ફોકસઃ કોંક્રિટના જંગલમાં પક્ષીઓ માટે બનાવ્યું ઘરમાં નાનું વન

-રશ્મિ શુક્લ
વનવાસી પોપટ તુજને પિંજર કેમ ગમે?, આકાશે ઉડનારો ભાઇ, બંધન કેમ ગમે? બાળપણમાં બાલભારતીમાં આ કવિતા જોવા મળતી હતી. એ કવિતાનો ભાવાર્થ હતો કે પક્ષીઓને પિંજરામાં પૂરવાને બદલે તેમને મુક્ત આકાશમાં વિહરવા દેવા જોઇએ. તેમનું વિશ્વ એટલે પિંજરા સુધી સીમિત કરવાનું યોગ્ય નથી. પક્ષીઓનો કલરવ મધુર લાગે, પણ પિંજરામાં પૂરાયેલો પોપટ તેની ભાષા ભૂલી આપણી ભાષા બોલવા લાગે જે યોગ્ય નથી. પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ યોગ્ય છે, પણ તેમને પિંજરામાં પૂરી આપણી પાસે પરાણે બંધનમાં રાખવું એ યોગ્ય નથી. તેના બદલે એવું કંઇ કરવું જોઇએ કે પક્ષીઓ આપણી પાસે પણ આવે અને તેઓને બંધનમાં પણ ન રહેવું પડે. આવો જ એક આઇડિયા અપનાવ્યો રાધિકા મોનિકરે.
કોરોના મહામારી વખતના લોકડાઉનમાં લોકો ઘરમાં પુરાઇ ગયા. ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું. જે લોકોના ઘરે બાલ્કની હતી તેઓ ફક્ત બાલ્કનીમાં આવીને બહારની દુનિયાને, સવાર-સાંજને, ખાલી પડેલા રસ્તાઓને જોઇ શકતા હતા. બાકીના લોકોને આવો લાભ પણ મળી રહ્યો નહોતો. રાધિકા સોનાવણેએ પણ આ લોકડાઉનમાં બાલકનીમાં જ પોતાનું નાનું વિશ્વ સર્જ્યુ. રાધિકાના ઘરની બાલકનીમાં પહેલા કોઇ કાગડો પણ ફરકતો નહોતો. બાલ્કનીમાં મૂકેલું ખાવાનું ખાવા પણ કોઇ પક્ષી ત્યાં આવતું નહોતું, પણ હવે એવું રહ્યું નથી. તેની બાલ્કની હવે વિવિધ પક્ષીઓનું ઘર બની ગયું છે જ્યાં તેઓ આવીને ખાવાની સાથે મસ્ત રીતે ન્હાવા, કલરવ કરવા લાગ્યા છે.
રાધિકાને પક્ષીઓ પ્રત્યે પ્રેમ તો હતો જ, પણ પહેલા તેમની માટે કંઇ કરવાનો સમય નહોતો. આ સમય મળ્યો રાધિકાને લોકડાઉનમાં. બાલ્કનીમાં પક્ષીઓ આવતા નથી એ તેના મનમાં ખટકી રહ્યું હતું. તેથી તેને એક વિચાર આવ્યો. તે વિવિધ છોડવા, બર્ડ ફીડર લઇ આવી. છોડવાઓને એવી રીતે ગોઠવ્યા જેમને બાલ્કની નાનું ગાર્ડન બની ગયું. તેમાં પક્ષીઓને ચણવાની સુવિધા, ન્હાવા માટેના બાથ ટબ ગોઠવવામાં આવ્યા, આ બધુ કર્યા પછી પણ એકદમથી પક્ષીઓ આવ્યા નહીં, પણ મોડેથી તો મોડેથી આવ્યા જરૂર. ધીરે ધીરે પક્ષીઓ આ નાનકડા વનમાં આવવા લાગ્યા. પહેલા બાલ્કનીમાં કોઇ પક્ષી આવતું નહોતું, હવે પક્ષીઓ રીતસરના રાધિકાના હાથમાં આવીને દાણા ચણે છે. રાધિકાના આ નાનકડા જંગલમાં પોપટ, ચકલીઓ, બુલબુલ જેવા પક્ષીઓ હવે રોજ આવે છે. રોજ સવારે આ પક્ષીઓનો કલરવ અને તેની સાથે રાધિકાની ચા એ રુટિન થઇ ગયું છે. પક્ષીઓ અને રાધિકા વચ્ચેના સંબંધો હવે ગાઢ બની ગયા છે. પક્ષીઓ હવે રાધિકાના મિત્ર નહીં, પણ ફેમિલી મેમ્બર બની ગયા છે. ઘણી વખત તેના ખભા પર આવીને બેસી જાય, તેના હાથ પર આવીને દાણા ચણવા લાગે એ હવે સામાન્ય થઇ ગયું છે.
પક્ષીઓ પ્રત્યેનો રાધિકાનો પ્રેમ અહીં સુધી અટક્યો નહીં. તેને આ અંગે લોકોમાં જાગરૂકતા લાવવાનું શરૂ કર્યુ. કોંક્રીટના જંગલમાં પક્ષીઓ માટે પોતાના ઘરમાં જ નાનું જંગલ કહો કે વન કેવી રીતે બનાવી શકાય એ અંગે રાધિકાએ લોકોને સમજાવવાનું શરૂ કર્યુ. જો દરેક નહીં, પણ અમુક ઘરમાં પણ આવા જંગલ ઊભા કરવામાં આવે તો પક્ષીઓને રાહત થઇ શકે છે એની જાણ તેણે લોકોને કરી. તેની એક જ સલાહ છે કે પક્ષીઓ આકાશમાં ઉડવા માટે બન્યાં છે, પિંજરામાં પૂરવા માટે નહીં.