એસ.એમ. જોશીનું જીવન સાચા અર્થમાં ગાંધીવાદી અને સમાજવાદી હતું.

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
આજે પણ જે. પી. એટલે જયપ્રકાશ નારાયણ એમ તરત કળી જઇએ છીએ. તેવી જ રીતે મુંબઇમાં એસ.એમ. કહો એટલે લોકો માની લેતા કે સમાજવાદી નેતા એસ. એમ. જોશીની વાત થઇ રહી છે. આ એસ.એમ. જોશીનું જીવન સાચા અર્થમાં ગાંધીવાદી અને સમાજવાદી હતું. એમણે ગરીબાઇને અતિ નિકટથી જોઇ હતી અને જીવી હતી. એમણે જીવનમાં નોકરી કે વેપારધંધો એવું કશું કર્યું નહોતું. કદી સત્તાની લાલસા સેવી નહોતી. એમની સાથેના સમાજવાદી નેતા શ્રી મીનુ મસાણી, અશોક મહેતા, શ્રી મધુ દંડવતે વગેરે પ્રધાન બની ચૂક્યા છે, પરંતુ એસ.એમ.એ કદી વી.આઇ.પી. બનવાનો મોહ દાખવ્યો નહોતો. સ્વાતંત્ર્ય પછી પણ એસ.એમ. કોઇ ને કોઇ આંદોલન સાથે સંકળાયેલા રહ્યા હતા. સંયુકત મહારાષ્ટ્ર, ગોવામુક્તિ, મહારાષ્ટ્ર-કર્ણાટક સીમામાં તે સંકળાયા, તેણે ઇમરજન્સી વખતે પણ વિરોધનું રણશિંગુ વગાડયું હતું. ગોરા વર્ણના આ દૂબળા બાંધાના માનવીમાં ગજબની શક્તિ રહી છે, જ્યારે જનતા રાજમાં શ્રી મોરારજીભાઇ વડા પ્રધાન બન્યા ત્યારે ધાર્યું હોય તો શ્રી એસ.એમ. પણ કંઇક બની શક્યા હોત, આ દૂબળાપાતળા માનવીની શક્તિનો પરિચય સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન દરમિયાન મુંબઇને થવા પામ્યો છે.
૧૯૫૫ના નવેમ્બરની વાત છે. દ્વિભાષી મુંબઇ રાજયનું સમર્થન શ્રી સ.કા. પાટિલ કરી રહ્યા હતા અને તેમણે તો ઉદ્ગાર કાઢ્યા હતા: ‘મરાઠી માણસાંના અક્કલ નાહી. રાજય કરણ્યાચી ત્યાંચી લાયકી નાહી. વિદર્ભ ગેલા તર કાય વિધવા વહાલ? ત્યાંચ્યાત ધમકી અસતી તર ત્યાંની દ્વિભાષિક ચલવુન દાખવિલે અસતે, પાંચ વર્ષાનીય કાય પાંચ હજાર વર્ષાની સુધ્ધાં મુંબઇ તુમ્હાલા મિળણાન નાહી.’
આથી મરાઠીભાષી લોકો ક્ષુબ્ધ થઇ ગયા હતા. ૨૧મી નવેમ્બરે લગભગ ચાર લાખ કામદારોનો મોરચો વિધાનસભા પર લઇ જવા સવારે દસ વાગ્યે લોકો એકત્ર થવા માંડયા અને બપોરે એક વાગ્યે મોરચો નીકળ્યો. મોરચો હિંસક બન્યો અને ટિયરગૅસ નિષ્ફળ જતાં ગોળીબાર થયો અને ૧૫ જણા ત્યાં ને ત્યાં ઠાર થયા અને ત્રણસોથી અધિક ઇજા પામ્યા. ઓવલ મેદાનમાંથી સાગરની ભરતીની જેમ એ મોરચો વિધાનસભા તરફ આગળ વધ્યો. કશુંક ભયંકર બનવાની આશંકા હતી. ત્યાં કોઇએ વિધાનસભા પર એસ. એમ.ને ચિઠ્ઠી મોકલાવી કે મોરચો આવે છે. તમે બહાર આવો. આ વાંચીને એસ. એમ. પોતાની સાથે શ્રી નૌશીર ભરૂચા અને ડૉ. અમુલ દેસાઇને લઇને બહાર આવ્યા. લાઉડ સ્પીકરવાળી પોલીસ જીપમાં એસ.એમ., શ્રી નૌશીર ભરૂચા અને ડૉ. અતુલ દેસાઇ સાથે ઊભા રહ્યા અને મોરચાની સમક્ષ ગયા. ત્યાં એસ. એમ.એ કહ્યું: ‘શાંત રહો, ઇંટ-પથ્થર ફેંકો નહિ. તમારે વિરોધ જ કરવો હોય તો ચોપાટી ઉપર સભા ભરીને કરીશુ’, ગોળીબાર તપાસ કરાવીશું, તમે બધા ચોપાટી ભણી વળી જાઓ.’
આખું ટોળું તરત ચોપાટી ભણી વળી ગયું અને ખાલી થયેલી જગ્યામાં ઇંટ-પથ્થરોનો ઉકરડો જોવા મળ્યો.
એસ.એમ. ત્યારે દાદર ખાતે રહેતા હતા. બીજે દિવસે સવારે ઘરથી બહાર નીકળ્યા તો દાદરમાં દુકાનો લૂંટવામાં આવતી હતી અને ફૂલબજાર ભરેલી ટ્રકો સળગાવવામાં આવતી હતી. એસ. એમ. આ હિંસક ભીડમાં પહોંચી જઇને હાથ ઊંચા કરીને ઊભા રહી ગયા. ટોળું હિંસા કરતું અટકી ગયું, એવામાં ત્યાં પોલીસજીપ આવી પહોંચી અને પોલીસ ઇન્સ્પેકટર અડવાણી જીપમાંથી ઊતર્યાં. લોકો પોલીસ ઇન્સ્પેકટરને મારવા દોડયા. એસ.એસ. પેલા પોલીસ ઇન્સ્પેકરની આગળ ઊભા રહી ગયા અને કહ્યું કે પહેલાં મને ઠાર કરો અને પછી જ તમે પોલીસ અમદારને કશું કરી શકશો. એસ.એમ. પેલા ઇન્સ્પેકટરને જીપ સુધી મૂકી આવ્યા અને કહ્યું કે હવે તમે થાય એટલી ઝડપથી ઊપડો.
આપત્તિકાળ વખતે જ્યારે ભૂગર્ભવાસ અનિવાર્ય બન્યો ત્યારે દાઢી રાખી ઝિન્ના કેપ અને શેરવાની પહેરનારા વહોરા ગૃહસ્થ ઇમામ અલી નૂરભાઇ બની ગયા હતા. એક વર્ષ દસ મહિનાના ભૂગર્ભવાસ દરમિયાન મોટો ભાગ મુંબઇમાં જ વિતાવ્યો હતો. વાંદરા ખાતે એક કસાઇના ઘરે પણ થોડા દિવસ રહ્યા હતા અને ત્યાં માંસાહારી જમણ વચ્ચે તેનો વેજીટેરિયન વાનગી જ ખાતા હતા. અન્યને નાહક ડરાવવા તેમણે વસા વોચ કંપની પાસેથી મેળવેલી બે નકલી રિવોલ્વર સાથે રાખી હતી. સમાજવાદી મોહિયૂદીન હેરીસની પાસેથી નમાઝ કેમ પાઢવી તે પણ એસ.એમ.એ. તે વખતે શીખી લીધું હતું.
કોટમાં ટેમરીન્ટ લેન ખાતે એક મકાનમાં ‘કોલ્હાપુર લેધર વર્કસ’ નામનું પાટિયું લગાડીને ઇમામઅલી નૂરભાઇ ત્યાં બેસતા અને સાથીઓને મળતા હતા. બોમ્બે સેન્ટ્રલ નજીક એક મકાનમાં એમનાં પત્ની તારાબાઇ નાના પુત્ર અજયને લઇને મળવા આવ્યા હતા અને એસ.એમ. લુંગી પહેરીને તથા અજયને માથે મુસલમાનની ટોપી પહેરાવીને આસપાસ બેધડક ફરી આવ્યા હતા. એસ.એમ.નો જન્મ ૧૯૦૪માં નવેમ્બરની ૧૨મી તારીખે જુન્નર ખાતે થયો હતો.. (ક્રમશ:)