ઉત્સવ

આકાશ મારી પાંખમાં: લોકસેવકનો હીરક મહોત્સવ

કલ્પના દવે

માધુપુર ગામમાં આજે મોટો ઉત્સવ હતો. મંદિરના ખુલ્લા ચોકમાં એક મંચ ઊભો કરવામાં આવ્યો હતો. ગામના સરપંચ હરિભાઈ પટેલને ૬૦ વર્ષ પૂરાં થયાં તે ઠેઠ ગાંધીનગરથી મોટા સાહેબો સરપંચ સાહેબનું સન્માન કરવા આવવાના હતા. આજે માધુપુરમાં નાના ઉદ્યોગોને શરૂ કરી યુવાનો માટે ધંધાની તક ઊભી કરવી, શાળા-કૉલેજોમાં ઉત્તમ શિક્ષણ માટેની તક ઊભી કરવી, કિસાન સહાય યોજનાને સરકારની મંજૂરી મેળવવી આવાં કેટલાંય લોકહિતનાં કામ સરપંચે કર્યાં છે.

સરપંચ સાહેબની સાથે ગામની દીકરી લક્ષ્મી પણ ગામના આદિવાસી વિસ્તારના લોકોનાં સંતાનોને, કન્યાઓને આ જ મંદિરના ચોકમાં મફત શિક્ષણ આપે છે. આ મંદિરનો ચોક એટલે ઑપન શાળા જ્યાં મફત શિક્ષણ સાથે નૈતિક શિક્ષણ પણ આપવામાં આવે છે. હવે લક્ષ્મી વિદ્યાનગરથી પણ કેટલાક યુવાનોને આદિવાસી શિક્ષણ આપવા બોલાવે છે. આ વર્ષે ૬૦ આદિવાસી કન્યાઓ એસ.એસ.સી.માં પાસ થઈ હતી.


Also read: કેન્વાસ: હિન્દી ફિલ્મો ભારતીય સંસ્કૃતિનો ભાગ છે તો એને તકલાદી ન થવા દો!


સરપંચ સાહેબ આ બધી ક્ધયાઓને વિદ્યાનગર કૉલેજમાં ઍડ્મિશન અપાવીને તેમને હૉસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરશે. સ્ટેજ પર દેખરેખ રાખી રહેલી લક્ષ્મીની નજર સામે પિતૃવત્સલ સરપંચ કાકાનો ચહેરો ઊપસી આવ્યો. તેને એ દિવસ યાદ આવી ગયો.

માધુપુર ગામની શાળામાં બારમા ધોરણમાં પ્રભુદાસ ભટ્ટની દીકરી લક્ષ્મીએ જિલ્લાકક્ષાએ સાતમું સ્થાન મેળવ્યું હતું.
લક્ષ્મીએ પિતાજીને કહ્યું હતું કે ‘બાપુ મારે વિદ્યાનગરની કૉલેજમાં ભણવા જવું છે.’

‘લખમી બેટા, તું ભણવામાં હુશિયાર છે. કૉલેજમાં જાય, ખૂબ ભણે એ હારુ કહેવાય, પણ હું કૉલેજની ફીના પૈસા ક્યાંથી કાઢું, આ ગોરપદું કરીને જે કાંઈ મળે એમાં આ ઘર ખેંચું છું. વળી તને જુવાનજોધ છોડીને એટલે દૂર કેવી રીતે મોકલાય.’ બાપુએ દયામણા ભાવે કહ્યું.

‘ના, ના, બાપુ, તમે મારી ફીના પૈસાની ફીકર ન કરતા, આપણા સરપંચ કાકા જ ફીની અને હૉસ્ટેલની સગવડ કરશે. છોકરીઓની હૉસ્ટેલ અલગ હોય, ત્યાં ભણેલાંગણેલાં સારા સર અને મેડમ હોય. મને ફક્ત જવાની રજા આપો.’
પ્રભુદાસ ભટ્ટની આંખ ભીની થઈ ગઈ. આપણા સરપંચ માણહ નહીં દેવતા છે. આપણે ગરીબ બામણ અને અને એ મોટા પટેલસાહેબ પણ હગા ભાઈ જેવો ભાવ રાખે છે. બાપુએ એમની બચતમાંથી ત્રણ હજાર લખમીને આપતાં કહ્યું – ‘બેટા, ભણીગણીને સરપંચ જેવાં સારાં કામ કરજે. મારી ગંગાબાએ તો સવરાજની લડતમાં ભાગ લીધો હતો. તે એક વાર મને પણ મહાત્મા બાપુની સભામાં પણ લઈ ગઈ હતી.’

‘તે બાપુ આપણા સરપંચ પણ ગાંધીબાપુ જેવાં સારાં કામ કરે છે.’ લક્ષ્મી મનોમન વિચારી રહી આજે હું જે કાંઈ છું એ પટેલકાકા થકી જ. કૉલેજનું શિક્ષણ પૂરું કરીને સમાજસેવા અને લોકશિક્ષણ તરફ લઈ જનાર આ પટેલકાકા જ મારા ગુરુ છે.
સ્ટેજની વ્યવસ્થા પર નજર નાખીને પ્રાર્થના ગાનાર છોકરીઓને તથા કાર્યક્રમના સંચાલકને એણે જરૂરી સૂચનાઓ આપી. ત્યાં જ ધૂળના ગોટા ઉડાડતી એક પછી એક સાત મોટર મંદિરના ગૅટ પાસે ઊભી રહી. શિક્ષણ અધિકારીઓ અને ગામની શાળાઓના મોટા સાહેબો અદબપૂર્વક મંદિરના ગૅટ પાસે ઊભા રહ્યા. એકઠા થયેલા ગામલોકો આતુરતાપૂર્વક બધું જોઈ રહ્યા હતા. મંદિરના પૂજારીએ કંકુનો ચાંદલો કરવા પૂજાની થાળી હાથમાં લીધી. તેમણે એક હાર સરપંચ સાહેબને, એક હેડમાસ્તર તથા એક લક્ષ્મીને આપ્યો.


Also read: ટૅક વ્યૂહ : ગૂગલ મેપ્સમાં રિયલટાઈમ અપડેટ…પ્રદુષણના પ્રકોપનું પરિણામ


લક્ષ્મી છેલ્લાં વીસ વર્ષથી સરપંચ સાથે સમાજસેવા અને આદિવાસીનાં બાળકોને મફત ભણાવે છે. કન્યાશિક્ષણ માટે સરકારી યોજના મુજબ જુદા જુદા વર્ગની તાલીમ આપે છે. આજે ગુજરાત સરકાર તરફથી ‘સમાજશક્તિ ઍવોર્ડ’ લક્ષ્મી ભટ્ટને પણ એનાયત કરવામાં આવશે.

લક્ષ્મી ભટ્ટ એટલે આખા ગામનું ગૌરવ. સરપંચે તેને પોતાની દીકરીની જેમ મોટી કરી.પોતાની જેમ સમાજસેવાના કામમાં જોતરી દીધી હતી. ગૅટ પર ઔપચારિક સ્વાગતમાં મહેમાનોની આરતી ઉતારી રહેલી પોતાની દીકરીને જોતાં પ્રભુદાસ અને તેમનાં પત્ની હસુબા મૂક આશિષ આપી રહ્યાં. મહેમાનોને સ્ટેજ પર લઈ જવા સ્વયંસેવકોની ટુકડી તહેનાત હતી. સન્માન સમારંભનો આરંભ થયો. કન્યાશાળાની દીકરીઓએ પ્રાર્થના કરી.

સરપંચ સાહેબની ષષ્ટિ પૂર્તિ ઉત્સવમાં દીપ પ્રાગટ્ય પછી પોતાના ભાષણમાં ગાંધીનગરના સાહેબે દીપ પ્રગટાવતાં કહ્યું કે ‘માનનીય હરિભાઈ પટેલે તો માધુપુર ગામને આધુનિક ગામ બનાવી દીધું છે. છેલ્લાં સાડા ત્રણ દાયકાથી એમણે સમાજસેવાનો ભેખ લીધો છે.’

સરપંચના સન્માન પછી સરપંચે ટૂંકું ભાષણ આપતાં કહ્યુ:- ‘મને ખૂબ આનંદ થાય છે કે સરકાર આપણાં સમાજસેવિકા લક્ષ્મીબેન ભટ્ટને સમાજશક્તિ ઍવોર્ડ અર્પણ કરવાના છે.’લક્ષ્મીએ ઊભા થઈને બે હાથ જોડીને સસ્મિત અભિવાદન કર્યું.
સરપંચ સાહેબે અને મોટા સાહેબે લક્ષ્મીને શાલ-શ્રીફળ અને સન્માનપત્ર આપીને પોતાના ભાષણમાં મંત્રી સાહેબે કહ્યું:- ‘આજે સમાજને સરપંચ સાહેબ અને લક્ષ્મીબેન જેવા સેવાભાવી નેતાની જરૂર છે. શહેરના વિકાસ સાથે ગામડાના પછાત-ગરીબ અને આદિવાસી વિસ્તારમાં પણ વિકાસ જરૂરી છે. લક્ષ્મીબેન છેલ્લાં એક દાયકાથી આ કામ કરી રહ્યાં છે. તેમણે કરેલા આ યજ્ઞથી આ વર્ષે ૬૦ આદિવાસી ક્ધયાઓ વિદ્યાપીઠમાં ભણવા જશે.’

ગામલોકોએ તાળીઓનો ગડગડાટ કરી આનંદ વ્યકત કર્યો. સરપંચે આગલી હરોળમાં બેઠેલા પ્રભુદાસ ભટ્ટને કહ્યું- તમે કંઈક બોલો. પ્રભુદાસ હળવા ડગલે સ્ટેજ પર ગયા, ને બોલ્યા – ‘મારી દીકરીને પોતાની દીકરી પેઠે સમજીને તેને આગળ લાવનાર આ સરપંચ સાહેબ જ છે. બેટા, લખમી, સરપંચ કાકાની જેમ હંમેશાં હારાં કામ કરજે. લોકોનું ભલું કરજે. આ સરપંચ કાકાની જેમ તું પણ, કોઈ મુશ્કેલીમાં હોય તેને મદદ કરજે. બેટા, તારા દાદા મેઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા, તારી દાદી ગાંધી ચળવળમાં ફેરી કરવા જતી હતી. સરકારે આજે મારી લખમીના સેવાકામનું સન્માન કર્યું છે.

તેથી એક પિતા તરીકે મને ગર્વ સે.’ લક્ષ્મીએ પોતાના મનોભાવ જણાવતાં કહ્યું:- ‘આ સમાજશક્તિ ઍવોર્ડ મને આપવા બદલ હું સરકારનો આભાર માનું છું. મારા પ્રેરકબળ સમા પિતૃવત્સલ સરપંચ કાકાને તથા મારા બા-બાપુને પ્રણામ. આ ઍવોર્ડ મને વધુ સારાં કાર્ય કરવાની પ્રેરણા આપશે.’


Also read: કુદરતનો અલાયદો આવાસ હિમાલયનો આલીશાન વૈભવ – વિશ્વ પ્રસિદ્ધ બરફાચ્છાદિત શિખરો


આદિવાસી લોકો સાથે કામ કરવામાં શરૂઆતમાં મારે સંઘર્ષ કરવો પડ્યો હતો. જયારે મેં આદિવાસી ઘરના એક ઝૂપડાંમાં પાંચ-છ કન્યાને ભણાવવાનું શરૂ કર્યું હતું ત્યારે બે આદિવાસી હાથમાં ધારિયાં લઈ મારી સામે આવ્યા હતા, આ છોરીઓ ભણશે તો દહાડિયું કોણ કરશે? મેં કોઈ પણ જાતનો સામનો કર્યા વગર, ગભરાયા વગર કામ કરવાનું ચાલુ રાખ્યું. આજે એ લોકો સામેથી અહીં દીકરીઓને લઈને આવે છે. લોકોએ કહ્યું- ગામના સરપંચ પટેલ સાહેબ જેવા અને ગામની દીકરી લક્ષ્મીબેન ભટ્ટ જેવી હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker