ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ગોધરાનું વિશેષ યોગદાન
ભારતીય ઇતિહાસમાં અંગ્રેજો સામે સ્વતંત્રતાનું આંદોલન પ્રાદેશિક કક્ષાએ ઘણાં રાજ્યો, શહેરો,પ્રાંતો, ગામડાઓ તથા કસ્બાઓએ આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું
ભારતીય દષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
વિશ્ર્વના વિવિધ દેશોમાં વિદેશી શાસન સામે ક્રાંતિઓ થઈ અને દરેક ક્રાંતિએ ઇતિહાસનું સર્જન કર્યું. અનેક દેશોમાં પ્રજાએ પોતાના શાસકો સામે બળવા પોકાર્યા, અને તે પ્રસંગો પણ લોકક્રાંતિ તરીકે લખાયા. ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ ૧૮૫૭ના સંગ્રામથી શરૂ થયો અને ૧૯૪૭માં દેશને સ્વતંત્રતા મળતાં તેની પૂર્ણાહુતિ થઈ. એ રીતે આપણા સ્વાતંત્ર્યસંગ્રામનો ૯૦ વર્ષનો ઇતિહાસ છે. વીસમી સદીમાં ભારતમાં વિદેશી શાસન સામે લોકક્રાંતિ થઈ. પરંતુ તેનું સ્વરૂપ વિશ્ર્વના અન્ય દેશોમાં થયેલી લોકક્રાંતિઓ કે સ્વાતંત્ર્યયુદ્ધોથી અલગ અને વિશિષ્ટ પ્રકારનું હતું.
વિશ્ર્વમાં અનેક ઊથલપાથલના કારણે ઈ.સ. ૧૯૧૫માં માતૃભૂમિની રક્ષા અને મુક્તિ માટે પ્રજાઓમાં જાગૃતિ આવી અને તેઓ સૌ સ્વાતંત્ર્યસંગ્રામમાં એકતા બતાવીને વિદેશી સત્તા સામે લડ્યા. અનેક યુવાનો ગોળીબારમાં શહીદ થયા કે કોઈ ફાંસીએ લટક્યા. કોઈ સભા- સરઘસોમાં ભાગ લઈને સખત લાઠીમારનો ભોગ બન્યા, અનેક ભાઈબહેનોએ ઘરનાં સુખસગવડો છોડીને જેલજીવનનાં દુ:ખો વેઠ્યાં, અનેક લોકોનાં મિલકતો, ઢોરઢાંખર, ઘરવખરી વગેરે જપ્ત કરવામાં આવ્યાં; તેમણે અસંખ્ય પ્રકારની અમાનુષી યાતનાઓ અને અત્યાચારો ભોગવી અને તેઓના બલિદાનના ફળસ્વરૂપે આપણે સૌ સ્વતંત્રતાનાં મીઠાં ફળ આરોગવાને સદભાગી બન્યા છીએ.(જયકુમાર શુક્લ)
પટેલ અરવિંદ કનુભાઈ પોતાના એક સંશોધનમાં જણાવે છે કે, ભારતીય ઇતિહાસમાં અંગ્રેજો સામે સ્વતંત્રતાનું આંદોલન પ્રાદેશિક કક્ષાએ ઘણા રાજ્યો, શહેરો,પ્રાંતો, ગામડાઓ તથા કસ્બાઓએ આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું. પંચમહાલ જિલ્લાનું ગોધરા પણ આ આંદોલનોનું મહત્ત્વનુ કેન્દ્ર હતું. પંચમહાલ જિલ્લો ઇ.સ. ૧૮૫૧ થી ૧૮૬૦ દરમિયાન સિંધિયા માટે બ્રિટિશ હવાલા હેઠળ હતો. ઝાંસીના બદલામાં તેની સોંપણી થઈ અને ઇ.સ. ૧૮૬૧થી એ અંગ્રેજ પ્રાંતના ભાગરૂપે હતો. ગોધરા પંચમહાલ જિલ્લાનું વડુ મથક હતું. આ પ્રદેશ માટે કહેવાતું કે – પંચમહાલે પંચ રત્નાનિ,પાષાણ, પાણી,પાંદડા, ચતુર્થ ગાલિદાનંચ,પંચમ વસ્ત્રમ લોચનમ. અર્થાત્ ન ઇચ્છવાજોગ રત્નો. (વાઘેલા અરુણ, ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓ અને સ્વાતંત્ર્ય સૈનિકો)
ગોધરાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સંદર્ભે “વૈદિકકાલમાં સ્કંદપુરાણના ધર્મારણ્યખંડમાં ગોધરાનો ઉલ્લેખ છે. આ પુરાણમાં રામે આપેલા દાનમાં જે ગામો સમાવાયેલા હતા તેમાં ગોધરા પણ એક હતું. મૈત્રક વંશના શાસન સમયે ગોધરા વિજયી છાવણી’ તરીકે પ્રખ્યાત હતું. મૈત્રક રાજાના દાહોદ તથા લુણાવાડાના દાનશાસનોમાં ગોધરાનો ઉલ્લેખ એક મહત્ત્વના કેન્દ્ર તથા વિજયી છાવણી તરીકે કરવામાં આવ્યો છે. તે પછી સોલંકીવંશમાં તેનો ઘણા સાહિત્યગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. ગોધરાનો ઉલ્લેખ અમરકીર્તિગણિનાં છકમ્મુવએશ ગ્રંથ,વસ્તુપાલચરિત, અને કીર્તિકૌમુદી વગેરે જેવા સાહિત્યગ્રંથોમાં જોવા મળે છે. (પરીખ ર.છો.અને શાસ્ત્રી, હ.ગાં,ગુ. રા. સં.ઈ) ગોધરામાં ચાલુક્ય વંશના રાજા કહણ (કૃષ્ણ) રાજ્ય કરતો હતો. તે પછી ગાદી પર આવેલા રાજા ઘૂઘૂલને વસ્તુપાલે હરાવ્યો હતો અને ગોધરામાંથી ખજાનો ધોળકા લઈ જવામાં આવ્યો હતો.વસ્તુપાલચરિતમાં અહીથી લઈ જવામાં આવેલ ધનભંડારની સૂચિ આપવામાં આવી છે.તે જોતાં ગોધરાની જાહોજલાલી ખૂબ ઉન્નત હશે,તેવું કહી શકાય છે.
ગોધરામાં આઝાદીનાં આંદોલનમાં પોતાનું યોગદાન આપનારા નેતાઓમાં મુખ્યત્વેશ્રી વામનરાવ મુકાદમ, પુરુષોત્તમદાસ શાહ, દલસુખભાઈ શાહ, મણીલાલ મહેતા, માણેકલાલ શાહ, યાહ્યાભાઈ લોખંડવાલા, કમળાશંકર પંડ્યા, વલ્લભદાસ મોદી, સોમાલાલ શિરોઇયા, મામાસાહેબ ફડકે, વલ્લભદાસ મોદી હતા. (પટેલ અરવિંદ)
૧૮૫૭ની ક્રાંતિને અંગ્રેજો સામેની સૌ પ્રથમ રાષ્ટ્રવ્યાપી ક્રાંતિ કહી શકાય. તે સાચા અર્થમાં મહાનક્રાંતિ હતી. ગોધરામાં બળવાની ઉગ્ર અસર અંગ્રેજોને સહેવી પડી હતી. ગોધરાના બાઇજાબાઈના લશ્કર પાસે તોપો હતી. પરિણામે તેમણે ગોધરા શહેરનો કબજો લઈ લીધો. (દેસાઇ મહેબૂબ, ગુજરાતની સ્વાતંત્ર્ય સાધના) આ પછી સરકારી તિજોરી લુંટાઈ તેને આગ લગાડવામાં આવી. ઈન્દોર- મ્હાવથી બંદૂકધારી ક્રાંતિકારીઓ ૬ જુલાઇ ૧૮૫૭ નાં રોજ ગોધરા આવતા તેમની સાથે સ્થાનિક માણસો જોડાઈને ગોધરાની સરકારી કચેરીઓનો કબજો લેવાયો. કેપ્ટન બકલે મેજર ટોમસની લશ્કરી ટુકડીને અને લશ્કરી અધિકારી શેપીના તોપદળે ૭મી જુલાઈએ ગોધરાનો કબજો લેવાયો અને ગોધરા પુન: અંગ્રેજોના હાથમાં પરત જતું રહ્યું.
ઇ.સ. ૧૮૫૭ ક્રાંતિની અસરના કારણે ૪, ડિસેમ્બર ૧૮૫૮નાં રોજ તાત્યા ટોપેની સેનાએ ગોધરા પર હુમલો કરી ગોધરાની ટ્રેજરી લૂંટવામાં આવી. જેમની સંખ્યા ૨૦૦૦ જેટલી હતી. (ભટ્ટ આશુતોષ,૧૮૫૭ની ક્રાંતિમાં ગુજરાત) ઇ.સ. ૧૮૬૮માં જાન્યુઆરી-ફેબ્રુઆરીએ પંચમહાલ ખાતે નાયકડા જાતિનાં લોકોએ બ્રિટિશ શાસન અને દેશી રજવાડાઓ સામે ક્રાંતિની મશાલ જગાવી હતી.(વાઘેલા અરુણ,ઇતિહાસ દર્પણ) ઇ.સ. ૧૮૫૭નાં ક્રાંતિનું પરિણામે ગોધરામાં અંગ્રેજ સરકારે ઘણા કૂવા, તળાવો, સડકોનાં નિર્માણ તથા શાળાઓની સ્થાપના કરવામાં આવી હતી.
ઇ.સ. ૧૯૦૫માં બંગાળાના ભાગલાના કારણે લોકમાન્ય તિલક અને એની બેસન્ટ દ્વારા બે અલગ અલગ સ્થળોએ હોમરૂલ લીગની સ્થાપના કરી હતી. તિલકનાં ઉગ્ર વલણ ધરાવતી લીગને પ્રસાર ગોધરામાં પણ થયો હતો. ગોધરામાં સ્થાનિક હાઇસ્કૂલના શિક્ષકશ્રી વામનરાવ સીતારામ મુકાદમે ઇ.સ.૧૯૧૭માં હોમરૂલ લીગની શાળા સ્થાપી હતી. અને ૨૧ જુલાઇ ૧૯૧૭ ના રોજ મુંબઈથી નેતાઓને બોલાવી એક સભા ભરી,જેમાં ૫૬ લોકો આ શાળામાં જોડાયા હતા.
આ હોમરૂલ લીગે ગોધરા તેમજ આખા પંચમહાલમાં લોક જાગૃતિ અનેક કામ કર્યા. ગોધરામાં વામનરાવ ઉપરાંત દલસુખભાઇ શાહ, પુરુષોત્તમ શાહ અને મણીલાલ મહેતા સક્રિયપણે કામ કરી રહ્યા હતા. ગોધરાની પ્રવૃત્તિઓથી ગાંધીજી પણ આકર્ષિત થયાને તેઓ ૧૭,૧૮,૧૯ ફેબ્રુઆરીએ ત્રણ દિવસ ગોધરા રોકાયા હતા. ગોધરાની સુથારવાડીમાં ભરાયેલી જંગી સભા તેમણે સંબોધી હતી. (દેસાઇ મહેબૂબ, ગુજરાતની સ્વાતંત્ર્ય સાધના)
પ્રથમ ગુજરાત રાજકીય પરિષદ ૩, ૪, ૫, નવેમ્બર ૧૯૧૭ના દિવસોમાં પંચમહાલના પાટનગર ગોધરા મુકામે મળી. આ પરિષદમાં ૨૫ જેટલા ઠરાવો થયા. આ પરિષદ બાદ તેની આડપેદાશરૂપે સંસારસુધારા પરિષદ અને અંત્યજ પરિષદ ખૂબ જ અગત્યની બની રહી. ભારતીય સમાજના કુરિવાજોને તોડવા તથા સૌને સમાન ગણવાની પ્રત્યક્ષ કામગીરી ગોધરાથી શરૂ કરવામાં આવી હતી. અંત્યજો માટે આ સમયે એક શાળાની સ્થાપના કરવામાં આવી હતી.
ઈ.સ. ૧૯૨૦માં અસહકારના આંદોલનમાં હકારાત્મક અને નકારાત્મક કાર્યોના ભાગરૂપે ગોધરામાં વિદેશી કાપડનો બહિષ્કાર,દારૂ પિકેટિંગ,સરકારી કચેરીઓનો બહિષ્કાર,શાળા-કોલેજોનો બહિષ્કારની સાથે સાથે સ્વદેશી પ્રચાર,વ્યસન નિષેધ,અસ્પૃશ્યતા નિવારણ, ખાદી પ્રચાર જેવા રચનાત્મક કાર્યો પણ કરવામાં આવ્યા હતા. ગોધરામાં અસહકાર વખતે શ્રી દલસુખભાઇ શાહે પોતાની વકીલાત છોડી,ઘણા વિદ્યાર્થીઓએ શાળાઓ છોડી.ગોધરામાં મણીલાલ મહેતા અને વામનરાવે પોતાના પદ પરથી રાજીનામાં આપ્યા હતા.દલસુખભાઇ શાહ જેવા નેતા મહાન ખાદીભક્ત બન્યા હતા.તેમણે ખાદી પ્રચાર કર્યો અને મિત્રો તથા સગાઓને પોતાના હાથે વણેલા વસ્ત્રો આપી,શબ્દોથી નહી પણ કાર્ય કરી હાથેથી ઉપદેશ આપતા. (વાઘેલા, અરુણ, શતાબ્દી સ્મરણ પહેલી ગુ.રા.પરિષદ,ગોધરા)
ઈ.સ.૧૯૩૦ ગોધરામાં મીઠાના કાયદાના ભંગની શરુઆત વલ્લભદાસ ચંદુલાલ મોદીએ કરી હતી. ગોધરામાં આ માટે તેમણે બિન જકાતી મીઠું લાવીને તેને સસ્તું વેચવાની શરૂઆત કરી. આ પછી પંચમહાલના નેતાઓ ધરાસણા મુકામે મીઠાના અગરો પર ધસી ગયા હતા.
વામનરાવ જેવા નેતાને માર અને અપમાનો સહેવા પડ્યા હતા. પંચમહાલ ખાતે મીઠાનું ઉત્પાદિત સ્થાન ન હોવાથી ગાંધીજીની સલાહથી માલવ ખાતે પહેલો એવો જંગલ સત્યાગ્રહ તારીખ ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૦ના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી બિડમાંથી ઘાસ ઉખેડી, છૂટ્ટા ઢોર ચરાવવા મૂકી દેવામાં આવ્યા હતા. ગોધરામાં ૧૯૪૨માં હિંદ છોડોની લડત શરૂ થઇ તે પહેલા જ અંગ્રેજ સરકારે લડતને દબાવી દેવાના પ્રયાસો કર્યા. ગોધરાના વામનરાવ મુકાદમની અને માણેકલાલ શાહની સરકારે ધરપકડ કરી. યાહયાભાઇ, અકબરઅલી તથા કમળાશંકર પંડ્યાને પણ જેલભેગા કરી દેવામાં આવ્યા. સોમાલાલ શિરોઈયાને નજરકેદ કરવામાં આવ્યા. તેનો વિરોધ પંચમહાલ જિલ્લા લોકલ બોર્ડમાં ખાસ ઠરાવ પસાર કરી કરવામાં આવ્યો પણ તેની કોઈ અસર થઈ નહીં. (વાઘેલા અરુણ,ઇતિહાસ દર્પણ)
ગોધરામાં તારીખ ૨-૧૦-૧૯૪૨ ના રોજ ગાંધીજયંતી નિમિત્તે એક વિશાળ સરઘસ નિકળ્યું. તેમાં વલ્લભભાઈ મોદીએ ભાગ લીધો હતો. તેમની રાહબરી હેઠળ આ સરઘસ કાઢવામાં આવ્યું હતું. પરિણામે તારીખ ૭-૧૦-૧૯૪૨ ના રોજ ડી.આઈ.આર.ની કલમ ૫૬ (૪) મુજબ તેમની ધરપકડ કરવામાં આવી. અને તેમને બે માસની સજા કરવામાં આવી હતી. (દેસાઇ મહેબૂબ, ગુજરાતની સ્વાતંત્ર્ય સાધના) આમ ભારતના સ્વાતંત્ર્ય ક્રાંતિઓમાં ગુજરાતના વિભિન્ન ક્રાંતિ સ્થળોએ ક્રાંતિ થઇ તેમાં અનેક લોકો તેમાં જોડાયા હતા. ગુજરાતનું અતિ મહત્વનું ગોધરા પણ અનેક ક્રાંતિઓમાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું હતું જેની ઉપર કરેલ ચર્ચા પરથી સ્પષ્ટ જણાય આવશે.