછા રૂા. ૩૦૦ પ્રતિ કિલોના ભાવે મળે છે.

જોકે, તાજા અંજીરની કિંમત પાક, મોસમ, ઊપજ અને ગુણવત્તા અને બજારમાં ઉપલબ્ધતાને આધારે નક્કી કરવામાં આવે છે. સૂકા અંજીરની વાત કરીએ તો તે સામાન્ય રીતે ૬૦૦ થી ૧૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. હા, જો વિદેશમાં નિકાસ કરી શકાય એ ગુણવત્તાનાં અંજીર છે તો તેની કિંમત ઓછામાં ઓછી રૂા. ૧૫૦૦ પ્રતિ કિલો છે.
ખેડૂતો માટે અંજીરનાં વૃક્ષો વાવવાં ઘણાં કારણોસર ફાયદાકારક છે. પ્રથમ, અંજીરના ફળની માગ બજારમાં ઉપલબ્ધતા કરતાં વધુ છે. તાજાં અંજીર બજારમાં સરેરાશ રૂા. ૨૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે, જ્યારે સૂકા અંજીરની કિંમત રૂા. ૧૨૦૦થી રૂા. ૧૫૦૦ પ્રતિ કિલો છે અને માત્ર દેશમાં જ નહીં,

પરંતુ દેશની બહાર પણ તેની સારી માગ છે. તેની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક બની શકે છે કારણકે અંજીરનું ઝાડ ૨ થી ૩ વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે અને તેનું ૪ થી ૫ વર્ષમાં સારું વ્યવસાયી ઉત્પાદન થઈ રહે છે. જ્યારે અંજીરના ઝાડની ઊંચાઈ ૧૦ થી ૨૦ ફૂટ હોય છે, જો તેને યોગ્ય રીતે કાપવામાં આવે તો તેનો ફેલાવો ૧૦ થી ૧૫ ફૂટ પહોળો થાય છે,
જે ઉત્પાદનની દૃષ્ટિએ ખૂબ જ સારો ફેલાવો છે.

અંજીરનું ઝાડ સામાન્ય રીતે ૪૦ થી ૫૦ વર્ષ સુધી આરામથી જીવિત રહે છે અને જો તેની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે ૭૦ વર્ષ સુધી જીવી શકે છે, પરંતુ તે સારો પાક ૧૫ થી ૨૦ વર્ષ સુધી જ આપે છે, ત્યાર બાદ પાક ઓછો થવા લાગે છે. અંજીરનું ઝાડ વર્ષમાં બે વાર ફળ આપે છે. એક વાર ઉનાળામાં અને બીજી વાર ચોમાસા પછી. ફળ આવ્યા બાદ તેના ફળ ૧૨૦ થી ૧૫૦ દિવસમાં પાકે છે.

પાકેલા અંજીર વધુ દિવસ સુધી સારાં રહેતાં નથી. તેથી, તાજાં અંજીરને લઘુતમ ૫ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સંગ્રહ કરવાની સુવિધા હોવી જોઈએ. આ તાપમાનમાં પણ તેને માંડ ૭ થી ૧૦ દિવસ સુધી રાખી શકાય છે. જ્યાં સુધી સૂકવવાની વાત છે, તેને સૂર્યપ્રકાશ અથવા ડિહાઇડ્રેટરનો ઉપયોગ કરીને સૂકવવામાં આવે છે.

સૂકા અંજીરની માગ પણ ઘણી વધારે છે અને ભાવ પણ સારો મળે છે. જો ખેડૂતભાઈઓ અંજીરની ખેતી કરવા માગતા હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. તેના માટે ગરમ અને શુષ્ક વાતાવરણ જરૂરી છે.

તે ૧૫ થી ૩૫ ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાનમાં સારી રીતે વધે છે. એના માટે રેતાળ જમીન યોગ્ય છે, જેમાં ડ્રેનેજની સારી સગવડ હોય છે. જમીનનું પીએચ લેવલ ૬થી ૭ હોવું જોઈએ. ખેતરમાં ખેડાણ કરી માટીને ક્ષીણ મિશ્રણમાં ફેરવો અને એકર દીઠ ગાયના છાણના ખાતરની ઓછામાં ઓછી બે ટ્રેક્ટર ટ્રોલી ઉમેરો. રોપણી માટે, હંમેશાં નર્સરીમાંથી ઉચ્ચ ગુણવત્તાના કલમી અથવા કટિંગ છોડ જ ખરીદો.

Also Read – સંતુની ઓળખનો મને આનંદ છે: સરિતા જોશી (અભિનેત્રી)

૧૦ થી ૧૫ ફૂટના અંતરે છોડ વાવો. બે છોડ વચ્ચે પૂરતી જગ્યા રાખો જેથી વૃક્ષ યોગ્ય રીતે ઊગી શકે.
અંજીરના ઝાડને વધવા માટે વધારે પાણીની જરૂર પડતી નથી, તેમ છતાં ઉનાળામાં ૭ થી ૧૦ દિવસમાં એકવાર અને શિયાળામાં ૧૫ થી ૨૦ દિવસમાં એકવાર સિંચાઈ કરો.

ચોમાસામાં ઝાડને બિલકુલ પાણી ન આપવું. દરેક અંજીરના ઝાડને વાર્ષિક ૮ થી ૧૦ કિલોગ્રામ ગોબર ખાતર, ૧૦૦ થી ૨૦૦ ગ્રામ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપો. માર્ચ, એપ્રિલ અને ઓક્ટોબર, નવેમ્બર મહિનામાં અંજીરના ઝાડને ફળદ્રુપ કરો. દર વર્ષે શિયાળા પછી, તેની ખરાબ રીતે પીળી પડેલી અને ક્ષતિગ્રસ્ત શાખાઓને કાતરથી કાપી નાખો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button