ઉત્સવ

અમુક ભૂલ રોકાણકારોની આર્થિક-માનસિક તંદુરસ્તી માટે હાનિકારક..!

૨૦૨૪માં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાત… સમજો તો ઈશારા કાફી !

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

કહે છે કે વિશ્ર્વભરમાં ઈક્વિટી એ સૌથી ઊંચું વળતર આપતું રોકાણ સાધન છે, પરંતુ તેમાં વ્યવસ્થિત સમજ વિના રોકાણ કરવાથી તે જોખમી પણ બની રહે છે. રોકાણ કર્યા બાદ સતત તેના ભાવોની વધઘટ કે પછી ટીવી ચેનલ્સ અને અખબારો કે હવેના સમયમાં સોશ્યલ મીડિયાના કથિત
એકસપર્ટ-ફિનઈન્ફ્લયુન્સર- કોચ- ટ્રેઈનર, વગેરે પર આંધળો વિશ્ર્વાસ મુકી ચાલવું એ રોકાણકારની તંદુરસ્તી માટે હાનિકારક બની શકે છે.
શા માટે એ સમજીએ પછી આ નવા વરસમાં શું ધ્યાનમાં રાખવા જેવું
છે એ પણ જાણીએ….
દંગલના આ ગીતમાંથી સબક
આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મ આમ તો હાલ થોડી જૂની થઈ ગઈ ગણાય, પરંતુ કેટલાંક સંવાદની જેમ અમુક ગીતો પણ જુદાં સંદર્ભમાં સંદેશ અને શીખ આપતા રહે છે. ‘દંગલ’નું એક રસપ્રદ ગીત છે : ‘બાપુ, સેહત કે લિયે તું તો હાનિકારક હૈ!’ પોતાની દીકરીઓને કુસ્તીબાજીમાં અવ્વલ અને વિશ્ર્વવિજેતા બનાવવા પિતા તરીકે એ દીકરીઓ પાસે કેવી -કેવી કઠિન કસરતો અને શ્રમ કરાવે છે. તે કરતી વખતે એમનો આ બાપુ દીકરીઓને પોતાની શેહત (તબિયત-સ્વાસ્થ્ય ) માટે હાનિકારક લાગે છે, કારણ કે આમાં ખૂબ મહેનત છે-કડક શિસ્ત છે અને ધૈર્ય પણ જરૂરી છે. શેરબજારમાં પણ આ બધું બહુ જરૂરી છે, કારણ કે આ ત્રણ વિના શેરબજાર પણ શેહત માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આપણને શેરબજારમાં ઝટપટ નાણાં કમાવા હોય છે, પરંતુ તે માટે આપણે જરૂરી મહેનત કરવા તૈયાર નથી હોતા. ધીરજ રાખવા સજજ હોતા નથી. આપણને તો બસ ટૂંકા સમયમાં ડબલ અથવા ઊંચું વળતર જોઈતું હોય છે. પરિણામે આવી માનસિકતા આપણા માટે હાનિકારક સાબિત થાય છે.
હા, જો આપણે મહેનત અને ધીરજ તેમજ લાંબા સમયના કમિટમેન્ટ સાથે શેરબજારમાં આગળ વધીએ તો ‘દંગલ’ની કુસ્તીબાજ (રિઅલ લાઈફ) યુવતીઓની જેમ શ્રેષ્ઠ પરિણામ પણ મેળવી શકીએ.
પ્રસાર માધ્યમોને સતત જોયા કરવું હાનિકારક
આ નવા વરસથી એક આ વાત પણ ધ્યાનમાં રાખીએ કે આ ટૂંકા રસ્તા કે ઝટપટ કમાઈ લેવાના માર્ગ માટે આપણે જે – તે પ્રસાર (સોશ્યલ મીડિયા સહિતના) માધ્યમો પાસેથી માહિતી કે કથિત માર્ગદર્શન મેળવીએ છીએ તે પણ આપણને મોટેભાગે ગેરમાર્ગે દોરનારા હોય છે. મોટાભાગના લોકો શેરો લીધા બાદ સતત ટીવીની બિઝનેસ ચેનલ્સ જોયા કરી મૂંઝાયા કરે છે. ભાવોની વધઘટ અને સમાચારોની રમઝટ એમને માર્ગદર્શન આપે કે ન આપે,પણ ચિંતા અને બ્લડપ્રેશર જરૂર આપી શકે છે. પ્રિન્ટ હોય કે વેબસાઈટ કે ટીવી મીડિયા, આવાં બધાં માધ્યમ તમને ચોક્કસ માહિતી આપી શકે, તેમાંથી માર્ગદર્શન આપણે આપણી વિવેકબુદ્ધિ મુજબ તારવવું પડે. વાસ્તવમાં તબિયત સારી રાખવી હોય તો જાત-જાતની ચેનલ્સ જોવાનું ટાળવું, જેમાં સતત શેરોના ભાવની વધઘટની વાતો થતી હોય કે ‘બેસ્ટ બાય અને બેસ્ટ સેલ કે હોલ્ડ- એકયુમ્યુલેટ- ટાર્ગેટ – બુક પ્રોફિટ-બુક લોસ.’ વગેરે જેવી સતત વાત થતી હોય…. આ વાતો સટોડિયા વર્ગ માટે સંભવત ક્યાંક ઉપયોગી હોઈ શકે, પરંતુ એવા રોકાણકારો માટે નહીં. જેમણે લાંબા ગાળાનું રોકાણ કર્યું છે. એમણે આવી વાતોની ઉપેક્ષા કરવી જ એમના સ્વાસ્થ્ય માટે ઉપકારક છે, કારણ કે આવી વાત મોટેભાગે ટૂંકા ગાળાની ચાલ માટે અને તત્કાલ બનેલી ઘટના-સમાચારની સંભવિત અસર કે ધારણા આધારિત હોય છે અથવા તો ચોક્કસ સ્થાપિત હિત ધરાવતા ઓપરેટર્સ વર્ગની ચાલ સમાન હોય છે. એ બધું ધ્યાનમાં લેવા જઈએ તો
તો આપણા રોકાણ નિર્ણય વિશે ક્ધફયુઝ થવાની શક્યતા વધી જાય સાથે સ્ટ્રેસ પણ વધી શકે, જે ખરેખર રોકાણકારની તબિયત માટે હાનિકારક બની શકે.
યસ, કંપની અને તેના મેનેજમેન્ટના ફંડામેન્ટલ્સ -ટ્રેક રેકર્ડ જુઓ અને આગળ વધો એમાં જ સાર છે-ભલી વાર છે.
માર્કેટમાં ટિપ્સનું ચલણ હજી પણ ચાલે છે.લોભ અને ભય છે ત્યાં સુધી આ ચાલશે, કેમ કે લોભ ને ભયમાં માનવી વિવેકભાન ભૂલે છે. આર્થિક સ્વાસ્થ્ય માટે આ મામલે પણ ડહાપણ જરૂરી બનશે.
સેન્સેકસ અને નિફટી કયાંથી કયાં
બીજી તરફ,તાજેતરમાં વિવિધ ઘટના આધારિત જાહેર થયેલા માત્ર નવ-દસ વરસના ગાળાના સેન્સેકસ વિશેના એક રસપ્રદ અભ્યાસ પર નજર કરીએ તો ઘણાં મહત્ત્વના અને નક્કર સંકેત તારવી શકાય….
મોદી સરકારની ૨૦૧૪ની ટર્મથી આરંભ કરીએ તો ૨૦૧૪માં સેન્સેકસ ૨૪૨૦૦ હતો. ૨૦૧૬માં ડિમોનેટાઈઝેશન વખતે તે ૨૬,૫૦૦ થયો૨૦૧૭માં જીએસટીના અમલને પગલે સેન્સેકસ ૩૨૫૦૦ પહોંચ્યો… મોદી સરકારની બીજી ટર્મ ૨૦૧૯માં આવી અને સેન્સેકસ ૩૯૭૦૦ થયો કોવિડ-૨૦૨૦માં તે ઘટીને ૨૯૫૦૦ થયો૨૦૨૩માં રશિયા-યુક્રેન યુદ્ધ વખતે ૫૬૨૫૦ અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ વખતે ૬૩,૮૦૦ થયો અને હાલ ૨૦૨૪ની ચૂંટણી માથે ઊભી છે, ત્યારે ૭૧,૦૦૦ નો આંક વટાવી ગયો છે. હવે આના અર્થઘટન સમજાવવાની જરૂર રહેતી નથી..
બાય ધ વે, હજી ૧૫ વરસ પાછળ જઈને ૧૯૯૩માં જોઈએ તો સેન્સેકસ બોમ્બ બ્લાસ્ટ વખતે માત્ર ૨૩૦૦ હતો. હાલમાં જ તે ૭૨૦૦૦ ને સ્પર્શી આવ્યો છે. આ લખાય છે ત્યારે ૭૧ હજારની ઉપર તો ચાલે જ છે. નિફટી ૨૨૦૦૦ આસપાસ જઈ ૨૧ હજાર ઉપર ચાલે છે. બીજી તરફ્, વિશ્ર્વનું ધ્યાન ભારતીય અર્થતંત્ર અને માર્કેટના વિકાસ-વૃદ્ધિ પર છે, જેથી અહીં રોકાણ પ્રવાહ આવતો રહેવાનો આશાવાદ ઊંચો રહે છે.
રોકાણકારો આ યાદ રાખે કે
તેજીનું વર્તમાન સ્વરૂપને જોઈ નવા-જૂના, નાના-મોટા રોકાણકારો વધુ સક્રિય થઈ રહ્યા છે.આની સાથે એ પણ યાદ રાખવું જોઈશે કે એ બધા ઊંચા ભાવોએ પ્રવેશી રહ્યા છે. હાલના ટ્રેન્ડની ધારણા મુજબ ત્રણથી મહતમ પાંચ વરસમાં સેન્સકસ ૧ લાખ
ઉપર પહોંચશે, એકાદ વરસમાં નિફટી ૨૪ હજાર આસપાસ અને સેન્સેકસ ૮૦-૮૫ હજાર થઈ જાય તો નવાઈ નહીં…
આઈપીઓની જબ્બર સફળતા આપણે જોઈ, હજી અનેક આઈપીઓ કતારમાં છે. અલબત્ત, આમાં પણ રોકાણ કરતી વખતે યોગ્ય પસંદગી અને સાવચેતી જરૂરી છે,કારણ કે ઘોડા ભેગા ગધેડા દોડવા આવશે જ…! બજારની તેજીમાં પણ એવું થશે કે નબળા અને લેભાગુ સ્ટોકસ પણ ચાલવા લાગે યા તેને ચલાવવામાં આવે અને નવા-નાના રોકાણકારોને ફસાવવામાં આવે, જેથી નવા અને નાના રોકાણકારો વધુ સજાગ રહે એ તેમના હિતમાં ગણાશે.
ચૂંટણીનું વરસ છે, ચુંનદા સ્ટોકસ પસંદ કરજો. આ દરમિયાન બજારને દોડાવનાર પરિબળની સાથે-સાથે તેને ધીમાં પાડનાર પરિબળો પણ આવતા રહેશે,જેથી વરસ ૨૦૨૪ રોકાણકારો માટે નિરીક્ષણ અને વોલેટિલિટી સાથે જોખમ લેવાની ક્ષમતા ધરાવનાર માટે ખરીદીનું રહેશે. જે ત્રણથી પાંચ વરસનાં સમયગાળા માટે હોલ્ડ કરવાની ક્ષમતા ધરાવતા હશે એમની માટેનું આ તકલક્ષી વરસ ગણવું.
હા, આ સમયમાં શેરબજારનું વધુ જોખમ લેવા તૈયાર ન હોય એમણે મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ વહેલી તકે અપનાવી અથવા વધારી- વિસ્તારી લેવો જોઈએ. યાદ રહે, બજારનો મંદ સમય જ રોકાણકારો માટે સક્રિય બનવાનો સમય હોય છે. ‘દંગલ’ સમાન સફળતા જોઈતી હશે એમણે ધીરજ, મહેનત, જોખમક્ષમતા અને સમયનો સાથ બજારને આપવો પડશે.
ચૂંટણીનું વરસ છે. ભારતની આ વખતની ચૂંટણી પર ગ્લોબલ નજર પણ વિશેષ છે. આપણે પણ રાખવી જોઈશે. ટૂંકમાં, સરકારની આર્થિક નીતિ-રીતિઓને લીધે જે-જે સેકટરને વધુ લાભ થવાની શક્યતા દેખાય એ સેકટરમાંથી સ્ટોકસની તેના ફંડામેન્ટલ્સના આધારે પસંદગી કરવી અર્થાત ચુનંદા સ્ટોકસ જમા કરવામાં શાણપણ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા