આપણા દેશની રાજધાની તરીકે દાયકાઓથી દિલ્હી જ અડીખમ છે. અગાઉ મોગલ-મુસલમાન શાસકો પણ દિલ્હી-દિલ્હી કરતા હતા, પરંતુ એક સમયે અખંડ ભારતની રાજધાની- થોડા સમય માટે- મહારાષ્ટ્રમાં આવેલું સ્થળ હતું. ઔરંગાબાદ નજીકના દૌલતાબાદને મુખ્ય વહીવટી-રાજકીય કેન્દ્ર બનાવીને આખા દેશનું શાસન દૌલતાબાદના કિલ્લામાંથી ચાલતું હતું.
આ દૌલતાબાદ તો મોગલોએ આપેલું નામ છે, પરંતુ મૂળ નામ હતું દેવગિરી. હાલ ઔરંગાબાદ શહેરથી ૧૪ કિલોમીટર દેવગિરી એક નાનકડું ગામ છે. આની મુખ્ય વિશિષ્ટતા છે દેવગિરીનો કિલ્લો. આ ૧૯૦ મીટર ઊંચા કિલ્લાની ભીંતો એટલી મજબૂત બનાવાઈ હતી કે એક સાથે અનેક હાથી મળીને તોડી શકતા નહોતા. આ કિલ્લાની બાહ્ય દીવાલ અને અંદરની દીવાલ વચ્ચે પણ નાની ભીંત છે, જેના પર અનેક બુર્જ બનાવાયેલા છે.
આ કિલ્લામાં કેટલીય ભૂગર્ભ ગલી અને ખીણો છે કે જેથી દુશ્મન ભેરવાઈ પડે કે પટકાઈ પડે. આ બધું પહાડોના પથ્થર કાપીને બનાવાયેલું છે. આ કિલ્લામાં એક અંધારિયો ભૂગર્ભ માર્ગ પણ છે, જેના પર ઠેરઠેર શત્રુઓને ઓચિંતો આવકાર મળી શકે. આ બધાં કારણોસર એ મધ્યકાલીન ભારતનો સૌથી શક્તિશાળી કિલ્લો ગણાતો હતો. કહેવાય છે કે કોઈ શત્રુ આ કિલ્લો જીતી શક્યા નહોતા. લોકવાયકા મુજબ યાદવકાળમાં નિર્માણ પામેલા આ કિલ્લાનું નામ દેવગિરી રખાયું કારણ કે પર્વતોમાં દેવતા વસતા હોવાની શ્રદ્ધા હતી.
દેવગિરીનો કિલ્લો ખૂબ લાંબા અને લોહિયાળ ઈતિહાસનો સાક્ષી છે. આ કિલ્લાએ યાદવ, ખિલજી અને તુઘલક વંશના શાસકોને જોયા. એની વિગતોમાં ઊંડા ઊતરવા અગાઉ દેવગિરી કિલ્લાના મૂળ સ્થાપકને યાદ કરીએ અને વિગતોમાં ઊંડા ઊતરીએ. પર્વત પર બનેલો આ કિલ્લો મૂળભૂત પણે લોકપ્રિય અને અણનમ છે એની મજબૂતી માટે. આ કિલ્લામાં પ્રવેશવા માટે એક પુલ છે. જેનો માત્ર બે માણસો એક સમયે ઉપયોગ કરી શકે.
આ અદ્ભુત અજેય કિલ્લો ઈ. સ. ૧૧૮૭માં યાદવ વંશના રાજા ભિલ્લામાએ બનાવ્યો હતો. આમાં બનાવેલા ચાંદ મિનાર, ચીની મહલ અને બરદરી આજેય પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે. ચાંદ મિનાર ઈ. સ. ૧૪૩૫માં અલાઉદ્દીન બહમન શાહે બનાવડાવ્યો હતો. આ મિનાર ૬૩ મીટર ઊંચો છે. ચીની મહલ કિલ્લાના નીચેના ભાગમાં છે. આ સ્થળે રાજા ગોલકુંડીને ઈ. સ. ૧૬૮૭માં ઔરંગઝેબે કેદમાં રાખ્યા હતા. અહીં જ શિખર પર બરદરી છે.
મહારાષ્ટ્રની સાત અજાયબીઓમાંની એક ગણાતો આ કિલ્લો પ્રાચીન બાંધકામ, અદ્ભુત કોતરણી-નકશીકામ અને હરિયાળી વચ્ચે હોવાથી ફરવાલાયક સ્થળોમાં મોખરે આવે છે. આ કિલ્લો ૨૦૦ કિલોમીટરની ઊંચાઈએ એક પર્વતને કાપીને બનાવાયો હતો. એનું નિર્માણ એક વિશિષ્ટ પ્રયોજન સાથે થયું હતું કે કોઈ દુશ્મન ક્યારેય એના પર સીધો હુમલો ન કરી શકે. પરંતુ પર્વતને કાપીને કિલ્લો બનાવવામાં ખૂબ તકલીફ પડે, લાંબો સમય લાગે. કિલ્લાની આસપાસ મોટી-મોટી ખાઈ બનાવીને એમાં મગરમચ્છ છોડાતા હતા કે જેથી કોઈ એ ખાઈને ઓળંગીને કિલ્લા સુધી પહોંચી ન શકે.
આવા અદ્ભુત કિલ્લા પર નવમીથી ચૌદમી સદી વચ્ચે યાદવોનો કબજો હતો. ઇ. સ. ૧૩૨૭ થી ૧૩૩૪ વચ્ચે દિલ્હીના સુલતાનનું પાટનગર બન્યો અને ૧૪૯૯થી ૧૬૩૬ વચ્ચે અહમદનગરના સુલતાનનો. એ અગાઉ આવા અદ્ભુત, ઐતિહાસિક સ્થળ કિલ્લો ન જોવો જોઈએ. દૌલતાબાદમાં માત્ર કિલ્લો જ નહીં, આસપાસ પણ ઘણાં જોવાલાયક સ્થળો છે.