ઉત્સવ

ગુજરાતનું સોનેરી ઘાસિયું મેદાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

ગુલાબી ઠંડીની મોસામ ખીલી છે ત્યારે આપણા દેશમાં અને રાજ્યમાં વનરાઈ અને વગડો જાણે આપણને બોલાવી રહ્યો હોય છે. ધીરે ધીરે સાઈબિરીયન અને ઉત્તર ધ્રુવિય પ્રદેશોમાંથી ગુજરાત રાજ્યનાં કાઠિયાવાડ વિસ્તારમાં ખેતીનું પ્રમાણ વધારે હોઈ પ્રાકૃતિક વારસો અદ્દલ સચવાયો છે અને સીમ – વાડી વિસ્તાર મન મૂકીને ખૂંદવા જેવા છે. આવી સીમ વિસ્તારથી ધેરાયેલ પ્રદેશમાં વિશાળ ઘાસનું મેદાન આવેલું છે જેમાં અઢળક યાયાવર પક્ષીઓ, સ્થાનિક વન્યજીવો, પ્રાણીઓ વગેરે કુદરતી માહોલમાં વસવાટ કરે છે. અહીંના જીવને એમનાં મિજાજમાં જોઈએ એટલે તેઓ આપણી સાથે ખરેખર સંવાદ કરતા હોય એવું દીસે. સૌરાષ્ટ્રનાં મુખ્ય મથક ભાવનગરથી આશરે ૪૦ કિમિના અંતરે વેળાવદર નામનાં નાનકડાં ગામની સીમમાં બ્લેકબક નેશનલ પાર્ક આવેલો છે જે વિશ્ર્વભરનાં પટ્ટાઇઓનું શિયાળુ ઘર છે. અહીં પટ્ટાઇઓનો વિશ્ર્વનો સહુથી મોટો સમૂહ દર વર્ષે શિયાળાનાં ઑક્ટોબર માસથી લઈને છેક માર્ચ મહિના સુધી જોવા મળે છે. ૧૫મી ઑકટોબરથી દેશભરના રાષ્ટ્રિય ઉદ્યાનો પ્રકૃતિ પ્રેમીઓ માટે ખુલ્લા મુકાયા છે ત્યારે આ ઉદ્યાનની મુલાકાત લેવી જ રહી.

કાઠિયાવાડમાં આવેલા ભાવનગરનાં રાજવી પરિવારની જમીન આઝાદી પહેલા શિકારનાં મેદાન તરીકે વપરાતી હતી અને મહારાજા સાહેબ ચિત્તાને સાથે રાખીને અહીં બ્લેકબક એટલે કે કાળિયારનો શિકાર કરાવડાવતાં અને મોજ માણતા હતા. પ્રકૃતિ અંતે તો સહુ કોઈને પોતાનાં તરફ ખેંચીને હૃદય પરિવર્તન કરે જ છે. આખરે રાજ પરિવાર સંરક્ષણ તરફ વળ્યો અને કાળિયારને રક્ષણ આપ્યું. આખરે આ સ્થળ સરકાર હસ્તગત કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે અહીં વસતા વન્યજીવોને સંરક્ષણ પૂરું પાડ્યું. આજે અહીં અઢળક સંખ્યામાં કાળિયાર ઉછળતા કૂદતાં જોવા મળે. દરેક કાળીયારના પગમાં જાણે કોઈ કુદરતી સ્પ્રિંગ ગોઠવેલી હોય એ રીતે ત્વરા અને જુસ્સાથી આશરે ચારેક ફૂટથીય પણ ઊંચો કૂદકો મારી શકે છે અને એ પણ સતત લાંબા અંતર સુધી. અહીં આશરે ૫૦૦૦ કરતા વધારે કાળિયારની સંખ્યા ૩૪ ચોરસ કિમિ વિસ્તારના ઉદ્યાનમાં જોવા મળે છે. માત્ર અભ્યારણ્ય વિસ્તાર જ નહિ પણ આસપાસનાં વિસ્તારમાં પણ કાળિયાર દોડીને રખડતાં જોવા મળે છે. સૂર્યોદય સમયે વિશાળ લહેરાતા ઘાસનાં મેદાનમાં કાળિયારને જોવા એ એક લહાવો છે. કાળિયાર પોતાનાં વિસ્તાર પર પ્રભુત્વ જમાવવા માટે બીજા નર સાથે લડાઈ કરે છે જે લડાઈમાં એક બીજાને ગંભીર રીતે ઘાયલ પણ કરે છે એ સિવાય સંવનન કાળ દરમ્યાન પણ કાળિયાર એકબીજા નર સાથે હરીફાઈના ભાગ રૂપે લડતા હોય છે. કાળિયાર સિવાય અહીં ઝરખ, વરુ, શિયાળ વગેરે જોવા મળે છે.

વિશ્ર્વભરમાંથી પક્ષીવિદો ખાસ અહીં પટ્ટાઇઓને જોવા અને અભ્યાસ કરવા માટે આવે છે. અહીં પુષ્કળ પ્રમાણમાં ઘાસ પાર બેસ્ટ તીડ જોવા મળે છે અને એ તીડને ખોરાક તરીકે ઉપયોગમાં લઇ શકાય માટે અહીં પટ્ટાઇઓ આવે છે. પટ્ટાઇ એ એક વિશિષ્ટ પ્રકારનું શિકારી પક્ષી છે જે ખૂબ જ ત્વરાથી હવામાં શિકાર કરી જાણે છે. અહીં વિશ્ર્વમાં ક્યાંય ન જોવા મળે એટલી પટ્ટાઇઓ એક સાથે જોવા મળે છે. દિવસ દરમ્યાન પાર્ક છોડીને પટ્ટાઇઓ સીમ વિસ્તારમાં ફરતા હોય છે અને ઢળતી સાંજે ફરી તેઓ આકાશમાં એક સાથે વિશાળ ચક્કર મારીને પાર્કમાં સુરક્ષિત રીતે આરામ ફરમાવે છે અને આ ક્રમ દર વર્ષે શિયાળા દરમ્યાન ચાલુ જ રહે છે. વેળાવદર નેશનલ પાર્કના વગડામાં પાન પટ્ટાઇ, પટ્ટી પટ્ટાઇ, ઉજળી પટ્ટાઇ જેવી અનેક જાતો જોવા મળે છે. પટ્ટાઇઓ સિવાય અહીં ૨૫૦ કરતા પણ વધુ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે જેમાં સ્થાળાંતર કરતાં પક્ષીઓનો મોટો મેળાવડો આખા શિયાળા દરમ્યાન જામે છે. ક્યારેક અહીં આકાશમાં જ નાનકડાં સ્થાનિક પક્ષી અને શિકારી પક્ષી વચ્ચે અસ્તિત્વને ટકાવી રાખવાની લડત જોવા મળે છે. કંઈક નોખું કે અનોખું જોવા માટે સહુથી નજીક અને શાંત સ્થળ એટલે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર.

વેળાવદર નેશનલ પાર્ક પહોંચવા માટે ભાવનગરથી પહોંચી શકાય છે. અહીં સફારી માટે ડાયરેક્ટ પાર્ક વિન્ડો પરથી જ બુકીંગ કરી શકાય છે અને જીપ્સી તથા પોતાના વાહનમાં સફારીનો આનંદ લઇ શકાય છે. પક્ષીઓને સારી રીતે માણી શકાય માટે સવારના છ વાગે પાર્ક ખૂલે છે એટલે વહેલી સવારે જવું જ હિતાવહ છે. અહીં પાર્ક અંદર પ્રવેશતા જ ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે જ્યાં અહીં દેખાતા દરેક પક્ષીઓ અને પ્રાણીની પ્રતિકૃતિ, તસવીરો, અભ્યાસ ઉપયોગી માહિતી, તેઓનું વર્તન વગેરેની સંપૂર્ણ સમજ દર્શાવેલી છે. અહીં નાનકડાં તળાવો છે જે અહીંના વન્યજીવો માટે આશીર્વાદ સમા છે. આ પાર્ક જલ પ્લાવિત ક્ષેત્ર એટલે કે વેટલેન્ડ અને ગ્રાસલેન્ડ એમ બે વિસ્તારોમાં વહેંચાયેલો છે. વેટલેન્ડ વિસ્તારમાં પાણીમાં વસતા પક્ષીઓ શિયાળુ મુલાકાત લે છે જેવમાં હંજ, રાજહંસ, ગાજહંસ, કાજિયાઓ, ગુલાબી પેણ વગેરે જોવા મળે છે. સામાન્ય રીતે ઑક્ટોબર મહિનાનાં અંત સુધીમાં અહીં પક્ષીઓ આવવા લાગે છે અને માર્ચ મહિનાનાં અંત સુધી તેઓ અહીં જ વસવાટ કરે છે. ગ્રાસલેન્ડ વિસ્તારમાં નાનકડા પક્ષીઓ જેવા કે સાઇબિરીયન સ્ટોનચેટ, યુરેશિયન રોલર, વર્ષા લાવરી, ચંડુલ, લટોરો, દેવચકલી જેવી અઢળક જાતો અહીં જોઈ અને સાંભળી શકાય છે, શિકારી પક્ષીઓમાં ફાલ્કન, સાપમાર ગરુડ, શકરો, બાજ, શાહી ઝુમ્મ્સ, ઇગલ આઉલ વેગેરે શિકાર કરતા હોવા મળે છે. અહીં કુદરતે દરેકને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તેવા યોગ્ય વાતાવરણની રચના કરી છે.

બ્લેકબક નેશનલ પાર્ક સામાન્ય રીતે ૧૫મી ઑક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવે છે જે ૧૫ જૂન સુધી ખુલ્લો રહે છે. સવારે ૬-૩૦ થી ૧૧ સુધીની પહેલી સફારી હોય છે ત્યાર બાદ બપોરે ૨-૩૦ થી સૂર્યાસ્ત સુધી બીજી સફારી કરી શકાય છે જો કે પાર્કમાં આખો દિવસ પણ વિતાવી શકાય છે, અહીંનું મુખ્ય આકર્ષણ વરુ અને ઝરખ છે. શાંત રહીને ધીરજથી શોધીએ તો સોનેરી ઘાસમાં વરૂને ક્યારેક શિકાર કરતું તો વળી ક્યારેક રસ્તા પર મહાલતુ જોઈ શકાય છે. આ સિવાય સૂર્યોદય પછી બધા જ કાળિયાર એક તરફથી બીજી તરફ જતા હોય ત્યારે એમને હજારોની સંખ્યામાં એક સાથે જોવા એ સુવર્ણ તક છે. અહીં રહેવા માટે એક સામાન્ય સિવિધાઓ સાથે વનવિભાગ તરફથી ડોર્મેટરીની વ્યવસ્થા છે જે નજીવા ખર્ચે બુક કરાવી શકાય છે અને અહીં રહીને જ એક બે દિવસ પાર્કનો આનંદ લઇ શકાય. આ સિવાય આસપાસ એક બે રિસોર્ટ્સ છે જ્યાં રહીને પણ પાર્કને માણી શકાય. બ્લેકબક નેશનલ પાર્કને સારી રીતે જોવા માટે આશરે બે દિવસ ઘણા છે પણ હું જેટલી વાર આ પાર્કમાં ગયો છું મને હંમેશા કંઈક ને કંઈક નવું મળ્યું જ છે.

ગુજરાત રાજ્યનાં નૈસર્ગીક વાતાવરણમાં ખૂબ સુંદર સ્થળ તરીકે ઓછા જાણીતા એવા આ સ્થળની મુલાકાત બાળકોમાં જિજ્ઞાસા અને પ્રકૃતિપ્રેમની ભાવના અચૂક જગાવી શકે છે. આ સ્થળે કોઈ પણ જાતના આગોતરા બુકીંગ કે પ્લાનિંગ વગર પણ જઈ શકાય છે. વધારે દૂર ન જતા પરિવાર સાથે આ સ્થળને માણ્યું હોય તો પણ એક અલગ આનંદનો અનુભવ મેળવી શકાય. ટૂંકમાં પ્રકૃતિથી નજીક જવાનાં દરેક રસ્તાઓ સરળ છે જો આપણે પ્રયત્નો કરીએ તો અને તો જ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત